Jingana jalsa - 3 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 3

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 3

પ્રકરણ 3


આગળ આપણે અચલગઢ કિલો અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી તથા જીંગાભાઈના ભડાકા જોયા હવે આગળ....

"બ્રહ્માકુમારી પીસપાર્ક" માઉન્ટ આબુના અરાવલી પર્વત પર આવેલ છે. પીસ પાર્ક વિભિન્ન, મનમોહક સુંદર ફૂલોથી ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્યનું એક અનોખું ઉદાહરણ છે.

પીસપાર્કનું આધ્યાત્મિક સૌંદર્ય વધારવા "ઉલ્હાસ નગર સેવા કેન્દ્ર" તરફથી વૈકુંઠધામના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા સુંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અનેક વર્કિંગ મોડેલોથી સુસજ્જિત વૈકુંઠ દર્શન નિહાળવાનો લ્હાવો લેવા જેવો છે. દેવી-દેવતાઓની વર્કિંગ મૂર્તિઓથી બનેલ સુંદર મનમોહક ઝાંખીઓનું શુભ ઉદ્ઘાટન "પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય"ના મુખ્ય પ્રશાસનિકા આદરણીય દાદી જાનકીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આખા પાર્કમાં રંગબેરંગી અનેક પ્રકારના ફુલછોડ આયોજન બંધ રીતે વાવવામાં આવ્યા છે.સાથે સાથે ધ્યાનમાં બેસવા માટે ઘણી જગ્યાઓ પણ રાખવામાં આવી છે.

એક ખૂબ જ મોટો ગુલાબનો બગીચો પણ બનાવવામાં આવ્યો છે.જેમાં દેશ-વિદેશના વિવિધ રંગીન ગુલાબો મનને મોહિત કરી દે છે.

"બ્રહ્માકુમારી પીસપાર્ક" શાંતિનું પ્રતિક ગણવામાં આવે છે.બાહ્ય શાંતિની સાથે સાથે આંતરિક શાંતિ ને વધુ મહત્વ આપવાનો ધ્યેય "બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો" છે.

આ પાર્કમાં અમુક જગ્યાઓ પર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે.સાથે સાથે એમના સ્વયંસેવકો આપણે ફરતા હોઈએ ત્યારે શાંતિ જાળવવાની સૂચના આપતા રહે છે. નિરવ શાંતિમાં સુંદર અને સુગંધી ફૂલો વચ્ચે ફરતી વખતે સ્વર્ગની સફર જેવો અહેસાસ થયા વગર રહેતો નથી.

અમે ગાર્ડનમાં ફરતા હતા ત્યારે જ અમારી સાથે પહેલા કોલેજીયન યુવક-યુવતીઓ પણ ફરતા હતા.નશામાં અને નશામાં અમારા મિત્રો સાથે મશ્કરી કરતા હતા.અમારા મિત્રો પણ મશ્કરી કરીને મજા લેતા હતા.મશ્કરી હવે મર્યાદા ઓળંગી દેખાવા લાગે એટલે મેં અમારા મિત્રોની જાણ અમારા સરને કરી. સરે તરત જ બધાને પાર્કની બહાર જવાની સુચના આપી.

અમે બધા ગાર્ડનમાંથી બહાર આવવા લાગ્યા, પણ પેલા લોકો પણ અમારી પાછળ પાછળ આવવા લાગ્યા.અમારા ત્રણ મિત્રો અમારી પાછળ રહી ગયા હતા, જે અમારા ધ્યાનમાં રહ્યું નહીં.

અમે બધા બસમાં બેસી ગયા. જ્યારે અમારા જે મિત્રો પાછળ રહી ગયા હતા એ લોકો પહેલા કોલેજિયનોની બસમાં મસ્તી કરતા કરતા ચડી ગયા. વિજયભાઈ અને અમારા સર ચા પીવા માટે આગળ ચાની લારી હતી ત્યાં ગયા.ભગતબાપા અને જીંગો એમની પાછળ ગયા.

હવે પેલા કોલેજીયનો અમારા મિત્રોને મસ્તી કરતા કરતા મારવા લાગ્યા એ મારા ધ્યાનમાં આવ્યું.મેં થોડું નિરખીને જોયું તો એમની બસમાં અમારા ત્રણેય મિત્રોને એ લોકો મારતા દેખાયા. મેં તરત જ અમારી બસમાં બધાને જાણ કરી. અમે બધા પણ "હાથમાં આવ્યું તે હથિયાર" જેવા કે બુટ ,ચપ્પલ, બેલ્ટ લઇને એમની બસમાં ચડવા લાગ્યા. આ જોઇને એ લોકો અમને ધક્કા મારતા મારતા નીચે ઉતરવા લાગ્યા.આમ તો અમે બધા એમના ખભા સુધી પહોંચી એવડા માંડ હતા. પણ અમારા મિત્રો અંદર હોય અને અમે એમને જોતા રહીએ એવું થોડું ચાલે.એટલે અમે પણ લડાઈ ચાલુ કરી. હવે એ લોકો બધા નીચે આવી ગયા હતા. મારા મારી ચાલુ થઈ ગઈ. આ જોઈને પીસપાર્કના ચોકીદાર અને સંચાલકો દોડીને આવ્યા.અમને વોર્નિંગ આપી કે આપ લોકો શાંતિથી અહીંથી નીકળી જાઓ. નહીં તો અમારે પોલીસને બોલાવી પડશે. ત્યાં સુધીમાં અમારા સર પણ આવી ગયા અને બંને બસના પ્રવાસીઓને સમજાવીને બસમાં બેસાડયા. એ લોકોની બસ પહેલાં રવાના થઈ,એમની પાછળ અમારી બસ રવાના થઈ.

બાજુમાં એક રેસ્ટોરન્ટ વાળા ભાઇ હતા એ અમારી ચાલુ બસમાં ચડ્યા અને;"બોલ્યા સાહેબ તમે લોકો પોલીસ સ્ટેશને જતા રહો, નહીં તો એ લોકો તમારી પાછળ જ આવશે અને મોકો મળશે ત્યારે પાછો ઝઘડો કરશે. હું પણ ગુજરાતી છું અને મારા રેસ્ટોરન્ટમાં એમના ત્રણ ચાર જુવાનો માવા- મસાલા લેવા આવ્યા ત્યારે વાતો કરતા હતા એટલે હું તમને જાણ કરવા આવ્યો છું."

"હા વાત તો તમારી સાચી, આમેય આ આપણું રાજ્ય નથી, તો અહીંયા ઝઘડો કરાય પણ નહીં. વિજયભાઈ બસને એક સારી જગ્યા પર રોકો. એ લોકો તો આપણી આગળ નીકળ્યા છે, માટે આપણે પોલીસ ફરિયાદ તો કરવી જ પડશે." વિચારતા વિચારતા અમારા સર બોલ.

વિજયભાઈએ બસ ઉભી રાખી અને હું, વિજયભાઈ, ભગતબાપા, અમારા સર અને જીંગો નીચે ઊતર્યા.

થોડી ચર્ચા વિચારણા કર્યા બાદ વિજયભાઈ કહે; "એક પોલીસ વાળો મારો ઓળખીતો છે હું ફોન કરું અને એ કહે એ મુજબ આપણે આગળ વધીએ."

અમે બધાએ હા પાડી એટલે વિજયભાઈ એ બાજુમાં આવેલ એસ.ટી.ડી પી.સી.ઓ માં જઈને વાત કરીને પાછા આવ્યા અને કહ્યું કે "આપણા નસીબ સારા કે એ ભાઈની ડ્યુટી અત્યારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન પર જ છે. એમને મને કહ્યું કે એક છોકરાને પાટાપિંડી કરાવી ,ચાર પાંચ વ્યક્તિઓ અહીં આવો. મેં એમને પેલા લોકોના બસ નંબર આપ્યા છે એટલે એ લોકોની બસને રોકીને એમને પણ પોલીસ સ્ટેશન લાવશે."

હવે પાટાપિંડી કોને બાંધવી આ પ્રશ્ન અમારી સમક્ષ હતો. અમારા બધાની નજર જીંગા ઉપર સ્થિર બની. એટલે જીંગો બોલ્યો;"ના...બાપા..... ના આમેય આજ સવારથી મારા ઉપર ઘાત ઉપર ઘાત આવે છે. એટલે આ કામ મારું નહીં. બીજા કો'કને બાંધો પાટો."

મેં કહ્યું :"જીંગા તારા સિવાય ત્યાં બીજું કોઈ ન ચાલે. મારા ભાઈ તું નહીં તૈયાર થાય તો અમારી ઉપર મોટી મુસીબત આવશે .ભાઈ અમે બધા તારી સાથે આવિયે છીએ ને... તને કંઈ નહીં થવા દઈએ."

પંદર મિનીટની સમજાવટ બાદ જીંગાભાઈ તૈયાર થયા. તરત બસમાંથી મંછાબહેનને "ફસ્ટ એઇડ બોક્સ" લાવવાનું કહ્યું.જીંગો બોલ્યો;"મંછાળી તું પેટી નો લાવતી. બીજા ગમે તેને કહો પેટી લાવવાનું." પણ એટલી વારમાં તો મંછાબહેન પેટી લઈને નીચે આવી ગયા હતા.

જીંગાને હાથે-પગે, માથા પર પાટા બાંધ્યા. પણ લોહી નીકળ્યું હોય તેવું દેખાડવા લાલ રંગ ક્યાંથી લાવવો? ટિંચરની શીશી તો સવારમાં જ ખાલી કરી નાખી હતી.વળી ટમેટા પણ અહીંયાં ક્યાંય મળે તેમ ન હતા. અમારી મૂંઝવણ દૂર કરતાં મંછાબહેન બોલ્યા;"એ મારા પર છોડી દો, તમે ચાલતા થાઓ. હું લાલ રંગ લઈને તમારી સાથે થઈ જાઉં છુ."

અમે થોડા આગળ ચાલ્યા હશું ત્યાં મંછાબહેન અમારી પાછળ દોડતા દોડતા હાથમાં એક બોટલમાં લાલ પાણી લઈ ને આવ્યા.

"એય મંછાળી શેનું પાણી બનાવ્યું લાલ હે... કે' તો મને" ..

"જાને તારે શું કામ"....

"લાવો મંછાબહેન એ પાણી હું જીંગાને લગાવી આપુ".મંછાબહેનના હાથમાંથી બોટલ લેતા તથા જીંગા અને મંછાબહેનના ઝઘડાને અટકાવત હું બોલ્યો.

"રાજુ અત્યારે નહીં.પોલીસ સ્ટેશન પાસે ક્યાંક પહોંચીને લગાવીએ."વિજયભાઈ મને અટકાવતા બોલ્યા.

"હા એ સાચું"....

અમે બધા ચાલતા થયા.પોલીસ સ્ટેશનથી થોડે દૂર અમે પાણી લગાવવા ઊભા રહ્યા એટલે મંછાબહેન બોલ્યા:"માથા ઉપર પાણી લગાવો તો પહેલા એને સુવડાવી દેજો ,પછી લગાવજો."

મને આ વાત સમજાણી નહિ, પણ જીંગાને સુવડાવીને માથા ઉપર પાણી લગાવ્યું.થોડી વાર બાદ હાથ અને પગમાં પાટા ઉપર પાણી રેડ્યું....ત્યાં તો જીંગાભાઈ રાડા રાડી કરવા લાગ્યો."આ મંછાળી કેનું પાણી લયાવી ....ડોબા જેવી.તારો ડોહો આખું શરીર બરી હાલ્યું...બળબમના પેટની"....

જીંગાની રાડારાડી સાંભળીને પોલીસ સ્ટેશનમાંથી એક હવાલદાર બહાર આવ્યો.અમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયો.

અમે બધા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.જીંગાભાઈ રાડો તો નાખતો હતા.પણ ઇન્સ્પેક્ટરને દેખ્યા એટલે થોડો અવાજ દબાઈ ગયો.

એટલી વારમાં એક હવાલદાર પેલા લોકોને લઈને આવ્યો.

એ આવ્યા એટલે ઇન્સ્પેક્ટરે કહ્યું;" કેમ ભાઈ અહીંયા ફરવા આવ્યા છો કે ઝઘડો કરવા."

"પણ સાહેબ એમના છોકરાઓ અમારી બસમાં આવીને અમારી છોકરીઓની છેડતી કરતા હતા." એ લોકોમાંથી એક યુવાન બોલ્યો.

"એટલે તમારે કાયદો હાથમાં લેવાનો.તમારે ફરિયાદ લખાવી દેવાય. આમ કો'કના છોકરાઓને મરાય નહીં". ભગતબાપા આવું બોલ્યા ત્યાં તો જીંગાએ રાડોનો અવાજ વધારી દીધો.

ચુપ રહે ઇન્સ્પેક્ટરે જીંગાને ગુસ્સાથી કહ્યું. અને પેલા લોકોને કહે ;"એમની ભૂલ હતી તો તમારે અહીંયા આવવું જોઈએ.સજા આપવાનું કામ તમારું નથી. હવે તમે અત્યારે જ રાજસ્થાન છોડીને જતા રહો. નહીં તો તમારી ઉપર એફઆઈઆર દાખલ કરવી પડશે.વળી તમે બધા એ ડ્રિંક પણ લીધેલું છે."

હવે એ લોકો થોડા ડરી ગયા અને રાજસ્થાન છોડીને જતા રહેવાનું કહીને નીકળી ગયા. અમે બધા એ ઇન્સ્પેક્ટર સાહેબનો આભાર માની બસ તરફ ચાલવા લાગ્યા.

"એય મંછાળી તું માણાની દીકરી થા !તારું ડોહુ હજી આખું શરીર બળે છે.લાલ પાણી શે'નું બનાવ્યું તું.વિજયભાઈ ક્યાંક પાણી હોય ત્યાં લઈ જાવ હવે નથી રહેવાતું".

"એ ડોબા બીજું તો શું મળે અહીંયા?એટલે મેં ચટણી પલાળી અને એનું પાણી બોટલમાં ભર્યું."

અમને હસવું તો આવતું હતું પણ જો હસીએ તો જીંગાભાઈનો ગુસ્સો વધે.....અમને એક જગ્યાએ પાણીનો હેન્ડ પંપ દેખાયો ત્યાં જીંગાને લઇ ગયા. જીંગાને આખે આખો પાણીથી નવડાવ્યો.

જીંગાભાઈ જોર-જોરથી બરાડા પાડવા લાગ્યા. આ જોઈને આજુબાજુની દુકાનવાળા આવ્યા. એમાં એક ભાઈ ગુજરાતી હતા એમને પૂછ્યું ;"કેમ આને અહીં નવડાવી રહ્યા છો."

"એ તો એનો ગરઢો હાહરો મરી ગયો છે એટલે" વાત બદલતા મંછાબહેન બોલ્યા.

"તું બસે આવ મંછાળી. આજ તારી ખેર નથી છછૂંદરી."

બધા બસ પાસે પહોંચ્યા એટલે મેં જીંગાને પૂછ્યું "જીંગા ચટણી વાળું પાણી નાખ્યું એટલે તું રાડો નાખે એ સમજાયું,પણ સાદા પાણીથી નવરાવતા હતા તો એ કેમ રાડો પાડતો હતો."

"રાજુભાઈ આ ના'વાની મોકાણમાં તો હું ઘેરથી ભાગી આવ્યો છું. આજે નાછૂટકે મારે નાહવું પડ્યું. મને મારા શરીરને પાણી અડે એટલે ધ્રુજારી ઉપડી જાય. ના'વાના ચાર પાંચ દિવસ પહેલાં તૈયારી કરું ત્યારે માંડ નહાવાની હિંમત થતી હતી અને આજે તમે મને એમનમ નવડાવી દીધો."

"તે જીંગા તારું ગામ કયું?"

"રાજુભાઈ એ બધું સમય મળે ત્યારે,અત્યારે આ જાનવર જેવી મંછાળીનો વારો કાઢવો છે."

"જાને ડોબા" એમ કહી મંછાબહેન ભગતબાપાની પાછળ ઊભા રહી ગયા અને જીંગો ક્યારે ભગતબાપા સાથે ઊંચા અવાજે બોલતો નહીં.

આખરે જીંગાએ અમને આવેલી મુસીબતમાંથી બચાવ્યા. બધા પાછા બસમાં ગોઠવાયા. સાંજનો સમય થઈ ગયો હતો.આમતો અમારે અત્યારે નક્કી તળાવ પહોંચી જવાનું હતું ,પણ આ માથાકૂટમાં સમય બગાડ્યો એટલે હવે સનસેટ પોઇન્ટ જઈને સીધા જ નીકળી જવાનું નક્કી કર્યું.

પીસપાર્કથી સનસેટ પોઇન્ટ લગભગ બાવીસ કિલોમીટર દૂર છે.વાંકાચૂકા રસ્તા અને ઢોળાવને કારણે લગભગ ૪૫ મિનિટની મુસાફરી બાદ બધા સનસેટ પોઇન્ટ પહોંચ્યા.

ક્રમશ::

આગળ સનસેટ પોઇન્ટની જાણકારી તથા જીંગાના ઝલસા માટે વાચતા રહો ભાગ 4.....

આપના પ્રતિભાવની રાહે રાજુસર.....