Operation Chakravyuh - 1 - 1 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1

ઑપરેશન ચક્રવ્યૂહ

પ્રસ્તાવના

આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ચિંતામાં પોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે.

રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે.

આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત છે જે દેશની રક્ષા માટે એવા કામ માટે તૈયાર થાય છે જે કરવાનું હકીકતમાં એમની ફરજમાં આવતું જ નથી. તો તૈયાર થઈ જાઓ દેશભક્તિથી તરબતર એક રોમાંચક અને દિલધડક નવલકથા માટે.

આ નવલકથા એસીપી અર્જુન સિરીઝની મારી ચોથી નવલકથા છે. આ અગાઉ એસીપી અર્જુનને કેન્દ્રમાં રાખીને લખેલી મારી ત્રણેય નવલકથા ડેવિલ, ડેવિલ રિટર્ન અને હવસને જે હદે વાચકોનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો છે એ ખરેખર અવિસ્મરણીય અને અદ્ભૂત છે. તો ફરીવાર અર્જુન અને એના જોડીદાર નાયકને કેન્દ્રસ્થાને રાખીને આ રોમાંચક નવલકથાની રચના કરી છે, જેનું નામ છે ઑપરેશન ચક્રવ્યૂહ.

આ ઉપરાંત મારી કાલચક્ર નામક નવલકથાનું મુખ્ય પાત્ર પી.એસ.આઈ માધવ દેસાઈ પણ આ નવલકથામાં સામેલ છે. માધવ દેસાઈ દ્વારા કિશનપુરમાં આવેલાં સિરિયલ કિલરને પકડવાની રોમાંચક સફરને વાંચવા તમે કાલચક્ર નવલકથા વાંચી શકો છો.

માધવ સિવાય અન્ય એક બીજું પાત્ર પણ છે જેને મધ્યસ્થાને રાખી અગાઉ હું એક નવલકથા લખી ચૂક્યો છું. એ પાત્ર અંગે હું અત્યારે જણાવી તમારો રસભંગ નથી કરવા માંગતો. પણ જ્યાં સુધી એ પાત્રની એન્ટ્રી નહીં થાય ત્યાં સુધી ધારણાઓ ચાલુ રાખો.

ભારતનાં બે મુખ્ય દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાન અવારનવાર આપણાં દેશ વિરુદ્ધ અવનવા ગતકડાં કરતાં હોય છે; જેનો આપણા દેશનાં વીર જવાનો મુંહતોડ જવાબ આપે છે. આમ છતાં ઘણીવાર આ લોકો પોતાના મનસૂબા પૂરાં કરવામાં સફળ થાય છે અને એના પરિણામે આપણે 26/11 મુંબઈ અટેક, પુલવામા અટેક જેવી ત્રાસદીઓનો સામનો કરવો પડે છે. આ દેશોની આવી જ એક સહિયારી ભારતવિરોધી યોજનાનો પર્દાફાશ કરી એને અસફળ બનવવાની કહાની છે 'ઑપરેશન ચક્રવ્યૂહ'. આ નવલકથાની ટોટલ બે સિઝન આવશે.

આ નવલકથા ભારત, ચીન અને પાકિસ્તાનની રોમાંચક સફર પર લઈ જશે. બીટ કોઈન, ડાર્ક વેબ, ડ્રગ્સ, બાયોલોજીકલ વેપન અને ધર્મ આ બધાંને મધ્યસ્થાને રાખીને આ સુપર સસ્પેન્સ થ્રિલર નવલકથાની રચના કરી છે જે સર્વ વાચકોને અવશ્ય પસંદ આવશે.

મારી જીવનસંગીની સીમરન, મારાં માતા-પિતા, મારી બહેન દિશા , સર્વે વાચકોનો અંતઃકરણથી આભાર માની રજૂ કરી રહ્યો છું પળે-પળે રોમાંચનો અનુભવ કરાવતી દેશભક્તિથી તરબોળ નવલકથા 'ઑપરેશન ચક્રવ્યૂહ'.

-જતીન.આર.પટેલ (શિવાય)

અર્પણ

નમસ્કાર વાચક મિત્રો, આપ સૌ કોરોના મહામારી વચ્ચે આરોગ્યપ્રદ હશો એવી આશા રાખું છું. આ નવલકથા હું દેશનાં તમામ પોલીસકર્મીઓ, હોસ્પિટલ સ્ટાફ અને એવા સરકારી અધિકારીઓને અર્પણ કરું છું જેમને કોરોના મહામારીનાં કપરા સમયમાં દેશનાં લોકોનાં સુખી જીવન હેતુ માટે પોતાની જીંદગીની પરવાહ કર્યાં વગર, મહિનાઓ સુધી ચોવીસ કલાક ખડેપગે સેવા આપી.

આ લોકોમાંથી ઘણા લોકો કોરોનાગ્રસ્ત બન્યા અને ઘણા કોરોનાનાં લીધે મૃત્યુ પણ પામ્યા, આવા વીર યોદ્ધાઓને હું શત શત વંદન કરીને આ નવલકથા એમને અર્પિત કરું છું.

જય હિંદ

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન:1

ભાગ:-1

શાંઘાઈ, ચીન

ચીનનાં સૌથી વધુ વિકસતા શહેર એવા શાંઘાઈનાં યાંગપુ ડિસ્ટ્રિક્ટનાં ભારે ટ્રાફિકની અવરજવર ધરાવતાં પિંગ લિયાંગ રોડ નજીક આવેલી ડોંગલિંગ રેસ્ટોરેન્ટ આગળ એક કાળા રંગની મર્શિડીઝ કાર આવીને ઊભી રહી.

કારનાં થોભતા જ કારની બેકસીટમાંથી પરંપરાગત અરબી વસ્ત્રોમાં સજ્જ બે શેખ હેઠે ઊતર્યા. એમને એરેબિકમાં કારનાં ડ્રાઈવરને કંઈક સૂચના આપી અને પછી ડોગ મીટ એટલે કે કૂતરાંનાં માંસ માટે જાણીતી આ ડોંગલિંગ રેસ્ટોરેન્ટ તરફ અગ્રેસર થયાં. બંને શેખનાં ગળામાં સોનાની ત્રણ-ચાર મોટી ચેન, હાથમાં પાંચેક તોલાનું સોનાનું બ્રેસલેટ અને આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ મોજુદ હતી.

હોટલનાં દરવાને ચાઈનીઝ લહેજામાં ગુડ ઇવનિંગ કહી રેસ્ટોરેન્ટનો કાચનો દરવાજો ખોલીને એ બંને શેખને અંદર પ્રવેશ આપ્યો. બંને શેખને ત્યાં આવેલા જોઈ હોટલનો એક વેઈટર તુરંત એમની આવભગત માટે આવી પહોંચ્યો.

બંને શેખને એક કોર્નર ટેબલ પર સ્થાન ગ્રહણ કરવાનું કહી એ વેઈટર ફટાફટ એમના માટે ઠંડુ પાણી ભરેલો કાચનો જગ ટેબલ પર મૂકી ગયો. ચાઈનીઝ લોકો જાતજાતની માંસ, સી ફૂડ, સાપ અને અન્ય એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે, જેને જોઈને જ આપણને ઉબકા આવે. શેખ જે રેસ્ટોરેન્ટમાં આવ્યાં એ ડોંગલિંગ રેસ્ટોરેન્ટ પોતાના બાવીસ જાતનાં કૂતરાંનાં માંસનાં લીધે પૂરાં શાંઘાઈમાં જાણીતી હતી.

બંને શેખમાં જે શેખ ઊંચાઈ અને શારીરિક રચનામાં વધુ પ્રભાવશાળી દેખાતો હતો અને પોતાની સામે બેસેલાં પોતાના સાથી શેખને કહ્યું.

"રહેમાની, તુમ આજ ખાને મેં કયા પસંદ કરોગી?"

"હુસેની, કલ જો ચિકન મંગાયા થા વોહી વાલા આજ ભી ઓર્ડર કરદો. હમકો બહોત અચ્છી લગી થી વોહ વાલી ચિકન."

"જૈસા તુમ બોલતી..!" આટલું કહી હુસેની નામનાં એ શેખે પોતાની નજીક ઊભેલા વેઈટરને ઉદ્દેશીને કહ્યું.

"મિયાં હિચેન, હમારે ઓર હમારે ભાઈ કેલિયે કલ વાલી ડિશ લે કે આ જાઓ."

શેખ જોડેથી ઓર્ડર લઈને વેઈટર તુરંત રસોડા તરફ આગળ વધ્યો. જે રીતે બંને શેખ વેઈટરને ઓળખતા હતા અને જે પ્રકારે વેઈટર હિચેન બંને શેખને જોઈને વર્તી રહ્યો હતો એ જોઈને એક વાત તો સ્પષ્ટ હતી કે બંને શેખ ડોંગલિંગ રેસ્ટોરેન્ટમાં થોડા દિવસથી નિયમિતપણે આવી રહ્યાં હતાં.

થોડીવારમાં હિચેન બંને શેખ માટે એમને મંગાવેલો ઓર્ડર લઈને આવી પહોંચ્યો. હિચેને પોતાના હાથે એમને જમવાનું સર્વ કર્યું અને એમની સેવામાં બાજુમાં જ ઊભો રહી ગયો.

ક્રૂડ અને સોનાની ડિલ અંગેની ચર્ચાઓ કરતા-કરતા હુસેની અને રહેમાનીએ જમવાને ન્યાય આપ્યો. જમીને હાથ ધોઈ લીધા બાદ એમને હિચેનને બિલ લઈને આવવા જણાવ્યું. થોડીવારમાં હિચેન એમનાં જમવાનું બિલ લઈને આવી પહોંચ્યો. 355 યુઆનનાં બીલની સામે હુસેનીએ સો-સો યુઆનની પાંચ નોટો હિચેનને સોંપી.

એક યુઆનને ભારતીય રૂપિયા સાથે સરખાવીએ તો દસ રૂપિયા આજુબાજુ થાય. આનો મતલબ કે શેખે હિચેનને એકસો પિસ્તાળીસ યુઆન મતલબ કે દોઢ હજાર રૂપિયા ટીપમાં આપ્યાં હતાં.

સતત ત્રીજા દિવસે આ બે તવંગર શેખ દ્વારા દોઢસો યુઆન જેટલી મોટી રકમ ટીપમાં મેળવીને હિચેન ખૂબ ખુશ માલુમ પડતો હતો. આ બંને શેખને જોતા જ હિચેન એમની જે ખાતીરદારીમાં લાગેલો હતો એનું કારણ બે દિવસથી એને મળી રહેલી ટીપની મોટી રકમ હતી.

બંને શેખનો આભાર માની હિચેન બીલની રકમ કેશ કાઉન્ટર પર જમા કરાવીને જ્યાં સુધી શેખ બેઠા હતાં એ ટેબલ પર આવ્યો ત્યાં સુધીમાં તો બંને શેખ રેસ્ટોરેન્ટનાં પોર્ચમાં પહોંચી ચૂક્યાં હતાં.

હિચેન પોતાનું બધું કામ પડતું મૂકીને બંને શેખ જોડે પહોંચી ગયો. શાંઘાઈની પ્રખ્યાત રેસ્ટોરેન્ટ હોવાથી વર્ષે દહાડે હજારો વિદેશી વેપારીઓ ડોંગલિંગમાં જમવા આવતા હોવાથી હિચેન ઉર્દુ જાણતો હતો.

"શેખ સાહબ, આપકી દરિયાદિલી કા મેં શુકરગુજાર હું. મેં આપ કે કોઈ ઔર કામ આ જાઉં તો યે મેરે લિયે બડે સુકુનકી બાત હોંગી."

"રહેમાની, યે હમારે કયા કામ આયેગા! હમ કો જો માંગતા વોહ તુમ નહીં દે સકેગા." રહેમાનીની તરફ જોતાં હુસેની હિચેન પર કટાક્ષ કરતાં બોલ્યો.

"શેખ સાહબ, આપ એકબાર બોલકર તો દેખીયે.." હિચેને કહ્યું. "મેં આપકી હર ખ્વાહિશ પુરી કરૂંગા."

"પક્કા તું કર શકેગા.?" રહેમાની નામક શેખે ધીરા અવાજે કહ્યું.

"એકબાર આપ બોલકર તો દેખો." હિચેન વધુ પડતા ઉત્સાહમાં આવીને બોલ્યો. "સોલહ બરસકી વર્જિન ચાઈનીઝ લડકી સે લેકર જેસી ભી લડકી આપકો ચાહિયે મિલ જાયેગી."

"તુમ સબ ખબીસ કે બચ્ચોકો એસા કયું લગતા હૈ કી સબ શેખ લોગ ઔરત જાત કે પીછે પાગલ હોતા હૈ." હુસેની ક્રુદ્ધ સ્વરે બોલ્યો.

"ગલતી હો ગઈ જનાબ.!" હિચેને માથું નીચું કરી કહ્યું.

"કોઈ બાત નહીં!" હુસેનીએ હિચેનને ઉદ્દેશીને કહ્યું. "તુમ હમારે લિયે લડકી નહીં પાવડર કા ઇન્તેજામ કરો. બઢિયા વાલી પાઉડર, દામ કી કોઈ ફિકર નહીં. હો સકેગા તુમસે યહ કામ?"

"હો જાયેગા..આપ અપના હોટલ કા એડ્રેસ બતા દીજીયે." પ્રશ્નસૂચક નજરે પોતાના જવાબની રાહ જોઈને પોતાના ભણી જોઈ રહેલા હુસેની અને રહેમાનીને ઉદ્દેશી હિચેન ઉત્સાહમાં આવીને બોલ્યો. "મેરા એક દોસ્ત ગોંગ રાત કે દસ બજે આપકો મિલને આ જાયેગા."

"હોટલ શાંઘાઈ પેરેડાઈઝ.. કમરા નંબર ચારસો બત્તીસ." હુસેનીએ આટલું કહ્યું ત્યાં ડ્રાઈવરે મર્શિડીઝ લાવીને પોર્ચની સામે થોભાવી દીધી.

"ખુદા હાફિઝ..!" હિચેનને આટલું કહી રહેમાની અને હુસેની કારમાં ગોઠવાઈ ગયાં.

જેવી જ કાર ડોંગલિંગ રેસ્ટોરેન્ટથી નીકળી અડધો કિલોમીટર દૂર પહોંચી ત્યાં રહેમાનીએ પોતાની જોડે બેસેલા હુસેની તરફ જોઈ આંખ મીંચકારતા કહ્યું.

"વાહ, એસીપી સાહેબ. રાધાનગર હોય કે શાંઘાઈ નોટોની ચમક સૌને આકર્ષે છે; તમારી આ વાત એકદમ સાચી નીકળી."

"નાયક, લાલચ દરેક વ્યક્તિનાં અંદર છુપાયેલી હોય છે. બસ એને બહાર લાવવાની જરૂર છે." હુસેનીની વાત સાંભળી રહેમાની ખડખડાટ હસી પડ્યો.

★★★★★★★★

ઇસ્લામાબાદ, પાકિસ્તાન

કુવૈત સીટીથી ઇસ્લામાબાદ લેન્ડ થયેલી કતાર એરેવેઝની ફ્લાઈટમાંથી ઉતરેલું એક મુસ્લિમ યુગલ પોતાનો લગેજ લઈને એરપોર્ટ પાર્કિંગમાં આવ્યું.

આ યુગલમાં જે યુવાન હતો એને આછા ગુલાબી રંગનો પઠાણી પહેરવેશ પહેર્યો હતો. એની જોડે જે મહોતરમા હતી એ મુસ્લિમ સ્ત્રીઓનાં પરંપરાગત કાળા રંગના બુરખામાં સજ્જ હતી; પણ આધુનિક મુસ્લિમ યુવતીઓની માફક એને પોતાનો ચહેરો પૂરો ઢાંકવાના બદલે ખુલ્લો રાખ્યો હતો.

જેવા એ લોકો બહાર પાર્કિંગમાં આવીને ઊભાં રહ્યાં ત્યાં જ એક ડ્રાઈવર દોડીને એમની જોડે આવ્યો. ચાલીસેક વર્ષનો, ભારે શરીર અને માથે થોડી ટાલ ધરાવતો એ ડ્રાઈવર અન્ય ડ્રાઈવરોની માફક જ નવા આવેલા આ યુગલ પેસેન્જરોની ખીદમતમાં લાગી ગયો.

"સાહેબ, ક્યાં જવાનું છે? હું તમને બાકીની ટેક્સી કરતાં ઓછાં ભાડે તમારા મુકામ સુધી પહોંચાડી દઈશ."

"રાવલપિંડી.!, રાવલપિંડી આવશો?" એ યુવતીએ સપાટ સુરમાં જવાબ આપ્યો.

"મોહતરમા, તમે કહો તો લાહોર સુધી પણ મૂકી જાઉં." ઈસ્લામાબાદની જગ્યાએ ઇસ્લામાબાદનાં નજીકનાં શહેર એવા રાવલપિંડીની ટ્રીપ મળતાં એ ટેક્સી ડ્રાઈવર પ્રફુલ્લિત સ્વરે બોલ્યો.

"અમારે ફકત રાવલપિંડી સુધી જ જવું છે, મિસ્ટર..?" યુવકે ભાવહીન સ્વરે કહ્યું.

"મિસ્ટર અનવર, મારું નામ અનવર છે, લાવો હું તમારો સામાન વ્યવસ્થિત મૂકી દઉં." યુવક અને યુવતીએ પકડેલી ટ્રોલી બેગનું હેન્ડલ હાથમાં લઈ પોતાની ટેક્સી તરફ આગળ વધતા અનવર બોલ્યો. કુવૈતથી આવેલા એ યુવક-યુવતી પણ અનવરની પાછળ દોરવાયા. ટેક્સી તરફ આગળ વધતી વખતે એ યુવકે અનવરને પોતાની ઓળખ યાસીર સિદ્દીકી અને પોતાની બેગમની ઓળખ નૂરજહાં સિદ્દીકી તરીકે આપી.

થોડી જ વારમાં એ યુગલને લઈને અનવર ઈસ્લામાબાદ અને પેશાવરને જોડતાં ઇસ્લામાબાદ એક્સપ્રેસ હાઈવે પર આવી પહોંચ્યો હતો. ટ્વીન સીટી તરીકે ઓળખતાં ઇસ્લામાબાદ શહેર અને રાવલપિંડી વચ્ચે માંડ અડધા કલાકનું અંતર હતું. ઇસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઇસ્લામાબાદ સીટી સુધી આવ્યાં બાદ હવે અનવરે પોતાની ટેક્સીને રાવલપિંડી તરફ જતાં રસ્તે વાળી લીધી.

"મિયા, પિંડીમાં તમારે ક્યાં જવાનું છે.?" કાર હંકારી રહેલા અનવરે ટેક્સીની બેકસીટમાં બેસેલા યુગલને ઉદ્દેશીને પૂછ્યું.

"કોઈ સસ્તી અને સારી હોટલ ધ્યાનમાં હોય તો ત્યાં લઈ ચલો.!" પાછળ બેસેલી નૂરજહાંએ નમ્રતાથી કહ્યું.

"બેગમ, સસ્તી હોટલની શું જરૂર છે.." યાસીરે ઠાવકાઈથી કહ્યું. "આપણે કોઈ ફાઈવસ્ટારમાં રોકાઈ જઈએ."

"જનાબ, આપણે અહીં હનીમૂન માટે નથી આવ્યા; કાલે રૂખસાર માસીનાં અંતિમ સંસ્કાર અને અન્ય ધાર્મિક વિધિઓ પૂરી કરીને આપણે તુરંત પાછા વળવાનું છે." ગુસ્સો જતાવતા નૂરજહાંએ કહ્યું.

"જેવી બેગમ સાહીબાની મરજી." હસીને યાસીર બોલ્યો.

બીજા અડધા કલાકમાં કાર રાવલપિંડી આવી પહોંચી હતી. રાવલપિંડીની તંગ ગલીઓમાંથી પસાર થતી અનવરની ટેક્સી કાર ખેબર લોજ નામક થ્રી સ્ટાર હોટલ આવીને ઊભી રહી.

"મિયા, આ પિંડીની નંબર વન સસ્તી અને સારી હોટલ છે." અનવરે કારને હોટલનાં પોર્ચની સામે રોડ પર થોભાવતા કહ્યું.

પાછળ બેસેલા યુગલે કાર વિન્ડોમાંથી પોતાનો ચહેરો બહાર નીકાળી બહારથી જ ખેબર લોજ હોટલ પર એક અપલક નજર ફેંકી.

"ચાલશે..!" બેકસીટમાં બેસેલો યાસીર કારમાંથી હેઠે ઉતરતા બોલ્યો. એની જોડે બેસેલી નૂરજહાં પણ કારમાંથી હેઠે આવી.

"ભાડું કેટલું થયું..?" કારની ઉપરથી લગેજ ઉતારી રહેલા અનવરને ઉદ્દેશીને યાસીરે પૂછ્યું.

"તેરસો ત્રીસ રૂપિયા." અનવરે મીટરનું રીડિંગ જોતા કહ્યું.

યાસીરે ભાડાની થતી રકમ અનવરના હાથમાં મૂકી અને પોતાની ટ્રોલી બેગનું હેન્ડલ પકડી હોટલનાં દરવાજા તરફ અગ્રેસર થયો. એની પત્ની નૂરજહાં પણ એને અનુસરી.

રૂમ ભાડે લેવાની જરૂરી ફોર્મલિટી પૂર્ણ કરીને કુવૈતથી આવેલું એ દંપતી હોટલનાં ત્રીજા માળે આવેલાં રૂમ નંબર ત્રણસો પાંચમાં આવી પહોંચ્યું.

રૂમમાં પગ મૂકતા જ નૂરજહાંએ રૂમને અંદરથી લોક કર્યો અને પોતાની બેગ ખોલીને અંદરથી કાળા રંગની એક ગેઝેટ જેવી વસ્તુ નીકાળી, જેની આગળનાં ભાગમાં એક લેન્સ હતો. લેન્સની ફરતે પાંચ નાનકડી એલ.ઈ.ડી લાઈટ ફિટ કરેલી હતી.

નૂરજહાંએ હાથમાં રહેલા એ અદ્યતન ગેઝેટ પર મોજુદ એક સ્વીચ દબાવી અને લેન્સની અંદર પોતાની જમણી આંખ ગોઠવી આખા રૂમની દરેક વસ્તુને ધ્યાનથી તપાસવાનું શરૂ કર્યું. વીસેક મિનિટમાં તો એ યુવતી ખૂબ જ ત્વરાથી રૂમની દરેક વસ્તુ, દીવાલો, છત અને બાથરૂમમાં જઈને બધું ચેક કરી આવી.

"ઓફિસર માધવ, આ રૂમમાં કોઈ રેકોર્ડર કે કેમેરો નથી." પોતાના પર્સમાંથી સિગરેટનું એક પેકેટ કાઢ્યાં બાદ, પેકેટમાંથી એક સિગરેટ નીકાળી એને લાઈટરથી સળગાવી પોતાના હોઠ વચ્ચે મૂકતા નૂરજહાંએ યાસીરને ઉદ્દેશીને કહ્યું.

"ખૂબ સરસ.! મિસ નગમા" પલંગમાં લાંબા થઈને પડેલા યાસીર ઉર્ફ માધવે નૂરજહાંને ઉદ્દેશીને કહ્યું.

ખાનગીમાં જે રીતે એ બંને દંપતી બનેલા યુવક-યુવતી એકબીજાને અલગ નામથી સંબોધી રહ્યાં હતાં એ પરથી સાફ હતું કે યાસીર અને નૂરજહાં એમનાં બનાવટી નામ છે. હકીકતમાં એ યુવકનું નામ માધવ અને યુવતીનું નામ નગમા હતું.

"બીજી એક વસ્તુ, હું તારી સિનિયર છું." નગમાએ ક્રુદ્ધ સ્વરે કહ્યું. "તો હવે મારી જોડે કોઈ જાતનું ફ્લર્ટ કરવું નહીં."

"આટલી ખૂબસૂરત યુવતી રૂમમાં સાથે હોય અને ફ્લર્ટ નહીં, આ તો ખરેખર અન્યાય છે." માધવ મનોમન બોલ્યો. "પારધી સાચું જ કહેતો હતો, જેટલી ખૂબસૂરત યુવતી એટલા એના નખરા વધુ."

"હવે સ્નાન કરીને સુઈ જઈએ..કાલે સવારે આપણે ચીફનું સોંપેલું કામ કરવા જવાનું છે." નગમાએ આદેશાત્મક સૂરમાં કહ્યું.

"મતલબ કે હું પણ તારી જોડે સ્નાન કરવા આવું.?" માધવે હસીને કહ્યું.

"ચીપ જોક." પોતાના કપડા લઈને બાથરૂમ તરફ આગળ વધતા નગમા મનોમન બબડી. "ચીફે મારા જોડે આ ડફોરને આટલા મોટા મિશન પર કેમ મોકલ્યો છે એ જ નથી સમજાતું.!

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)