Chandra par Jung - 5 in Gujarati Science-Fiction by Yeshwant Mehta books and stories PDF | ચન્દ્ર પર જંગ - 5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચન્દ્ર પર જંગ - 5

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૫ : અબોલ અવકાશવીરો

સવાર ?

ના. ચન્દ્ર પર રોજ રોજ સવાર પડતી નથી. જ્યાં દિવસ હોય ત્યાં અનંત દિવસ અને એની પાછલી બાજુએ અનંત રાત્રિ હોય છે.

પણ આપણી કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર.

કુમાર જાગ્યો. લોહી ઝડપથી ફરતું હતું. શરીરનાં અંગો ફરકતાં હતાં. એણે આંખો ચોળવા માટે હાથ મોં તરફ લીધા. પણ ચહેરા પર તો પ્લાસ્ટિકનું મહોરું હતું ! અને હાથ પણ ખેંચાતા હતા. કેમ કે બંને હાથ શૂ-લુંગની હાથકડીએ જકડી રાખ્યા હતા.

એ યાદ આવતાં જ કુમારને બધી વાત યાદ આવી. ચાઓ-તાંગ અને શૂ-લુંગ યાદ આવ્યા. એમની વિશ્વરાજ્યની ભયંકર કલ્પના યાદ આવી. કોણ જાણે કેવી રીતે એ લોકો વિશ્વરાજ્ય સ્થાપવાની યોજના પાર પાડવાના હશે ? કુમારે પડખું ફેરવ્યું. આખી ગુફામાં ફ્લૂરેસન્ટ દીવાનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. થોડે દૂર જ કેતુ એની ગાદી પર પડ્યો હતો. તે જાગતો હતો, પણ એની આંખો ઊંચે છત પર મંડાયેલી હતી. કોણ જાણે શાના વિચાર કરતો હશે !

કુમારે હાક પાડી, “કેતુ !”

પણ કેતુએ તેનો અવાજ સાંભળ્યો નહિ. ક્યાંથી સાંભળે ? રેડિયો સેટ વિના તો મહોરામાં અવાજ સંભળાય જ નહિ, અને રેડિયો સેટ તો શૂ-લુંગ અને ચાઓ-તાંગ જતાંજતાં દૂર કરી ગયા હતા !

એટલે કુમાર ભોંય પર જ સરકીને કેતુની પથારી પાસે ગયો. એણે કેતુને ઢંઢોળ્યો. કેતુએ ચમકીને એના તરફ પડખું ફેરવ્યું. કશુંક બોલ્યો. પણ એનો અવાજેય કુમારને સંભળાયો નહિ. એટલે કેતુ સહેજ હસી પડ્યો. કુમારના હાથ પકડીને એની હથેળીમાં ટકોરા મારવા માંડ્યા. એ મોર્સની તારભાષા હતી. ટકોરાની એ ભાષા. એ ભાષામાં એણે ટકોરા મારીને પૂછ્યું, “તબિયત કેમ છે ?”

કુમારે પણ ટકોરા મારીને કહ્યું, “તબિયત સારી છે. પણ શરીર જરા અકડાઈ ગયું લાગે છે. પેલા ચીનાઓની ખચ્ચર-ગાડીમાં ધક્કા ઘણા વાગ્યા છે. ખેર, પણ તું કશાક ગંભીર વિચારમાં પડી ગયો લાગે છે.”

કેતુએ સંકેતની ભાષામાં જ કહ્યું : “હા. જરા વિચારમાં પડી ગયો છું.”

“પણ વિચાર કર્યે કાંઇ આપણી આફત ટળવાની નથી, એ તો તું જાણે છે ને ?”

“હા, કુમાર ! એ જાણું છું અને એથી પણ વધુ કશુંક હું જાણું છું. જે તું નથી જાણતો.”

“એવી શી વાત તું જાણે છે, કેતુ ?”

“ડેવિડ જીવતો છે.”

કુમારને એવું લાગ્યું જાણે આકાશ મોટા ધડાકા સાથે ફાટી પડ્યું છે. નવાઈનો એવો જબ્બર આંચકો એને લાગ્યો, જાણે હજારો કિલોવોટ વીજળીનો આંચકો લાગ્યો હોય !

“તેં એ કેવી રીતે જાણ્યું, કેતુ ?”

“તાઓ-ચાંગ શૂ-લુંગને કહેતો હતો, તે સાંભળી લીધું.”

“એટલે....એટલે....”

“હા, કુમાર ! એટલે કે હું ચીની ભાષા જાણું છું. એક વાર નેફા મોરચે થોડી ફરજ બજાવેલી. ત્યારથી થોડીક ચીની ભાષા મને આવડે છે.”

કુમારને નવાઈ લાગી. કેતુએ પહેલેથી જ કેમ ના કહ્યું કે મને ચીની ભાષા આવડે છે ? પણ પછી કુમારે વિચાર કર્યો કે કેતુ આ વિશે પહેલાં કાંઇ ન બોલ્યો તે જ ઠીક થયું. કદાચ આ વાત ચાઓ-તાંગ સમજી ગયો હોત તો આફત ઊભી થાત.

“ડેવિડ જીવતો છે તો ક્યાં છે ?”

“રૂસી અવકાશયાત્રીઓની સાથે.”

“એટલે ?”

“એટલે કે આ અવકાશયાનમાં કુલ ચાર યાત્રીઓ આવ્યા છે. બે રૂસી છે અને બે ચીના છે. એ બંને સમાજવાદી દેશોની આ સયુંકત યાત્રા હતી. પણ રૂસી અવકાશયાત્રીઓ ક્યાંક નાસી ગયા છે.”

“કેમ ?”

“ચીનાઓથી ડરીને જ નાઠા લાગે છે. આ ચીનાઓ વિશ્વરાજ્યનું કાવત્રું ઘડી બેઠા છે. પણ રૂસી પ્રજા તો લોકશાહીમાં માને છે. એ પ્રજાના આ બે વૈજ્ઞાનિકો વિશ્વરાજ્યની જુલમી કલ્પનામાં કેવી રીતે ભળે ? અહીં કદાચ ઝઘડો પડ્યો હશે.”

“કેતુ ! તારી વાત બહુ અગત્યની છે. ડેવિડ એ લોકોમાં મળી ગયો હશે અને હવે એ લોકો આ ચીનાઓને ઠેકાણે લાવવાની યોજના ઘડતા હશે. આમ, એ બે ચીનાઓ સામે કુલ પાંચ જણ થાય. બે આપણે, બે સોવિયત અવકાશવીરો અને પાંચમો ડેવિડ.”

“હા, કુમાર ! પણ એ ત્રણને કદાચ આપણા આગમનની ખબરેય નહિ હોય.”

“તેં બીજું શું-શું જાણ્યું છે એ ચીનાઓની વાતચીત પરથી ?”

“બે રૂસી અવકાશવીરોમાં એક ભાઈ અને એક બહેન છે. ભાઈનું નામ યુસુફાયેવ અને બહેનનું નામ તાન્યા છે. એ લોકો પાસે એક રેડિયો સેટ પણ છે.”

“ટ્રાન્સ્મીટર રેડિયો ?”

“એ તો ખબર નથી.”

“ટ્રાન્સ્મીટર હોય તો કેવું સારું ! એ લોકોનો સંદેશો પૃથ્વી પર પહોંચી ગયો હશે. અને તો તો થોડા વખતમાં જ મદદ આવી લાગશે.”

“એવી આશા ઉપર આપણે આધાર નહિ રાખી શકીએ, કુમાર ! આપણે જાતે જ આ મુસીબતમાંથી મારગ કાઢવો પડશે....”

અચાનક જ કેતુ બોલતો અટકી ગયો. ગુફામાં બે માનવી પ્રવેશ્યા. એ લોકો ઝડપથી આવીને કુમાર-કેતુને વળગી પડ્યા. એમને ઊંચકીને ઊભા કરી દીધા અને એમના રેડિયો સેટ એમણે પાછા ચાલુ કરી દીધા.

અને એ લોકો એટલા નજીક આવ્યા ત્યારે જ કુમારે જોયું કે એ પેલા ચીનીઓ નહોતા; પણ....એ તો અમેરિકનો હતા.

હા. એ જોન અને જુલિયસ હતા !

કુમાર-કેતુએ જેમને મુએલા ધાર્યા હતા, એ અમેરિકનો તો જીવતા હતા ! અને એમણે જ આવીને કુમાર-કેતુના રેડિયો સેટ ચાલુ કરી આપ્યા હતા.

“જોન ! જુલિયસ ! હાશ, તમને જીવતા જોઈને ખૂબ આનંદ થયો. ક્યાં હતા તમે અત્યાર સુધી ? તમે અમને કેવી રીતે શોધી કાઢ્યા ? પેલા ચીના રાક્ષસોનું શું થયું ?”

કુમારે એક પછી એક ઘણા સવાલો પૂછી નાખ્યા. પણ જવાબ ના મળ્યો.

“જોન ! જુલિયસ ! તમે બોલતા કેમ નથી ? અમે ભારતીય છીએ. તમારા સમાચાર આવતા બંધ થયા એટલે તમારી તપાસ કરવા અમે આવ્યા છીએ.”

પણ હજુ જોન ને જુલિયસ તો ચૂપ જ રહ્યા. એ જાણે મૂંગા બની ગયા હતા. એમણે તો કુમાર અને કેતુને બાવડે ઝાલીને ગુફાની બીજી દિશામાં ખેંચવા માંડ્યા.

કુમાર અને કેતુની નવાઈનો તો પાર નથી.

“કેતુ ! શું થઈ રહ્યું છે, આ લોકોને ?”

“ખબર નથી પડતી, કુમાર !”

“આ લોકો તો......જાણે....મીણનાં પૂતળાં કે મંત્રેલા માનવી હોય એવા બની ગયા છે !”

અને ત્યારે એમના રેડિયો રીસીવરમાં કોઈના હાસ્યનો ખડખડાટ અવાજ સંભળાયો. એ અવાજ ચાઓ-તાંગનો હતો. “સાચી વાત છે, કુમાર !” હસીને એણે કહ્યું, “એ લોકો પૂતળાં જ છે; પણ મંત્રેલા પૂતળાં નથી. વૈજ્ઞાનિક રીતે એમનાં મગજને જડ બનાવી દેવયા છે. હા, હા, હા !!”

ગુફાના એક ખૂણામાં વાળી શકાય તેવા પાયાવાળું એક ટેબલ હતું. એની પાછલ એક ખુરશી હતી. એ ખુરશીમાં બેઠાં બેઠાં ચાઓ-તાંગ મોજથી હાસતો હતો.

“બેસો, બેસો, હિન્દુસ્તાની કુરકુરિયાં, બેસો !” ખડખડાટ હાસ્ય વચ્ચે શબ્દો કાઢતાં કાઢતાં ચાઓ-તાંગે કહ્યું.

કેતુ ખૂબ ગુસ્સે થઈ ગયો. “કુરકુરિયો તું ને કુરકુરિયાં તારાં માબાપ ! હું તો વાઘ છું. હું તારા જેવા ઉંદરડાઓને ચપટીમાં ચોળી નાખું છું, ખબર છે ને ? બદમાશ ! ઠગ ! ચાંચિયા ! તેં આ બિચારા અમેરિકનોની આવી હાલત કરી ? એમનાં મગજને કામ કરતાં અટકાવી દીધાં ? અત્યારે હું છૂટો હોઉં ને તો ખબર પાડી દઉં તને ! અને ખબર તો તને પડી જ જવાની છે. યુસુફાયેવ અને તાન્યા છૂટાં છે અને એમની સાથે ડેવિડ પણ છે. એ ત્રણની પાસે એક રેડિયો પણ છે. હવે થોડા કલાકનો જ મહેમાન છે તું !”

કેતુ ગુસ્સાથી રાતોપીળો થઈને બોલતો રહ્યો હતો અને ચાઓ-તાંગ એનું ગંદું, દાંતિયું હાસ્ય હસતો રહ્યો. ખુરશીમાં આરામથી આડો પડીને કેતુના બરાડા સાંભળતો રહ્યો. પછી બોલ્યો : “ભારતનાં કુરકુરિયાંઓ ! ધન્ય છે તમારી બુદ્ધિને ! તમે મારી ભાષા જાણો છો, એ તમારી જાતે કહીને મૂર્ખાઈનો પરચો આપી દીધો છે ! પણ તમારા ગુસ્સાનો મને જરાય ડર નથી. મૂરખ માણસનો ગુસ્સો આંધળો હોય છે. એથી સામેવાળાને કશું નુકસાન થતું નથી. અને અમારું વિશ્વરાજ્ય તો સ્થપાઈને જ રહેશે. એ કાંઈ મારી એકલાની કલ્પના નથી. છેક ૧૯૫૫થી ચીનમાં આ યોજના ઘડાઈ છે. છેલ્લાં પંદર વર્ષથી અમે કામ કરીએ છીએ. દેશદેશમાં અમારા જાસૂસો છે. એ બધા તૈયાર જ બેઠા છે.

અમારી યોજનાના નેતા શુંગ-લી મોસ્કોમાં છે. એ વૈજ્ઞાનિક છે. સોવિયેત સંઘે અવકાશયાન છોડવા માંડ્યાં ત્યારથી એના કામમાં એ જોડાયેલા છે. દુનિયા આખી પર ચંગીઝખાન જેવું મોગલ રાજ સ્થાપવું હોય તો અવકાશમાં એનું વડુંમથક હોવું જોઈએ, એવી શુંગ-લીની ગણતરી છે. એટલે જ એમણે અમને અહીં મોકલ્યા છે. અમારી પાસે શક્તિશાળી ટ્રાન્સમીટર છે. અમારી પાસે બળવાખોર દેશો પર અહીં બેઠા છોડી શકાય તેવાં હથિયારો છે.”

કુમારે પૂછ્યું : “આ સોવિયેત સંઘના અવકાશયાનમાં તમે ચીનાઓ કેવી રીતે આવી ગયા ?”

ચાઓ-તાંગ કહે : “સોવિયેત સંઘની પ્રજા બહુ ભોળી છે. ચીન પણ સામ્યવાદી રાષ્ટ્ર છે. તેથી તેની પ્રજા સાથે ભાઈચારો કેળવવા માટે તેના બે માણસોને પણ ચન્દ્ર પર મોકલવા જોઈએ, એવી અમારી વાત એમણે માની લીધી.”

કેતુએ પૂછ્યું : “યુસુફાયેવ અને તાન્યાને તમારી સાચી ઓળખાણ ક્યારે પડી ?”

ચાઓ-તાંગે કહ્યું : “ચન્દ્ર પર ઊતર્યા પછી અમે કરેલા હુકમની એમણે અવગણના કરી ત્યારે અમે અમારી સાચી ઓળખાણ એમને આપી. એ વખતે એમનાં મોઢાં જોવા જેવાં થઈ ગયાં હતાં. વરુને જોઈને સસલાં ગભરાય એમ એ ગભરાઈ ગયાં હતાં. પણ જાય ક્યાં ? અમે હથિયારો સાથે લીધાં હતાં. અને ત્યારે જ બે અમેરિકનો ચન્દ્ર પર ઊતર્યા. અમે એ બંનેને પકડવાની ધમાલમાં હતા ત્યારે જ એ બંને (યુસુફાયેવ અને તાન્યા) નાસી ગયાં. થોડો પ્રાણવાયુ અને ખોરાક પણ લેતાં ગયાં. છાનાંમાનાં જઈને ટ્રાન્સમીટર પણ બગાડી નાખતાં ગયાં.”

“એ લોકો અવકાશયાન ચલાવીને પૃથ્વી પર કેમ ના જતા રહ્યાં ?”

“કારણ કે યંત્રની ચાવીઓ મારી પાસે રહે છે. એ બિચારાં યંત્રો જ ચાલુ ના કરી શક્યાં.”

ચાઓ-તાંગ ચૂપ થઈ ગયો. કુમાર અને કેતુને પણ હવે બધી વિગતો મળી ગઈ હતી. પૂછવા જેવું કશું રહ્યું નહોતું. હવે તો કશીક યોજના વિચારી કાઢવાની હતી – છૂટવાની યોજના અને બધાંને બચાવવાની યોજના.

આમ થોડી શાંતિ પછી ચાઓ-તાંગે કહ્યું : “હું તમને આ બધી માહિતી શા માટે આપું છું, ખબર છે ? કારણ કે તમારે પણ વિશ્વરાજ્યની આ યોજનામાં થોડો ભાગ ભજવવાનો છે.”

કુમારે પૂછ્યું : “અમારે શો ભાગ ભજવવાનો છે ?”

ચાઓ-તાંગે જરા ગંભીર બની જતાં કહ્યું : “તમે બંને ઉત્સાહી યુવાનો છો. એટલે આ મહાન યોજનામાં તમારી મદદ લેવી જ પડશે ને ! વળી આપણે તો પડોશી દેશના નાગરિકો છીએ. આપણો સંબંધ તો એક બીજાને સહાય કરવાનો છે.”

કેતુ કહે : “અમારે શું કરવાનું છે, એ કહો ને !”

ચાઓ-તાંગે આંખો ત્રાંસી કરીને કેતુ તરફ જોયું. “કેતુ ! તું બહુ તુંડમિજાજનો છોકરો છે, હો ! જરા ધીરજથી હુકમો સાંભળતાં શીખ. હાં... તમારે શું કરવાનું છે તે કહું... આ કુમાર સંદેશાવ્યવહારનો અને એનાં યંત્રોનો જાણકાર છે. એણે પેલું બગડેલું ટ્રાન્સમીટર સુધારી આપવાનું છે.”

કુમાર અને કેતુ સમસમી ગયા. દુનિયા આખી પર ત્રાસવાદનું રાજ્ય ફેલાવવાનું સાધન પેલું ટ્રાન્સમીટર હતું. અને એને જ દુરસ્ત કરવાનું કામ એમણે કરવું પડશે, એ જાણીને એ બંને ખૂબ હતાશ થઈ ગયા.

પણ ‘પડશે એવા દેવાશે’ માનીને બંનેએ ડોકું ધુણાવીને કામ સ્વીકારી લીધું.

(ક્રમશઃ)