Operation Chakravyuh - 1 - 2 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 2

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-2

બે અઠવાડિયા પહેલા, અમદાવાદ

ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્મા કિશનપુર શહેરના પી.એસ.આઈ માધવ દેસાઈને કોલ કરી અમદાવાદ આવવા જણાવે છે. અચાનક ડી.આઈ.જી પોતાને અમદાવાદ કેમ બોલાવી રહ્યા હતા એ બાબતથી અજાણ માધવ પોતાના સાથી પોલીસ અધિકારી પારધીને કિશનપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપી અમદાવાદ આવવા નીકળે છે. માધવની માફક રાધાનગરના એ.સી.પી અર્જુનને પણ ડી.આઈ.જી શર્મા તાબડતોબ અમદાવાદ આવવાનું કહેણ મોકલાવે છે. નક્કી કંઈક મહત્વની વાત હોવી જોઈએ એમ વિચારી અર્જુન પણ અમદાવાદ આવવા નીકળે છે.

આખરે ડી.આઈ.જી સાહેબે પોતાને આ રીતે કેમ કોઈ કારણ જણાવ્યા વિના અમદાવાદ આવવા આદેશ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી સાથે માધવ અને અર્જુન અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસે જઈ પહોંચ્યા. માધવ કિશનપુરથી એકલો જ અમદાવાદ આવ્યો હતો પણ દર વખતની જેમ નાયક પડછાયાની માફક અર્જુનની સાથે જ હતો.

એસીપી અર્જુનને ત્યાં આવેલો જોઈને માધવ આશ્ચર્યચકિત થઈ ગયો. માધવ જે પોલીસ અકાદમીમાં હતો એ જ પોલીસ અકાદમીમાં અર્જુને તાલીમ મેળવી હતી. માધવે જોયુ કે મોટાભાગની રમતોમાં બધા રેકોર્ડ અર્જુનના નામે હતાં. એકવાર અર્જુન પોલીસ અકાદમીની મુલાકાતે આવ્યો ત્યારે અર્જુનને મળવાનું સદભાગ્ય માધવને પ્રાપ્ત થયું હતું.

ટૂંક સમયમાં અર્જુનને મળેલી સફળતાઓ, એના વ્યક્તિત્વ અને વાતોથી અંજાઈને માધવે મનોમન અર્જુનને પોતાનો ગુરુ દ્રોણ બનાવી લીધો હતો અને પોતાની જાતને એનો એકલવ્ય. અર્જુને સોલ્વ કરેલા દરેક કેસ અંગે માધવ બારીકાઈથી અભ્યાસ કરતો. માધવને પણ પોલીસ કમિશનરની ઓફિસમાં જોઈને અર્જુનને નવાઈ તો લાગી હતી કેમકે, માધવનું પોસ્ટિંગ કિશનપુરમાં હતું એ વાતથી અર્જુન વાકેફ હતો.

અર્જુન અને માધવે જ્યારે એકબીજાને જણાવ્યું કે ડી.આઈ.જી રુદ્રપ્રતાપ શર્માના કહેવાથી એ બંને અહીં આવ્યાં છે ત્યારે માધવ અને અર્જુન વિચારમાં પડી ગયાં કે આખરે એવું તે કેવું કામ હશે કે એ બંનેને ડી.આઈ.જી એ ત્યાં હાજર થવાનું કહેણ મોકલાવ્યું હતું..!

અર્જુન, નાયક અને માધવ જ્યારે ડી.આઈ.જીની ઓફિસમાં પ્રવેશ્યા ત્યારે એમને જોયું કે ડી.આઈ.જીની કેબિનમાં એક શૂટ-બૂટમાં સજ્જ પચાસેક વર્ષનાં વ્યક્તિ અને એક પચ્ચીસેક વર્ષની અત્યંત સ્વરૂપવાન યુવતી બેઠી હતી. ડી.આઈ.જીની કેબિનમાં બેસેલા એ પચાસેક વર્ષનાં પુરુષને જોઈને અર્જુન અને માધવ સ્તબ્ધ થઈ ગયાં. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રૉની ચીફ રાજવીર શેખાવત હતી.

ડી.આઈ.જી ઓફિસમાં રૉનાં ચીફની હાજરી ખરેખર ભવિષ્યમાં બનનારી કોઈ મોટી ઘટનાની આગાહી હતી.

"આ છે રાધાનગર પોલીસ સ્ટેશનનાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મિસ્ટર અર્જુન અને આ છે કિશનપુર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર માધવ દેસાઈ." ડી.આઈ.જી એ અર્જુન, માધવ અને રૉ ચીફ શેખાવતનો એકબીજા સાથે પરિચય કરાવતા કહ્યું. "અને આ છે રિસર્ચ એન્ડ વીંગ્સનાં ચીફ રાજવીર શેખાવત."

અર્જુન અને માધવ બંને માટે આ બેહદ ગર્વની ક્ષણ હતી કે રૉનાં ચીફ જોડે એમને રૂબરૂ મળવાનું થયું હતું. શેખાવતે એ બંને જોડે હસ્તધૂનન કરી એમને ઉષ્માભર્યો આવકાર આપ્યો.

"આ નાયક છે ને!" અર્જુનની જોડે ઊભેલા નાયક તરફ જોઈ શેખાવતે અર્જુનને કહ્યું. "પડછાયાની જેમ તારી જોડે રહેતો તારો જોડીદાર."

અર્જુન અને નાયક બંને ભારતની પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એવી રૉનાં ચીફ શેખાવતના મુખેથી આ સાંભળી અચરજ પામી ગયાં.

"હા, આ જ છે હેડ કોન્સ્ટેબલ નાયક." અર્જુનને પૂછાયેલા સવાલનો જવાબ આપતાં ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્માએ કહ્યું. "મેં કહ્યું હતું ને કે તમે કહો કે ના કહો, નાયક અર્જુનની જોડે જ હશે."

"સર હેડ કોન્સ્ટેબલ નહીં પણ સબ ઈન્સ્પેકટર!" નાયકની વાત સાંભળી બધા હસી પડ્યાં.

"હા ભાઈ, સબ ઈન્સ્પેકટર." ડી.આઈ.જી હસીને બોલ્યાં.

અચાનક રાજવીર શેખાવતની નજર ત્યાં હાજર સ્વરૂપવાન યુવતી પર પડી.

"અરે, આમની ઓળખ આપવાની તો રહી જ નહીં.!" એ યુવતી તરફ હાથ કરી શેખાવતે કહ્યું. "આ છે રૉનાં અંડરકવર એજન્ટ નગમા અહેમદ. નગમા લાસ્ટ યર જ રૉમાં જોઈન થઈ છે અને ત્રણ મહિના પહેલા જ રૉ દ્વારા ભૂતાનમાં જે સિક્રેટ ઑપરેશન થયું એમાં પણ ભાગ લઈ ચૂકી છે."

"નાઈસ ટુ મીટ યુ ઓફિસર..!" નગમા સાથે હાથ મિલાવતા અર્જુન બોલ્યો. માધવ પણ એને અનુસર્યો. માધવ નગમાને જોતા જ એની પ્રત્યે આકર્ષાય ગયો હતો એવું એના ચહેરા પરથી પ્રતીત થતું હતું.

એકબીજા સાથે ઓળખાણ કરાવી દીધા બાદ ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્માએ બધા માટે ચા-નાસ્તો મંગાવ્યો. અર્જુન, માધવ અને નાયક હજુ પણ એ વિચારી રહ્યાં હતાં કે આખરે એમને અહીં બોલાવવાનું અને રૉ ચીફની અહીં હાજરીનું કારણ શું હતું?

"ચલો બોયસ, આપણે પ્રોજેક્ટર રૂમ તરફ આગળ વધીએ." ચા-નાસ્તાને ન્યાય આપ્યા બાદ રાજવીર શેખાવતે અર્જુન, માધવ અને નાયકને ઉદ્દેશીને કહ્યું.

દસ મિનિટમાં એ લોકો કમિશનર ઓફિસનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા પ્રોજેક્ટર રૂમમાં એકત્રિત હતાં. અહીં જે કંઈપણ ચર્ચા થવાની હતી એ ખૂબ જ અગત્યની હતી એનો પુરાવો એ વાત પરથી મળતો હતો કે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર પણ ત્યાં હાજર નહોતા.

પ્રોજેક્ટર રૂમમાં એક મોટું રાઉન્ડ ટેબલ હતું, જેની ફરતે વીસેક ખુરશીઓ કતારબંધ ગોઠવેલી હતી. ટેબલની સામેની દીવાલ પર એક મોટો સફેદ પડદો હતો જેની સામે એક પ્રોજેક્ટર ગોઠવવામાં આવેલું હતું. અર્જુન, નાયક, માધવ, શેખાવત અને ડી.આઈ.જી પડદાની સામે ગોઠવાયા એટલે એક કોન્સ્ટેબલ રૂમની લાઈટ બંધ કરી, દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો.

લાઈટ બંધ થતા જ નગમાએ પ્રોજેક્ટર ઓન કર્યું. પ્રોજેક્ટર ચાલુ થતા જ એક ત્રીસેક વર્ષનાં વ્યક્તિનો ફોટો સ્ક્રીન પર ઉપસી આવ્યો. આમ થતાં રૉ ચીફ રાજવીર શેખાવત પોતાના સ્થાનેથી ઊભાં થયાં અને હાથમાં એક પાતળી સોટી પકડી પડદા નજીક આવીને ઊભાં રહી ગયાં.

પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોવા છતાં રાજવીર શેખાવતનું શરીર સૌષ્ટવ યુવાનોને શરમાવે એવું હતું. છ ફૂટ એક ઈંચ ઊંચાઈ, પહોળા ખભા, ચમકદાર આંખો, અને ચહેરાને વધુ ગંભીર બનાવતી પાણીદાર અણીયારી મૂછો. બોલવાની છટા અને ચહેરાના હાવભાવથી કોઈને પણ પોતાના વ્યક્તિત્વથી આંજી દેનારા શેખાવતને રૉ ચીફનું પદ એમની મહેનત, લગન અને દેશભક્તિના જોરે મળ્યું હતું.

ઈ.સ 2005માં બાંગ્લાદેશમાં આતંકવાદી કેમ્પનો સફાયો હોય કે પછી 2010 માં શ્રીલંકાનાં કોલંબોમાં જઈને હિઝબુલ મુઝાહીદીનનાં ખતરનાક ટેરરિસ્ટ અબુ બકરને પકડવાનું ઑપરેશન હોય, શેખાવત દરેક વખતે ઑપરેશનને યોગ્ય નેતૃત્વ પૂરું પાડવામાં સફળ થયાં હતાં. ભારત સરકાર થકી ઈ. સ 2011માં એમને બહાદુરી માટે મહાવીર ચક્ર આપીને સમ્માનવામાં આવ્યાં હતાં.

26/11નાં મુંબઈ હુમલા દરમિયાન પણ એમને આતંકવાદીઓ જોડે નેગોસીટરની ભૂમિકા અદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શેખાવતને રૉનાં ચીફ બનાવવામાં આવ્યાં હતાં. શેખાવતે ચીફ બનતા જ સૌથી પહેલું જે કામ કર્યું હતું એ હતું ભારતની બીજા ક્રમની સુરક્ષા એજન્સી આઈ.બી (ઈન્ટેલિજન્સ ઓફ બ્યુરો) જોડે જૂના મતભેદો દૂર કરવાનું. આઈ.બી અને રૉ વચ્ચે વર્ષોથી એકબીજાને શ્રેષ્ઠ સાબિત કરવાની ચાલી આવતી સ્પર્ધાનાં લીધે ઘણીવાર એવું બનતું કે રૉને કામમાં આવતી માહિતી આઈ.બી રૉને ટ્રાન્સફર નહોતું કરતું અને રૉ આઈ.બીને.

ભારતની અંદર સુરક્ષાની જવાબદારી ધરાવતાં આઈ.બી અને ભારત બહાર સુરક્ષાની જવાબદારી ધરાવતાં રૉ વચ્ચે ચાલતો આવેલો આ મનમોટાવ ઘણીવાર દેશ વિરોધી તત્વો માટે ફાયદેમંદ સાબિત થતો હતો. રૉનાં ચીફ બનતાં જ શેખાવતે સામે ચાલીને આઈ.બી ડિપાર્ટમેન્ટનાં હેડ શક્તિસિંહ આહુવાલીયા જોડે મુલાકાત કરીને વર્ષોથી આઈ.બી અને રૉ વચ્ચે ચાલ્યાં આવતાં આ ઠંડા યુદ્ધનો અંત કર્યો હતો.

શેખાવતની આ ક્રાંતિકારી વિચારધારાનાં પગલે ગત વર્ષે પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાનની મદદથી થનારાં હિંદુ-મુસ્લિમ દંગાની યોજનાને રૉ અને આઈ.બી એ સાથે મળીને નિષ્ફળ બનાવી હતી.

પોતાના હાથમાં રહેલી સોટીને પડદા પર આવેલા ફોટો પર પોઈન્ટ કરીને શેખાવતે કહ્યું.

"આ ફોટો છે રૉનાં અંડરકવર ઓફિસર એવા બલવિંદર ભાટીનો. બલવિંદર છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાનનાં રાવલપિંડીમાં વેશ બદલીને રહેતો હતો."

પાકિસ્તાનનો ઉલ્લેખ થતાં જ અર્જુન, નાયક, માધવ સમેત ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્માના ખભા આપમેળે ઊંચકાઈ ગયા, કમર ટટ્ટાર થઈ, કાન સરવા થયા અને આંખો પડદા પર સ્થિર થઈ ગઈ.

"રાવલપિંડીનાં એક વ્યસ્ત વિસ્તારમાં મોબાઈલની દુકાન ચલાવતા હમીદ અંસારીનો વેશ ધરીને બલવિંદર દેશ માટે જરૂરી માહિતી એકઠી કરી રહ્યો હતો. પોતાના જીવનું જોખમ લઈને અત્યાર સુધી બલવિંદર સેંકડો એવી માહિતી રૉ સુધી પહોંચાડવમાં સફળ થયો હતો જે ના પહોંચી હોત તો ભારત માટે આગળ જતા મોટું જોખમ ઊભું થવાની શક્યતા હતી."

"આજથી ત્રણ મહિના પહેલા બલવિંદરને ત્યાં એક વ્યક્તિ પોતાનો મોબાઈલ રીપેર કરાવવા આવી. બલવિંદરે એને સાંજે આવીને મોબાઈલ લઈ જવાનું કહ્યું તો એ વ્યક્તિએ અત્યારે જ પોતાનો મોબાઈલ રીપેર કરી આપવાની જીદ પકડી. જો બલવિંદર તાત્કાલિક મોબાઈલ રીપેર કરી આપે છે કામની બમણી રકમ આપવાનો વાયદો પણ એને કર્યો. એના આવા વિચિત્ર વ્યવહારથી બલવિંદરને એની પર શક ગયો કે નક્કી આ વ્યક્તિના મોબાઈલમાં એવું કંઈક હોવું જોઈએ જે ભારે રહસ્યમય છે."

"બલવિંદરે એ વ્યક્તિનો મોબાઈલ તાત્કાલિક રીપેર કરવાની તૈયારી બતાવી. એ વ્યક્તિની હાજરીમાં જ મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ કરવાના બહાને બલવિંદરે મોબાઈલનો તમામ ડેટા પોતાના લેપટોપમાં લઈ લીધો. એ વ્યક્તિના ગયા બાદ બલવિંદરે એ મોબાઈલનો ડેટા ચેક કર્યો. એ ડેટામાં એક ફોલ્ડર હતું જેનું નામ હતું આઝાદી. બલવિંદરે એ ફોલ્ડર ખોલ્યું તો અંદર મોજુદ ફોટા જોઈને એ અવાચક થઈ ગયો."

"બલવિંદરને ત્યાં જે વ્યક્તિ મોબાઈલ રીપેર કરાવવા આવી હતી એના વીસેક ફોટો આઝાદી નામનાં એ ફોલ્ડરમાં હીડન કરીને રાખવામાં આવ્યાં હતાં. બલવિંદર એ ફોટોને ખોલવામાં સફળ રહ્યો, મોબાઈલ રીપેર કરનાર વ્યક્તિ જુદા-જુદા ફોટોમાં હાથમાં વિવિધ હથિયારો સાથે પોઝ આપી રહી હતી. એ વ્યક્તિ નક્કી કોઈ આંતકવાદી સંસ્થા સાથે જોડાયેલો હતો એ વાત બલવિંદર સમજી ગયો હતો. આટલું ઓછું હતું તો બલવિંદરની નજર એક એવા ફોટો પર પડી જેમાં એ વ્યક્તિ એક દાઢીધારી વ્યક્તિની જોડે હાથમાં એ.કે ફોરટી સેવન ગન લઈને ખુલ્લી જીપમાં ઊભો હતો."

"એ ફોટો આ હતો.." શેખાવતના આમ બોલતાં જ નગમાએ પ્રોજેકટમાં નેક્સ્ટનું બટન દબાવ્યું.

હવે સ્ક્રીન પર જે ફોટો હતો એમાં મોજુદ દાઢીધારી વ્યક્તિને જોતાં જ અર્જુન, માધવ, નાયક અને ડી.આઈ.જી શર્માની આંખો પહોળી થઈ ગઈ.

"આ દાઢીધારી વ્યક્તિ છે.." શેખાવતનું વાક્ય પૂર્ણ થાય એ પહેલા જ અર્જુન અનાયાસે જ બોલી પડ્યો.

"લશ્કર-એ-તોયબાનો કમાન્ડર ઈન ચીફ અકબર પાશા.!"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)