લલિત અને રીયા ના નવા નવા લગ્ન થયા હતા.
લલિત સ્માર્ટ લુકીંગ હોશિયાર અને વાચાળ હોવાથી ફ્રેન્ડ સર્કલ મોટુ હતું તથા સોશિયલ મીડિયા પર લલિત નો ડંકો વાગતો.
સામે રીયા પણ એકી નજરે ગમી જાય એવી દેખાવડી, સંસ્કારિત,વ્યવહારું અને ધાર્મિક.
બન્ને ના પરિવાર એકબીજાને ઓળખતા એટલે વધુ પુછપરછ ને સ્થાન ન્હોતુ આમ એકાદ મિટિંગ અને એક-બે વાર ની પર્સનલ મિટિંગ માં બધુ ગોઠવાઈ ગયું.
લલિત એક ટ્રાવેલ કંપની માં જોબ કરતો અને એ સીલસીલા માં અવારનવાર ટુર પર જવાનું થતુ.
રીયા ઘરરખ્ખુ ગૃહિણી હતી આવતા જ આખું ઘર સંભાળી લીધું અને સાસુ સસરાની સેવાચાકરી મન થી કરી બધાના દિલ જીતી લીધા હતા. સમય કાઢી પ્રભુભક્તિ કરી લેતી આમ એમનો સંસાર સુખપૂર્વક ચાલતો.
પણ કહે છે ને કે વધુ પડતા સુખને કોઈની નજર લાગી જાય છે એમ રીટા નામનું વાવાઝોડુ લલિત અને રીયા ના સંસાર માં કારણ બન્યુ અને એમના સુખને વેરણછેરણ કરવા લાગ્યુ.
રીટા લલિત ના પડોશમાં રહેતી રીયા ની હમઉમ્ર બટકબોલી છોકરી હતી. બપોરના સમયે જમી ફ્રી સમય માં બન્ને ટાઈમ પાસ કરતી.
રીયા ને મોબાઈલ માં વધુ રસ નહીં, રીટા એને મોબાઈલ શીખવાડતી વોટ્સએપ,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ,યુટ્યુબ જેવા સોશિયલ મિડિયા વિશે માહિતી આપતી આમ ધીરે ધીરે રીયા ને આમાં રસ પડવા લાગ્યો. એક દિવસ રીટાએ રીયા ને ફેસબુક એકાઉન્ટ ખોલી આપ્યુ, રીટાએ પહેલી ફ્રેન્ડ રીક્વેસ્ટ લલિત ને મોકલી અને ગણતરી ની મીનીટ માં એકસેપ્ટ પણ થઈ ગઈ. હવે રીયા રેગ્યુલર લલિત નો એકાઉન્ટ ચેક કરતી અને લલિત ની સ્ત્રી મિત્રો સાથે ના ફોટો અને કોમેન્ટ જોઈ જેલસ થવા લાગી અને ધીરે ધીરે એક શંકાના કીડા એ રીયા ના મનમાં જન્મ લીધો.
મિત્રો તમને કહું કે દુનિયા માં એક ચીજ એવી છે જે ખાધાપીધા વગર પણ વધતી રહે અને મોટી થઈ વિનાશ વેરે તો તમે નહીં માનો પણ આ શંકાનો કીડો એવી ચીજ છે જે કંઈપણ ખાધાપીધા વગર દિવસે દિવસે આપોઆપ મોટો થતો જાય અને તમારી સુખશાંતિ હરી તમારો સંસાર અસ્તવ્યસ્ત કરી નાખે.
હવે લલિત સામે આવે એટલે રીયા સવાલો ની બંદૂક તાકી ને ઊભી હોય.
ક્યાં ગયા હતા ?
પાછા ક્યારે આવશો ?
આજે મોડુ કેમ થયુ ? વગેરે વગેરે.
લલિત સંતોષકારક જવાબ દેતો પણ રીયા ને વિશ્વાસ ન્હોતો બેસતો.
પહેલા તો લલિત ધ્યાન આપતો ન્હોતો પણ ધીરે ધીરે સવાલો નો મારો વધતો ગયો અને લલિત પરેશાન રહેવા લાગ્યો. કામમાં પણ ધ્યાન ઓછુ થતુ ગયુ અને સોશિયલ મિડિયા થી પણ દૂર રહેવા લાગ્યો.
સોશિયલ મીડિયા પર એક્સપર્ટ થયેલી રીયા એ પ્લાન બનાવી ફેસબુક પર યુવતી નો હોટ ફોટો મુકી એક FAKE ID બનાવી લલિત ને રીક્વેસ્ટ સેન્ડ કરી અને રીયા ની અપેક્ષા મુજબ લલિતે તરત જ એકસેપ્ટ કરી.
રોજ ચેટીંગ થવા લાગી રીયા લલિત ને પોતાની જાળમાં ફસાવવા લાગી.
એકાદ મહિના પછી રીયા ને ખાત્રી થઈ ગઈ કે હવે લલિત ને ઉઘાડો પાડવાનો બરોબર નો લાગ છે એટલે એણે લલિત ને એકલા મળવા માટે સમય માંગ્યો, પોઝિટિવ જવાબ આવતા રવિવારે સાંજે પાંચ વાગે પોતાના ઘરથી દૂર લવ ગાર્ડન માં મિટિંગ ગોઠવી.
ચાર દિવસ પછી એ રવિવાર આવી ગયો, લલિત ને રજા હતી રીયા ની નજર લલિત પર જ હતી કે એ હવે શું કરશે ?
બપોરે જમીને પરવાર્યા અને લલિત નો ફોન વાગ્યો કોલ રિસીવ કરી અંદર ના રૂમમાં ગયો દરવાજો બંધ કરી વાત કરવા લાગ્યો, થોડીવારે બહાર આવી અરજન્ટ કામ આવી ગયુ છે એટલે જવું પડશે, વાર લાગી જશે એટલે સાંજના મોડું થશે તો મારા માટે જમવાનું નહીં બનાવતા બોલી તૈયાર થઈ નીકળી ગયો.
હવે રીયા ને પાકી ખાત્રી થઈ લલિત શું કામ અને ક્યાં જવાનો છે.
થોડીવાર પછી રીયા પણ તૈયાર થઈ ઓટો માં બેસી નિર્ધારિત સ્થળે પહોંચી ગાર્ડન ના પ્રવેશ દ્વાર પર નજર રાખી શકાય એવી એક ખાલી બેન્ચ પર બેસી લલિત ની રાહ જોવા લાગી.
પાંચ મિનિટ થઈ અને રીયા ની ફેસબુક ટોન રણકી જોયું તો લલિત નો નોટિફિકેશન હતો, લખ્યુ હતુ આમ જાહેર માં મળવુ ઠીક નથી માટે ગાર્ડન ની બાજુમાં લવ બર્ડ હોટલ છે ત્યાં આવી જા મેં મારા નામે એક રૂમ બુક કરી રાખી છે.
વાંચી રીયા ને માનવામાં ન આવ્યુ કે લલિત આટલી હદે જઈ શકે પણ આજે ફેંસલો કરવો જ હતો એટલે હિમ્મત કરી હોટલ તરફ પગ ઉપાડ્યા અને બે મિનિટ માં જ ત્યાં પહોંચી ગઈ ત્યાં સુધી તો મનમાં ધણું બધુ વિચારી લીધુ હતુ લલિત ને આમ કહીશ, આમ સંભળાવીશ અને છેલ્લે છુટાછેડા આપી દઈશ.
રિસેપ્શન પર લલિત ના રૂમ ની પૂછપરછ કરી એ તરફ આગળ વધી.
રૂમ નંબર 303 પર ટકોરા મારી ધૂંઆપૂંઆ થતી રીયા ઊભી હતી અંદર થી અવાજ આવ્યો કમ ઈન, જોરથી દરવાજો હડસેલી રીયા જેવી અંદર દાખલ થઈ અને તેના પગ ત્યાંજ ખોડાઈ ગયા, બેડ પર કોઈ અજાણ્યો યુવક સુતો હતો બાજુ માં ટીપોય પર દારુ ની બાટલી અને બે ગ્લાસ પડ્યા હતા.
જોતા જ રીયા બોલી લલિત ક્યાં છે ?
રીયા ને જોતા એ યુવક પણ અચરજ પામ્યો અને બોલ્યો ફેસબુક પ્રોફાઈલ માં તો તારો ફોટો અલગ છે.
રીયા બોલી તમને કેમ ખબર મારા ફેસબુક વિશે ?
યુવક બોલ્યો હવે વધુ ભોળી ન બન અને જે કામ માટે તું આવી છે એ પુરું કર, અને અચાનક બેડ પરથી ઊભો થઈ એ યુવકે દરવાજો બંધ કરી રીયા તરફ આગળ વધી રીયા નું મોંઢુ બંધ કરી બેડ તરફ ઘસડવા લાગ્યો, રીયા તરફડીયા મારતી હતી પણ એક વાસનાઘેલા માણસ ની સામે લાચાર હતી.
રીયા રડતી રહી કરગરતી રહી પણ યુવક ના માથે હેવાન સવાર હતો એણે જોરથી રીયા ને બેડ પર ફંગોળી, મોઢું ખુલતા જ રીયા એ બચાવ ની બૂમ પાડી,
અને ચમત્કાર થયો હોય એમ ધડાકાભેર દરવાજો તૂટ્યો અને હાથ માં ગન સાથે પોલીસ અંદર આવ્યો એની પાછળ લલિત અંદર પ્રવેશ્યો અને બરાડો પાડ્યો છોડી દે એને.
પોલીસ જોઈ યુવક ના હોશકોશ ઊડી ગયા, રીયા દોડી ને પોલીસ ની પાછળ ઊભેલા લલિત ને વળગી પડી અને રડતા રડતા બોલવા લાગી લલિત તું સમયસર ન આવ્યો હોત તો ન બનવાનું બની જાત, અને આ બધુ શું છે ? આ માણસ કોણ ? અને તું અહીંયા કેવી રીતે આવી ગયો ?
લલિત બોલ્યો આ મારી સાથે ભણતો કોલેજ નો લફંગો છે, મારું ફ્રેન્ડ સર્કલ અને સ્ત્રી મિત્રો જોઈ જેલસ થતો હતો અને મારી બરોબરી કરી ન શક્યો એટલે એક મહિના પહેલા મારું ફેસબુક એકાઉન્ટ હેક કરી મારા મિત્રોને ફસાવતો ફરે છે.
મેં પોલીસ કમ્પલેન્ટ કરી રાખી હતી અને આ લફંગા ની શોધખોળ ચાલુ હતી આજે એનો મોબાઈલ ટ્રેક કરતા અહીંયા આવી પહોંચ્યા.
પણ તું અહીંયા ક્યાંથી ?
રીયા પરિસ્થિતિ જોઈ બધું સાચું બોલી ગઈ અને તને રંગેહાથ પકડવા આ રમત રમી.
લલિત બોલ્યો તે મારા પર શક કરી બરોબર નથી કર્યુ. માન્યુ કે હું બધા સાથે હળતો મળતો અને ફ્રી માઈન્ડેડ હતો, પણ આ બધુ કરતા પહેલા એકવખત મારી સાથે ખુલીને વાત તો કરવી હતી, જરાક વહેલુંમોડું થયુ હોત તો તને જીવ આપવાનો વારો આવત. આગ સાથે રમવાની શું જરૂર હતી ?
રીયા બોલી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે પ્લીઝ, આવી ભૂલ બીજીવાર નહીં કરું.
લલિત બોલ્યો એકવાર વિશ્વાસ તુટી જાય પછી એ જોડાવું મુશ્કેલ છે. માટે મને હંમેશ માટે ભૂલી જા, હમણાં જ મારું ફેસબુક એકાઉન્ટ રીકવર કરી બધાની સામે જ તને ડાયવોર્સ આપી છુટી કરું છું.
હું પોલીસ સ્ટેશને જઈ આ લફંગા ની વીધી કરી ઘરે આવુ છું ત્યા સુધી તારો સામાન પેક કરી રાખજે તને તારા મમ્મી પપ્પા પાસે છોડી આવીશ.
રીયા રડતી,કરગરતી રહી પણ લલિત પર તેની કોઈ અસર ન થઈ. લલિત પોલીસ સાથે ગયો અને રીયા લથડતી ચાલે ઘરે જઈ પેકીંગ કરવા લાગી.
સાસુ સસરા એ પૂછ્યુ શું થયું ? રીયા એ બધી વાત કરી અને હવે એનું સ્થાન આ ઘરમાં નથી એ જણાવ્યુ.
સાસુ સસરા પણ રીયા ની ભૂલ ઉપર ગુસ્સે થયા અને કીધુ લલિત નું કહેવુ બરોબર છે તું અમારા ઘરને લાયક નથી તારા કરતા ઘણી સારી છોકરાઓ મળી જશે અમારા લલિત ને.
એટલા માં રીયા ના ફેસબુક એકાઉન્ટ પર નોટિફિકેશન આવ્યુ લલિતે એને ડાયવોર્સ આપી ઘર છોડવા જણાવ્યુ હતું વાંચી રીયા જોરજોરથી રડવા લાગી.
થોડીવાર માં જ લલિત આવ્યો સાથે રીયા ના મમ્મી પપ્પા પણ હતા, આવતાંવેત જ બન્ને રીયા પર વરસી પડ્યા અને બોલ્યા લલિત કુમારે અમને બધી વાત કરી આવો દેવ જેવો જમાઈ મળવો મુશ્કેલ હતો, તે તારી નાદાની થી એને પણ ખોઈ નાખ્યો ચાલ હવે સામાન ઊંચક અને ચાલ અમારી સાથે.
રીયા ચૂપચાપ બેગ ઊપાડી ચાલવા લાગી, એના મમ્મી પપ્પા પણ બધાની માફી માંગી એની પાછળ ચાલવા લાગ્યા.
જેવી રીયા દરવાજો ઓળંગવા ગઈ તેવો લલિત નો અવાજ આવ્યો ઊભી રહે જતા જતા ટીવી પર બ્રેકીંગ ન્યુઝ જોતી જા બોલતા લલિતે ટીવી ઓન કર્યુ.
રીયા ચૂપચાપ સાંભળતી રહી અને ટીવી તરફ જોયુ મહિલા ન્યુઝ એંકર રાડો પાડતા પાડતા બોલતી હતી મોદી સરકાર નો મહિલાઓ ના હીતમાં એક મોટો ફેંસલો આજથી કોઈપણ માણસ સોશિયલ મિડિયા દ્વારા પત્ની ને છુટાછેડા નથી આપી શકતો.
રીયા અને એને મમ્મી પપ્પા પ્રશ્નાર્થ ચહેરે લલિત તરફ જોઈ રહ્યા કે આ બધું શું ?
લલિત ખડખડાટ હસવા લાગ્યો અને રીયા તરફ જતા બોલ્યો અરે ડોબી હું તને આવી રીતે છોડી શકું ?
અને રીયા ને ઉષ્માભેર આલિંગન આપી બોલ્યો
આ તો તને જરા અક્કલ આવે એટલા માટે મારા મમ્મી પપ્પા સાથે મળી ને એક નાટક કરી તને હેરાન કરી.
રીયા ના સાસુ સસરા બોલ્યા હા બેટા લલિતે તારા આવવા પહેલા ફોન કરી અમને બધુ જણાવી દીધું હતું અને અમે પણ એના નાટક ના પાત્ર બની થોડો અભિનય નો લ્હાવો લઈ લીધો.
રીયા સાસુ સસરા ને પગે લાગી, સાસુએ એને ઊભી કરી બાથમાં લઈ કપાળે બકી ભરી લીધી.
લલિત એના સાસુ સસરા તરફ ફરી પગે લાગી માફી માંગી તમને હેરાન કર્યા એ બદલ દિલગીર છું.
માન્યામાં ન આવતું હોય એમ રીયા અને એના મમ્મી પપ્પા લલિત ને જોઈ રહ્યા.
રીયા લલિત તરફ જોઈ બોલી આજથી ફેસબુક ને બધુ બંધ કરી પહેલા ની જેમ રહીશ.
લલિત બોલ્યો ના એવુ કરવાની જરૂર નથી તું બધુ ચાલૂ રાખ સોશિયલ મિડિયા નો સંયમિત ઉપયોગ કરવું કાંઈ ખરાબ નથી એનાથી તમે દુનિયા આખામાં શું ચાલી રહ્યુ છે એનાથી અપડેટ રહો છો અને દૂર રહેતા ફેમીલી મેમ્બર્સ થી કનેક્ટેડ રહો છો.
હા એના ખરાબ પાસા પણ છે એનાથી બચતા રહેવુ.
રીયા ભાવવિભોર થઈ લલિત ને સાંભળી રહી અને મનોમન ભગવાન નો આભાર માન્યો કે એને આવો સમજદાર જીવનસાથી મળ્યો.
~ અતુલ ગાલા (AT), કાંદીવલી, મુંબઈ.