એક માતાપિતા ત્યારેજ માવતર હોવાનો સાચો અનુભવ કરી શકે જ્યારે સંતાનો તેને ઇતર ન ગણતા અંગત ગણે.પરંતુ આ પબજીના યુગ માં ગીતાજીના પાઠ સમજવાનો કોઈ પાસે સમય જ કયાં? યંત્રવત જીવન માં લાઈફ સ્ટાઇલને વઘુ જાજરમાન બનાવવાના પ્રયત્નોની રેસમાં ઘરનુ જીવંત રાચરચીલુ ગણાતા માવતર ઘરના એક ખુણામાં શોપીસ તરીકે રાખવામાં આવેલી ફુલ વિહોણી ફુલદાનીની જેમ દિવાળીમાં દર વખતે જુદા કાઢવામાં આવતા પરંતુ ક્યારેક કામ આવશે તેવા વિચારથી ફરી ઘરમાં પ્રવેશ આપવામાં આવતો હોય તેવા સામાનની જેમ ફક્ત સંઘરાયેલા પડ્યા હોય છે.
પ્રારંભ
કાંતીકાકા અને મંજુકાકીએ પથ્થર એટલા પીર કર્યા. મંજુકાકીએ ફ્કત જીરાના ફાડા ખાઈ રાત આખી ભુખ્યા પેટે જાગરણ વ્રત કર્યા.લાંબા સમયની તપસ્યા બાદ તેના વરદાન સ્વરુપ તેઓના ઘરે પારણુ બંધાયુ.
મંજુકાકી એક પાતળા બાંઘાના ગૃહસ્થીના વમળમાં,હાલકડોલક થાતી હોડીની જેમ, પ્રવાહોના મારથી બચતા હોય તેમ પોતાનુ જીવન પ્રકૃતીના ભરોસે મુકી દીધુ હોય તેવા શ્રદ્ધાવાન હતા. કપાળમાં રૂપિયાના સિક્કા જેવો ગોળ લાલ ચટક ચાંદલો અને કમરથી નીચે સુધીના દીવાની મેશ જેવા કાળા વાળ. શૈલેશની પાછળ દોડી દોડીને એને ખવડાવતા હોય અને રાત્રે પોતાની પીઠ પર તેલની માલીશ કરતા હોય. કાકા તો બસ આખો દિવસ છાપું વાંચવામાંઅને રજાના દિવસોમાં કાકીના કામ માં ટીપ્પણી કરવામાં તો ક્યારેક કાકીની નાની નાની ભુલોને મોટી બનાવી કટાક્ષોના બાણ છોડતા રહેતા.
કાકી એ ક્યારેય પણ નહોતું વિચાર્યુ કે જીવનના આટલા બધા દીવસો ઈચ્છાઓના સાકાર થવાની આશામાં પસાર કર્યા, તે દિવસો ઈચ્છાઓના પુરા થઈ જવાથી મૃગજળની પેઠે પલકવારમાં અદ્રશ્ય થવા લાગશે.
શૈલેષ તો વાંસની જેમ દીવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો દીવસે કાકા અને કાકીના સપનાઓને જાણે જીવંત કરતો હોય તેમ બાળપણ થી કિશોરાવસ્થા અને જોતજોતામાં જ જુવાનીના ઉંબરે પહોંચી ગયો.
તે નાનપણથી જ કાકા-કાકીની પ્રેમ સભર છત્રછાયામાં મોટો થયો પરંતુ એ પ્રેમની ધારાઓથી તરબોળ થાતા શૈલૈષને મિત્રોની ખોટ રહી ગઈ.કાકીના અવિરત પ્રેમના આવરણમાં શૈલેષ ડરપોક અને શરમાળ બનતો ગયો.કોઈની સાથે ખુલ્લા મને વાત કરવામાં તો તેને પરસેવો વળી જતો.પોતાનું એકનું એક સંતાન જ્યારે દુનિયાદારીનાં ત્રાજવામાં નીચે પટકાઈ ત્યારે કોઈ ને ન સંભળાય તેવો પડઘો માવતરના હ્રદય સોંસરવો નીકળી જતો હોય છે.
જેમતેમ કરીને શૈલેષે પોતાનું ભણતર પુરૂ કર્યુ.તેના એક સંબંધીની મદદથી તેને નોકરી પણ મળી ગઈ.પરંતુ ત્યાં તેનું વર્તન તેની એકલતાની ચાડી ખાતુ. પણ તેની કામ પ્રત્યેની નિષ્ઠાથી તે ત્યાં ટકી રહેવામાં સફળ થવા લાગ્યો.
શૈલેષ લગ્ન લાયક થઈગયો. દીકરી પસંદ કરવાની તેના ઘરે જઈ તેના સંસ્કાર ચકાસવાની અને બધુ સારૂ રહે તો વાત આગળ વધારવાની તૈયારી મંજુકાકીએ કરી રાખી હતી.પરંતુ પસંદગી કરવાની તક શૈલેષના નસીબમાં ન હતી. સામાન્ય દેખાવ અને અંતઃ મુખી પ્રતિભા ધરાવતા શૈલેષના નસીબમાં કોઈ સ્વરૂપવાન યુવતી ન હતી, તે વાત કાકા-કાકીએ મનમાંજ સ્વીકારી લીધેલ હતી.
રીદ્ધી નામની એક ૧૨ પાસ ભણેલી યુવતી સાથે શૈલેષના લગ્ન થયા.બાળપણમાં ફુલજરના તડતડ અવાજથી ડરીને કાકીની પાછળ છુપાઈ જતા શૈલેષના મનમાં આજે આતશબાજી થઈ રહી હતી.લગ્ન વિધીઓ પુર્ણ થઈ. મંજુકાકી ખુબ જ ખુશ હતા તેના લાડકવાયા દીકરાના સંસારને જોઈને.રિદ્ધી પણ સંસ્કારી લાગતી હતી. કાકા- કાકીના સપનાઓ હવે પુર્ણ થઈ જવાના હતા બસ શૈલેષ અને રિદ્ધીનાં સંસારમાં નવું સદસ્ય આવે તેની જ રાહ જોવાતી હતી.પારણું બંધાયું અને દિપેનનો જન્મ થયો.
પરંતુ આ સુખને માણવાનો આનંદ પણ કાકીનાં નસીબમાં ન હતો.કાકીનાં નસીબ કોઈ ગરીબની ઝુંપડીની બહાર રાખેલા માટલાની જેમ ફુટેલા હતાં.કાકા પહેલેથીજ બી.પી અને ડાયાબીટીશના દર્દી હતાં. એક દિવસ સવારે કાકી ચા આપવા ગયા પરંતુ કાકાના નસીબમાં કાકીના હાથની છેલ્લી ચા ક્યાં હતી? કાકીતો હવે નસીબનો વાંક કાઢતા પણ બંધ થઈ ગયા હતા. કાકાની મરણ વિધીઓ પતાવ્યા બાદ કાકી થોડા દિવસ તેની દેરાણીને ત્યાં ગયા.પોતાનામાં બાકી રહેલી હિંમતોને શોધી કાઢવાના પ્રય્તનો કરવા લાગ્યાં.પરંતુ જેમ રણમાં ફરતા ભોમિયાને પાણીના દરેક સ્ત્રોતની જાણ હોય તેમ કાકીને પણ જાણ થઈ ગઈ હતી કે તેના જીવનની દોરી પણ હવે નબળી પડવા લાગી છે. કાકીને હવે હિંમતની નહીં પણ હુંફની જરૂર હતી.
થોડા દિવસો બાદ કાકી ઘરે જાય છે. જીવની જેમ જતન કરેલાં રત્નની જેમ સાચવેલા શૈલેષે હવે તેની માં ની સેવા કરવાની હતી. પરંતુ કાકીને કયાં ખબર હતી કે દીકરાની વહુ દીકરા જેટલી ભોળી ન હતી. અને શૈલેષ પણ દોરીમાં બાંધેલા ભમરડાની જેમ રિદ્ધીના ઈશારે નાચવા લાગ્યો હતો. થોડાજ મહિનામાં કાકીની હાલત દયનીય થઈ ગઈ.
પાડોશીઓ પણ કાકીને મળવા આવતા પરિવારજનોને હાથ જોડીને વિનવતા કે કાકી ને અહીંથી લઈ જાઓ. પાડોશ માં રહેતા રતીબેને એક વખત ધ્યાનથી સાંભળ્યું કે રિદ્ધીએ મંજુકાકીને બુમો નાખી હડસેલો મારીને કહ્યું સવારે આઠ પછી બાથરૂમ-સંડાસ નહી જવાનું મારા દીપેન ને ઈનફેક્શન લાગી
જાય. આ વાત સાંભળી રતીબેન તો કાળજાળ થઈ ગયા. પરંતુ કાકીને શૈલેષનો મોહ જાણે છુટતો જ ન હતો અને શૈલેષને રિદ્ધીનો!!
કાકીનેે બધાએ બહુ જ સમજાવ્યા કે તમે એકલા રહો સુખી રહેશો પણ મંજુકાકી ન માન્યા.ખુબ જ દુઃખ સહન કર્યા બાદ અંતે કાકીને તેના નસીબનું સૌથી સારૂ ફળ ઈશ્વરે આપ્યું “ મોક્ષ”.
ઘણા વર્ષો બાદ આજે શૈલેષ અને રિદ્ધી આરામથી એકમેકમાં ખોવાઈને સુખ દુઃખની વાતો કરી રહ્યા હતાં ત્યાં અંદરથી એક બુમ સંભળાઈ છે બાથરૂમ સફાઈનો વારો કોનો છે? શૈલેષ રિદ્ધીને હાથ પકડીને ઊભી કરે છે અને પોતાની લાકડી લઈ બંને વૃદ્ધાશ્રમ માં પોતાના નસીબનું ભાથું લઈ પ્રવેશ કરે છે.
અંત