પ્રણયભંગ ભાગ – 7
લેખક - મેર મેહુલ
સિયા અખિલની રાહ જોઈ રહી હતી. અઢી વાગી ચુક્યા હતાં પણ અખિલ હજી સુધી નહોતો આવ્યો. સિયાની બેચીની વધી રહી હતી, એ દરવાજા પર મીટ માંડીને બેઠી હતી. અઢીનાં ત્રણ થયાં પણ અખિલ હજી ના આવ્યો. તેને એકવાર કૉલ કરવાનો વિચાર આવ્યો પણ અખિલનાં મગજમાં ગલત વિચાર આવશે એમ વિચારીને તેણે કૉલ કરવાનું માંડી વાળ્યું.
થોડીવાર પછી દરવાજો નૉક થયો. સિયાએ ઉતાવળથી દરવાજો ખોલ્યો.સામે અખિલ ઉભો હતો. એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનાં જમણી હાથની હથેળીમાં રૂમાલ બાંધ્યો હતો અને એ રૂમાલ લોહીને કારણે લાલ થઈ ગયો હતો.
“શું થયું ?” સિયાએ ગભરાઈને પૂછ્યું. અખિલને સહારો આપી એ સોફા સુધી લઈ આવી. અખિલ ઠૂંગાતો-ઠૂંગાતો ચાલતો હતો.
“નાનકડું એક્સિડન્ટ થઈ ગયું” અખિલે હથેળી પરથી રૂમાલ હટાવતા કહ્યું.
“ધ્યાન રાખીને ચલાવતાં નથી આવડતું” સિયા ખિજાઈ અને દોડીને પાણીની બોટલ સાથે ફર્સ્ટએઇડનું બોક્સ લઈ આવી.
“ઓપન કરી આપને” અખિલે જમણો હાથ ઊંચો કરીને વાગ્યું છે એનો ઈશારો કર્યો. સિયાએ બોટલનું કેપ ખોલી આપ્યું. અખિલે ડાબા હાથે બોટલ પકડીને પાણી પીધું.
“એક કસ્ટમરના ઘરે ગયો હતો, ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં ખાસ્સો સમય લાગી ગયો. તેનાં ઘરેથી બહાર નીકળતો હતો ત્યાં એક બાઇકવાળાએ સામેથી બાઇક ઠોકી દીધી”
“ક્યાં વાગ્યું બતાવતો મને” કહેતાં સિયાએ અખિલનું પેન્ટ ઘૂંટીએથી ગોઠણ ઉપર ચડાવ્યું. અખિલનો ઘૂંટણ છોલાઈ ગયો હતો. સિયાએ ઘાવના ભાગને ડેટોલથી સાફ કરી પાટો બાંધી દીધો. હથેળી પણ છોલાઈ ગઈ હતી એટલે સિયાએ ત્યાં પણ પટાપિંડી કરી દીધી.
“જમ્યો તું ?” સિયાએ પુછ્યું.
“બાર વાગ્યે નાસ્તો કર્યો હતો એટલે હવે ભૂખ નથી” અખિલે પેન્ટ નીચે ઉતાર્યું.
“ભૂખ નથી વાળા, છાનોમાનો જમી લે” કહેતાં સિયા રસોડામાંથી થાળી લઈ આવી.
અખિલનાં જમણા હાથે પાટો બાંધ્યો હતો. તેણે કોળિયો લેવાની કોશિશ કરી પણ એ લઈ ના શક્યો.
“વેઇટ હું મદદ કરું”
સિયાએ એક કોળિયો લઈને અખિલનાં મોંમાં રાખ્યો.
“આટલું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે બનાવી લે છે તું” ભોજનના વખાણ કરતાં અખિલે કહ્યું.
“થેંક્સ બટ યુટ્યુબરની મહેરબાની છે” સિયાએ હસીને કહ્યું.
અખિલે જમવાનું પતાવ્યું ત્યાં સુધીમાં સાડા ત્રણ થઈ ગયાં હતાં.
“સિગરેટ ?” સિયાએ પૂછ્યું.
“એ પણ કંઈ પુછવાની વાત છે ?”
સિયાએ સિગરેટ સળગાવી. સિયા જયારે અખિલનાં ઘાવ પર સારવાર કરતી હતી ત્યારે અખિલ સિયાનો ચહેરો વાંચી રહ્યો હતો. સિયાનો એકદમથી ગભરાઈ ગયેલો ચહેરા જોઈ અખિલ ખુશ થતો હતો.
“હું બે વાગ્યાની રાહ જોતી હતી” સિયાએ સિગરેટ સળગાવી, “તને કૉલ કરવાની હતી પણ પછી તું કામમાં હશે એમ વિચારીને મેં ના કર્યો”
“હું જલ્દી આવવાની ટ્રાય કરતો હતો પણ કસ્ટમરનાં પપ્પા બહાર ગયાં હતાં અને બધાં ડોક્યુમેન્ટ તેઓની પાસે હતાં”
“રિકવરી આવતાં કેટલો સમય લાગશે ?” અખિલે પૂછ્યું.
“ત્રણ દિવસ સુધી તું જમણા હાથનો ઉપયોગ જ ના કરતો અને બે દિવસ પછી બંને પાટા બદલાવી લેશું. પછી તું કામ કરી શકીશ” સિયાએ કહ્યું.
“આવા જ સમયે એક્સિડન્ટ થવાનું હતું યાર” અખિલ ગીન્નાયો.
“કેમ શું થયું હવે ?”
“થોડા દિવસ પછી હું એક્ઝામ સુધી લિવ લેવાનું વિચારી રહ્યો હતો, કાલે પણ ફિવરને કારણે લિવ લીધી હતી અને હવે બીજા ત્રણ દિવસ, ડીલર રાડો પાડશે મારાં પર”
“તું કારણ વગર તો લિવ નથી લેતોને” સિયા આવેશમાં આવી ગઈ, “બૅન્કના કામ દરમિયાન જ તારું એક્સિડન્ટ થયું છે તો તું બૅન્કને ખત લખીને જાણ કરીશ એટલે આ ત્રણ દિવસ તારી લિવમાં કાઉન્ટ નહિ થાય”
“ઓહહ એવું…મને તો આનાં વિશે કંઈ ખબર જ નહોતી”
“મારી પાસે ઘણાં લોકો આ બાબતે રિપોર્ટ કઢાવવા આવે એટલે મને ખબર છે” સિયાએ ચોખવટ પાડી.
અખિલે કાંડા ઘડિયાળ પર નજર કરી, ઘડિયાળનો કાચ તૂટી ગયો હતો.
“તારે ક્લિનિક પર નથી જવાનું ?” અખિલે પૂછ્યું.
“આજે પણ ગણ્યાગાંઠ્યા પાંચ પેશન્ટ આવ્યાં હતાં, હવે જવાનું મન નથી”
“મારાં માટે તું શા માટે ઘરે રહે છે ?”
“કોણે કહ્યું હું તારાં માટે ઘરે રહું છું ?” સિયા હસી, “મારી મરજી છે એટલે હું ઘરે રહું છું”
“ઓહ મને લાગ્યું….”
“મને કેમ એવું લાગે છે કે તું બીજા રસ્તે જઈ રહ્યો છે” સિયા ફરી હસવા લાગી.
અખિલ હસવા લાગ્યો પણ એને કોઈ જવાબ ના આપ્યો.
“તું એક કામ કેમ નથી કરતો, જોબ છોડી દે અને મારી સાથે રહેવા આવી જા, એ બહાને તારે વાંચવાનું પણ નહીં બગડે અને મને પણ ઘરમાં એકલું એકલું નહિ લાગે” સિયાએ સુજાવ આપતાં કહ્યું.
“તું શા માટે મારાં પર ઉપકાર કરે છે ?” અખિલે કહ્યું, “સંઘર્ષ કર્યા વિના કશું નથી મળતું અને સંઘર્ષનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો”
“હું ક્યાં ઉપકાર કરવાની વાત કરું છું ?” સિયાએ કહ્યું, “જ્યારે તું ભગભર થઈ જાય ત્યારે મને વળતર આપી દેજે”
“ના, આપણે સામસામે રહીએ એમાં જ સારું છે”
સિયા હોઠ પર હસી, તેણે આંખો ત્રાંસી કરીને અખિલ સામે જોયું,
“કેમ તને તારી નિયત પર શંકા જાય છે ?”
“શંકા તો નથી જતી પણ એક છત નીચે રહીએ તો ક્યારે શું બને એ ના કહી શકાય, માટે અંતર જાળવવામાં જ મજા છે”
“સારું, હવે તું આરામ કર, પછી ઘરે જતો રહેજે”
અખિલને સહારો આપી સિયા તેને બેડરૂમ સુધી લઈ ગઈ. એ.સી. શરૂ કરી,બારણું બંધ કરી સિયા બહાર આવી ગઈ.
અખિલ જાગ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. એ બહાર આવ્યો ત્યારે સિયા સોફા પર બેસીને ટી.વી. જોતી હતી.
“આઠ વાગી ગયાં ?” અખિલે ઘડિયાળમાં જોઈને કહ્યું.
“જાગી ગયો તું, મેં પછી તને જગાવ્યો નહિ” સિયાએ કહ્યું.
“મારે જમવા જવાનો સમય થઈ ગયો” અખિલે કહ્યું.
“અરે મેં વિજયને બોલાવીને તું અહીં જ જમી લઈશ એમ કહી દીધું છે, તું આરામ કર”
“તું શા માટે આટલું બધું કરે છે” અખિલ તંગ થયો, “હું બદલામાં કંઈ નથી કરી શકવાનો”
“હું ક્યાં તારી પાસે કશું માંગુ છું, તું મારો પાડોશી અને સારો દોસ્ત છે. હવે પાડોશી, પાડોશીની મદદ ના કરે તો કોણ કરે ?”
“તો પણ…”
“તું એ બધું ના વિચાર, ફ્રેશ થઈ આવ પછી આપણે જમી લઇએ” સિયાએ ઉભા થઈને બાથરૂમ ચિંધ્યું.
“તું જિદ્દી છે નહીં” અખિલે હસીને કહ્યું.
“એ તો હું છું” સિયાએ ગરદન એક બાજુ જુકાવીને કહ્યું.
અખિલ ફ્રેશ થઈને આવ્યો ત્યાં સુધીમાં સિયાએ ડિનર લગાવી દીધું હતું. અખિલનો હાથ હજી સાજો નહોતો થયો એટલે સિયા જ અખિલને જમાડતી હતી.
“આવી રીતે મમ્મી મને જમાડતી” અખિલે કહ્યું.
“પણ હું તારી મમ્મી નથી ને !”
“એ પણ છે” અખિલને મજાક સુજ્યું, “તું કેમ મારી મમ્મી નથી ?”
“ચુપચાપ જમવાનું પતાવને” સિયાએ અખિલનાં માથે ટપલી મારી, “હું તને કહું કે તું કેમ મારો પતિ નથી તો તને કેવું લાગશે ?”
“તારો પતિ બનવું મારા માટે નસીબની વાત થશે” અખિલ અત્યારે મૂડમાં હતો.
“મજાક સુજે છે તને” સિયાએ ફરી અખિલનાં માથે ટપલી મારી, “મારો પતિ બનવું હોય તો મારાં નખરાં સહન કરવા પડે અને એ તારાથી ન થાય”
“કેમ ન થાય ?” અખિલે પુછ્યું, “તને પામવા કોઈપણ વ્યક્તિ હદ વટાવી જાય”
“પહેલી વાત, હું કોઈ વસ્તુ નથી જેને પામી શકાય અને બીજી વાત હું કંઈ સ્વંયવરમાં ઉભેલી દ્રૌપદી નથી કે કોઈપણ વ્યક્તિ માછલીની આંખ વીંધીને મને લઈ જાય”
“તો પણ તને ઈમ્પ્રેસ કરવા લોકો પાગલ થઈ રહ્યા છે” અખિલને વિજયની વાત યાદ આવી, “એટલી હદે પાગલ થઈ રહ્યા છે કે બીમારી ન હોવા છતાં માત્ર તને જોવા માટે તારાં ક્લિનિક પર આવે છે”
“તું વિજયની વાત કરે છે ને” સિયાએ હસીને કહ્યું, “એ તો હજી નાદાન છે. એ હજી યુવાનીમાં પ્રવેશી રહ્યો છે માટે એ એવું કરે છે. તે કોઈ દિવસ એવું નથી કર્યું ?”
“મતલબ તને ખબર હતી તો પણ તું ચૂપ રહી ?” અખિલે આંખો મોટી કરી.
“કોણ ક્યાં ઈરાદાથી અમને જુએ એ અમને ખબર જ હોય છે” સિયાએ આંખ મારીને કહ્યું, “ઘણીવાર અમને પણ એ ગમે એટલે અમે કશું ના બોલીએ”
“અચ્છા, મને જોઈને કહે કે હું ક્યાં ઈરાદાથી તારી સામે જોઉં છું” અખિલે સિયાની આંખોમાં આંખ પરોવીને પુછ્યું.
“એક મિનિટ મને જોવા દે” સિયાએ નાટક શરૂ કર્યું, “તું દ્વિધામાં છે, છોકરી વિધવા છે તો એને પસંદ કરું કે નહીં, એ સારી દોસ્ત બની ગઈ છે અને પ્રપોઝ કરીશ તો દોસ્તી તૂટી જશે એનો ડર લાગે છે”
“તું તો ગજબ છે યાર” અખિલે ટેબલ પર બે વાર ડાબો હાથ પછાડીને કહ્યું, “હું એ જ વિચારતો હતો”
“અનુભવ બકા” સિયા હસી, “દસ વર્ષના અનુભવનું પરિણામ છે”
( ક્રમશઃ )
“અચ્છા મને તારી આંખો વાંચવા દે” કહેતા અખિલે ફરી સિયાની આંખોમાં આંખ પરોવી.