છેલ્લે આપણે જોયું કે રાઘવ કોઈ છોકરીને લઈ વિલા પર આવે છે. ત્રિષા અને જેક રાઘવ પાસેથી એ છોકરીની સચ્ચાઈ જાણવાની કોશિશ કરે છે, પણ રાઘવ તેમને જવાબ આપ્યા વગર જ ચાલ્યો જાય છે.
હવે આગળ......
**********
મેરી મિલીની ખરાબ તબિયતનું બહાનું બનાવી રિસર્ચ સેન્ટરમાંથી બન્ને માટે એક દિવસની રજા મંજૂર કરાવી, મિલીના ઉઠવાની વાટ જોતા બાલ્કનીમાં બેઠી હતી. તેને આખી રાતનો ઉજાગરો હતો, છતાં અત્યારે આંખમાં નીંદરનું નામોનિશાન નહતું. તેને પોતાની જાત પર જ ગુસ્સો આવતો હતો. કેમકે, તે આટલા સમયથી હર્બિનમાં અને એજ રિસર્ચ સેન્ટરમાં હતી, જેમાં રાઘવ અને તેની ટીમ વાયરસ ચોરવા માટે આવ્યા હતા, છતાં તેને વાયરસ વિશે પૂરતી જાણકારી નહતી અને બીજુ કારણ એ હતું કે રાઘવે તેના કોઈપણ ઉપરી સાથે વાત કર્યા વિના જ મેરીને યુ. એનમાં જવાની ના પાડી દીધી હતી.
મેરી ગમે તેમ તોય એક અમેરિકન હતી, જન્મથી નહીં તો કર્મથી. પણ હતી પક્કી અમેરિકન અને ભારત જેવા દેશનો એક નાનો અમથો હજુ ઉગતો જાસૂસ તેના જેવા અનુભવી અને અમેરિકન વ્યક્તિને એક ઝાટકે ના પાડી દે, એ તેનાથી હજમ નહતું થતું.
પરંતુ અત્યારે તેનાથી કંઈ થાઈ એમ હતું નહીં. કારણ કે જો તે આ બનાવ વિષયે પોતાના ઉપરીને વાત કરે તો તેની જ ફજેતી થાય, કેમકે આવા ગંભીર મામલામાં પોતે ગાફેલ રહી હતી અને પોતાની રીતે આગળ વધવાનો સમય હવે નીકળી ચુક્યો હતો. તેથી મેરીએ હાલ પૂરતો રાઘવનો સાથ દેવાનું નક્કી કર્યું.
મિલી ઉઠી ત્યારે મેરી હજુ પણ બાલ્કનીમાં જ બેઠી હતી. આખી રાતના ઉજાગરાના કારણે બેઠા બેઠા જ મેરીની આંખ લાગી ગઈ હતી. મિલી રસોડામાં જઈ તેના અને મેરી માટે ચાનો કપ લઈ બાલ્કનીમાં આવી. મિલીનાં આવવાના પગરવથી મેરી જાગી ગઈ. મિલી પણ મેરીને ચાનો કપ આપી કંઈપણ બોલ્યા વિના ચુપચાપ તેની પાસે બેસી ગઈ.
મિલીને જોઈ મેરી યાદ આવ્યું કે હજુ તેને પણ રાઘવ સાથે જોડાવા રાજી કરવાની છે. આમપણ તેને જ સામે ચાલીને રાઘવને કહ્યું હતું કે, તે મિલીને તેમનો સાથ આપવા મનાવી લેશે. તેણે મિલી સામે જોયું, તે એમજ ચુપચાપ શૂન્યમાં તાકતા પલક જપકાવ્યા વિના વિચારોમાં ખોવાયેલી બેઠી હતી. મેરી પોતાની ચા પૂરી થતાં ખાલી કપ રસોડામાં મૂકી પરત આવી ત્યાં સુધીમાં મિલી બાલ્કનીમાંથી ઉઠી હોલમાં આવી ગઈ હતી. મિલીએ ઘડિયાળ સામું જોઈ મેરીને સવાલ કર્યો, "તમે મને જગાડી કેમ નહીં? અને રિસર્ચ સેન્ટર પર નથી જવું?"
"મેં આપણા બન્ને માટે આજે રજા મૂકી દીધી છે. કાલ રાતના ઉજાગરાનો થાક છે... "મેરીનો જવાબ સાંભળતા જ મિલીને કાલ રાતની ઘટનાઓ તાજી થઈ ગઈ. તેને જેકની યાદ આવી. કેમકે છેલ્લા ઘણા દિવસોથી તે મિલીને સરખો મળ્યો નહતો અને કાલ રાત્રે અચાનક મળ્યો, તોપણ સરખી રીતે વાત થઈ હતી નહીં, એમાં પણ રાઘવ અને વિરાજે તો તેને એક પળ માટે પણ જેક સાથે વાત કરવાનો મોકો જ નહતો આપ્યો.
મેરી પણ મિલી પાસે બેઠી, તે વર્ષોની અનુભવી હતી, માટે ક્યાં વ્યક્તિ પાસે કેવી રીતે કામ કરાવવું તે સારી રીતે જાણતી હતી. માણસની નબળી કડીનો લાભ લેવામાં મેરીની તોલે રાઘવ અને વિરાજ પણ નહતા. મેરીએ એજ ચાલ મિલી પર અજમાવવાનું નક્કી કર્યું. કેમકે તે જાણતી હતી કે મિલી જેક માટે કંઈ પણ કરવાની ના નહીં પાડે,બસ તેને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.
"મિલી, કાલ રાતની વાત પર તારો શું મંતવ્ય છે? " મેરીએ સલુકાઈથી મિલીના મનની વાત જાણવા માટે એકદમ ભોળાભાવે પૂછ્યું, કેમકે મિલીના જવાબ પર જ તે પોતાની આગામી ચાલ નક્કી કરી શકે, કારણ કે જો મિલી વધારે સવાલ જવાબ કર્યા વિના સરળતાથી માની જાય તો કંઈ વાંધો નહોતો, પણ જો તો આ મામલામાં વધારે ઉંડા ઉતરવાની કોશિશ કરે અથવા તો સાથ ન આપે તો થોડી કડકાઈથી પણ કામ લેવું પડે.
"મને તો કંઈ સમજાતું નથી, શું કરવું જોઈએ? તમે જ કહો... તમે મારા સિનિયર પણ છો.. મિત્ર પણ અને મારા કરતાં વધારે અનુભવ પણ છે દુનિયાનો, તમારી પાસે... " મિલીને આ પરિતિમાં શું કરવું જોઈએ એ સમજાતું નહતું. તેની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આમપણ વિદેશમાં તમે એકલા હોવ અને તમારા અંગત કહી શકાય તેવા વ્યક્તિની આડશ લઈ અજાણ્યા લોકો અડધી રાત્રે તમને ચોરી કરવાનું કહે એ પણ દેશ-દુનિયાનાં લોકોની ભલાઈ માટે, તે કોઈપણ વ્યક્તિ બે ઘડી સ્તબ્ધ થઈ જાય. માટે મિલીએ સઘળા નિર્ણય લેવાનું કામ મેરીના ખભે નાખી દીધું.
પરંતુ મેરીને તો બગાસું ખાતા પતાસું મળ્યાની ખુશી થઈ આવી, કેમકે તેને ભરસો નહતો કે મિલી એટલી આસાનીથી પરિસ્થિતિ સ્વીકારી લેશે. તેને તો બસ હવે મિલીને વાતોના વમળમાં ફસાવી તેના પાસે 'હા' કહેરાવાની હતી. આમેય મિલીએ પોતે જે નિર્ણય લે એમાં સાથ દેવા સંમતિ આપી જ હતી.
મેરીએ જુદા જુદા તથ્યો તથા અમુક મનઘડંત કહાનીઓ કહી મિલીને આખરે રાજી કરી જ લીધી. પણ અચાનક જાણે મિલીના મગજને ઝટકો લાગ્યો હોય તેમ તેને યાદ આવ્યું કે વિરાજ અને જેકના ગયા પછી પણ રાઘવ અહીં રોકાયો હતો અને એ વખતે મેરીએ પોતાને સૂવા મોકલી દીધી હતી, એટલે નક્કી તેમના વચ્ચે કોઈ ખાનગી વાતચીત થઈ હતી અને એનો મતલબ એવો હતો કે મેરી રાઘવને પહેલાથી જાણતી હોય, તોજ એ તેને રોકાવા દે. અરે! ઘરમાં પ્રવેશવા દે, અને અત્યારે પણ મેરીએ એકવાર પણ રાઘવ કે વિરાજ વિરુદ્ધ એકપણ હરફ ઉચ્ચાર્યો નહતો, બલ્કે એ તો તેને દરેક વાતમાં ડર કે લોભ દેખાડી પોતાને સાથ દેવા માટે જ સમજાવતી હતી. તો શું, એનો મતલબ એ હતો કે મેરી પણ પેલા આવેલા લોકો સાથે મળેલી હતી? શું જેક પણ....
મિલી વધારે વિચારી નહતી શકતી. તેણે મેરીને જ સવાલ કર્યો, "પેલા મિ. આર કાલ રાત્રે અહીં કેમ રોકાયા હતા? તમે તેને પહેલાથી જ જાણતા હતા ને?"
મેરીના ચેહરા પણ જાણે પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એવા ભાવ આવીને જતા રહ્યા. તેણે તરતજ પોતાના ચેહરાના ભાવો પર નિયંત્રણ મેળવી લીધું. એ રાઘવ સાથે ચર્ચા કર્યા વિના મિલીને વધારે વિગત આપવા માંગતી નહતી. તેથી તેણે મિલીને કહ્યું, "એ બધું તને આજે સાંજે ખબર પડી જ જશે.. અને આપણે તો આ બધું જેક માટે કરીએ છીએ.." કહેતા મેરી પોતાના રૂમમાં ચાલી ગઈ.
વિરાજ અને રાઘવની પાછળ પાછળ જેક અને ત્રિષા પણ રૂમમાંથી બહાર આવી હોલમાં બેઠા. આજે પહેલી વાર જેકને પણ પોતે માત્ર એક ઉપયોગનું સાધન હોય એમ લાગ્યું. કેમકે આજ પહેલા જે વર્તન ત્રિષા સાથે થતું, તે આજ તેની સાથે પણ થયું હતું. હવે તેને ત્રિષાની મનસ્થિતિનો ખ્યાલ આવતો હતો,પણ તે પોતાના માટે કે ત્રિષા માટે વિરાજ કે રાઘવ વિરુદ્ધ જઈ શકતો નહતો કે ન તેમને આ માટે ફરીયાદ કરી શકે એમ હતો. કેમકે એ પણ મિશનમાં જોડાયો તો પોતાના સ્વાર્થને ખાતર જ હતો ને...
નતાશાની આંખોમાં રાઘવ માટે કૃતજ્ઞતાના ભાવ હતા. પગમાં લાગાડેલા મલમથી તેને દર્દમાં થોડી રાહત મળી હતી, માટે તેણે રાઘવ પાસે જવાની પરવાનગી માંગી.
"હવે મારે નીકળવું જોઈએ. દુખાવા પણ હવે રાહત છે... મદદ માટે આપનો આભાર.. "કહેતા નતાશા ઉભી થઈ બહાર જવા ડગલા માંડ્યા, પરંતુ રાઘવે તેને અધવચ્ચે જ રોકી ફરીથી સોફા પર બેસાડી દીધી.
" મારે જવું છે.. તમે મને કેમ રોકી રહ્યા છો? "નતાશાએ ગુસ્સાથી રાઘવને કહ્યું.
" ક્યાંય નથી જવાનું, તારી પાસે ફક્ત એક જ વિકલ્પ છે, અને એ છે અમારો સાથ દેવાનો. "રાઘવ પણ સામે એવા જ સખ્ત અવાજે જવાબ આપ્યો.
" અને જો હું એ ન માનુ તો? તમે જાણો છો,હું કોણ છું? "નતાશા વધારે ગુસ્સો કરતાં બોલી.
" ન માન તો અહીં જ, આ જ વિલામાં કેદ રહેવું પડશે અને તારા વિશે તારા કરતાં વધારે જાણકારી છે, મારી પાસે... હું હમણાં જ તારા બોસ સાથે વાત કરી લઉ. " કહેતા રાઘવ બગીચા તરફ ચાલ્યો ગયો.
બોસ સાથે વાત કરવાનું સાંભળી નતાશા ઢીલી પડી ગઈ. એવું નહતું એ એકદમ ભલી ભોળી હતી, એ પણ જમાનાની ખાધેલ હતી, પણ જ્યારથી તેને રાઘવને બેગ પહોંચાડવાનું કામ સોંપાયું હતું, ત્યારથી તેના મનમાં કશુંક અમંગળ થવાની લાગણી થઈ રહી હતી.
રાઘવના ગયા પછી વિરાજ અને જેક પણ પોત પોતાના કામે વળગી ગયા. માત્ર ત્રિષા નતાશા પાસે બેઠી. જાણે આંખોથી જ તેને સાંત્વના આપવી હોય એમ તેની સામે જોઈ રહી અને મનમાં જ પોતાની જાતને કહેતી રહી, હું આ છોકરીનો સાથ આપીશ.
*********
શું મિલીને મેરીની વાત પર ભરોસો હશે? શું રાઘવ નતાશાને પણ પોતાના મિશનમાં સામેલ કરી લેશે? શું ત્રિષા નતાશા માટે રાઘવની વિરુદ્ધ જશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિંદ.