"મારા જીવનનો એક યાદગાર પ્રસંગ"
ચોમાસાનો સમય હતો. ઠેર-ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલું હતું. ને ત્યારે હું શાળાએ જવા માટે નીકળ્યો. શાળાના દરવાજે પહોંચ્યોને થોડે દૂર પાછળથી જોરથી બૂમ આવી. અલ્યા..યા..યા..હાર્દિકીયા ઉભો રે...! મેં તરત જ પાછળ ફરીને જોયું અને પછી સામે કહ્યું, અલ્યા પ્રવીણીયા તું? જલ્દી આવ નહીં તો પ્રાર્થના શરૂ થઇ જશે. ને પછી બહાર ઉભું રહેવું પડશે. પ્રવીણીયો દોડતો-દોડતો મારી પાસે આવ્યો. પછી અમે બંને કલાસરૂમ ની અંદર જઈને બેઠા. થોડીવારમાં પ્રાર્થના પણ શરૂ થઇ ગઈ. પ્રાર્થનામાં મને વધારે રસ નઈ એટલે ક્યારેક આંખો ખુલ્લી રાખતો ને આજુબાજુમાં મારા મિત્રોને હેરાન કરતો. પણ મેડમની નજર મારા પર પડે એટલે તરત જ મારી આંખો બંધ. હું અને પ્રવીણ હંમેશા જોડે જ બેસતાં. અમે બંને ત્રીજા ધોરણમાં ભણતા હતા. ભણવાની સાથે ક્લાસરૂમ ની અંદર સૌથી વધારે મસ્તી કરવામાં પણ અમે બંને મોખરે હતા. પણ આ એક મજા ની લાઈફ હતી.
હવે, પ્રાર્થના પણ પુરી થઇ ગઈ. પછી મેડમ હાજરીપત્રક લઈને બધા વિદ્યાર્થીઓની હાજરી ભરવા લાગ્યા. પછી શું..! હાજરી બોલવામાં મારો નંબર આવ્યો. હું એટલી જોરથી હાજરી બોલ્યો ને કે, આખો ક્લાસ ગુંજી ઉઠયો. બધાય ની નજર મારી સામે, એટલે મને થોડી આમ સેલિબ્રિટી વાળી ફીલિંગ આવી ગઈ. પછી આમ સેલિબ્રિટીની જેમ હું ધીમેથી માથું હલાવીને અભિવાદન કરતો હોઉં એવું દેખાડવા લાગ્યો. એટલે મને જોઈને મેડમ અને બધા વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યા. પછી અચાનક જ અમારા રૂમની અંદર આચાર્ય સરે પ્રવેશ કર્યો. બધા એકદમ શાંત થઇ ગયા. બધાની નજર પોતાની ચોપડીની અંદર હતી ને મેડમે ભણાવવાનું શરૂ કર્યું. કલાસમાં આંટો મારીને આચાર્ય સર નીકળી ગયા. આવી રીતે અમારે બે પિરિયડ પુરા થવા આવ્યા હતા ને રીસેસ પડવાની તૈયારી જ હતી. હું અને પ્રવીણીયો બંને જણ તો રીસેસ નો બેલ પડે એની જ રાહ જોઈને બેઠા હતા. રીસેસ પડી કે તરત જ અમે બંને વાંદરાની જેમ કુદકા ભરીને સીધા બાર. પછી અમે બંને નાસ્તાનો ડબ્બો લઈને સ્કૂલની એક પારી પર બેસીને નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી બંને જણા પાણીની પરબે પહોંચ્યા અને પાણી પીધું.
પછી અમે બંને અમારી શાળાની બાજુમાં એક મોટા પીપળાનું ઝાડ હતું ત્યાં રમવા માટે ગયા. પીપળાના ઝાડની કોરેમોર મસ્ત નાનો ગોળ ઓટલો બનાવેલો હતો. અને આજુબાજુમાં પાંચ-છ જેટલા નળીયાવાળા ઘર પણ હતા. રીસેસ પડે એટલે મોટાભાગે છોકરા-છોકરીઓ અહીં જ રમવા માટે આવતા. હું, પ્રવીણ અને બીજા મિત્રોએ અડવાદાવ રમવાનું શરૂ કર્યું. એ સમયે અડવાદાવ રમત ખુબ પ્રખ્યાત હતી. હવે ધીમે-ધીમે રમત બરાબર જામી. બધા રમવાની સાથે બુમાબુમ કરતાં જાય એટલે આજુબાજુ વાળાના ઘરમાંથી એકાદ બુમ તો પડે જ કે, "અલ્યા સોકરાઓ બઉં અવાજ ના કરહો. ઓંય ભા ઊંઘેલા સે, થોડા આઘા ઝઈન રમો, નકર હમણ માર તમારી નેહાળના સાહેબ ન કેવા આવું પડહે." આટલું સાંભળતા જ બધા થોડી વાર માટે શાંત થઇ જતા પણ પછી પાછું હતું એના એ. કારણ કે, આ બધુ સાંભળવાનું તો અમારે રોજનું થઇ ગયેલું. હવે રમતમાં મારો દાવ આવ્યો. જે મારી નજીકમાં દેખાય એને હું આઉટ કરવા માટે તેની પાછળ દોટ મૂકીને ભાગતો. એવામાં પ્રવીણીયો જ મારી આગળ આવ્યો. હું તેને આઉટ કરવા માટે પાછળ દોડયો. એ તરત જ પીપળાના ઝાડના ઓટલા પર ચડીને મને ગોળ-ગોળ દોડાવા લાગ્યો. એવામાં અચાનક જ પ્રવીણીયો અમારી શાળાની વિદ્યાર્થીની કાજલને અથડાઈ ગયો. કાજલ પણ એમના છોકરીઓના ગ્રુપ જોડે રમતા રમતા ઓટલા પર આવીને ઉભી હતી. અચાનક જ ભૂલથી વાગેલા ધક્કાથી કાજલ બાજુમાં જ વરસાદના પાણીથી એક ખાબોચિયું ભરાયેલું હતું એમાં પડી. પ્રવીણીયાનું તો દોડવામાં જ ધ્યાન હતું એટલે એ થોડો આગળ નીકળી ગયો અને જે જગ્યા પર કાજલને ધક્કો વાગ્યો એ જ જગ્યા એ જઈને હું ઉભો રહ્યો. કાજલ ઓટલા પર ઉંધી ફરીને ઉભી હતી એટલે તેને ખબર જ નહોતી પડી કે કોનાથી તેને ધક્કો વાગ્યો અને તે પાણી ના ખાબોચિયા માં પડી. પણ તેના પડયા પછી તેનું સંપૂર્ણ ધ્યાન મારા પર જ હતું. કારણ કે, જે જગ્યાએ તે ઉભી હતી ત્યાં જ હું ઉભો રહેલો એટલે તેને લાગ્યું કે મેં તેને ધક્કો માર્યો. કાજલ નો આખો સ્કૂલ ડ્રેસ ગારાથી ખરાબ થઇ ગયો હતો. તેને થોડું ગણું હાથની કોણીએ છોલાયું પણ હતું. તે ઉભી થઈને રડતાં-રડતાં મને કહેવા લાગી કે, તે મને ધક્કો કેમ માર્યો? એટલે હું થોડો ગભરાતાં-ગભરાતાં બોલવા જ જતો હતો ત્યાં પાછો પ્રવીણીયો મને પ્રશ્ન કરવા લાગ્યો કે હાર્દિકીયા તારે જોઈને ના દોડાય? એટલે આ બધી વાતોમાં એક વાત તો સ્પષ્ટ જ હતી કે કાજલ ને લાગ્યું કે મેં તેને ધક્કો માર્યો અને બીજું કે પ્રવીણને ખબર હતી કે ધક્કો તેનાથી જ વાગ્યો હતો. પણ પ્રવીણે મને જે રીતે પ્રશ્ન પૂછીને ખોટી દુવિધામાં મૂકી દીધો હતો એટલે હું સમજી ગયો કે પ્રવીણ પોતાનાથી થયેલી ભૂલને સ્વીકારશે નહીં અને હું કાજલ સામે સાચું કહેવાનો પ્રયત્ન કરીશ તો તે માનશે નહીં. કારણ કે, તેની નજર માં તો હું જ ગુનેગાર હતો. પ્રવીણે જે રીતે પોતાનો બચાવ કરી લીધો એટલે પછી મેં મનથી સમજીને કાજલ સામે માની લીધું કે, હા મારાથી જ તને ધક્કો વાગ્યો હતો. પછી મેં તેના પાસે માફી પણ માંગી લીધી. પણ આટલેથી ક્યાં વાત પુરી થાય એમ હતી.
કાજલ તો એવા જ કપડે રડતાં-રડતાં ઘરે ગઈ. અમે રમવાનું બંધ કરીને પીપળાનું ઝાડ હતું ત્યાં ઓટલાએ બેઠા. પછી તરત જ મેં પ્રવીણને પૂછ્યું. કે ભાઈ, ધક્કો તો તારાથી વાગ્યો હતો. તો પછી તે કાજલ સામે મારી ઉપર કેમ ખોટો આરોપ લગાવ્યો. તે સ્વીકાર કેમ ના કર્યું કે ભૂલ તારાથી થઇ છે? (આવું એટલા માટે મારે પૂછવું પડયું કારણ કે, ક્લાસની અંદર અગાઉ પણ પ્રવીણ આવી રીતે નાની-નાની ભૂલો કરતો. તેને બચાવવા હું તેની ભૂલોને મારા પર લઇ લેતો અને ક્લાસટીચર નો ઠપકો પણ સાંભળી લેતો. છતાંય એ ચાલી જાય એવું હતું. પણ આ વખતે એનાથી મોટી ભૂલ થઇ હતી. અને હું એને બધી જ વખતે બચાવી લઉં તો પછી એને મોટી ભૂલો કરીને બીજા ઉપર ખોટો આરોપ નાંખવાની ટેવ પડી જાય.) પછી તેણે મને જવાબ આપતા કહ્યું કે, માફ કરજે દોસ્ત પણ મને ડર લાગવા માંડયો કે કાજલનાં મમ્મી-પપ્પા ને જો ખબર પડશે તો મને ઠપકો આપશે. અને આપણા આચાર્ય સર ને ખબર પડશે તો મને મારશે. બસ એટલા માટે મેં સાચું ના કહ્યું. એટલે મેં આટલું સાંભળતા જ તેને બોલતા અટકાવ્યો અને કહ્યું કે હવે તું ટેન્શન ના લઈશ જે થશે એ જોયું જાશે. કેમ કે, તેના ચહેરા પરનો હાવભાવ હું સ્પષ્ટ પણે જોઈ શકતો હતો અને મને તો એ સમયે જ બધી ખબર પડી ગઈ હતી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. અને તેણે મારા પર આરોપ કેમ લગાવ્યો. પણ આ વખતે તેનું વર્તન મને અલગ જ લાગ્યું અને મેં તેને એ આશાએ જ બચાવવાનું નક્કી કર્યું હતું કે હવે પછી તે ક્યારેય પણ પોતાનાથી થયેલી ભૂલનો આરોપ કોઈ અન્ય વ્યક્તિ પર નહીં નાંખે. પ્રવીણને શાળામાં જો કોઈપણ પ્રકારની સજા થવાની હોય તો તેને ડર બહુ જ લાગતો હતો અને એ હું સારી રીતે જાણતો હતો. એટલે જો કાજલ સામે પ્રવીણે મારા પર આરોપ ના નાંખ્યો હોત તો પણ હું કાજલ સામે એ વાતને સ્વીકારી લેત કે ધક્કો મારાથી જ વાગ્યો છે. કારણ કે મેં એને જો આ વખતે ના બચાવ્યો હોત તો મારી મિત્રતા પર ખોટો કલંક લાગી જાત. કેમ કે, હું પહેલેથી જ એ વાત માં પાક્કો હતો કે જેની સાથે મારી મિત્રતા ગાઢ હશે તેની સાથે હું કયારેય કંઈ ખોટું નહીં થવા દઉં અને હંમેશા તેનો એક પડછાયો બનીને મદદ કરતો રહીશ. તો આ હતો મારી મિત્રતાનો પરિચય.
થોડીવાર પછી તરત જ અમારી રીસેસ પુરી થઇ ગઈ. હું અને પ્રવીણ ધીમેથી ચાલતા-ચાલતા શાળાની અંદર પ્રવેશ કર્યો. સૌ વિદ્યાર્થીઓ પોત-પોતાના કલાસરૂમની અંદર જવા લાગ્યા. આચાર્ય સાહેબ અને તેમના પત્ની બંને જણ રીસેસમાં ઘરે જમવા માટે જતા હતા. તેમના પત્ની પણ અમારી શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા હતા. તેમનું ઘર શાળાથી લગભગ દોઢ કિલોમીટર જેટલું જ દૂર હતું. હવે આચાર્ય સાહેબ અને મેડમે પણ શાળાની અંદર પ્રવેશ કર્યો. હું અને પ્રવીણ કલાસરૂમમાં જવાની તૈયારીમાં જ હતા ને ત્યાં અચાનક જ મારી અને પ્રવીણની નજર તેમના પર પડી. અને તેમની પાછળ તરત જ કાજલ અને તેની મમ્મી પણ આવતા દેખાયા. હવે ડર વધારે લાગવા માંડયો. હું અને પ્રવીણ તો તરત જ કલાસરૂમ ની અંદર જઈને બેસી ગયા. પાંચ મિનિટ જેવું થયું પછી એક વિદ્યાર્થી મને બોલવા આવ્યો. ઓય......! હાર્દિક તને આચાર્ય સર બોલાવે છે. મને ખબર પડી ગઈ કે કાજલની મમ્મી એ સર ને બધું જ કઈ દીધું હશે. પછી હું ઓફિસે જવા માટે ઉભો થયો ત્યારે પ્રવીણે મારો હાથ પકડયો અને કહેવા લાગ્યો કે, હાર્દિક તું ના જઈશ. કેમ કે, ભૂલ મારાથી થઇ છે તો પછી આચાર્ય સરની ઓફિસમાં પણ હું જ જઈશ. મારી સજા તું શા માટે ભોગવે. એટલે મને એટલી તો ખબર પડી ગઈ કે, પ્રવીણને હવે ધીમે-ધીમે એ વાતનો પસ્તાવો થઇ રહ્યો હતો કે તેણે મારા પાર ખોટો આરોપ નાંખ્યો. અને એટલે જ તેણે મને આવું કહ્યું. પ્રવીણ ને પોતાની ભૂલ સમજાઈ ગઈ, એટલે હું મનોમન અંદરથી બહુ જ ખુશ થઇ ગયો. કેમ કે, પ્રવીણ ને તેની ભૂલ સમજાય એ જ મારા માટે વધારે મહત્વનું હતું. એટલે મેં પ્રવીણને ગમે તે કરીને ઓફિસ માં જતો રોક્યો અને પછી હું તો ધીમે-ધીમે ચાલતો આચાર્ય સર ની ઓફિસમાં પહોંચ્યો. કાજલ અને તેની મમ્મી પણ ઓફિસમાં જ હતા. કાજલની મમ્મી તો આમ મોટી આંખો કરીને મારી સામે જ જોઈ રહેલા. અમારા કલાસ ટીચર(સર ના પત્ની) પણ ત્યાં જ હતા. સરે તો મને સંભળાવવાનું શરૂ કરી દીધું. કેમ ભાઈ? તને ખબર નથી પડતી. આવી રીતે રમવાનું હોય. તમને રીસેસમાં ના નથી પાડેલી કે કોઈ દોડાદોડ વાળી રમતો રમવી નહીં. અને આવી રીતે ભાષણ આપતા આપતા સાહેબે સટાક કરતો લાફો મારા ગાલ પાર ઝીંકી દીધો. એક તો બિચારો મારો નાનો ચકડો ગાલ અને સરનો અઢી કિલોનો હાથ. આમ લાફો પડતા જ ગાલ લાલચોર થઇ ગયેલો. શરીર પણ ધીમું ધીમું ધ્રુજવા લાગ્યું. પછી ટપક સિંચાઈ પદ્ધતિની જેમ મારી આંખોમાં પણ ટપક-ટપક આંસુ આવી ગયા. એટલે તરત જ મારા કલાસટીચર(આચાર્ય સરના પત્ની) એ મને એમની પાસે બોલાવ્યો અને મારા માથા પર હાથ ફેરવી અને મારી સામે નીચે બેસીને સમજાવા લાગ્યા. પછી હું તો મેડમને ભેટી પડયો એટલે મેડમે પહેલા મને છાનો રાખ્યો અને કહેવા લાગ્યા કે તું તો મારો હોંશિયાર, બહાદુર અને પ્રિય વિદ્યાર્થી છે. હવે પછી આવી દોડાદોડ વાળી રમતો નહીં રમવાની. જો તારી આ નાનકડી ભૂલથી કાજલ ને પણ વાગ્યું અને તને પણ માર પડી. એટલે હવે ક્યારેય પણ આવી ઘટના ના બને એનું ધ્યાન રાખજે. અને ધીમે-ધીમે મને પંપાળવા લાગ્યા. એટલે મેડમ ને જોઈને મને મારા મમ્મી ની યાદ આવી ગઈ. કેમ કે, મને ઘરે પણ કોઈક દિવસ પપ્પાની માર પડે એટલે રડતા-રડતા દોડીને મમ્મીને જઈને ભેટી પડવાનું અને મમ્મી મને વ્હાલ કરતાં-કરતાં પહેલા આંસુ લૂંછે અને પછી ધીમે રહીને સમજાવે. અને પછી વધારે મજા તો ત્યારે આવે જયારે મમ્મી મને બચાવવા પપ્પા ને મીઠો-મીઠો ઠપકો આપે અને કહે કે, મારા છોકરા ને આવી રીતે મરાય. જુઓ તો ખરી બિચારા મારા છોકરાનો ગાલ કેવો લાલચોર થઇ ગયો છે. હવે એને મારતાં નહીં હો. પછી મમ્મી મને પણ સમજાવે અને કહે કે, જો તારા પપ્પાને વઢી બસ..! હવે તું પણ મસ્તી ના કરતો. અને જો ફરી મસ્તી કરતા પકડાયો તો તારા પપ્પાની મારથી હવે તને નહીં બચાવું. તો આવો હતો મારા મમ્મીનો પ્રેમ.
બસ...! આ રીતે જ મારા મેડમે મને મારી મમ્મી જેટલો જ પ્રેમ આપીને વધારે લાગણીશીલ બનાવી દીધો. હવે, કાજલ અને તેના મમ્મી બંને જણા ઘરે જવા નીકળ્યા. તેમજ મને પણ આચાર્ય સરે કલાસરૂમમાં જવા કહ્યું. અને હું ઓફિસમાંથી બહાર નીકળવાની તૈયારીમાં જ હતો ને ત્યાં સરે મને ફરીથી રોક્યો અને મારી પાસે આવીને મારા ગાલ પર હાથ ફેરવતા-ફેરવતા પ્રેમથી કહેવા લાગ્યા કે, જો હાર્દિક બેટા, મારે તને એટલા માટે લાફો મારવો પડયો કેમ કે, તારી આ ભૂલથી કાજલ ને વાગ્યું હતું અને એના કપડાં પણ ખરાબ થઇ ગયા હતા. એટલે હવે પછી ક્યારેય પણ આવી ભૂલ કરતો નહીં. જેથી કરીને મારે તને સજા કરવી પડે. એટલે મેં પણ સામે કહ્યું કે, હવે પછી ક્યારેય પણ મારી ફરિયાદ નહીં આવે સર. અને આટલું સાંભળતા જ સર અને મેડમ મને જોઈને હસવા લાગ્યા. તેમની આ હસી મારા પર જાણે પ્રેમરૂપી ફૂલોનો વરસાદ કરી રહી હોય એવું લાગ્યું. હું પણ હસતા મુખે ઓફિસમાંથી નીકળી મારા ક્લાસરૂમ તરફ જવા નીકળ્યો. ક્લાસરૂમની અંદર હસતા-હસતા પહોંચ્યો એટલે પ્રવીણ તો મને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. અને પૂછવા લાગ્યો, કેમ હાર્દિકીયા તું હસે છે? આચાર્ય સરે તને શું કહ્યું? પ્રવીણીયો તો પ્રશ્ન ઉપર પ્રશ્ન કરવા લાગ્યો. મેં તેને બસ એટલું જ કહ્યું કે, આભાર દોસ્ત. તારા લીધે આજે મને આપડી મિત્રતા નિભાવવાનો મોકો મળ્યો અને બીજું ખાસ કે, આજે મને મારા ગુરુની અંદર મારા માતા-પિતા જેટલો જ પ્રેમભાવ જોવા મળ્યો. અને એક સાચા ગુરુ ના દર્શન થયા. એટલે પ્રવીણ પણ જાણે મારી બધી જ વાતોને સમજી ગયો હોય એવો ભાવ પ્રગટ કરવા લાગ્યો. અને તેણે ફરીવાર મારી પાસે માફી માંગી અને કહેવા લાગ્યો કે આજે મેં, જે પણ આરોપ તારા પર લગાવ્યો એનું મને દુઃખ છે. તેમજ આવી મોટી ભૂલ હું ફરી ક્યારેય પણ નહીં કરું તેવું તેણે મને વચન આપ્યું. અને આટલું કહીને તે અટકી ગયો. પછી તરત જ શાળા છૂટવાનો બેલ પડયો એટલે હું અને પ્રવીણીયો બંને સાથે વાંદરાની જેમ કુદકા ભરતાં ક્લાસની બહાર નીકળ્યા. બહાર નીકળતા જ આચાર્ય સર અને તેમના પત્ની(અમારા ક્લાસ ટીચર) પણ બહાર ઉભેલા દેખાયા. મારી સામે જોઈને ફરી એકવાર આચાર્ય સર અને મેડમ હસવા લાગ્યા. એટલે હું પણ તેમને જોઈને હસી ગયો. પછી હું અને પ્રવીણ બંને જણા પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચ્યા પછી મને આટલો ખુશ જોઈને મારા મમ્મી-પપ્પા પણ હસવા લાગ્યા. એટલે હું પાછો ડબલ ખુશ. અને આમ, આ દિવસે બનેલી ઘટના "મારા જીવનનો એક યાદગાર પ્રસંગ" બની ગયો.
(મનનો પ્રશ્ન અને દિલનો જવાબ)
-હાર્દિક કાપડિયા (મપ્રદિજ)
-: આભાર :-