આગળ આપણે પીસ પાર્ક અને ત્યાં બનેલ ઘટના જોઈ.હવે આગળ.....
બસમાંથી ઊતરતા જ કુદરતનો નજારો જોઇને જ અમારા મોઢા આશ્ચર્યથી પહોળું થઈ ગયા. મોટા મોટા પથ્થરો વચ્ચે સૂર્ય સંતાકૂકડી રમતો હોય એવું દ્રશ્ય અમારી સમક્ષ દેખાઈ રહ્યું હતું.
બધા જ સૂર્યને હાથમાં લઈને ઊભા હોય એ રીતે ફોટા પડાવવા લાગ્યા. આમ તો બસ પાર્ક કરી ત્યાંથી એક ઉંચી ટેકરી ચઢીને ત્યાંથી સૂર્ય આથમતો જોવાનો હતો પણ બધા ફોટા પડાવવા ગમે તે જગ્યા પર પહોંચવા લાગ્યા.
એક ફોટોગ્રાફર અમારી પાસે આવીને બોલ્યો;"સર પરફેક્ટ હાથમેં સૂર્ય હોગા ઇસ તરહ સે ફોટા ખીંચ દુ".
જીંગાભાઈ આ સાંભળીને બોલ્યા;"તારા બાપની જાગીર છે કે સૂર્ય અમારા હાથમાં આપીશ.તારો ડોહો હાથ હળગી જાય.હવે બાબુડા બનાવવાનું રહેવા દે મોટા....અમે એમ છેતરાશું નહીં હો".
મને હસવું આવ્યા એટલે જીંગો કહે;"કેમ રાજુભાઈ આજ સવારથી મારી દરેક વાતમાં હસ્યે રાખો છો".
મેં કહ્યું;"ભાઈ જીંગા એણે હિન્દીમાં એમ કહ્યું કે સૂરજ હાથમાં હોય એ રીતે ફોટો પાડી આપુ".
પછી તો શું જીંગાભાઈ પણ મારી સાથે હસવા લાગ્યા.
ત્યાં બે ઘોડાવાળાને ઉભા જોઈને મંછાબહેને બસમાંથી રાડ પાડીને બોલ્યા;"એ ડોબા વરઘોડો કાઢવો હોય તો રૂપિયા હું આપી દઈશ".
"એ બળબમ ,રૂપિયાવાળી, તું બેસ ઘોડા ઉપર".
અમે બધા મિત્રોએ સનસેટ પોઇન્ટ પર સૂર્યના વિવિધ ફોટા પાડ્યા.આમ તો અમારી બસમાં ત્રણ કેમેરા રોલ વાળા હતા. ત્યારે મોબાઈલનો સૂર્ય હજુ ઉગ્યો ન હતો એટલે કેમેરા જ અમારા માટે સર્વસ્વ હતા.વળી એ ફોટા તો રોલ ધોવડાવી ત્યારે ખબર પડે કે કેવા આવ્યા.પણ અમે તો અત્યારે ફોટા પડાવીને જ મોજ કરતા હતા.
સૂર્ય અસ્ત થતો જોયો.ખરેખર એક અદ્ભુત લ્હાવો છે આ જગ્યા પર સૂર્યાસ્ત જોવાનો. હવે બધે અંધકાર ફેરવવા લાગ્યો,એટલે અમે બધા બસ તરફ રવાના થયા.
હવે અમારે સીધા નક્કી તળાવ જવાનું હતું.બધા બસમાં ગોઠવાયા.વિજયભાઈએ બસ ચલાવી મૂકી નક્કી તળાવ તરફ.
સનસેટ પોઇન્ટથી નક્કી તળાવ આશરે નવ કિ.મી.ના અંતરે આવેલ છે. બસમાં રાત્રિનો સમય હોવાથી "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" "લતા મંગેશકર"ના જુના ગીતો ચાલુ હતા. વિજયભાઈને મોટાભાગે આવા જુના ગીતો સાંભળવા બહુ ગમતાં હતાં.
લગભગ પંદર મિનિટ જેટલા સમય બાદ અમે નક્કી તળાવ પહોંચ્યા.
રાતના અંધકારમાં ફરતે ગોઠવેલ લાઇટિંગ,વિવિધ રોશનીથી આસપાસનો નજારો રંગીન અને મોહક લાગતો હતો. આમ તો અત્યારે રસોઈ બને ત્યાં સુધી બધા ફ્રી હતા, એટલે અમે બધા બહાર આંટો મારવા નીકળ્યા. અમે બધા લગભગ અડધા કલાક બાદ પાછા આવ્યા અને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક અને પરોઠા આરોગ્ય, સાથે તળેલા મરચાં અને મોળી છાસની મજા અનેરી હતી. હવે જમીને રાતના બધા થોડા આંટા ફેરા કર્યા અને ત્યારબાદ બધા મીઠી નિદ્રામાં પોઢી ગયા. વહેલી સવારે પાંચ વાગ્યામાં જીંગાભાઈ બધાને ઉઠાડવા લાગ્યા.ચાલો ભાઈ ઝડપથી ઊઠો અને નાહી પરવારીને નીચે આવી જાઓ. આ ધર્મશાળા આપણે છ વાગ્યે ખાલી કરવાની છે .નહિતર પાછું આખા દિવસનું ભાડું લેશે. હાલો ઝડપ રાખો.
બધા ઉઠીને નાહવાની તૈયારી કરવા લાગ્યા.
પાંચ અને પિસ્તાલીસ મિનિટે બધા બસ પાસે આવ્યા.ગરમાગરમ પૌવાબટેકા તૈયાર જ હતા. પૌવા બટેકા જોઈને જીંગાભાઈ યાદ આવ્યા અને મારાથી બોલાઈ ગયું "જીંગાભાઈ આજે પણ પૌવા બટેકા છે ,જો જો પાછા ભફાકો ન ખાતા હો"...
રાજુભાઈ હવે તો ભફાકો ખાવાનો વારો આ મંછાળીનો. હું ન ખાવ હો...
બધા હસતા હસતા પૌવા બટાકાનો નાસ્તો કર્યો. અને ત્યારબાદ નક્કી તળાવ ફરવા નીકળ્યા.
માઉન્ટ આબુ વિસ્તારનું સૌથી વધુ લોકપ્રિય ફરવાલાયક સ્થળ એટલે નક્કી તળાવ.સમુદ્ર સપાટીથી લગભગ એકહાજર બસ્સો મીટરની ઉંચાઈ પર આવેલ ભારતનું એકમાત્ર કુત્રિમ તળાવ એટલે નક્કી તળાવ.અહીંયા ગાંધીજીની યાદમાં ગાંધી ઘાટ પણ બનાવવામાં આવ્યો છે.
અમે બધાએ બોટિંગનો લાભ લીધો. અત્યારે તો આધુનિક એન્જિનવાળી બોટો પણ ત્યાં ઉપલબ્ધ છે,પણ જ્યારે અમે ગયા ત્યારે પેન્ડલ મારીને ચલાવવાની બોટ જ હતી. અમે પેન્ડલ મારતા મારતા તળાવમાં ફરવાની ભરપેટ મજા લીધી.બે કલાક નક્કી તળાવની આસપાસ ફર્યા અને તળાવને કિનારે દેડકાના આકારનો પથ્થર છે,તેની સાથે ફોટા પડાવ્યા.લગભગ નવ સાડા નવની આસપાસ અમે બસમાં ગોઠવાયા અને બસ સીધી જ દેલવાડાના દેરા તરફ જવા રવાના થઈ.
નક્કી તળાવથી દેલવાડાના દેરા લગભગ ત્રણ કિલોમીટર થાય એટલે કે દસ-પંદર મિનિટની મુસાફરી બાદ અમે દેલવાડાના દેરા પહોંચ્યા. બસમાંથી ઊતરી થોડીવાર આસપાસ ચક્કર મારી. બસ જ્યાં પાર્ક કરી હતી ત્યાં વૃક્ષો ઘેરઘુર અને ઘટાદાર હતા.આસપાસ ઝાડી ઝાંખરાનું જાણે જંગલ હોય એવું વાતાવરણ અહિયાનું હતું.પણ ઠેર ઠેર બોર્ડ મારેલ હતા કે આગળ રાહદારી રસ્તો નથી.આગળ જવું નહિ.અમે બધી બાજુ નજર કરી તો થોડે થોડે અંતરે સપાટ જમીન ને આગળ જ નાના મોટા ખાડા જોવા મળ્યા.આવી રમણીય જગ્યામાં હરવા ફરવાનું છે એ વાત જ મનને રોમાંચીત કરી દેતી હતી.
બપોરનું જમવાનું અહીંયા જ બનાવવાનું નક્કી કર્યું, કેમ કે અહીંયા કુદરતી વાતાવરણ મજેદાર છે અને આવા વાતાવરણમાં જમવાની મજા કંઇક ઓર જ હોય છે.અમે બધા દેલવાડાના દેરા જોવા માટે નીકળ્યા.બસથી લગભગ અડધો પોણો કિલોમીટર ચાલીને જવાનું હતું.
વીસ મિનિટની પગપાળા યાત્રા બાદ અમે બધા દેલવાડાના દેરા પહોંચ્યા.
દેલવાડાના દેરા (જૈનમંદિર) અગિયારમી અને તેરમી સદીમાં બનેલ છે.આ જૈનમંદિર રાજસ્થાનના બધા જ જૈનમંદિરોમાંથી સુંદર મંદિર છે.આ મંદિરો તેની વાસ્તુકલા અને શિલ્પ માટે ખૂબ વિખ્યાત છે. અહીંયાના મંદિરોની નકશીકામ માટે પ્રખ્યાત છે. મંદિરના શિખરો, સ્તંભો વગેરેનું નકશી કામ જુઓ તો આપણે આભા જ બની જઇએ.આ નકશીકામ કરનાર કારીગરોની કુશળતા પર આપણું મન ફિદા થઇ જાય. અહીંયા જુદા-જુદા પાંચ મંદિર છે અને દરેક મંદિરના નકશીકામ એક આગવી વિશેષતા ધરાવે છે.
આ મંદિરનું નિર્માણ વિમલ શાહ તથા વસ્તુપાળ તેજપાલ દ્વારા કરાવવામાં આવ્યું છે.
વસ્તુપાલ તેજપાલ અણહિલવાડના ચૌલકય વંશના રાજા ભીમદેવ બીજાની નીચે કામ કરતા હતા, પણ વિક્રમ સવંત ૧૭૭૬ માં વસ્તુપાલને સ્તંભતીર્થ (હાલ ખંભાત)ના દંડનાયક તરીકે નીમ્યા.
બંને ભાઈઓને પુષ્કળ ધન પ્રાપ્તિ થયેલી.જેનો ઉપયોગ તેમણે જૈન દેરાસરો બંધાવવા અને યાત્રા કરવામાં કરેલ.તેમણે ગિરનાર,શત્રુંજય,આબુ ઉપરાંત ડભોઇ,ધોળકા, પાટણ,ભરૂચ અને ખંભાતમાં પણ જૈન દેરાસરો બંધાવેલ છે.જેમાંથી આબુ ઉપર આવેલ જૈન દેરાસર એટલે કે દેલવાડાના દેરા સૌથી સુંદર અને વિશાળ છે.
દેલવાડાના દેરામાં આવેલ દેરાણી જેઠાણીના ગોખલા બહુ પ્રચલિત છે.બંને ભાઈઓની પત્ની પાછળ આ ગોખલા બનાવવામાં આવ્યા છે એવી એક માન્યતા છે.
અહીં મંદિરના શિખર અંદરના ગુંબજ તથા વિવિધ સ્તંભોમાં કરેલ નકશીકામ,કોતરણી આંખોને આકર્ષિત કર્યા વગર રહેતી નથી.
અમે બધા વિવિધ એંગલથી જુદા જુદા ફોટા પડાવ્યા અને આ ધાર્મિક, પાવન , પવિત્ર યાત્રાધામનો મંત્ર મુગ્ધ બનીને લાભ લીધો.
લગભગ દોઢથી બે કલાક આ પાવન જગ્યામાં ફર્યા બાદ અમે બસ તરફ રવાના થયા.
હવે તો અમારા પેટમાં પણ ઉંદરડા દોડવા લાગ્યા હતા. એટલે ચાલવાની ઝડપ આપોઆપ વધવા લાગી.
જ્યાં અમે બસ પાસે પહોંચ્યા ત્યાં તો અમારા લાડકા જીંગા ભાઈ હાથમાં અને માથા પર પાટા બાંધીને બેઠા હતા.
"કેમ જીંગાભાઇ કાલના પાટાપિંડી આજે પાછા કેમ બાંધ્યા".
"ગઇકાલના નથી, આજ નવું પરાક્રમ કર્યું આ ભાઈએ" જીંગાને ચીડવતા મંછા બહેન બોલ્યા.
"તું બેસને છાનીમાની વાંદરી".
"પણ બન્યું શું ? એ તો કહો.બંનેની માથાકૂટ અટકાવતા મે પૂછ્યું.
"હવે બનવામાં તો રાજુભાઈ તમારા આ બિચારા અબોલ પ્રાણી આજ પાછી મારી સળી કરી ગયા".
"લે કેમ કરતા?"
"આ સાહેબ એમની સળી કરે તો પછી એ પણ કરે ને".મંછાબહેને હજુ મસ્તી ચાલુ રાખી".
"પણ મને આખી વાત કરો તો ખબર પડે ને"!
"રાજુભાઈ વાત જાણે એમ બની કે આ બળબમના પેટની અહીંયા રસોઈ કરતા કરતા રોટલીના બટકા વાંદરાને નાખતી હતી.પછી એના હગલા વાંદરા સાવ નજીક આવવા લાગ્યા, એટલે આ વળવાંદરી મને કહે; તારા બાપને અહીંયાંથી ભગાડ. એટલે હું લાકડી લઈને વાંદરા પાછળ દોડ્યો.હું થોડે દુર બધા વાંદરાઓને મૂકીને પાછો આવું ત્યાં સુધીમાં તો એ પાછા મારી પાછળ આવી જાય. પછી મારો મગજ છટક્યો. મેં લપાઈને એક વાંદરાની પૂંછડી પકડીને ધસડ્યો. વાંદરાએ રાડારાડ કરી મૂકી, એટલે મેં છોડી દીધો".
થોડીવાર બધા વાંદરા જતાં રહ્યા. અમને એમ કે હવે નહીં આવે.
"હા.... હા..... મોટા સાહેબ તો જાણે જંગ જીત્યા હોય એમ હવામાં ફરવા લાગ્યા".મંછાબહેને વચ્ચે ડબકો માર્યો.(વાતોની વચ્ચે બોલ બોલ કરે એને વચ્ચે ડબકો માર્યો કહેવાય).
"એ મંછાળી જાને છછુંદરી, ડોબા જેવી".
"મનિષાબેન એને પૂરી વાત તો કરવા દયો! તમે થોડીવાર કંઇ ન બોલતા મહેરબાની કરીને".થોડું ખીજાતા મેં મંછાબહેનને કહ્યું.
"થોડીવાર વાર એકપણ વાંદરો આવ્યો નહીં એટલે મેં લાકડી બસમાં મૂકીને હું બાથરૂમ કરવા આ ઝાડીમાં ગયો.જેવો હું પાછો આવ્યો ત્યારે ત્રણ વાંદરા મારી પાછળ દોડયા. મેં ઝડપથી બસમાંથી લાકડી કાઢી એટલે એ ભાગ્યા. હું પણ એની પાછળ દોડ્યો. મને એટલો ગુસ્સો આવ્યો હતો કે આજ તો એકાદ વાંદરાનું ઢીંઢું ભાંગી નાખું. એટલે મેં દોડવાની ઝડપ વધારી દીધી. વાંદરા એ પણ દોડવાની ઝડપ વધારી.અમારી ગાડી એકસો પચાસ કિલોમીટરની ઝડપે દોડવા લાગી. આગળ વાંદરા અને પાછળ હું. ખાડા ટેકરાવાળો રસ્તો હતો તોયે અમે ઝડપથી દોડતા હતા. પણ આગળ અચાનક એક મોટો ખાડો આવ્યો. હવે વાંદરા તો મારા દીકરા ઠેકડા મારીને ઝાડ પર ચડી ગયા અને હું.... હું..... મારી બ્રેક નો લાગી એટલે સીધો ખાડામાં"!!!
"હા આંધળો આવડો મોટો ખાડો ન દેખાણો . પછી તો શું મારે અને ભગત બાપાને દોડવું પડ્યું, આ ડોબાને ખાડામાંથી કાઢવા.માંડ માંડ બહાર કાઢ્યો અને આ પાટાપિંડી સામે દવાખાનું દેખાય ત્યાં બંધાવ્યા".
"તું આંધરી, વાંદરી તારા લીધે જ આજ પાછો પડ્યો. હળબમ, હોકા,ડૂચા , ગાભા, કોથળા,ભૂત જેવી".
વાત સાંભળી અમને ખૂબ હસવું આવ્યું એટલે જીંગાભાઈ પાછા ગુસ્સે થયા અને બોલ્યા;"તમારી રસોઈ બચે એટલે વાંદરા પાછળ દોડ્યો હતો તોય બધાને હસુ આવે છે, એકાદ ટંક ભૂખ્યા રહેશો ત્યારે ખબર પડશે".
"અરે ના.. ના જીંગાભાઈ તમે છો એટલે તો આટલી મજા આવે છે. આ તો જરાક તમે મંછાબહેનને ચાર-પાંચ ઉપમા આપી એટલે હસવું આવી ગયું".
"લે આ ઉપમાં એટલે વળી મંછાળીને કોની મા આપવી છે તમારે"
"એલા ભાઈ ઉપમા એટલે તું આ મંછાબહેનને કહે છે ને હળબમ,હોકા,ડૂચા એ બધું ઉપમા કહેવાય.બાકી બીજા કોઈની મા કોઈને ન અપાય. ચાલો હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે"....
બધાએ બપોરનું ભોજન કુદરતી વાતાવરણમાં લીધું. થોડી વાર આરામ કર્યો અને સીધા જ નીકળ્યા ગુરુશિખર જવા.
દેલવાડાના દેરાથી ગુરુશિખર લગભગ બાર કિલોમીટર જેટલું દૂર થાય . અમારી બસ અડધો કલાક ચાલી ત્યારે ગુરુશિખર પહોંચ્યા.
ગુરુશિખર અરાવલી ક્ષેત્રનું સૌથી ઊંચું શિખર છે. માઉન્ટ આબુથી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલ છે.સમુદ્ર સપાટીથી આશરે એક હજાર સાતસો બાવીસ મીટરની ઉંચાઈ પર આવેલ છે. અહીંયાથી આખા અરાવલી ક્ષેત્રનું કુદરતી સૌંદર્ય જોવાની મજા જ કંઈક ઓર હોય છે.
ગુરુશિખર ઉપર ગુરુ દત્તાત્રેયનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલ છે.
અહીંયા એક વૈદ્ય શાળા પણ આવેલી છે.
અમે બધાએ ગુરૂ દત્તાત્રેયના દર્શન કરી, મનમાં નક્કી કર્યું કે આપણે પણ ગુરુદત્તની જેમ.. જેમની પાસેથી સારી વસ્તુ શીખવા મળે એ શીખી લેવાની.
અમે બધા એ કુદરતી સૌંદર્યના વિવિધ ફોટા પડાવી કેમેરા રૂપી કચકડામાં આ બધી યાદોને સંઘરીને બસ તરફ રવાના થયા.
બધા બસમાં ગોઠવાયા.ગુરુદતની જય બોલી.. વિજયભાઈ એ બસને ચલાવી મૂકી.મેં ઘડિયાળમાં જોયું તો સાંજના પાંચ ને અઢાર થઇ હતી.
ક્રમશ::::
હવે આગળ રાજસ્થાનનું શહેર ઉદયપુર અને ત્યાં થયેલ જીંગાભાઈના પ્રસંગોનું વર્ણન જોશું.
આ માટે વાંચવો રહ્યો જીંગાના ઝલસા ભાગ 5
આપના પ્રતિભાવ ની રાહે... રાજુ સર.....