સાંજના છ વાગ્યા હતાં.આકાશમાં વાદળો ઘનઘોર જામ્યા હતાં.ઓસરીમાં ગોઠવેલ હીંચકા પર મણીલાલ બેઠા-બેઠા સવારે વાંચી ચુકેલા છાપા ફરી વાગોળી રહ્યા હતાં.મણીલાલ સિત્તેર વટાવી ચુક્યા હતાં. શિક્ષક તરીકેની પોતાની નોકરી તેમણે ખુબ જ નિષ્ઠાથી પૂર્ણ કરી હતી. પત્નીના મૃત્યુ પછી તેમનું શરીર થોડું કમજોર થઇ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રીકવરી સારી હતી. તેમને બે દીકરા હતાં. એક અમદાવાદ રહે અને બીજો અહી પાટણમાં, તેમની સાથે. મણીલાલ આમ મોજીલા માણસ, પણ કરકસર પણ જબરી કરે. મણીલાલનો ફેવરીટ નાસ્તો પણ એવો જ –‘સીંગ-ચણા’!! તેમને એકવાર જમવાનું ન મળે તો ચાલે, પણ સીંગ-ચણા વગર જરાય ન ચાલે.
“દાદા....” બુમ પાડતો પૌત્ર સમીર દોડી સીધો દાદાના ખોળામાં કુદ્યો. સ્કુલનું બેગ સાઈડમાં મૂકી મણીલાલે વ્હાલ કર્યો, અને ‘આજના સમયના શિક્ષકો’ એ શું ભણાવ્યું? તેનો રીપોર્ટ પૂછ્યો.
“વહુ બેટા..સીંગ ચણા લાવજે....” મણીલાલે બુમ પાડી. તેમની પુત્રવધુએ એક વાટકીમાં સીંગ ચણા પરોસ્યા.
“દાદા..મને પણ આપો...” સમીરે હાથ આગળ કરતા કહ્યું. મણીલાલે વાટકી આગળ કરી અને બંનેએ દબાઈને સીંગ ચણા ખાધા.સાંજે ભરપેટ નાસ્તો કર્યો હોવાથી બંનેમાંથી એકે રાત્રે ભોજન ન લીધું.
હવે સમીરને પણ દાદાની જેમ રોજ સીંગ ચણા ખાવાની ટેવ પડવા લાગી. રોજ સ્કુલથી આવે એટલે “દાદા...સીંગ ચણા આપો...” કહીને બથડો ભરીને સીંગ ચણા ખાતો. રાતનો સમીરનો ખોરાક દિવસે-દિવસે ઓછો થવા લાગ્યો.
“અરે..આ સમીર તો રાત્રે બિલકુલ ખાતો જ નથી ને?” સમીરના પપ્પાએ પત્નીને કહ્યું. દાદા અને પૌત્ર બહાર હીંચકામાં બેઠા-બેઠા વાતો કરતા હતાં.
“હા તો..ના જ ખાય ને? સમી સાંજે વાટકી ભરીને સીંગ ચણા એના દાદા સાથે ફાંકી જાય છે...” નાક મચકોડીને હેમલની પત્નીએ જવાબ આપ્યો.
“હે? સીંગ ચણા ખાવાથી કંઈ ભૂખ મરતી હશે?” હેમલે વાત ઇગ્નોર કરતા કહ્યું. “મને બીજું કાંઈ લાગે છે, એકવાર ડોક્ટરને બતાવી આવીશું” હેમલે નિર્ણય લેતા કહ્યું.
બીજા દિવસે હેમલ સમીરને લઈને દવાખાને જઈ આવ્યો. ડોકટરે ભૂખ વધારવાની દવા લખી આપી અને ‘બધું નોર્મલ જ છે” કહ્યું.
“તમે મારૂ માનતા કેમ નથી? તમે ખાલી એક દિવસ સીંગ ચણા બંદ કરાવી જુઓ. પછી જુઓ એ રાત્રે પહેલાની જેમ ખાય છે કે નહિ?” હેમલની પત્નીએ હજુ એ જ રાગ પકડી રાખ્યો હતો.
રાત્રે ઓફિસથી ઘરે આવીને હેમલે મણીલાલને આખી વાત કરી અને કહ્યું “પપ્પા.તમે એને થોડા દિવસ સીંગ ચણા આપવાનું બંદ કરો...” મણીલાલને તર્ક થોડો અજુગતો લાગ્યો છતાં પણ તેઓ સાથ આપવાના ઈરાદાથી બોલ્યા “સારૂ..તમે કહેતા હોવ તો હું નહિ આપું..” અને તેઓ પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા.ઘડપણની ઉંમરમાં કોઈ નાનું સરખું પણ કહી જાય તો ખોટું લાગી જતું હોય છે.
એ સાંજે મણીલાલ મોડા સુધી હાલના માં-બાપના બાળકો પ્રત્યેના અભિગમ વિષે વિચારવા લાગ્યાં. આજકાલના વાલીઓ બાજુમાં બેસીને પ્રેમથી, વ્હાલથી ક્યારેય પોતાના દીકરાઓને ખવરાવે તો એ ખાય ને?, પોતે આખો દિવસ મોબાઈલમાં જ મંડાયા રહેતા હોય છે તો બાળકોને કઈ રીતે સાચવે?, અરે જમવાના સમયે પણ મોબાઈલ દુર નથી મૂકી શકતા? વિચારો-વિચારોમાં જ મણીલાલને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી.
બીજા દિવસે સાંજે મણીલાલને સીંગ ચણા ખાતા જોઈ રોજની જેમ સમીરે માંગ્યા. મણીલાલે પ્રેમથી ના પાડી. સમીરે હઠ પકડી. સમીર માન્યો નહિ. મામલો રાત સુધી લંબાયો. સમીર રોઈ-રોઈને અડધો થઇ ગયો હતો. મણીલાલે એકાદ વાર તો વહુને કહ્યું પણ ખરા કે “બેટા..આજનો દિવસ આપ. કાલથી ન આપતી બસ?” પણ સમીરની મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી.
હેમલ કંટાળીને ઘરે આવ્યો હતો અને એવામાં સમીરની મમ્મી તેને ધમકાવતી હતી. હેમલે સીંગ ચણાનાં કારણે ઝઘડો થાય છે એ જાણતા જ તેણે સમીરને બે લાફા ચોડી દીધા. તે હજુ રડીને સીંગ ચણા જ માંગ્યે જતો હતો. મણીલાલે ફરી પાછો એને પ્રેમથી સમજાવાવનો પ્રયત્ન કર્યો ત્યારે હેમલે મણીલાલને જ કહી દીધું “અરે..તમે જ સીંગ ચણા ફાંકવાનું બંદ કરી દો ને? આખો દિવસ આ જ રામાયણ ચાલુ હોય છે. તમારા કારણે જ આ બધું થાય છે એ તમને ભાન પડે છે? બંદ કરી દો કાલ થી સીંગ ચણા....” હેમલે અકળાઈને ગુસ્સથી કહ્યું.
“પણ મને એના વગર ચાલે એમ નથી. મને વીસ વર્ષથી સીંગ ચણાની આદત છે..” મણીલાલે રીતસરની દલીલ કરતા કહ્યું.
“અરે ભૂલી જવાની આદતને. આની તબિયત બગડે છે એ તો જુઓ. તમને તો ખાલી તમારી જ પરવા છે. મારે મારા પરિવારનું પણ વિચારવું પડે ને?” હેમલના આ શબ્દો મણીલાલને ભારે પડ્યાં. હેમલ ઉભો થયો અને રસોડામાં જઈ સીંગચણાનો ડબ્બો મણીલાલની આંખ સામે બહાર લઇ ગયો અને આખો ડબ્બો ઓસરીમાંથી બહાર ઠાલવી દીધો.
“બધું તમારા કહેવા પ્રમાણે નહિ ચાલે...” તેણે ખાલી ડબ્બો પછાડતા કહ્યું. મણીલાલ ચુપચાપ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આખીરાત મણીલાલે વિચારોમાં કાઢી. તેઓએ પહેલીવાર જયારે સીંગ ચણા પોતાના પગારમાંથી ખરીદયા હતા અને આખા ઘરને ખવરાવ્યા હતા, એ યાદ કરીને તે સહેજ હરખાયા. હેમલને શરૂઆતથી જ સીંગ ચણા પસંદ નહોતા. નાનો હતો ત્યારથી તે વારંવાર પપ્પાને પ્રેમથી કહેતો “આમાં શું મજા આવે છે?” પણ આજે હેમલે પ્રેમથી નહિ પણ ધમકાઈને કરવા કહ્યું હતું. મોઢું અને જીવન બંને બેસ્વાદ લાગવા લાગ્યા!!
દિવસો પસાર થવા લાગ્યાં. મણીલાલ આ વિષય પર ઘરમાં કોઈને કંઈ પણ કહી શકે તેમ નહોતા.તેમની બેચેની વધવા લાગી. બે-ત્રણ વાર દીકરા સાથે વાત કરવાની ઈચ્છા થઇ પણ, ફરી એ રાત યાદ આવતા જ પડતું મુક્યું અને મનોમન વિચાર્યું “સીંગ ચણા નહિ ખાઈએ તો મરી નહિ જવાય” પંદરેક દિવસ આવું ચાલ્યું, પરંતુ પછી અચાનક મણીલાલની તબિયત લથડવા માંડી. તેઓને નાછૂટકે હોસ્પીટલમાં દાખલ કરાયા.
“પુરતો ખોરાક ન મળતો હોવાથી શરીરમાં અશક્તિ આવી ગઈ છે...” ડોકટરે તપાસ કરીને કહ્યું. મણીલાલે છેલ્લા પંદર દિવસથી ના બરાબર જ ખાધું હતું. ડોક્ટરને તેમના સીગ ચણા પ્રત્યેના લગાવની વાત કોઈએ કહી નહિ.
“હેમલ..મને સીંગ ચણા આપને દીકરા? હું હમણાં જ સાજો થઇ જઈશ...” મણીલાલે આજીજી કરતા કહ્યું.
“અરે શું હજુ તમે સીંગ ચણા પર અટક્યા છો? ડોકટરે તમને લિક્વિડ પર રહેવા કીધું છે. હોજરી સંકોડાઈ ગઈ છે તમારી. તમે અમને બધાને હેરાન કરી રહ્યા છો અને અત્યારે તમને સીંગ ચણાની પડી છે? ચુપચાપ જે દવા અને ખોરાક આપીએ એ લઇ લો એટલે સમય અને પૈસા બંને બચે” હેમલ કંટાળીને બોલ્યો.
બે ચાર દિવસ આમ જ ચાલ્યું. એક રાતે મણીલાલની બેચેની વધવા લાગી. ગળામાંથી અવાજ નીકળવામાં પણ તકલીફ થવા લાગી.ઘરના કોઈજ મણીલાલનું સાંભળી રહ્યા નહોતા. કોઈને તેમની પરવા જ નહોતી. અચાનક તેમને તેમની પત્ની યાદ આવી.ગળામાં અવાજ રૂંધાવા લાગ્યો, મણીલાલ આમતેમ તડફડીયા મારવા લાગ્યાં. રૂમમાં કોઈ નર્સ પણ નહોતી. બહાર કોઈને ફરતા જોઇને તેઓ આમતેમ હલ્યા, પરંતુ કોઈનું ધ્યાન તેમના તરફ ન ગયું. બાજુના ટેબલ પર પેન અને પેપર જોઈ તેઓ તે તરફ ખસ્યા અને ત્યારબાદની બે-ત્રણ મિનીટ મણીલાલની આખરી ક્ષણો હતી!!!
સવારે હોસ્પીટલમાં હોહા મચી ગઈ. કોઈને મનમાં પણ નહોતું કે મણીલાલ આટલા જલ્દી સાથ છોડી દેશે. હેમલને કંઈ સમજાતું નહોતું. તે બાજુમાં જ પડેલા ટેબલને મણીલાલ પાસે ખેંચી બેસી ગયો. સૌથી વધુ દુખી સમીર હતો. મણીલાલના મોઢા પર હેમલનો હાથ ફરતો ફરતો તેમના હાથ સુધી આવ્યો. હથેળી બંધ હતી. આંસુઓના વહેણ સાથે તેણે હથેળી ખોલી. હથેળીમાં એક કાગળના ડૂચો હતો અને એમાં આડાઅવળા અક્ષરોએ લખ્યું હતું ‘સીંગ ચણા...”. હેમલ ટેબલ પરથી નીચે પછડાઈ ગયો!!!