Corona.com - 8 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 8

Featured Books
Categories
Share

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 8

ધીરે ધીરે ચેનલની ટી. આર. પી વધતી જતી જોઈ આ ચેનલ પર માત્ર આમ જનતા જ નહીં સેલિબ્રિટી બિઝનેસમેન અને નેતાઓ પણ આ શૉ નો હિસ્સો બનવા લાગ્યા હતા. સોલંકી સાહેબની ખુશી તો સાતમા આસમાને હતી...આ સફળતા જીરવવી એમના માટે અઘરી થઇ રહી હતી... અને એ એમની રોજિંદા વ્યવહારમાં દેખાતી હતી. સ્ટાફ પ્રત્યેની વર્તણૂક બદલાઈ ગઈ હતી...એમનામાં થોડી ઘણી બચેલી સરળતાએ અભિમાનનું રૂપ લઇ લીધું હતું. પણ આ વાતના તો શાસ્ત્રો પણ સાક્ષી રહ્યા છે કે ક્યારેક કોઈનું અભિમાન લાંબુ ટકતું નથી. તો સોલંકી સાહેબનું ક્યાં ટકવાનું હતું.
બીજી ચેનલો પણ આ પ્રકારના જ પ્રોગ્રામો લઈને મેદાનમાં ઉતરી આવી હતી અને ડિજિટલ મીડિયા જગતમાં જાણે સ્પર્ધા ચાલી રહી હોય એમ એક-મેક થી ચઢિયાતા પ્રોગ્રામ દર્શકો સુધી પહોંચાડી રહી હતી. હવે સોલંકી સાહેબને હાથમાંથી બધું સરી જતું લાગ્યું.
લોકડાઉનના વધતા જતા સમય સાથે સાથે જનતા પણ હવે કંટાળી હતી. હવે આ બધું એમના માટે રોજીંદુ થઇ ગયું હતું. અનેક સમસ્યાઓ સાથે જીવન જીવવાનું લોકો શીખી રહ્યા હતા. આખો દેશ લોકડાઉનની ગિરફ્તમાં પીસાઈ રહ્યો હતો.પણ લોકડાઉનનું પાલન કર્યા સિવાય છૂટકો જ નહોતો.
સમયની વીતતો ગયો... સાથે સાથે લોકડાઉંનને લગતા નિયમોમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા હતા. લોકડાઉંન દરમિયાન લોકોનો આવનારા ભવિષ્યને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો હતો. કોરૉનાકાળ દરમિયાન માનવીય સંબંધોની સત્યતા છતી થઇ રહી હતી. એક વાત તો સહુને સમજમાં આવી ગઈ હતી કે સગા સબંધી મિત્રો કોઈ કોઈનું નથી... 'એકલા આવ્યાને એકલા જવાનું ' ના પરમ સત્યનો લોકોને સાક્ષાત્કાર થઇ રહ્યો હતો... કોરોનાના દર્દીને અંત સમયે કોઈનો ચહેરો જોવાનુંયે નસીબ નહોતું. ના ઘરના લોકો દર્દી ને જોઈ કે મળી શકતા હતા. કોરાનાનો દર્દી વગર શ્રાપે મહારાજા દશરથ કરતાએ વધુ તીવ્ર વેદનાં ભોગવી રહ્યો હતો. ભર્યો પૂરો પરીવાર હોવા છતાં અંત સમયે સાથે કોઈ નહીં... વિધિનો કેવો ખેલ હતો...ચીન દેશમાંથી ફેલાયેલો આ કૃત્રિમ વાયરસ કુદરતને પડકારી રહ્યો હતો.
હવે દેશમાં માત્ર આમ જનતા જ નહીં મોટા મોટા બિઝનેસમેન પણ કઠિનકાળ માંથી પસાર થઇ રહ્યા હતા. દેશની આર્થિક સ્થિતિ પર ઊંડો પ્રભાવ પડી રહ્યો હતો. દેશ ઘણા વર્ષ પાછળ ધકેલાય રહ્યો હતો. અનેક દેશોના પ્રયત્ન છતાં કોરોનાની કોઈ દવા હજી સુધી શોધાઈ નહોતી. આખુ વિશ્વ એક અણધારી પીડામાંથી પસાર થઇ રહ્યું હતું.
સોલંકી સાહેબ ઓફિસમાં આવ્યા. ચહેરા પર ચિંતા વ્યાપેલી હતી. પોતાની કૅબિનમાં જઈ બેસી ડ્રોવર માંથી એક પુસ્તક કાઢ્યું... બે મીનીટ સુધી પુસ્તકને વગર કારણે જોતાં રહ્યા. પછી એક પછી એક અકારણ પાનાંઓ પલટાવતાં રહ્યા.... કેટલીયે મિનિટો સુધી... પુસ્તક બાજુમાં મૂકી માથે હાથ દઈ ન જાણે કયા વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા કે પ્યુનનો બે વખત 'સર, સર 'નો અવાજ પણ એમના કાન સુધી પહોંચ્યો નહીં... ત્રીજી વાર બોલાવતા એકદમ ચમકીને બોલ્યા ' હ... હં.. '. પ્યુને કહ્યું 'સર કોઈ ડોક્ટર રિતેશ મળવા આવ્યા છે.'
'હા હા એમને અંદર મોકલ ' સોલંકી સાહેબે કહ્યું.
* * *
ડોક્ટર સાથેની મિટિંગ બાદ સોલંકી સાહેબે આખા સ્ટાફને મિટિંગ માટે બોલાવ્યો. બધાને ખુબ ખખડાવ્યા. ' ટી આર. પી કેમ આટલી નીચી જઈ રહી છે. ધ્યાન ક્યાં છે બધાનું ' કહી બધાને ટાર્ગેટ બનાવી નીચી ટી. આર. પી માટે જવાબદાર ગણાવ્યા. અને વધુ મહેનત અને નવા આઈડિયાઝ લાવી ટી. આર. પી વધે તેવું કંઈક કરવાનું ફરમાન કર્યું. અને એ માટે સાચા ખોટા પણ ચર્ચામાં રહે ને મરી મસાલા વાળા ન્યૂઝ લાવવા જણાવ્યું. ન્યૂઝ નથી તો ક્રિયેટ કરો પણ ટી. આર. પીમાં વધારો જોઈએ.એ માટે કઈ પણ કરો... કઈ પણ મતલબ કઈ પણ... ' કહી મિટિંગ પૂર્ણ કરી. બધાને કામે લાગી જવા માટે કહ્યું.
નૈનાને બધું ઉપરથી ગયું... મિટિંગમાં એનું બિલકુલ ધ્યાન નહોતું. શું ચાલી રહ્યું હતું કશું સમજાયું નહીં... મીટીંગમાં પણ એ મૌન જ રહી... બહાર શું ચાલી રહ્યું તે સમજ બહાર હતું તેમજ એની ભીતર શું ચાલી રહ્યું હતું એના તેથીયે અજાણ હતી...બહાર - ભીતર ના ઘમાસાણ માં પીસાતી જતી હતી...
ત્યાં જ સોલંકી સાહેબની દીકરી ડો. અંજલી જે વિદેશમાં રહેતી હતી એ ઓફિસમાં આવી.અચાનક નૈનાની નજર એના પર પડી... નૈના એ હેલો કર્યું. પ્રત્યુત્તરમાં અંજલીએ સ્મિત વેર્યુ... ને એ સોલંકી સાહેબના કેબીન તરફ ચાલી ગઈ. નૈનાને થોડું અચરજ થયું કે અંજલી તો વિદેશ હતી તો આમ અચાનક અહીં કેવી રીતે... પણ સ્ટાફ મેમ્બર કે જે સોલંકી સાહેબના ઘર નજીક રહેતા... તેને પૂછતાં ખબર પડી કે લોકડાઉનની શરૂઆતમાં જ કેટલાક એન. આર. આઈ ને પ્રધાન મંત્રી તરફથી સ્પેશ્યલ વિમાનો દ્વારા દેશમાં પરત લાવવામાં આવ્યા એ દરમિયાન જ અંજલી આવી ગઈ હતી... 15 દિવસ સુધી હોમ કોરોનટાઇન હતી અને ત્યારબાદ એક હોસ્પિટલમાં સેવા આપી રહી હતી તો વ્યસ્ત હતી... તેથી કોઈને જાણ નહોતી કે અંજલી અહીં જ છે...
થોડીવારબાદ અંજલી અને સોલંકી સાહેબ બહાર જવા માટે નીકળ્યા... નૈનાને એક કોલ આવતા એ ઑફિસની બાલ્કની તરફ ગઈ. ત્યાંજ એને નીચે જોયું તો અવિ પોતાની કાર પાસે ઉભો હતો. નૈના ખૂશ થઇ ગઈ... એને થયું કે અવિ આજે પણ પોતાને સરપ્રાઈઝ આપવા માંગે છે... અને નૈના એ નક્કી કર્યું કે એ અચાનક નીચે જઈ અવિને સરપ્રાઈઝ આપશે...એ હર્ષાવેશમાં આવી અવિ પાસે જવા દોડી... લિફ્ટ આવી નહીં તો સીડીઓથી દોડતીક ઉતરી...છેલ્લું પગથિયું ઉતારતાં જ એના પગ થંભી ગયા...
એ સરપ્રાઈઝ આપવા આવી હતી પણ અવિએ એને જ સરપ્રાઈઝ આપી દીધું હતું...અકલ્પનિય સરપ્રાઈઝ...
* * *