Emporer of the world - 21 in Gujarati Adventure Stories by Jainish Dudhat JD books and stories PDF | Emporer of the world (જગતનો સમ્રાટ) - 21

Featured Books
Categories
Share

Emporer of the world (જગતનો સમ્રાટ) - 21

જગતનો સમ્રાટ (ભાગ-21)



આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ઘરે રાખવામાં આવેલ ભોજન સમારંભમાં સ્કુલના આચાર્ય સાહેબ તેમના પત્ની ઉપરાંત અન્ય શિક્ષકો, આનંદ સર અને મીતાબેન સહિત જૈનીષ દિશા અને તેમનો પરિવાર હાજરી આપવા આવી પહોચ્યા. રાજેશભાઈ તમામ મહેમાનોનું સ્વાગત સત્કાર કરે છે. આનંદ સર રાજેશભાઈને ગુરુજી અને જૈનીષ બાબતે પ્રશ્નો પૂછે તે પેહલા ગુરુજીના આવતા આ ચર્ચા અટકી જાય છે. ગુરુજી રાજેશભાઈને આ બાબતે અત્યારે કોઈને કંઈ પણ જણાવાની મનાઈ કરી. ભોજન બાદ બધા એ રાજેશભાઈના મહારાજના અને સ્વાદિષ્ટ વાનગીઓના ખૂબ વખાણ કર્યા. આચાર્ય સાહેબ પર ફોન આવતા તેઓ ચિંતિત બની જાય છે. હવે આગળ,



#######~~~~~~~#######~~~~~~~#######



રાજેશભાઈના ઘરે આયોજિત ભોજન સમારંભમાં મસ્ત માહોલ જોવા મળી રહ્યો હતો. ઉપસ્થિત તમામ વ્યક્તિઓ સ્વાદિષ્ટ વાનગીઓને માણી રહ્યા હતા. સાથે સાથે મહારાજના હસ્તે બનાવેલ સ્વાદિષ્ટ વાનગીઓ માટે તેમના પણ વખાણ થઈ રહ્યા હતા. જેમના લીધે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એવા જૈનીષ અને દિશાના પ્રસ્તુત કરેલ કૃતિ માટે એમની પણ પ્રશંસા થઈ રહી હતી. આ બધી ચર્ચા દરમિયાન આચાર્ય સાહેબને ફોન આવતા તેઓ બધાથી થોડા દૂર જઈ વાત કરી રહ્યા હોય છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આચાર્યના ચેહરા પર ચિંતાની લકીરો દેખાવા લાગે છે. ફોન પર વાત પૂરી થઈ ગયા બાદ તેઓ આનંદ સર અને રાજેશભાઈને પોતાની પાસે બોલાવી લે છે.



રાજેશભાઈ અને આનંદ સરના આવતાંની સાથે જ આચાર્ય સાહેબ તેમને જણાવે છે કે "એક ખરાબ સમાચાર મળ્યા છે તો અહી વાત કરવી યોગ્ય છે કે ઘરની અંદર જવું જોઈએ ?" રાજેશભાઈ બાગની બીજી બાજુ આચાર્ય સાહેબ અને આનંદ સરને લઇ જાય છે જ્યાં બેસવા માટે બાકડા અને ખુરશીની વ્યવસ્થા હોય છે. ત્યાં રહેલ બાકડા પર આચાર્ય સાહેબ બેઠક લે છે. તેમની બાજુમાં રાજેશભાઈ બેસે છે અને સામે મુકેલ ખુરશી પર આનંદ સર બેસી જાય છે. આચાર્ય સાહેબને ચિંતામાં ડૂબી ગયેલા જોઈને રાજેશભાઈ તેમને પૂછે છે, " શું વાત છે સર ? આમ અચાનક અમને બોલાવ્યા અને એ પણ આમ બધાથી અલગ ? કોઈ સિરિયસ પ્રોબ્લેમ આવી ગઈ કે તમે આટલા બધા ચિંતિત બની ગયા ?"



"હા." આચાર્ય સાહેબ જવાબ આપે છે અને આગળ જણાવે છે. "છ મહિના બાદ વૃંદાવન ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાનો સાંસ્કૃતિક ઉત્સવ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીના જાહેરાત થઈ હોવાથી બધા જ કાર્યક્રમો યોજવાનું કેન્સલ કરવામાં આવશે એવા સમાચાર મને ફોન પર મળ્યા."



"ફોન આપણા રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગમાંથી હતો. તેમણે સ્કુલ માટે મંજૂર કરેલ ગ્રાન્ટ પણ હાલ પૂરતી અટકાવી દીધી છે જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ન આવે ત્યાં સુધી કોઈની ગ્રાન્ટ મંજૂર કરવામાં નહી આવે." પોતાની ચિંતાનું કારણ આચાર્ય સાહેબ રાજેશભાઈ અને આનંદ સરને જણાવે છે. "પણ એમાં ચિંતા કરવા જેવું છે શું મને એ નથી સમજાતું સર ?" રાજેશભાઈ આચાર્યને પોતાના મનમાં ચાલી રહેલ અસમંજસને કારણે પ્રશ્ન કરે છે આનંદ સરને પણ આ જ વાત નહોતી સમજાઈ રહી. તેઓ કઈ પૂછે એ પેહલા જ રાજેશભાઈ સામેથી પૂછી લે છે.



આચાર્ય સાહેબ રાજેશભાઈ અને આનંદ સર તરફ વારાફરતી જોઈને કહે છે. "સ્કુલમા યોજાયેલ ઈનામ વિતરણ સમારોહ વખતે જ ફોન પર મને રાષ્ટ્રીય કક્ષાનો સાંસ્કૃતિક ઉત્સવ અને રાજ્ય સરકાર તરફથી મળવાની ગ્રાન્ટના સમાચાર એક સાથે જ મળ્યા હતા. ગુરુજીના આગમન અને ત્યારબાદ બધા સાથે થયેલ મીટીંગને કારણે ગ્રાન્ટના સમાચાર કોઈને કહી ના શક્યો. તમારા બધાના સ્કુલેથી ગયા બાદ મે કોઈને પૂછ્યા વગર જ સ્કુલ હિત ખાતર અમુક નિર્ણયો લીધા અને એનો અમલ કરી દીધો."



પોતાના લીધેલા નિર્ણયો પર થતો પછતાવો આચાર્યના ચેહરા ઉપર સાફ દેખાય રહ્યો હતો. તેઓ આગળ જણાવે છે. "સ્કુલ બિલ્ડિંગમાં સમારકામ, કલરકામ, જરૂરી રાચરચીલું, લાયબ્રેરી માટે વધુ પુસ્તકો, લેબોરેટરી માટે નવા સાધનો, ક્લાસરૂમ માટે જરૂરી ફર્નિચર આવા ઘણા બધા કામો જે અટકેલા હતા તેનો ઓર્ડર ઉત્સાહમાં અપાય ગયો છે અને એડવાન્સ પેમેન્ટ માટે સ્કુલનું બચત હતું તે અપાય ગયું છે. મને વિશ્વાસ હતો કે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવણી જલ્દી જ થઈ જશે. એમાં આજે મળેલ સમાચારથી હું ચિંતામાં મુકાય ગયો છું."



આચાર્ય સાહેબ પોતાની ચિંતાનું કારણ જણાવે છે. ભલે સ્કુલના હિત ખાતર જ તેમણે આટલો મોટો નિર્ણય લીધો, પણ આવું કંઇક અઘટિત બની જશે એની કલ્પના પણ એમણે નહોતી કરી. આ સત્ય જાણીને રાજેશભાઈ અને આનંદ સરને પણ જટકો લાગ્યો. રાજેશભાઈ થોડી ક્ષણોના વિચાર વિમર્શ પછી આચાર્ય સાહેબને કહે છે. "સર, મારૂ પોતાનું વર્ષોનું બચત ઘણું છે અને આપ જાણો જ છો કે હું એકલો જ છું. મારે માટે તો સ્કુલ જ મારો પરિવાર છે. એટલે આપને વિનંતી કરું છું કે હાલ પૂરતું મારી બચત તમે રાખો. સરકાર તરફથી ગ્રાન્ટ આવે ત્યારે આપણે બીજું બધું સરભર કરી લઈશું."



આનંદ સર:- " સર, મારી પણ કઈક આવી જ ઓફર છે. મારી બચત અને સ્કુલની બહારની એકેડેમીથી થતાં નફામાંથી હું મારો ભાગ પણ સ્કુલ માટે આપીશ." આચાર્ય સાહેબને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. તેઓ વારાફરતી રાજેશભાઈ અને આનંદ સર તરફ જોઈ રહ્યા હતા. રાજેશભાઈ અને આનંદ સર તરફથી મળેલ ઓફર લઈ લેવા માટે તેમનું મગજ તૈયાર હતું જ્યારે એમનું મન આ વાત સ્વીકારવા માટે તૈયાર નહોતું થતું. તેમની પરિસ્થિતિ રાજેશભાઈ પારખી ગયા અને તેઓ આચાર્ય સાહેબને કહે છે, " ચિંતા ના કરશો સર. આ ગડબડ થઈ તે અને અમારા દ્વારા મદદ થાય છે તે વાત આપણા ત્રણ વચ્ચે જ રહેશે."



રાજેશભાઈએ કરેલી વાત સાંભળીને આચાર્ય સાહેબને એવું લાગ્યું જાણે એમના મન પર રહેલ હજારો મણનો ભાર ઉતરી ગયો. તેઓ પોતાને કન્ટ્રોલ ન કરી શક્યા અને રાજેશભાઈને ભેટી પડ્યા. રાજેશભાઈ એ તેમની પીઠ પસવારી તેમને સાંત્વના આપી. સામે બેઠેલા આનંદ સર પણ આચાર્ય સાહેબને સાંત્વના આપી. ત્રણેય વચ્ચે ચાલી રહેલ આ ચર્ચા ત્યાંથી થોડા જ અંતરે ઉભેલા ગુરુજી સાંભળી ગયા હતા તે વાતની જાણ કોઈને પણ નહોતી. તેઓ રાજેશભાઈને શોધવા માટે બાગમાં ફરતા ફરતા આવી પહોચ્યા હતા. અચાનક જ તેમણે આ ત્રણેયને બેઠેલા જોયા અને થોડા નજીક આવતાં જ સમગ્ર હકીકત તેમને સંભળાઈ હતી.



ગુરુજી આ લોકોથી થોડા જ અંતરે ઊભા હતા પણ ત્યાં બાગમાં ઉગાડવામાં આવેલ છોડવાઓની ઊંચાઈ એટલી હતી કે નજીકમાં ઉભેલ વ્યક્તિને આસાનીથી જોઈ શકાય નહી. તેમની પાસે જવાથી કદાચ સત્ય જાણવા ન મળે માટે ગુરુજી ત્યાં જ ઊભા રહી ગયા. ત્રણેયની વાત સાંભળીને ગુરુજી એક નિર્ણય લે છે.




શું હશે ગુરુજીનો નિર્ણય ?

જૈનીષની યાત્રા શરૂ થવાની વાર છે જાણવા છતાં ગુરુજી કેમ તેની સ્કુલમાં આટલો રસ લે છે ?

શું આ પણ કોઈ યાત્રાનો ભાગ છે ?

જાણવા માટે જોડાઈ રહો જગતનો સમ્રાટ સાથે..


#######~~~~~~~#######~~~~~~~#######



રાધે રાધે

હર હર મહાદેવ