Pagrav - 44 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 44

Featured Books
Categories
Share

પગરવ - 44

પગરવ

પ્રકરણ - ૪૪

સુહાની કે.ડી‌ અને પરમની સાથે એ ગાડીમાં પાછળ બેસીને બીજી એક નવી જગ્યાએ આવી પહોંચી. જંગલની એકદમ લગોલગ હોવાં છતાં આખી એટલી મોટી જગ્યા કે જેને જોઈને રોડ પરથી તો કોઈ વિચારી પણ ન શકે...પણ આ જગ્યા તો એનાં કરતાં પણ જોરદાર વિશાળ છે...એક નાનકડું નગર જેવું લાગી રહ્યું છે...પણ નજીક આવતાં એક રહસ્યમય હવેલી જેવું પણ એટલું જ લાગી રહ્યું છે.

પરમ : " પપ્પા, આપણે ક્યાં આવ્યાં છીએ ?? મને કંઈ સમજાતું નથી..."

કે.ડી. : " તારાં પપ્પા આ ખુરશી સુધી એમ જ નહોતી પહોંચ્યાં. કે.ડી.ભાઈ અમૂક કામ કરે એ ડાબા હાથથી થાય એ જમણાં હાથને પણ ન ખબર પડે..."

પરમ : " એટલે કંઈ સમજાયું નહીં..."

કે.ડી. : " આ મારી બીજી સિક્રેટ જગ્યા છે...આજે તું પણ પહેલીવાર જોઈશ...તને તારાં પપ્પાની આ પ્રોપર્ટીનો અંદાજો પણ નથી...ચાલ મારી સાથે..."

ત્યાં ઉતરીને એણે રસ્તામાં એક બે જણાંને હાથમાં કડીઓને બાંધીને પકડીને જતાં જોયાં...એમનાં આખો પણ ઢોરમારનાં નિશાનો દેખાઈ રહ્યાં છે. કે.ડી.ને જોતાં જ બધાં પોતાનાં હાથની બંદૂકો નીચે મુકીને કે.ડી.ને સલામ કરવા લાગ્યાં. અહીં આ જગ્યા સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવેલી છે. આ દ્રશ્ય જોઈને સુહાની થથરી ગઈ કે સમર્થ પણ આવી હાલતમાં હશે કે શું ?? અહીં જ લોકોને રાખવામાં આવતાં હશે ??

સુહાની વિચારવા લાગી કે આ લોકો કંઈ ખોટાં ધંધા તો નહીં કરતાં હોય કે કરાવતાં હોય ને ?? પણ એણે હાલ કંઈ પણ પૂછ્યાં વિના સવિતાબેનને આ બધું જોઈને એમની સ્થિતિ ખરાબ ન થાય એનું ધ્યાન રાખીને એ કે.ડી.ની પાછળ ચાલવા લાગી.

જેમ જેમ અંદર પહોંચ્યાં એમ સુરક્ષા ધીમે ધીમે વધારે કડક થતી હોય એવું લાગી રહ્યું છે એક પછી એક દરવાજા ખુલી રહ્યાં છે પણ એ પણ ત્યાં રહેલાં ખાસ માણસોનાં પાસવર્ડ નાંખ્યાં બાદ જ એ ખુલી રહ્યાં છે.

જાણે એક નહીં પણ સાત કોઠાને પાર કરતો અભિમન્યુ યુદ્ધમાં પહોંચે એમ એક નહીં પણ સાત સાત દરવાજાની અંદર કે.ડી. અને પરમની પાછળ પાછળ કડી સુરક્ષાની વચ્ચે અંદર એક નવી દુનિયામાં જ પહોંચી ગઈ.

એક અજીબ પ્રકાશ...એક અલગ ઠંડક... આખો હોલ એક માદક ખુશ્બુ રેલાવી રહ્યો છે. સુહાની આજુબાજુ જોવાં લાગી કે આખરે શું છે અહીં ??

ત્યાં જ એ લોકો અંદર પહોંચતાં જ દરવાજો લોક થઈ ગયો. એમાં ફક્ત અંદર સુહાની, સવિતાબેન, પરમ, કે.ડી. અને બીજાં એક વ્યક્તિ સિવાય કોઈ જ હાજર નથી... સુહાનીને થોડી અકળામણ સાથે ડર પણ લાગી રહ્યો છે કે તે ખરેખર હવે કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ નથી ગઈ ને ?? અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો‌.... આ વિલન લોકોનો શું ભરોસો ?? મારો વિશ્વાસ જીતવા માટે થોડું સારું બોલી લીધું હોય ને થોડો ઢોંગ....!!

સુહાની તો આ બધામાં ખોવાયેલી છે ત્યાં જ કે.ડી. એ એક ફોન કર્યો ને કંઈ કોડવર્ડમાં બોલ્યો, " મીસલા આગા હીયા કૂટે ચોબીસા..."

પરમ : " પપ્પા આ કઈ લેન્ગવેજ છે ?? હું કંઈ સમજ્યો નહીં... "

કે.ડી. : " બેટા તું ડૉનનો દીકરો જ બરાબર છે...તારે ડૉન બનવાનું નથી એટલે તારે આ ભાષા સમજવાની કોઈ જરૂર નથી..."

પરમ : " સારું પપ્પા...પણ તમે આજે થોડાં મારાથી નારાજ હોય એવું કેમ લાગી રહ્યું છે ?? "

કે.ડી. : " કારણ કે તે એક ભૂલ કરી છે માટે..."

પરમ : " મેં શું ભુલ કરી ?? હું ક્યારેય એવી કોઈ ભૂલ કરતો જ નથી..."

કે.ડી. : " એ માનવું એ જ તારી સૌથી મોટી ભૂલ છે...પણ હવે અત્યારે જે થાય એ જો..." એટલામાં જ એક દિવાલ જેવી દેખાતી જગ્યામાંથી એક રિમોટથી સ્વિચ દબાવતાં જ જેમ દુકાનનું શટર ખુલે એમ પણ જરાં પણ અવાજ વિના એ ખુલી જતાં આખાં હોલમાં અનેકગણો પ્રકાશ રેલાઈ ગયો. ત્યાં જ બે વ્યક્તિઓ એક બ્લેક કલરનાં શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ સાથે મેલાંઘેલાં વસ્ત્રો પહેરેલાં એક વ્યક્તિને આંખો પર પટ્ટી બાંધીને અને ચહેરાં પર ઢંકાયેલા માસ્ક સાથે અંદર લઈ આવીને ઉભી રહી.

સુહાની તો જોઈ જ રહી કે આ કોણ છે... ત્યાં જ કે.ડી.એ એ વ્યક્તિને માસ્ક કાઢીને સુહાની અને સવિતાબેન તરફ મુખ ફેરવવા કહ્યું... જેવું આમ કર્યું કે તરત સુહાનીએ જોયું કે વધી ગયેલી દાઢી, બેસી ગયેલાં ગાલ...શરીર પણ જાણે દૂબળુ બની ગયેલું છે...એ બીજું કોઈ નહીં પણ સમર્થ છે...અરે સુહાની તો શું પણ પાગલ જેવાં બની ગયેલા સવિતાબેન પણ એમનાં એકનાં એક દીકરાને ઓળખી ગયાં. કદાચ એમનાં એકીટશે જોઈ રહેલાં ચહેરા પરથી પરમને લાગ્યું કે આવાં હાડમાંસ જેવી બની ગયેલાં શરીરવાળાં સમર્થને હવે સુહાની થોડી પસંદ કરશે ??

પણ આ તો કંઈ અલગ જ બન્યું. જેવો સમર્થને જોયો કે સુહાની અને સવિતાબેન બંને એની તરફ દોડી આવ્યાં. સુહાનીએ પોતાનાં એ સુંદર કામણગારા દેહને સમર્થનાં એ મેલાઘેલા કપડાં પહેરેલાંને કૃશકાય બનેલાં શરીરને અડતાં એક ક્ષણનો વિચાર કરવા જેટલો સમય પણ ન લીધો. પણ એ કંઈ પણ બોલે એ પહેલાં જ કે.ડી. એ કંઈ પણ ન બોલવાં ઈશારો કર્યો. સુહાનીએ સમર્થને જોતાં કે.ડી.ની વાત માની લીધી.

પણ સુહાની અને સવિતાબેનનો એક પ્રેમાળ સ્પર્શ થતાંની સાથે જ સમર્થ બોલ્યો, " મમ્મી... સુહાની..." તમે કેવી રીતે અહીં ?? તમે જતાં રહો અહીંથી બહું ખતરનાક જગ્યા છે....અને પપ્પા ક્યાં છે એ નથી આવ્યાં ?? એ બરાબર તો છે ને?? "

કે.ડી. તો જગ્યા પરથી ઉભો થઈને તાળીઓ પાડવા લાગ્યો ને બોલ્યો, " વાહ સમર્થ વાહ !! તારાં પોતીકાપણા અને તારાં પ્રેમને હું માની ગયો. આજે તું બાજી જીતી ગયો... મેં તને એક મહિના પહેલા કહેલું અને તે શરત સ્વીકારી હતી...આજે તું શરત જીતી ગયો. એ સાથે જ સુહાનીને ઈશારાથી સમર્થની આંખ પર રહેલી પટ્ટી હટાવવાનું કહ્યું.

સમર્થ, સુહાની, સવિતાબેનને ત્રણેય એકબીજાંને જોઈને મૂક ચહેરે જ ત્રણેય એકબીજાંને ભેટીને થોડી મિનિટો સુધી અનારાધાર આંસુ સારી રહ્યાં છે...પરમને તો કંઈ સમજાઈ જ રહ્યું નથી... કદાચ એ દ્રશ્ય એટલું કરૂણ છે કે એવું લાગી રહ્યું છે કે જીવનમાં પહેલીવાર કે.ડી. નું કઠોર દિલ કે જ્યાં કદાચ હવે લાગણીઓને કોઈ સ્થાન જ નથી...એ પણ આજે સહેજ નબળું પડી ગયું હોય એવું લાગી રહ્યું છે.

પણ પરમને આ બધાંની કોઈ જ અસર ન થઈ. એ તો ગુસ્સામાં જોરથી બોલ્યો, " પપ્પા આ બધું શું છે ?? આના માટે તમે મને અહીં બોલાવ્યો છે ?? તમારો પ્લાન બદલાઈ તો નથી ગયો ને....?? "

કે.ડી. જોરજોરથી હસીને બોલ્યો, " ના બધું એમ જ છે. પણ હું કોઈનું પણ ખોટું સ્વીકારતો નથી એ મારો નિયમ છે...એ પછી ગમે તે જ હોય..."

પરમ : " મતલબ ?? "

કે‌.ડી. : " તું હવે બધાંની સામે સમર્થની સત્ય હકીકત જણાવ..."

પરમ થોડો અકળાયો...પણ આજે પહેલીવાર એ એનાં પિતાને થોડાં ગુસ્સામાં જોઈ રહ્યો છે...એટલે થોડો ઠંડો પડીને ખચકાતા બોલ્યો, " પણ હું... હું...કેમ ?? "

કે.ડી. : " ખેલની શરૂઆત તારાથી થઈ છે તો તું જ જણાવ...અંત ભલે ગમે તે કરે...." કહીને એણે ત્યાં રહેલાં વધારાનાં ત્રણ લોકોને બહાર જવાં માટે ઓર્ડર કરતાં એ લોકો બહાર નીકળી ગયાં.

પરમ પાસે હવે કોઈ વિકલ્પ નથી. આથી એણે બોલવાનું શરુ કર્યું.....!!

" આ પ્લાનની શરુઆત દોઢ વર્ષ પહેલાં સમર્થને યુએસએ મોકલવાનું આયોજન કરાયું ત્યારે થઈ હતી. ખરેખર એની હોશિયારી, કામનિષ્ઠા અને ટૂંક સમયમાં એની હુન્નરથી એ જે રીતે આગળ વધી રહ્યો હતો એ જોઈને મારી વિચારસરણી મુજબ મારે યંગસ્ટરને મોટી પોઝીશન પર લાવવાં હતાં પણ એ કદાચ મારાં મામા એટલે કે વિનોદ અગ્રવાલ જ્યાં સુધી બધું સંભાળતાં હતાં ત્યાં સુધી શક્ય નહોતું. પણ મારાં હાથમાં ચાર્જ આવતાં મેં એ કામ શરું કરી દીધું.

નાનામાં નાનાં ને નવામાં નવાં કર્મચારીથી માંડીને જુનામાં જુનાં કર્મચારીની હું બધું જ ધ્યાન રાખતો હતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે... એ વખતે મેં સમર્થને એની બધી ડિટેઈલ પરથી એને મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ આપવાનું નક્કી કરીને જે.કે.પંડ્યા પાસેથી એ પોસ્ટ લઈ લીધી. અંતે બધું જ નક્કી થયાં બાદ મને ખબર પડી કે આ તો એ જ સમર્થ છે કોલેજના દિવસોથી જ મને જે સુહાની ગમતી હતી જેનાં પાછળ હું પાગલ હતો, પણ એ સમર્થનાં કારણે જ કદાચ હું એને મેળવી ન શક્યો હતો...!! મેં એન્યુઅલ ફંક્શનમાં સુહાનીને જોઈ ત્યારથી ફરીથી એને મેળવવાની ઈચ્છા ફરીથી ઉત્કૃષ્ટ બની. પણ હું એ વખતે સુહાનીને જોવાની તાલાવેલીમાં એનાં પછી તરત એવોર્ડ લેવા આવેલાં સમર્થને ઓળખવામાં થાપ ખાઈ ગયો.

પણ આ વખતે ચોક્કસ ખબર પડી ગઈ કે બંને અહીં એક જ કંપનીમાં છે. આથી મેં સુહાનીને મારી નજીક લાવવાં સમર્થને એક સરસ ઓપોર્ચ્યુનિટી માટે થઈને જ મહિના યુએસએ મોકલવાનું નક્કી કર્યું. મને એ પણ ખબર પડી ગઈ હતી કે તમારાં બંનેનાં આવીને તરત જ મેરેજ છે...!!

બસ પછી તો આટલી સારી ઓફર કોણ છોડે ?? એ મુજબ સમર્થે બસ છે મહિનાની વાત સમજીને હા પાડી દીધી....ને સમર્થ થોડાં જ દિવસોમાં ત્યાં પહોંચી ગયો... સમર્થ માટે કંપનીએ આટલો ખર્ચો કર્યો હોવાથી એની પાસે પ્રોજેક્ટ પૂરો તો કરાવવાનો જ હતો. એ મુજબ બધું જ સરસ ચાલ્યું. આ બાજું મેં સુહાનીની એક એક વસ્તુ પર નજર રાખવાની શરું કરી પણ એની નજીક આવવાની કોશિષ ન કરી કારણ કે મારે

એનો વિશ્વાસ જીતવો બહું જ જરૂરી હતો...!!

ને પછી એને પાછો લાવવાનો સમય થયો...એ સમયે જ આ બધું જાણે કુદરતી રીતે કે મારાં જેવાં શૈતાની દિમાગના લોકોનાં કારણે એ બધું જ બન્યું...ને મારો પ્લાન આખો બદલાઈ ગયો !!

શું હશે પરમનો સાચો પ્લાન ?? પણ પરમે શું પ્લાન અજમાવ્યો ?? શું થશે હવે ?? સમર્થ અને સુહાની ફરીથી એક થઈ શકશે હંમેશાં માટે ?? શું થશે હવે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....