Chandra par Jung - 3 in Gujarati Science-Fiction by Yeshwant Mehta books and stories PDF | ચન્દ્ર પર જંગ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચન્દ્ર પર જંગ - 3

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૩ : અજનબી અવકાશયાત્રીઓ

“ચન્દ્રયાન બોલે છે....હલ્લો, ભારતીય અવકાશ મથક ! અમે ચન્દ્રથી ૪૦ હજાર માઈલ દૂર છીએ. યંત્રો દ્વારા તપાસ કરીને કહો કે અમે ક્યાં ઊતરીશું.”

છેલ્લા ચાર કલાકથી કુમાર ટ્રાન્સ્મીટર પર જ બેઠો હતો. હલ્લો, હલ્લો, ઓવર અને આઉટ બોલીબોલીને હવે તો કંટાળી ગયો હતો. પણ એ વિના છૂટકો જ ન હતો. અવકાશયાનમાં રેડિયો અને ટ્રાન્સ્મીટર ઉપર જ ઘણોખરો આધાર હોય છે.

થોડી વારમાં કચ્છના અવકાશી મથકેથી વૈજ્ઞાનિક રામનાથનો અવાજ આવવા લાગ્યો : “ચન્દ્રયાન ! ભારતીય અવકાશી મથક સૂચના આપે છે. તમારું રોકેટ અમેરિકનોના ઉતરાણના સ્થળથી પંદર માઈલ દૂર ઊતરશે. તમે ચન્દ્રથી ૯,૦૦૦ માઈલ દૂર હશો ત્યારે ઉતરાણ રોકેટોનું બળતણ શરૂ થશે. તેની ઝડપ ધીમે ધીમે ઓછી થવા લાગશે. હવે પંદર જ મિનિટમાં તમારી ઉતરાણની ક્રિયા શરૂ થશે. માટે કમરના અને છાતીના પટ્ટા બાંધી દો.”

કેતુએ પોતાની સામેનું એક બટન દબાવ્યું. એથી રોકેટનું સંચાલન યાંત્રિક રીતે થવા લાગ્યું. ઘણે ભાગે તો એ ‘ઓટો પાયલોટ’ મારફતે જ ચાલે છે. અંદર ગોઠવાયેલી યંત્રસામગ્રી જ એની સંભાળ રાખે છે. જ્યારે કશો ખાસ ફેરફાર કરવાનો હોય ત્યારે જ પાયલોટોનું કામ પડે.

કેતુએ જાતજાતનાં ઘણાં બટન એક પછી એક દબાવી જોયાં. અણુયંત્રોથી ચાલતાં એ સાધનો દાક્તરના થર્મોમીટર જેવાં હોય છે. યંત્રમાં ક્યાંય કશી ખરાબી હોય તો તરત જ લાલ બત્તી ધરી દે છે.

બધાં બટન દબાવી જોયા પછી કેતુએ નિરાંતનો દમ લીધો. કશી ગરબબડ નહોતી. બધું સમુંસૂતર હતું.

કુમારે કહ્યું : “કેતુ ! હવે પટ્ટા બરાબર બાંધી દે. ઉતરાણને ફક્ત પાંચ મિનિટની વાર છે.”

બંનેએ પોતપોતાની બેઠક સાથેના પટ્ટા કમરે અને છાતીએ બરાબર ભીડી લીધા. ટ્રાન્સ્મીટર ચાલું હતું. એમાંથી અવાજ આવતો હતો : “અવકાશ મથક બોલે છે. તમારાં ઉતરાણ રોકેટ થોડી જ વારમાં સળગી ઉઠશે. જરા આંચકો લાગશે. તૈયાર થઈ જાવ આંચકો ખાવા માટે !”

કુમારે પોતાના મોં પાસે જ એક માઈક રાખ્યું હતું. એ બોલ્યો : “ચન્દ્રયાન બોલે છે ! સાહેબ ! અમે સલામત છીએ અને આંચકા માટે તૈયાર છીએ !”

ત્રીસ સેકન્ડ....વીસ....દસ....ચાંદામામા ! અમે આવી પહોંચ્યા છીએ !

ટ્રાન્સ્મીટરમાંથી સંદેશો આવતો હતો : “અવકાશ મથક બોલે છે. કુમારકેતુ ! તમે....”

પછીના શબ્દો સંભળાયા નહિ. રોકેટયંત્રનો ધમધમાટ એટલો વધી ગયો હતો કે હવે કશું સાંભળી શકાય તેમ નહોતું.....

અચાનક જ કુમારને લાગ્યું કે જાણે એના માથામાં કોઈએ ફટકો માર્યો છે. એની આંખો સામે લાલ-પીળા ચટાપટા દેખાવા લાગ્યા. અને એ જાણે ઊંધે માથે પડી જવા લાગ્યો....પડી ગયો....અને.....બેહોશ થઈ ગયો !....

ઘણી વારે એને કળ વળી. માથામાં હજુ એક સણકતું દર્દ રહી ગયું હતું. એણે આંખો ખોલી, હાથપગ હલાવી જોવા પ્રયાસ કર્યો. હા, હાથ અને પગ બંને હલાવી શકાતા હતા, પણ એ બંને એવા વિચિત્ર રીતે ઊંચાનીચા થતા હતા કે કુમાર ગભરાઈ ગયો. પગ ભાંગી ગયો હોય અને એને જાડો પાટો બાંધ્યો હોય, અને કોઈ એ પગ સાથે દોરી બાંધીને એને ઊંચોનીચો કરે ત્યારે પગ જેવી રીતે હાલે, એવું જ દેખાતું હતું. એથી કુમાર ખૂબ ગભરાયો. એણે તરત જ આંખો બંધ કરી દીધી.

મગજમાં હજુ સણકા આવતા હતા છતાં એટલો થાક જણાતો હતો કે આંખો ખોલવાની ઈચ્છા થતી નહોતી. બસ, પડ્યા રહેવાની અને ઊંઘી જવાની જ મરજી થતી હતી.

એકાએક જાણે એનું શરીર ઊંધું થઈ ગયું. જાણે એ ઊંધો લટકી પડ્યો. પણ છતાં એનું કારણ જાણવાની મરજી થઈ નહિ. ઊંઘ અને.....થાક અને ઊંઘ....

“કુમાર ! જાગ, જાગ ! આપણે ચન્દ્ર પર છીએ ! આપણું રોકેટ ધૂળના કૂવામાં પડ્યું છે ! કળણમાં !”

કેતુ એને ઢંઢોળતો હતો. કળણની વાત સાંભળતાં જ કુમાર પૂરેપૂરી રીતે સતેજ થઈ ગયો. પૂરો ભાનમાં આવી ગયો. એણે ઝડપથી આંખો ખોલી. સાચે જ એ ઊંધો લટકતો હતો ! એની બેઠક અત્યારે ઊંચે હતી અને કેબિનની છત નીચે હતી !

એ છત હવે તળિયું હતું અને એ તળિયે ઊભો રહી કેતુ કુમારને બાંધી રાખનાર પટ્ટાનાં બકલ છોડવા મથામણ કરતો હતો.

કુમારે જલદીથી બકલ છોડી નાખ્યાં અને નીચે કૂદી પડ્યો. લગભગ દસેક ફૂટનો કૂદકો હતો. પણ જાણે ઓટલા પરથી કૂદકો માર્યો હોય એવું કુમારને લાગ્યું. તરત જ એને ચન્દ્રના હળવા ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આવ્યો. ‘આ ગુરુત્વાકર્ષણથી ટેવાતાં જરા વાર લાગશે,’ એ મનમાં જ બોલ્યો.

કેતુએ દીવાલોમાનું એક કબાટ ખોલ્યું હતું અને અંદરથી એ બે અવકાશી મહોરાં, પ્રાણવાયુના નળાકાર કાઢતો હતો. એ બોલ્યો : “કુમાર ! જલદી આ મહોરાં પહેરી લે અને પ્રાણવાયુ પીઠે બાંધી દે.”

બંનેએ આ કામ ઝડપથી પતાવી દીધું. કેતુએ પોતાના મહોરા પરનું એક બટન દબાવ્યું અને કુમારને પણ એ બટન દબાવવા ઈશારો કર્યો. કુમારે પણ બટન દબાવ્યું; એ એમના નાનકડા ટ્રાન્સ્મીટર રેડિયો સેટનું બટન હતું. બંનેની છાતી પર આ નાનકડું ટ્રાન્સ્મીટર બંધાયેલું હતું. એનાથી પેલા મહોરાની અંદર મોં હોય તો પણ વાતચીત થઈ શકતી હતી.

કેતુ ફરી પાછો પેલા કબાટ ભણી વળ્યો. એ બોલ્યો : “કુમાર, આપણું રોકેટ તો કોઈ સંજોગોમાં બહાર નીકળે એમ નથી. પણ બહાર થોડા દિવસ જીવી શકાય એ પૂરતો, ખોરાક અને પાણી તથા પ્રાણવાયુના નળાકાર લઈ લઈએ.”

બંને જણે એક એક મોટો કોથળો લઈને એમાં આ સામગ્રી ભરી લીધી. પછી કોથળો પીઠ પર બાંધી દીધો. પૃથ્વી પર આટલું વજન લઈ ને તેઓ ચાલી પણ ન શક્યા હોત, પણ ચન્દ્રની વાત જુદી છે. અહીંની ઘણી વાતો પૃથ્વી કરતાં જુદી છે !

કુમારે પૂછ્યું : “આપણે કળણમાં પડ્યા છીએ ?”

કેતુ કહે : “હા, સામે પેલા કાચમાં જો. એમાં ખરી રીતે બહારનું દૃશ્ય દેખાવું જોઈએ. પણ એકલો કાળો અંધકાર જ છે.”

કુમારે પૂછ્યું : “કળણમાં કેટલે ઊંડે ?”

કેતુ કહે : “હજુ બહુ ઊંડે નહિ ઊતર્યા હોઈએ. કળણમાં જલ્દી ડૂબી જવાતું નથી. અને સ્થિર રહે તો વધુ ધીમે ડૂબાય છે. આપણું રોકેટ પહોળું છે અને સ્થિર છે. એ ઘણું ધીમે ધીમે નીચે ઊતરશે. વળી, આ કોઈ પૃથ્વીનું કાદવ કળણ નથી. આ તો સૂકી ઝીણી ધૂળ છે. એને ખસતાં અને વસ્તુ ગળતાં વાર લાગે છે.”

અચાનક જ કુમારની નજર ઊંચે ગઈ. કેબિનના એ મૂળ તળિયાના ભાગમાં, એની બેઠકની સામે ટ્રાન્સ્મીટર દેખાયું. એ બોલી ઊઠ્યો : “આપણે અવકાશ મથકને આ ખબર પહોંચાડવા જોઈએ.”

કેતુ હસ્યો. નાનકડા ટ્રાન્સ્મીટરમાંથી કુમારના મહોરામાં સંભળાતો એ હસવાનો અવાજ વિચિત્ર લાગતો હતો. કેતુ સામે ઊભો હતો. એના પ્લાસ્ટિકના મહોરામાથી એનું હસતું મોં ચોખ્ખું દેખાતું હતું. અને છતાં એના હસવાનો અવાજ હજારો માઈલ દૂરથી આવતો હોય એવો લાગતો હતો !

કુમારે પૂછ્યું : “કેમ હસે છે, કેતુ ?”

કેતુએ માંડમાંડ હસવું ખાળીને કહ્યું : “બુધ્ધુ ! ટ્રાન્સ્મીટર ચાલુ હોત તો રામનાથનો અવાજ આવતો ના હોત ?”

કુમાર સમજ્યો. એણે કચ્છના રણના એ અવકાશ મથકની કલ્પના કરી. ત્યાં અત્યારે કેવું દૃશ્ય હશે ? ટ્રાન્સ્મીટરના માઈકમાં રામનાથ કેવા રાડો પાડીપાડીને એમને બોલાવતા હશે ? કેટલી ચિંતા હશે એમના ચહેરા પર ? ચહેરો બૂમો પાડીને કેવો લાલ ટામેટા જેવો થઈ ગયો હશે ?

અને સીમાએ પણ બૂમોમાં પોતાનો હિસ્સો આપ્યો જ હશે ! એ પણ સંદેશાવ્યવહારનું કામ કરે છે. પણ પોતાના ભાઈ અને દોસ્તનો જવાબ ન મળતાં કેવાં આંસુ ઊભરાઈ આવ્યાં હશે એની આંખોમાં !

કદાચ રામનાથની ઉજાગરાથી રાતી આંખોમાં પણ આંસુ આવ્યાં જ હશે.

“કુમાર !” કેતુના બૂમ જેવા મોટા અવાજે કુમારને એકદમ ઝબકાવી દીધો. “કુમાર ! અત્યારે કલ્પનાના રાજ્યમાં રાચવાનો વખત નથી. જલદી ઉપર જઈને બને તો આપણે બંનેએ બહાર નીકળવું જોઈએ.”

કુમાર ભાનમાં આવ્યો. એ બોલ્યો, “હા...હા... નીકળવું જોઈએ. ચાલ, પહેલો દરવાજો ખોલ.”

રોકેટને હંમેશા બે દરવાજા હોય છે. પહેલો દરવાજો અવકાશયાત્રીની કેબિનનો. એને ‘એર-લોક’ કહે છે. એ ખુલે એટલે કેબિનની હવા પણ બહાર ધસવા લાગે છે. એ હવાની સાથે અવકાશયાત્રીએ બહાર નીકળીને જલદીથી દરવાજો બંધ કરી દેવો જોઈએ, નહિતર મોંઘામૂલો પ્રાણવાયુ બરબાદ થઈ જાય.

એ પછી બીજો બહારનો દરવાજો આવે છે. એને પણ હવા ન નીકળી શકે એવો બનાવવામાં આવે છે. એ દરવાજો યાનની બહારની દીવાલ જેવો જ જાડો અને મજબૂત હોય છે. એ ખોલીને યાનની બહાર નીકળી શકાય છે.

બીજો દરવાજો ખોલતાં જ કુમાર અને કેતુની સામે કાળી રાખોડી દીવાલ જેવું દૃશ્ય દેખાયું. પણ એ દીવાલ નહોતી. કુમારે એની અંદર હાથ ખોસી જોયો અને કાદવમાં હાથ ખૂંપે એમ હાથ ખૂંપી ગયો. કુમારના આખા શરીરમાં ભયની એક ઝણઝણાટી ફરી વળી. આ ભયાનક ધૂળમાં એને મૃત્યુનો સ્પર્શ જણાયો.

કેતુ વધુ સજાગ અને તૈયાર હતો. એ કહે : “કુમાર ! જલદી કર ! ઉપરની બાજુ ચાલ. પણ જો ! યાન પરની પકડ છોડતો નહિ.”

કુમાર બહાર નીકળ્યો. યાનની પકડ છૂટવાનું સહેલું નહોતું. બંનેનાં જૂતાંનાં તળિયાં ચુંબકીય હતાં. તેથી પગનાં તળિયાં તો યાનને જ ચોંટી રહેવાનાં હતાં.

ડર એક જ હતો. આ પ્રવાહી ધૂળ એમને યાનથી ઉખાડી નીચે ખેંચી જાય તો પછી બચવાનો એકે ઉપાય રહેતો નહોતો.

કુમાર દરવાજા પર પગ દઈને બહાર નીકળ્યો. એક પગ ઉપાડતાં પહેલાં બીજો પગ એ યાન પર જડી દીધો. એ પછી જ પહેલો પગ ઉપાડ્યો અને આગળ મૂક્યો. બંને હાથથી એણે કોઈ ઝાડના થડને પકડી રાખે એમ યાનની દીવાલ પકડી રાખી હતી. એ કામ સહેલું નહોતું, કારણ કે યાનની બહારની દીવાલ ઘણુંખરું સપાટ હતી. ફક્ત થોડે થોડે અંતરે લગાવેલા જાડા ખીલા સહેજ ટેકારૂપ હતા.

દરવાજામાંથી બહાર નીકળતાં જ અંધકાર ઘેરાઈ વળ્યો. એ અંધકાર અને એ ઝીણી ધૂળ જાણે બંને અવકાશવીરોને પીસી નાખવા મથતાં હતાં.

એ અંધકારમાં આગળ વધવાનો એક માત્ર આધાર એમનું યાન હતું. એ યાન પર ચુંબકીય જૂતાં ટેકવીને બંને આગળ વધતા હતા. એટલે કે ઊંચે ચડતા હતા.

કુમારે પોતાના માથા ઉપર પહેરેલા મહોરા પર હાથ ફેરવી જોયો. ધૂળ દૂર થઈ, પણ તરત બીજી ધૂળ આવી ગઈ ! પાણી દૂર થાય અને એની જગાએ બીજું પાણી આવી જાય એમ.

અંધકાર કાયમ રહ્યો.

કુમાર થથરી ગયો. યાનનો નીચેનો છેડો પણ જો આ ધૂળમાં ડૂબી ગયો હોય તો તો... તો તો...

અચાનક જ કુમારનો પગ લપસ્યો. બહુ ઉતાવળે ઉપર જવા મહેનત કરતાં એણે યાન પરથી પક્કડ ગુમાવી. એ ઝીણી રેતીમાં નીચે ઊતરવા લાગ્યો. હાથપગ હલાવીને તરતા રહેવાનો પ્રયાસ કરતાં વધુ ઊંડે જવા લાગ્યો. અચાનક તેનો હાથ કશાકની સાથે અથડાયો. એણે એ વસ્તુ પકડી લીધી. એ લોકોએ બહાર નીકળતાં ખુલ્લો રાખેલો દરવાજો હતો. એણે જીવની જેમ એ પકડી લીધો અને સંભાળથી યાનની દીવાલ પર પગ ટેકવીને કાળજીથી પાછો ઉપર ચડવા લાગ્યો... તેને થયું કે પૃથ્વીથી ચન્દ્ર સુધીના સવા બે લાખ માઇલ કરતાં આ પચાસ ફૂટની સફર વધુ મુશ્કેલ છે !

ધીમે ધીમે તે આગળ વધ્યો. થોડે આગળ જ કેતુ પણ તેની જેમ જ કાળજીથી ડગ માંડી રહ્યો હતો. થોડી વારે એક પહોળા ભૂંગળા જેવું કશુંક આવ્યું. તે પેલાં ત્રણ નાનાં રોકેટમાંનું એક હતું જે યાનની દિશા બદલવા માટે વપરાય છે. તે નાનાં રોકેટ છેડાથી બહુ દૂર નહોતાં. પચાસ ફૂટની તે મુશ્કેલ સફરનો છેડો હવે હાથવેંતમાં હતો.

પણ આસપાસ હજુ ઘેરો અંધકાર જ ફેલાયેલો હતો. શું આખું યાન ડૂબી ગયું છે ? તો તો ખેલ ખલાસ ! હવે આગળ વધવાનો શો અર્થ છે ? હવે તો અહીં જ આપણે દટાઈ મરીશું !

પૃથ્વી પર કચ્છના અવકાશી મથક પર કેવી હતાશા અને દુઃખનાં વાદળ ઘેરાઈ ગયાં હશે ?

કુમારને એક જ વસવસો રહી ગયો હતો. પેલું ટ્રાન્સમીટર તૂટી ન ગયું હોત તો ઠીક થાત ! બીજું કાંઈ નહિ તોય પૃથ્વી પર સંદેશો તો પહોંચાડી શકાત ! એક ચેતવણી તો મોકલી શકાત કે અહીં ચન્દ્રની ધરતી પર કેવાં જોખમ છે ! કેવી છેતરામણી અને ખૂની ધરતી છે આ !

અચાનક જ કુમારને યાદ આવ્યું કે બાળપણમાં આ જ ચન્દ્રને કેવા પ્રેમથી ચાંદામામા કહ્યા હતા ! અને આ પ્રેમનો બદલો આ ‘મામા’એ કેવો આપ્યો ! કંસે તેના સાત-સાત ભાણેજને આપ્યો હતો તેવો જ બદલો !

કુમાર પ્રાર્થના કરતો હતો કે કંસને આઠમો ભાણેજ જેમ શ્રીકૃષ્ણ મળ્યો, તેવો કોઈ ભાણેજ પેદા થાય અને ચન્દ્રમાનો નાશ કરી દે !

અચાનક તેને લાગ્યું કે કેતુ કશોક બબડાટ કરે છે. નિરાશ અને હતાશ થયેલ આદમીને ઘણી વખત સન્નિપાત થાય છે ! જેમ તેમ બબડવા લાગે છે. પણ કેતુનો આ બબડાટ વિચિત્ર હતો. તે તો ઉંફાંઉચૂચા જેવું કાંઈક બબડતો હતો !

કુમારને દુઃખ થયું. કોઈ શાંતિથી અને હિંમતથી મરે તેની ચિંતા નહિ, પણ મરતાં પહેલાં જાત પર કાબૂ ગુમાવી બેસે, તે ભયાનક મોત કહેવાય ! તેનું તો મોત બગડ્યું કહેવાય.

કુમારે મોટા અવાજે કહ્યું : “કેતુ ! ધીરજ રાખ, બબડાટ ના કર.”

કેતુનો અવાજ બોલ્યો : “કોણ બબડાટ કરે છે ?”

“તું !”

“હું તો કશું બોલ્યો નથી.”

“પણ મેં તો સાંભળ્યું ને !”

“તું બીકથી ગભરાઈ ગયો લાગે છે. તારા મનમાં ભ્રમ થવા લાગ્યો છે કે શું ?”

“ના, મેં તારો અવાજ સાંભળ્યો ને !”

અચાનક અવાજ આવ્યો : “આ સળિયો પકડો, બિરાદર !” આ વખતે બબડાટ નહોતો. સમજી શકાય એવી અંગ્રેજી ભાષા હતી. પણ વાત એટલી નવી હતી કે કુમાર બોલનારનો મતલબ સમજ્યો નહિ.

“શું કહ્યું તેં, કેતુ ?”

“મે કશું કહ્યું નથી.”

“તો શું કોઈ બીજું આપણી સાથે વાત કરે છે ?”

અને ફરી પાછો અવાજ સંભળાયો : “આ સળિયો બરાબર પકડી લો, બિરાદર !”

કુમારે આસપાસ હાથ ફેરવ્યો. સાચે જ એનો હાથ એક સળિયા સાથે અથડાયો. કુમાર સમજી શક્યો નહિ. કદાચ રોકેટનો કોઈ ભાગ છૂટો પડી ગયો હશે.

પણ એણે સળિયો પકડ્યો કે તરત જ અવાજ આવ્યો : “શાબાશ, બિરાદર ! બરાબર પકડી રાખજો ! હવે તમારા સાથી આગળ વધીને આ સળિયો પકડી લે એટલે તમને ખેંચી કાઢીએ.”

કુમારના માથાના વાળ ઊભા થઈ ગયા ! આ તો કોઈ ત્રીજી જ વ્યક્તિનો અવાજ હતો અને આ સળિયો પણ એમના રોકેટનો કોઈ ભાગ ન હતો. એ સળિયો તો બહારથી કોઈએ પકડી રાખ્યો હતો-એને તથા કેતુને રેતીમાંથી બહાર ખેંચી કાઢવા માટે !

“કેતુ ! કેતુ ! આ સળિયો પકડી લે ! આપણે બચી ગયા !” કુમારે આનંદથી કહ્યું.

અચાનક જ એના પગ નીચેથી યાન સરકી ગયું. ધૂળ હાલવા લાગી. યાન ઊંડું ઊતરવા લાગ્યું હતું.

કેતુના હાથ અચાનક જ કુમારના પગને વળગી પડ્યા. કુમાર બોલી ઊઠ્યો : “ખેંચો !”

એકાએક જ સળિયો ખેંચાવા લાગ્યો. જાણે બાર આદમી ખેંચતા હોય એટલી ઝડપથી એ ખેંચાતો હતો.

બંને બહાર નીકળી આવ્યા. કઠણ ભૂમિ ઉપર પડ્યા. એમણે જલદી જલદી મહોરાં લૂછ્યાં ! પહેલાં તો નીચે પથરાયેલું રજ સરખી ઝીણી ધૂળનું સરોવર દેખાયું. પછી એને કાંઠે ભૂખરા ખડક દેખાયા. એવા એક ખડકની ઉપર પેલો સળિયો પકડીને બે અવકાશવીરો ઊભા હતા. રૂપાળા એમના અવકાશી પોશાકથી જરા વધુ ભારે અને વધુ પહોળા એ દેખાતા હતા. સાથળ પર એક લાલ તારો ચીતરેલો હતો. અને છાતી પર હથોડા અને દાતરડાનું નિશાન લાલ રંગમાં ચીતરેલું હતું.

પણ કુમાર કેતુએ પોતાને બચાવનારનાં મોં જોયાં ત્યારે તો એ અચંબામાં જ પડી ગયા. નાનાં કપાળ, ચૂંચી આંખો, ચીબાં નાક ! ઊંચા ગાલ અને ટૂંકી બાંધણીના પીળી ચામડીવાળા એ બંને ચીનાઓ હતા....!

(ક્રમશઃ)