"સૂઈ જા બેટા, નહિ તો વેમ્પાયર આવી જશે અને તને ઉપાડીને લઇ જશે એની જોડે!"- માનસી એ એના નાનકડા દોઢેક વર્ષના દીકરા મેઘને ડરાવતા કહ્યું. નાનકડું એ કુમળું ફૂલ લપ્પાતું એની માંની સોડમાં પેસી ગયું. એવી બીક ઘર કરી ગઈ હતી કે એનું નામ લેતાની સાથે એ ડરી જતો. માનસી જે કહે એ બધું કરી દેતો.
નાનકડો હોઇ એ કશું બોલી નહોતો શકતો પણ એના ચહેરાના હાવભાવ બધું જ કળી દેતા હતા. એ ક્યાંક રમતો હોય અને તોફાન કરતો હોય તો માનસી પાસે એક રામબાણ હથિયાર આવી ગયું હતું, નામ લેતાં ની સાથે મેઘ શાંત બનીને બેસી જતો જાણે એને સાચે વેમ્પાયર આવીને લઈ ના જવાનો હોય! વેમ્પાયર શું છે?કોણ છે?એનું કંઈ ખબર નહોતી છતાંય નામ પડતાની સાથે એનાં માસૂમ માનસ પર વિપરીત અસર થઈ જતી.
આવું થોડા દિવસ ચાલ્યું, માનસી મનોમન ખુશ થતી કે એનો દીકરો એના કાબૂમાં આવી ગયો, પણ એ એક વાત થી અજાણ હતી એ એના વર્તનથી! ખિલખિલાટ હસતી મેઘની હસી ક્યાંક ગુપચૂપ થઈ ગઈ, એનું તોફાન તો ઓછું થઈ ગયું પણ એના પાછળ એની ગંભીરતા વધારે ગહેરી હતી.એને ખુશ થઈને જાતે જાતે કરતાં લવારા બંધ કરી દીધા, ખુલ્લા મને ફરતી એની ડગલી ક્યાંક પાછી પડી જતી હતી. વાતે વાતે વેમ્પાયર આવી જવા વાળી વાતો એના પર વિપરીત બની એવી તે હાવી બની ગઈ કે એની માં જ એના ઓળખવા માટે અસમર્થ રહી!
ધીરે ધીરે એના વર્તનનો ખ્યાલ માનસીને આવવા માંડ્યો, પણ ઉછરતા બાળકોના બદલાવને સમજી એ અવગણતી હતી, પણ એક દિવસ એની બહેનપણી એના ઘરે આવી, એને મેઘની પરિસ્થિતિ જોઈ, એની સહેમી સહેમી આંખો, વાતે વાતે ડરતી એની આદતો એને અજીબ લાગી, માનસીની બહેનપણી કૃતિ જે એક મનોચિકિત્સક પણ હતી, એને માણસોના માનસ ને જાણવાની આદત પહેલેથી જ હતી, મેઘ જોડે થોડી વાર એ રમવાનો પ્રયાસ કરવા લાગી, પણ એની મનોસ્થિતિ બહુ જ નાજુક હતી, એને અણસાર આવી ગયો કે આ બાળક ક્યાંક બહુ મોટી મુશ્કેલીનો સામનો કરે છે! એને વાત વાતમાં માનસીને એના વિશે પૂછવા માંડ્યું.
" બહુ જ ડાહ્યો દીકરો છે માનસી."- મેઘને વહાલ કરતા એ બોલી.
" હા, હોય જ ને મારા પર જે ગયો છે!" માનસીએ મજાક કરતા કહ્યું.
" ભલે, એક વાત કહે તો, એ બરાબર જમી તો લે છે ને? એની તબિયત સારી રહે છે ને?"
" હા, તું અહી પણ ડોક્ટર બની ગઈ? તારાથી એ નહિ છૂટવાનું સાચું કહું છું."
"એ તો મારું કામ જ છે તો! ને પાછી મારા ઓળખાણ માં વ્યક્તિઓને મારી જરૂર હોય તો મારે કરવું જ રહ્યું." એને ગંભીતાપૂર્વક કહ્યું.
" મતલબ? તું શું કહેવા માંગે છે?"- માનસી એ મજાક નેવે મૂકીને પૂછ્યું.
" મતલબ તારો દીકરો કોઈ મુશ્કેલીમાં છે."
" શું વાત કરે છે? મને તો કોઈ દિવસ એવું નહી લાગ્યું."
" તું રોજ જોડે રહે તો તને એના માં કોઈ ફરક નહિ લાગ્યો એટલા વખતમાં?"
" લાગ્યું તો ખરાં, પણ એ મોટો થાય એટલે એવું થતું હશે!"
" તો તે આ વાત કોઈને કહી ખરાં?"
" ના મને લાગ્યું નહિ તો...."
બન્ને ગંભીરતાથી વાત કરવા માંડ્યા, એવામાં જ મેઘ સોફાની ધાર પકડીને ઊભો થઈને કોઈ રમકડું લેવા આગળ વધ્યો, માનસીની નજર ત્યાં ગઈ, તરત જ એ બોલી, " મેઘ ક્યાં જાય છે? આવીને સોફા પર બેસી જા નહિ તો વેમ્પાયર આવી જશે!"
એટલું બોલતાં ની સાથે જ મેઘ ઘબરાઈને ચૂપચાપ બેસી ગયો. આ વાત કૃતીએ ખૂબ બારીકીથી ધ્યાનમાં લીધી.એને માનસીને વેમપાયર થી મેઘ કઈ રીતે ડરે છે એને શું કામ માનસી એને આવી રીતે ડરાવે છે એ બધું વિસ્તારથી પૂછ્યું.વાત ના અંતે એને બધા તથ્યની ખબર પડી!
છેલ્લે કૃતિ એ અફસોસ સાથે માનસીને એટલું જ કહ્યું, " મેઘ માટે સાચે જોવા જઈએ તો વેમ્પાયર બીજું કોઈ નહિ એની સગી માં જ નીકળી!"