લોસ્ટેડ - 25
રિંકલ ચૌહાણ
"આઈ કાન્ટ બિલીવ ધીસ રાહુલ..."આધ્વીકા ગુસ્સામાં ધ્રુજી રહી હતી. એણે પોતાનો ફોન રાહુલ તરફ ફેંક્યો, રાહુલ એ ફોન માં પોતાના અને આધ્વીકાના અફેર સંબંધિત ન્યુઝ જોઈ.
"આઈ સ્વેર, હું તમને કહેવાનો જ હતો. આ ન્યૂઝ મે કોઈને નથી આપી આધ્વી..."
"આધ્વીકા રાઠોડ નામ છે મારું, ડૉન્ટ યૂં ડેર કોલ મી આધ્વી. ગેટ આઉટ..." આધ્વીકા બરાડી ઉઠી.
રાહુલ ના ગયા પછી આધ્વીકા એ દરવાજો લોક કર્યો, તે જમીન પર ફસડાઇ પડી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.
"મિ. ઠાકોર તમે ન્યૂઝ વાંચ્યા આજના, આધ્વીકા રાઠોડ નું નામ મર્ડર કેસ માં ઉછળ્યું છે. આ જ સમય છે કે આપણે કોઈ સારી એવી સ્કીમ બહાર કાઢી કસ્ટમર્સ ને આપણી તરફ ખેંચવા જોઈએ." રાજેશ ચૌધરીએ ઓફિસમાં આવતાં જ મેનેજરને બોલાવી પોતાના મનસૂબા જણાવ્યા. મેનેજર હકાર માં માથું હલાવી કેબીનની બહાર આવી ગયા.
"એક છોકરીની ઇજ્જત દાવ પર લાગી ગઈ છે ને આમને મજા આવે છે, મોટા લોકોની મોટી વાતો મને સમજાતી જ નથી." મેનેજર હતાશામાં માથું હલાવી પોતાના ટેબલ પર ગોઠવાઈ નવી માર્કેટિંગ સ્કીમ પર કામ કરવા લાગ્યા.
રડી રડીને આધ્વીકાની આંખો સૂજાઇ ગઇ હતી, સતત એના ફોનની રીંગ વાગી રહી હતી.
"હેલ્લો શું છે?"જ્યારે ચોથી વાર ફોનની રીંગ વાગી તો એણે ગુસ્સામાં ફોન ઉપાડ્યો.
"મેડમ જયેશ બોલું છું, મિતલ ચૌધરી વિશે એક ન્યૂઝ છે. તમે બીઝી હોવ તો પછી ફોન કરું."
"ના એવું કઈ નથી અને સોરી. બોલ બોલ શું ન્યૂઝ છે?"
"મેડમ જે દિવસે મિતલ ગાયબ થઈ હતી એ દિવસે એ છેલ્લી વાર બાલારામ પેલેસ આજુબાજુ દેખાઈ હતી. પછી કોઈ બ્લેક બલેનો માં બેસી એ ત્યાંથી નીકળી ગયેલી એના પછી એને કોઈએ જોઈ નથી."
"બાલારામ પેલેસ? તું હજુ કઈ ખબર મળે તો કાઢ એ ગાડીનો નંબર મળે એવો ટ્રાય કર. એ છોકરીનું મળવું ખુબ જરૂરી છે."
"ઓકે મેડમ હું ફોન કરું તમને." બન્ને બાજુથી ફોન મુકાઇ ગયા.
ઘરના દરવાજાને તાળું મારી ગાડી માં બેસી આધ્વીકા એ ગાડી રોડ પર લીધી, નીચે ઉતરી મેઇન ગેટ બંધ કરી આધ્વીકા એ રાહુલના ઘર તરફ એક નજર નાખી. ગેટને તાળું મારેલું હતુ ઉંડો શ્વાસ લઈ આધ્વીકા એ ગાડી હાઇવે તરફ દોડાવી.
બાલારામ પેલેસ નજીક ગાડી પાર્ક કરી આધ્વીકા જંગલ તરફ આગળ વધી.
"આટલામાં જ ક્યાંક મિતલ છેલ્લી વાર નજરે ચડી હતી, અહીં કંઈક તો થયું હતું જે મારા માટે જાણવું જરૂરી છે." આધ્વીકા એ આજુબાજુ નજર દોડાવી, 4 ખેડૂતો જઈ રહ્યા હતા.
"કાકા તમે રાજેશ ચૌધરીને ઓળખો છો?" એમની જોડે જઈ એક જણ ને આધ્વીકા એ પૂછ્યું.
"હા ઈને કોન નહી ઓળખતું, પણ તારે શું કામ છે દિકરા?" ખેડુત એ જવાબ આપ્યો.
"એમની છોકરી મિતલ થોડા ટાઇમ પહેલા ગાયબ થઈ ગઈ હતી. હું એની દોસ્ત છું, મે એવું સાંભળ્યું છે કે એ છેલ્લી વાર આ જ જગ્યાએ જોવા મળી હતી." આધ્વીકા એ અર્ધસત્ય કીધું.
"હા રે દિકરા, ઇ છોડી તો એના મા-બાપનું નાક કાપી ને ગઈ. મૂળજીએ એને કોક છોકરા જોડે ગાડીમાં બેસીને જતા જોઈ તી, નઈ તો કોઈને ખબર જ ન પડત કે ક્યો ગઈ."
"મૂળજીકાકા કોણ? હું એમને મળી શકું?" આશાનું એક કીરણ જોઈ આધ્વીકાને રાહત મળી.
"હાલ તો ખેતર માં હશે, હાંજે મળહે." ખેડૂત એ જણાવ્યું.
"તો કોઈને મોકલશો જે મૂળજી કાકાનું ઘર બતાવી શકે, વિકાસ રાઠોડ ના ઘરે?"
"વિકાસ...... તું વિકાસની છોડી સોનું તો નઈ કે?" ખેડૂત એ આધ્વીકાને ધ્યાનથી જોતા પૂછ્યું.
"હા હું સોનું જ છું.." આધ્વીકા એ એક નાનકડી સ્માઈલ આપી.
"દીકરા કેટલા વર્ષે દેખી તને સાવ નાની હતી તઈ દેખેલી, તારા મા-બાપ જોડે બહું ખરાબ થયું તું. ભગવાન ના ઘરે દેર છે અંધેર નઈ, રાજેશ એ જે કર્યું હતું તારા મા-બાપ જોડે એનું જ ફળ એને મળ્યું." ખેડૂત એ પોતાની વાત પૂરી કરી.
"અરે બાપૂ કેટલીક વાતો કરશો દાડો ચડ્યો હવે તો મોડું થાય છે, હેડો હવે." બીજા ખેડૂતો અધીરા થયા હતા.
"ફળ? રાજેશ ચૌધરી એ શું કર્યું હતું મા અને પપ્પા જોડે?" એક રહસ્યને શોધવા આવેલી આધ્વીકા બીજા રહસ્યમાં અટવાઈ ગઈ. એણે જયશ્રીબેનને ફોન લગાવ્યો.
"હા બેટા બોલ..."આધ્વીકાનો નંબર જોઈ જયશ્રીબેન એ તરત ફોન ઉપાડ્યો.
"ફઈ મમ્મી-પપ્પા રાજેશ ચૌધરીને ઓળખતા હતા?" આધ્વીકા એ સીધી મુદાની વાત કરી. જયશ્રીબેનના હાથમાંથી ફોન છૂટીને જમીન પર પછડાયો. એમને ઘર ગોળ ગોળ ફરતું દેખાવા લાગ્યું.
"સોનું ને બધી ખબર પડી ગઈ હશે? ના ના એને ખબર ના પડવી જોઈએ. પણ એને બધી ખબર પડી ગઈ હશે તો? હું શું જવાબ આપીશ જ્યારે એ જાણશે કે એના મા-બાપ ના મોત નું કારણ હું હતી."
ક્રમશઃ