ગામડાની પ્રેમકહાની
મનને નિશાંતને બધી વાત કહી દીધી. વિકાસ મનનને જોઈને થોડો ગુસ્સે થયો.
ભાગ-૧૭
મનન બની વાત કહીને, આરવ પાસે ગયો. આરવ મનનને જોઈને થોડો અસમંજસમાં મૂકાઈ ગયો. મનને આરવના ખંભે હાથ મૂક્યો, ને આરવ બધી વાત સમજી ગયો.
"તો તારાં લીધે આરવ નિશાંતને સુમન સાથે વાત કરવાથી રોકે છે??" વિકાસે મનનને પૂછ્યું.
"હાં, આમ પણ સુમન સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. સુમન નિશાંતને પસંદ નથી કરતી." મનને વિકાસને કહ્યું.
"નિશાંત, આ બંને મળેલાં છે. તું એકવાર સુમન સાથે વાત કરી લે. આ બંને કહે એમ કરવાની કાંઈ જરૂર નથી." વિકાસે નિશાંતને કહ્યું.
નિશાંતનુ મન બધાંની વાતો સાંભળીને ઘૂમરી ખાઈ ગયું. મનન અને આરવ નિશાંતના જવાબની રાહ જોવા લાગ્યાં. નિશાંત થોડીવાર સુધી કાંઈ બોલ્યો નહીં.
વિકાસ મનન સામે ગુસ્સાથી લાલચોળ થઈને જોતો હતો. વિકાસને જોઈને મનનને પોતાની કોલેજનો દિવસ યાદ આવી ગયો. કોલેજ સમયમાં વિકાસ એક છોકરીને પ્રેમ કરતો હતો. પણ, જ્યારે મનનને ખબર પડી, કે વિકાસ માત્ર એ છોકરી સાથે ટાઇમપાસ કરી રહ્યો છે. ત્યારે મનને વિકાસ સાથે દોસ્તીનું નાટક કરીને, બધી વાતો તેનાં મોંઢેથી બોલાવેલી, ને એ બધી વાતો વિકાસની ગર્લફ્રેન્ડ વિનીતા સાંભળી ગયેલી.
એ દિવસથી જ વિકાસ અને મનન વચ્ચે દુશ્મનીનો સંબંધ સ્થપાઈ ગયો હતો. જે હવે મનન અને સુમન માટે ખતરનાક સાબિત થવાનો હતો.
"નિશાંત, એકવાર સુમન સાથે વાત કરી લે. સુમનનો પરિવાર પણ તમારાં સંબંધથી ખુશ છે." વિકાસ નિશાંતને સમજાવવાની કોઈ કસર નહોતો છોડી રહ્યો.
નિશાંત અચાનક જ ઉભો થઈને સુમનના હોસ્પિટલ જવાનાં રસ્તે ચાલવા લાગ્યો. આરવ અને મનન ત્યાં જ ઉભા રહી ગયાં.
"મનન, અમદાવાદમાં તે મને વિનીતાથી અલગ કર્યો હતો. આજે તારાં જ ગામમાં તારો સુમનથી અલગ થવાનો સમય આવી ગયો છે." વિકાસે મનનને કહ્યું.
આરવ વિકાસની વાત સમજી નાં શક્યો. પણ, હાલ એ માટેનો સમય નહોતો. આરવ મનનને લઈને સીધો હોસ્પિટલ તરફ ભાગ્યો. હોસ્પિટલ પહોંચીને બંને સુમનની કેબિન તરફ વળી ગયાં. સુમનની કેબિન પાસે પહોંચતા જ મનનને કેબિનની અંદર નિશાંત દેખાયો.
આરવ કેબિનનો દરવાજો ખોલીને અંદર જવાં ગયો. પણ, મનને આરવને રોકી લીધો. મનન બહાર ઉભો રહીને જ અંદર થતી વાતો સાંભળવા લાગ્યો.
"સુમન, કાલે જે થયું. એ બદલ મને માફ કરી દેજે. તું મનનને પ્રેમ કરે છે, એ વાત મને ખબર નહોતી. નહિતર હું મારાં મમ્મી-પપ્પાને તારી ઘરે આવવા જ નાં દેત." નિશાંતે સુમનને કહ્યું.
"જે થવાનું હતું, એ તો થઈ ગયું. હવે આ વાત તારે મારાં મમ્મીને જ સમજાવવી પડશે. એ આ સંબંધથી ખુશ છે. તો એ ખુદ આપણાં સંબંધનો અસ્વીકાર કરે, એવું કંઈક કરવું પડશે." સુમને કંઈક વિચારીને નિશાંતને કહ્યું.
આરવ નિશાંતની વાતો સાંભળીને હેરાન રહી ગયો. નિશાંત વિકાસની વાત નાં માનીને, પોતાની વાત માનશે. એવી તો આરવે કલ્પના પણ નહોતી કરી.
"આ બધું કરવામાં હું તમારો સાથ આપીશ." આરવે કેબિનનો દરવાજો ખોલીને, અંદર આવીને કહ્યું.
નિશાંત આરવને જોઈને ખુશ થઈ ગયો. આરવને પણ નિશાંતે જે કર્યું, એ વાતની ખુશી થઈ. મનન દરવાજેથી જ પોતાની ઘરે જતો રહ્યો. બધું તેનાં પક્ષમાં જ થતું હતું. છતાંય મનનને એક ડર હતો. જે ડરનું નામ સુશિલાબેન હતાં.
મનન પોતાની ઘરે આવ્યો, ત્યારે ધનજીભાઈ તેની ઘરે બેઠાં હતાં. કોકિલાબેન અને કાનજીભાઈ થોડાં ચિંતિત દેખાતાં હતાં. મનન એ બધાંની પાસે ગયો.
"કાકા, તમારો ખૂબ ખૂબ આભાર... નિશાંતે મારી વાત માનીને સુમનને લગ્ન માટેની નાં પાડી દીધી. પણ, હવે કાકી એ સંબંધની જાતે નાં પાડે. એવું કંઈક કરવું પડશે. એમાં મારે તમારો સાથ જોશે.
જેમ આજે તમે મને નિશાંતની વાત આવીને કહી. એમ આજે તમારે હું કહું, એ વાત કાકીને જઈને કહેવી પડશે." મનને મનમાં જ કંઈક વિચારીને કહ્યું.
"તું જે કહે, એ કરવાં હું તૈયાર છું." ધનજીભાઈએ મનનને કહ્યું.
મનને જે વિચાર્યું હતું. એ બધું જ ધનજીભાઈને કહી દીધું. મનનની વાત સાંભળી ધનજીભાઈ હસવા લાગ્યાં. જેવાં વિચારો આરવના હતાં. એવાં જ વિચારો મનનના પણ હતાં. ધનજીભાઈ મનનની વાત સાંભળી પોતાની ઘરે રવાનાં થયાં.
"તારો પ્લાન સુશિલાબેન પર કામ કરશે??" કોકિલાબેને મનનને પૂછ્યું.
"સુમન પણ કંઈક આવું જ કરવાં માંગતી હતી. પણ, એ આવું ક્યારેય વિચારી નાં શકત. વિચાર તેનો હતો. પણ, એ વિચાર પર પ્લાન મેં બનાવ્યો છે. હવે જોઈએ, શું થાય છે!?" મનને કોકિલાબેનને કહ્યું.
મનનનો પ્લાન સાંભળી કાનજીભાઈને થોડી રાહત થઈ હતી. હવે જે સ્થિતિ નિર્માણ પામી હતી. એનો હેમખેમ રીતે થાળે પડવાનો સમય નજીક હતો. સુશિલાબેને અત્યાર સુધી જે કર્યું. એ બધામાં હવે એ પોતે જ ફસાઈ જવાનાં હતાં.
નિશાંત સુમન સાથે વાત કરીને, પોતાનાં મામાની ઘરે આવી ગયો. વિકાસ તરત જ નિશાંતની પાસે આવ્યો.
"સુમને શું કહ્યું?? એ તારી સાથે લગ્ન કરવાં ખુશ છે ને??" વિકાસે નિશાંતને પૂછ્યું.
"મારે જ હવે તેની સાથે લગ્ન નથી કરવાં. તે લગ્ન કરવાને લાયક જ નથી." નિશાંતે ગુસ્સે થઈને કહ્યું.
"કેમ?? એવું શું થયું??" વિકાસે વાત જાણવાની તાલાવેલી દર્શાવીને પૂછ્યું.
"જવા દે ને... એનાં માટે તો મનન જેવો ગરીબ છોકરો જ ઠીક છે. સુમન મારાં ઘરની વહું બની જ નાં શકે." નિશાંત વિકાસને જવાબ આપીને, પગ પછાડતો પોતાનાં રૂમમાં જતો રહ્યો.
નિશાંતે રૂમમાં જઈને કોઈકને મેસેજ કર્યો. પછી પોતે પોતાનો સામાન પેક કરવા લાગ્યો.
"નિશાંત, તારી ભાભીને લેવા જવાની છે. જલ્દી તૈયાર થઈને આવ." જીગ્નેશે નિશાંતને કહ્યું.
સમિધા સવારે જ પગફેરાની રસમ માટે પોતાનાં પિયર ગઈ હતી. જીગ્નેશના કહેવાથી નિશાંત પોતાનાં સામાનની બેગ બેડ નીચે મૂકીને, સમિધાને લેવાં નીકળી પડ્યો.
વિકાસ ચાની લારીએ બેઠો બેઠો અચાનક નિશાંતને શું થયું. એ વિશે વિચારતો હતો. વિકાસે નિશાંતને કેટલો સમજાવ્યો છતાંય નિશાંત માન્યો નહીં. ને હવે તો એ સુમન વિશે નાં બોલવાનું બોલી રહ્યો હતો. જેનાં લીધે વિકાસની સમજમાં કાંઈ નહોતું આવી રહ્યું, કે નિશાંત આખરે કરવાં શું માંગે છે!?
સુશિલાબેન સુમનની વાત કરવા પ્રેમિલાબેન પાસે ગયાં. એ વાત વિકાસને ખબર હતી. વિકાસે નિશાંતને એ વાત કરી, ને તરત જ નિશાંતે સુમન સાથે લગ્નની હાં પાડી હતી. જ્યારે આજે સવારે જે થયું, એ પછી નિશાંતના વિચારો જ સાવ બદલી ગયાં હતાં. બધી વાતો વિચારી વિચારીને વિકાસનું મગજ બહેર મારી ગયું હતું.
વિકાસ એક કલાકની અંદર ત્રણ કટિંગ ચાનાં કપ ખાલી કરી ચૂક્યો હતો. એક કલાકથી ચાની લારી પર રહેલાં ત્રણ ટેબલમાથી બે ટેબલ તો વિકાસ જ રોકીને બેઠો હતો. એક ટેબલ પર વિકાસ, ને બીજા ટેબલ પર ચાનો કપ રાખીને, વિકાસ છેલ્લી એક કલાકથી કંઈક વિચારી રહ્યો હતો. શિયાળાની ઋતુ હોવાથી કેટલાય લોકો ચા પીવા આવતાં હતાં. પણ, બેસવા માટે જગ્યા નાં હોવાથી બધાં ઉભાં ઉભાં જ ચા પીને જતાં રહેતાં હતાં. એ વાતનાં લીધે ચાની લારીવાળો પણ પરેશાન થઈ ગયો હતો.
"ભાઈ, હવે તમે કેટલી ચા પીશો??" લારીવાળા ભાઈએ વિકાસને પૂછ્યું.
ચાની લારીવાળા ભાઈનો અવાજ સાંભળી વિકાસ પાંચસોની નોટ ટેબલ પર મૂકીને જતો રહ્યો. ચાની લારીવાળાએ વિકાસને બાકીનાં રૂપિયા પાછાં આપવા માટે રોકવાની ઘણી કોશિશ કરી. છતાંય વિકાસ રોકાયો નહીં.
"ભાઈ, રહેવા દો. એનું ચસકી ગયું છે. એ નહીં રોકાય." ચાની લારીવાળા ભાઈને, વિકાસને રોકતો જોઈ, કોઇએ આવીને કહ્યું.
ચાની લારીવાળા ભાઈએ પાછળ ફરીને એ વ્યક્તિ તરફ જોયું. એ મનન હતો.
(ક્રમશઃ)