“બાની”- એક શૂટર
ભાગ : ૩૩
"ટિપેન્દ્ર....??" સવારની પહોરમાં અલગ પોશાકમાં જ આવી પહોંચેલો ટીપીને પ્રશ્ન નજરે બાનીએ આશ્ચર્યથી પૂછ્યું.
"બાની, હજુ તો પૂછતાછ જ ચાલી રહી છે. 1% જેટલું પણ ઈન્વેસ્ટિગેશન અમનની દિશામાં પહોંચી નથી. મને એમ લાગે છે કે ડાયરીનો નાશ કરવા માટે ઈન્સ્પેકટર જૈસવાલનો પણ સાથે જ ખાતમો કરી દીધો. કેમ કે એને તો ડાયરી વાંચી જ હશે...!! પછી જ એ એક્શન પ્લાન અમનના ખિલાફ માંડવાનો હતો પરંતુ એના પહેલા જ એનું એક્સીડેન્ટ કરીને કાંટો કાઢી નાખવામાં આવ્યો...!! તો વિચાર..!! આ ડાયરી સોંપનારની જાનનો જોખમ કેટલી હદ સુધી હશે....!!" ટિપેન્દ્રએ ધીરગંભીર સ્વરમાં કહ્યું.
"મારી જાનને જોખમ...!! હા મારું એક વાર તો એક્સીડેન્ટ થઈ ચૂક્યું જ છે...!!" બાનીએ કહ્યું. ટીપી બાનીને શાંતિથી જોઈ રહ્યો.
" ના... ના...!! મારે એટલા જલ્દી મરવું નથી. મૌતથી હું ક્યાં ડરું છું. મારી જાસ્મિનનાં ખૂનનો બદલો જયાં સુધી હું પોતે લઈશ નહીં ત્યાં સુધી મારું મૌત પણ મારાથી ડરીને રહેશે...!!" ગુસ્સામાં જ બાની કાપી રહી હતી.
"બાની એવું પણ બની શકે કે જાસ્મિનનાં ખૂનમાં તને ફસાવી શકે!! તને પોલીસ ક્યારે પણ ઉઠાવી લઈ જઈ શકે.!! કદાચ એવો પેંતરો ગોઠવી પણ દીધો હશે. બાની તારી પાસે બે જ ઓપ્શન છે. કેસ લડ નહીં તો ભાગીને જાસ્મિનનાં ખૂનનો પત્તો લગાડ. સબુત એકઠા કર. પણ બીજો ઓપ્શન ખતરનાક છે.” ટિપેન્દ્ર ઘણી શાંતિથી કહી રહ્યો હતો.
બાનીએ થોડો વિચાર કર્યો પછી મક્કમતાંથી કહ્યું, “ મને બીજો ઓપ્શન મંજુર છે.”
"તારી એકલીથી કે પછી આપણા બંનેથી કશું શક્ય નથી. આપણા ફ્રેન્ડોને આમાં શામેલ કરવા પડશે. પૈસાની જરૂરત દરેક પળે થશે. જો તું નાસી છુટી તો તારા ફેમિલી પર પોલીસોની નજર જરૂર રખાશે. ઈવાનની નહીં તો એહાનની પૈસાની બાબતે તને મદદ લેવી પડશે.” ટીપીએ કહ્યું.
“હમ્મ બીજું?” બાનીએ ધ્યાનથી સાંભળતા પૂછ્યું.
“બીજું એમ કે તને આ મામલામાં સંડોવામાં આવી છે એણે રફો દફો પણ કરી શકાય..!! તારા બાપા પાસે રૂપિયા ઘણા છે અને તું એમાંથી નીકળી જશે.” મોટી આંખો લઈને બાની તરફ જોતા ટીપીએ કહ્યું.
“પણ ટીપી મને એક વિચાર આવે છે સાલો. મામલો રફાદફા થવાથી હું આસાનીથી કાતિલ સુધી પહોંચી વળીશ? અને જો હું નાસી ભાગું તો પણ પોલીસનાં હાથમાં આવવાનો ડર સતત સતાવતો રહેશે. તેમ જ મને જે જાનથી મારી નાંખવા માટે પાછળ પડ્યા છે એનાથી પણ હું ક્યાં સુધી બચીને રહીશ..!! બીજો કોઈ અચ્છો પ્લાન હોય તો બતાવ.” બાનીએ પૂછ્યું.
“જાસ્મિનને તું ઘણું ચાહતી હતી..!!એમ લાગે છે?” ટીપીનો સવાલ નેચરલ હતો.
“ટીપી મને તારા પાસેથી આવું સાંભળવું મળશે એવી અપેક્ષા ન હતી.” ગમગીન સ્વરે બાનીએ કહ્યું.
“હું તારો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છું. હું તારું ભલું જ ઈચ્છીશ. એટલે મારી સલાહ એ જ રહેશે કે તું જાસ્મીનનું જે પણ અને જેવી રીતે ડેથ થયું હોય એનું બધું જ કામ પોલીસનાં હાથમાં જ રહેવાં દે. તારા બાપા મોટા આદમી છે. તને આ મામલાથી દૂર જ ખસેડી દેશે એનું તને પણ યકીન જ છે. તું નાજુક છે. અત્યાર સુધી લાઈફને મોજશોખમાં ઉડાવી છે. તો તારું જીવન એવું જ જીવવા ટેવાઈ ગયેલું એમાં તું બદલાવ કેવી રીતે લાવશે? અને એ પણ એવું જીવન જેનાથી લોકો કોશો દૂર રહે. બાકી તારી પાસે બીજો ઓપ્શન છે. હું તો તને હરહાલમાં મદદ કરવા જ બેઠો છું. જાન હાજીર છે.”ટીપીએ માથું નમાવતાં કહ્યું.
“હા થઈ ગયું? કશું બાકી હોય તો એ પણ બકી દે. અને હા શું કીધું તુંએ જાન હાજીર છે. શોર્ટમાં સમજ. મારું પણ જાસ્મિન માટે એવું જ છે. જેસ્સ મારા પર જિમ્મેદારી છોડીને ગઈ છે. એનો બદલો તો હું લઈને જ જંપીશ. એ છોકરીએ લાઈફને કોઈ દિવસ સુખેથી માણી ન હતી. જયારે ખુલ્લી રીતે રહેવાં લાગી ત્યારે મૌત થઈ ગયું. એનો આત્મા શું સંતોષ થઈને મર્યો હશે?” ગુસ્સાથી બાની કહેવાં લાગી.
પણ આ બધામાં જ ટીપીને બાનીની ચિંતા હતી. એ વિચારમાં પડી ગયો. જો મારા કહેલા માર્ગદર્શને ચઢીને એ કોઈ મુસીબતમાં મુકાઈ તો. રિસ્ક તો હવે ચારેતરફ હતું. પણ એ ઊંડો વિચાર કરવા લાગ્યો. બાની કશી મુસીબતમાં પણ ન પડે અને એનો મૂકામ પણ હાંસિલ કરે એવો રસ્તો તો એને શોધી જ કાઢ્યો હતો પરંતુ ફાઈનલ હવે બાનીને કરવાનું હતું..!!
ટીપીને સસ્પેન્સ થ્રિલર નોવેલ વાંચવાનો શોખ તેમ જ મુવી જોવાનો પણ. પરંતુ એ બાનીને કયા દિલના ઊંડાણથી પ્રેમ કરતો એ એણે ખબર ન હતી. સચ્ચાઈ એ હતી કે એ પણ અંદરખાનેથી બાનીને ચાહતો હતો.
ટિપેન્દ્ર સોલીડ આઈડિયા લઈને જ આવ્યો હતો. તે બાની તરફ મોટી આંખો કરીને જોતો રહ્યો.
“અબે બક ને.” ટીપીનો વિચાર ભાપી લીધો હોય તેમ બાનીએ કહ્યું.
ત્યાં જ ટીપી જાણતો હોય તેમ દિવાલોના પણ કાન હોઈ શકે...!! એ બાનીના નજદીક સર્યો. એના હાથ આડા કરીને બાનીના કાનમાં ગુપસુપ કર્યું. એક મહેલ જેવા બંગલાનાં બંધ બેડરૂમમાં એક સાજીસ તૈયાર થઈ. જેમાંથી આવનાર દિવસો,મહિનામાં કે વર્ષોમાં વિચારોનો વિસ્ફોટ થવાનો હતો.
“ઓકે ડન...!!” ટીપીએ ખંદુ હસતાં કહ્યું.
“ડન” નો ઈશારો દેખાડતા બાનીએ કહ્યું.
****
બાની ઘરથી નાસી છુટી હતી. નાસી છુટવાનાં કારણે બાની પર પોલીસનો શક ગહેરો થતો ગયો. અહિયાં એનો આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયા હતો. બાનીના ડેડનાં ગુસ્સાનો કહેર થમતો ન હતો. આઠ દિવસ થઈ ગયા પણ બાનીનો પત્તો પોલીસને લાગ્યો ન હતો. અચાનક પંદર દિવસ બાદ પોલીસને એક લાશ મળી આવી જે બધી જ બાબતથી બાની સાથે મેચ થતું હતું.
આખી તપાસ દરમિયાન સાબિત થઈ જ ગયું કે એ લાશ બાનીની જ હતી. બાનીના પરિવારમાં શોકનાં માહોલે જન્મ લઈ લીધો. પોસ્ટમોર્ટમ બાદ બોડીને ઘરે પહોંચાડવામાં આવી. બાનીના દેહનું અગ્નિમાં વિલીકરણ કરવામાં આવ્યું. બાનીના ફ્રેન્ડો તો સદમામાં જતા રહ્યાં. ઈવાન એહાન ટીપેન્દ્ર ક્રિશ અને હની એના ખાસ દોસ્તોનો તો ગમમાં બુરા હાલ થઈ ગયા. ફક્ત બે જ વ્યક્તિ નિષ્ઠુર થઈ ગયા હતાં. બાનીના દાદા દાદી. જે બાનીને ખૂબ લાડ કરતાં. જીવથી વધારે પ્રેમ કરતાં. તેઓ બંનેને એમ લાગતું કે કા તો ઈશ્વર એમની સાથે મજાક કરી રહ્યાં છે કા તો બાની ખુદ પોતે..!! હમણાં જ તો આવી હતી વિદેશથી..!! શું મરવા માટે જ આવી હતી બાની?? એવું તેઓ વિચારતાં પણ આંખમાંથી એક પણ આંસુ લાવ્યા ન હતાં. બધા જ જાણી ગયા હતાં કે દાદા દાદીને ગહેરો સદમો લાગ્યો હતો. પણ તેઓની સિક્સ સેન્સ કશે બીજે તરફ ઈશારો કરી રહી હતી. પણ તે ઈશારાને તેઓ પકડી શક્તા ન હતાં...!!
બીજી તરફ મૉડેલ અભિનેત્રી જાસ્મિન ખૂન મામલામાં કોર્ટ તરફથી ફેંસલો સુનાવામાં આવ્યો કે જાસ્મિનના ખૂનની આરોપી બાનીનું પણ નાસી છુટ્યા બાદ આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું જેના કોઈ સબુત હાથ લાગ્યા નથી. નતીજો એ નીકળ્યો કે પોતાની બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનનું ખૂન પ્રેમ જેલસીનાં કારણે કર્યું. પરંતુ બાદમાં પોતાના પર ઘૃણા ઉપસતા જ આત્મહત્યા કરી લીધી.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)