Jingana jalsa - 2 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 2

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 2

પ્રકરણ 2


આગળ આપણે જીંગાભાઇના ઝલસા સાથે ગુજરાતના સ્થળો વિશે જાણ્યું.હવે આગળ.....

વહેલી સવારે પાંચ વાગ્યે આબુ જવા રવાના થયા. રસ્તામાં જીંગાભાઈ વાંદરી અને તેના બચ્ચાને હેરાન કરવાનું ચુકતા ન હતા.સવારે ૬:૪૫ વાગ્યે આબુથી થોડે દુર એક પેટ્રોલ પંપ પાસે બસ ઊભી રહી.બધા ફ્રેશ થવા લાગ્યા. જીંગાભાઈ પોતાની ટેવ મુજબ સ્ટૂલ લઈને કાચ સાફ કરવા લાગ્યા,પણ મંછાબેનને કહેતો ગયો કે જો જે મંછાળી સ્ટૂલ લેતા પહેલા મને કહેજે નહીં તો આ વખતે તારું ઢીંઢું ભાંગી નાંખીશ.

ચા અને ગાંઠિયાનો નાસ્તો બધાએ આરોગ્યો.આબુ પર અમારી બસ લઈને જવાનું હતું એટલે બધા બસમાં ગોઠવાયા.બસ આબુ ઉપર ચડવા લાગી. વાંકાચુંકા વળાંકો અને ઊંડી ખાયો જોઈને ઘણા મિત્રો પોતાની આંખો બંધ કરી બેસી ગયા. આબુ રોડ પર મુસાફરી કરવી એ રોમાંચક લ્હાવો છે. વિવિધ વૃક્ષો અને ઊંચા ડુંગરો સાથે ઊંડી ઊંડી ખાઈઓ જોવી એ એક લ્હાવો છે મુસાફરીનો. એક વળાંક ઉપર વાંદરી અને તેના બચ્ચા રમતા હતા. જીંગાભાઈને ઝનૂન ચડ્યું અને બોલ્યો; "વિજયભાઈ"..... વિજયભાઈએ બસ ધીમી પાડી. જીંગાભાઈ ચાલુ બસે ઉતર્યો .... પણ ખબર નહીં આ વખતે બેલેન્સ ગુમાવ્યું અને જીંગો પડ્યો નીચે. હવે આબુના રસ્તામાં સહેજ નમી જઈએ તો સીધા જ ખાઇમાં પડીએ.જીંગાભાઈતો લસર્યા ખાઈમાં. વિજયભાઈએ થોડે આગળ સપાટ જગ્યા પર બસ ઉભી રાખી. ફટાફટ હું, વિજયભાઈ, ભગતબાપા અને અમારા સર નીચે ઉતર્યા. જીંગો પડ્યો હતો ત્યાં પહોંચ્યા.

"જીંગા... જીંગા" ભગતબાપા રાડો પાડીને જીંગાને શોધતા હતા.

અમારા તો મોતિયા મરી ગયા કે શું જીંગો નીચે ખાઈમાં પડ્યો હશે? જો હા ....તો શું કરશું?.

હું ને વિજયભાઇ તથા અમારા સર એકબીજાની સામે જોઇ રહ્યા હતા, ત્યાં જ અમારા કાને જીંગાનો અવાજ સંભળાયો ...."એ જીવુ છું હજુ. આમ બરાડા નો પાડો બાપા...ઝડપથી કંઈક દોરડા જેવું લાવો નહીં તો હું સાવ નીચે જઈશ અને ત્યાંથી સીધો ઉપર".

ભગતબાપા ઝડપથી દોડીને બસમાંથી રસ્સી લાવ્યા. એક ઝાડના થડ સાથે એક છેડો બાંધી બીજો છેડો જીંગા પાસે ફેંક્યો. રસ્સો પકડીને જીંગો ઉપર આવ્યો.

"જીંગા લાગ્યું તો નથીને"? ભગતબાપા જીંગાનો હાથ પકડતા બોલ્યા.

"ના બાપા લાગ્યું તો નથી પણ છોલાઈ ગયો. બેય હાથે અને સાથળમાં".

"તે ધ્યાન રાખતો હોય તો. આમ વાંદરાના બચ્ચાને પકડવા હોય તો સીધા રોડ હોય ત્યાં ઉતરાય.આ વાંકાચુંકા અને ખાડા ટેકરાવાળા રસ્તા પર ન ઉતર તો તારા બાપનું શું જાય"?

"એ તો આ વિજયભાઈએ બસને લીવર માર્યું એટલે હો.....નહીં તો ગમે તેવા રસ્તામાં આ જીંગો ન પડે હો".

"હવે પડવા વાળી ... છાનોમાનો ગાડીમાં બેસ અને છોલાણો છો ત્યાં ટીંચર લગાવ".વિજયભાઈ ગુસ્સે થતા બોલ્યા.

બસમાં મનિષાબેને પેટી ખોલી ટીંચર આપ્યું. એટલે જીંગો બોલ્યો "ટીંચર જ છે ને,સવાર જેવું નથી કર્યુંને"?

"એ......ના ......બતાવીજો રાજુભાઈને ..ડોબા".

જીંગાએ ટીંચરની શીશી લઈને મને બતાવી.મેં કહ્યું;"હા ભાઈ લગાવી દે આ ટીંચર જ છે".

જીંગાએ ટીંચર લગાવવાનું ચાલુ કર્યું ,ને વિજયભાઈએ બસ ચાલુ કરી.

અમે સીધા જ ગૌમુખી મંદિર પહોંચ્યા.ગૌમુખ મંદિરમાં ગાયની મૂર્તિ છે,જેના મોઢામાંથી કુદરતી રીતે પાણી નીકળે છે.આ જગ્યા વિશે એવું કહેવાય છે કે ઋષિવર શ્રીવસિષ્ઠે આ જગ્યા પર યજ્ઞ કર્યો હતો. આ મંદિરના ગર્ભગૃહમાં માતાજી અર્બુદા દેવીની એક મૂર્તિ પણ છે.અમે બધાએ ગૌમુખી મંદિરમાં ગાયની મૂર્તિ અને મા અર્બુદાદેવીના દર્શન કરી પાછા બસમાં ગોઠવાયા.હવે અમારે સીધાજ હનીમૂન પોઇન્ટ પર જવાનું હતું એટલે બધા મોજમાં ને મોજમાં બસમાં ગોઠવાયા.

ગૌમુખ મંદિરથી લગભગ 21 કિલોમીટર દૂર હનીમૂન પોઇન્ટ આવેલ છે.

હનીમૂન પોઇન્ટ સમુદ્ર સપાટીથી આશરે 219 મીટર ઉંચાઈ પર આવેલ છે.અહીં એક મોટી શિલા (મોટો પથ્થર) એમાં એક સ્ત્રી અને એક પુરુષની આકૃતિ જેવું દેખાય છે.આથી હનિમૂન પૉઈન્ટ નામથી પ્રખ્યાત થયું.અમારે બપોરનું જમવાનું હનીમૂન પોઇન્ટ પર જ બનાવાનું હતું ,તેથી ફરવાનો અને ખરીદી કરવાનો સારો એવો સમય મળ્યો અમને... બધા મિત્રો ખરીદી માટે નીકળ્યા.મારે પણ ખરીદી મારે જવાનું હતું. આમતો ખરીદી માટે ખિસ્સામાં ભાર ઓછો હતો પણ તોએ ખરીદી કરવી જ હતી. હું પણ મિત્રો સાથે ચાલતો થયો.

જીંગો મારી પાસે આવ્યો અને બોલ્યો;"રાજુભાઈ અહીંયા મારે ઘોડા પર બેસવું છે,મને લઈ જાવ ને ત્યાં".

મેં મારા મિત્રોને કહ્યું તમે જાઓ.હું જીંગા સાથે જઈને પાછી આવું.અમે બંને ઘોડા સવારી ચાલુ હતી ત્યાં પહોંચ્યા. બે-ચાર ઘોડાવાળા ને પૂછ્યું:" શું ભાવ છે"?એટલે બોલ્યો;" 20 રૂપિયા આવી જાવ" મેં કહ્યું ;"મારે નહી અમારા આ ભાઈને બેસવાનું છે".જીંગાને જોઈને જ બધા ના પાડી દેતા હતા.

આખરે એક ટાઈળું( દેખાવમાં અને ચાલવામાં સાવ નબળું એટલે ટાઈળું કહેવાય )હતું એ ભાઈ એ જીંગાને ઘોડા પર બેસાડ્યો.

જીંગાભાઈને તો મજા આવી ગઈ.મોજમાંને મોજમાં હાથને પગના ઉલાડવા લાગ્યો.એવામાં પગની પેની ઘોડાના ઢીંઢાને અડી ગઈને ભાઈ પછી તો ટાઈળું રેસે (દોડવા)ચડ્યું. થોડાક ઉછળકૂદ પણ કરવા લાગ્યું.થોડાકુ આગળ ગયુ ત્યાં જીંગાભાઈને ઉપરથી નીચે નાખ્યો અને પછી માલિક પાસે આવીને ઊભો રહ્યો.

જીંગો લંગડાતો લંગડાતો અમારી પાસે આવીને ઘોડાવાળાને ગાળો દેતા બોલ્યો;"આ તારા બાપને પકડીને રખાય.કોકના વાંઢા છોકરાવને વાંઢે વાંઢા જ મારી નાંખશે".

હવે એક ઘોડાવાળો હિંદીભાષી હતો એટલે ગુજરાતી સમજે નહીં.એ મારી સામે જોવા લાગ્યો. એટલે મેં કહ્યું ભાઈ હમારે ઇસ લડકે કો આપ કે ઘોડેને ગિરા દીયા ઇસ લિયે રૂપિયા નહિ મિલેગા. અને એ ભાઈએ હા પણ પાડી દીધી.જોકે એ સમયે મને પણ હિન્દી ઓછું આવડતું.

અમે બંને બસ તરફ આવ્યા એટલે મંછા બહેન બોલ્યા;" કા મજા આવીને વરઘોડામાં".

"હવે જાને વરઘોડા વાળી. આજ સવારમાં તે પાડ્યો એટલે હવે આખો દિવસ મારે આમ ગોથા જ ખાવાના. હે ભગવાન જલ્દી સાંજ પડી જાય તો બસ .સવારે ઊઠીને ભગવાનના દર્શન કરીશ પણ આ હળબમ, હોકા, ડૂચા, ગાભા, લબાચા, કોથળા, ભૂત જેવી મંછાળીનું મોઢું તો નહિ જ જોવ".

"હવે જાવાદે ડોબા.હું પણ તારું મોઢું જોવા રાજી નથી. અને હા તારે બહુ એવું હોય તો આ રસોઈ મેં બનાવી છે, તું ન જમતો હો... ત્યાં ભગતબાપા આવ્યા અને ખીજાતા બોલ્યા;"હાલો હાલો ઝડપ રાખો જમીનને હજી ઘણી જગ્યાઓ લેવાની છે, પછી રાતે મોડુ થશે".

બધા બપોરે દાળ- ભાત, રોટલી, શાક, સંભારો જમી બસમાં ગોઠવાયા. અમારી બસ સીધી જ ત્યાંથી "વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી" જવાની હતી.

"વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી" "હનીમૂન પોઇન્ટ" થી લગભગ ૫ કિલોમીટર જેટલું દૂર થાય. આ અભયારણ્ય ૧૬ કીલો મીટર લાંબું અને છ કિલોમીટર પહોળું ...ગુરુ શિખર પર આવેલ છે . આ અભયારણ્યમાં 21 પ્રકારના વૃક્ષો.70 પ્રકારના ઔષધીય વૃક્ષ-છોડ તથા 89 પ્રકારના ઝાડી -ઝાખરા જોવા મળે છે. અહીંના પ્રાણીઓની વાત કરીએ તો દીપડો ,રીંછ, જંગલી સુવર, હરણ, ભેળિયા, સસલા, મગર, હાથી ,નોળિયો જેવા પ્રાણીઓ જોવા મળે છે.એશિયાઇ સિંહ અહીંયા લગભગ 1872માં જોવા મળ્યા હતા.જ્યારે બંગાળી વાઘ લગભગ 1917માં છેલ્લે જોવા મળ્યો હતો. સાથે સાથે આ અભયારણ્યમાં 250થી વધુ પક્ષીઓની વિવિધ જાતો જોવા મળે છે.

અમે બધાએ કુદરતી નજારો ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યો.ખરેખર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા અભયારણ્ય મનોરમ્ય લાગતું હતું.અલબત્ત આખા અભ્યારણમાં ફરવાનો સમય ન મળ્યો તેનો વસવસો મનમાં રહ્યો અને બધા પ્રાણીઓ જોવા ન મળ્યા એ પણ .....

લગભગ દોઢ કલાક બાદ બધા અમે બધા બસમાં ગોઠવાયા હવે અમારે સીધું જ "અચલગઢ કિલ્લો" જોવા જવાનું હતું.

અચલગઢ કિલો માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર આવેલ છે.પરમાર વંશના રાજા દ્વારા નિર્મિત આ કિલ્લાનું પુનઃનિર્માણ મેવાડના રાણા કુંભાએ કરાવ્યું હતું. આ કિલ્લાના ફળિયામાં અચલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે,જેમાં ૧૦૮ શિવલિંગો આવેલા છે.મુખ્ય મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન શંકરના પગનો અંગુઠો પણ પ્રતીક રૂપે છે.

અચલગઢમાં મંદાકિની કુંડ છે,જે લગભગ ૯૦૦ ફૂટ લાંબો અને ૨૫૦ ફૂટ પહોળો છે.એક એવી માન્યતા છે કે મંદાકિની કુંડ ઘીથી ભરેલો રાખવામાં આવતો અને તેની ફરતે ઋષિમુનિઓ હવન કરતા,ત્યારે ત્રણ રાક્ષસો પાડાના રૂપમાં હવનમાં વિઘ્ન ઊભું કરતા. પરમાર વંશજ આદિપાલે એક જ તીરથી ત્રણયે રાક્ષસોને વીંધી નાંખ્યા હતા.જેની યાદગીરીરૂપે મંદાકિની કુંડની બાજુમાં ત્રણ પથ્થરના પાડાની મૂર્તિ બનાવેલ છે.

એક બીજી માન્યતા મુજબ પરમાર વંશજ ધારાવર્ષે એક બાણથી ત્રણ ભેંસોને વીંધી નાંખ્યા હતા. એમની આ શક્તિ કૌશલ્યની યાદમાં ત્રણ ભેંસોની મૂર્તિ મંદાકિની કુંડની બાજુમાં રાખવામાં આવી છે.આ ત્રણેય મુર્તિ ફોટો પાડવા માટે બહુ પ્રચલિત છે.અને મૂર્તિમાં પણ બાણ વાગવાના નિશાન દેખાડવામાં આવ્યા છે.

અચલગઢમાં આ સિવાય તોરણનો દરવાજો,કપૂર સાગર, જૈન મંદિરો વગેરે મન આકર્ષિત કરવા માટે કાફી છે.

લગભગ એક કલાક ફર્યા બાદ હવે અમે બસમાં ગોઠવાયા અને અમારી બસ સીધી પીસપાર્ક જવા રવાના થઈ.માઉન્ટ આબુનું સૌથી પ્રખ્યાત સ્થળ એટલે બ્રહ્માકુમારી પીસપાર્ક.

વીસ-પચ્ચીસ મિનિટની મુસાફરી બાદ અમે બ્રહ્માકુમારી પીસપાર્ક પહોંચ્યા. બસ પાર્ક કરતા હતા ત્યાં જ એક ગુજરાતી કોલેજીયન યુવક યુવતીઓની બસ પણ બાજુમાં પાર્ક થતી હતી. એ બધા ફુલ દારૂ પીધેલી હાલતમાં હતા.બારીમાંથી એ લોકો અમારા પ્રવાસી મિત્રો સાથે મસ્તી કરવા લાગ્યા અને અમારા પ્રવાસી મિત્રો પણ એમની સાથે મસ્તી કરવા લાગ્યા.મેં બધાને બસમાંથી નીચે ઉતરવાની સૂચના આપી. એટલે બધા નીચે ઉતર્યા. મેં બધાને હવે આવી રીતે બીજા લોકો સાથે મસ્તી ન કરવાની સૂચના પણ આપી.અલબત્ત મારી આ સૂચનાની કોઈ પર અસર દેખાતી ન હતી. અમને ક્યાં ખબર હતી કે આગળ આજ મશ્કરી અમારા માટે મુસીબત બની જશે.પણ અત્યારે તો બધા ખૂબ મોજ સાથે બ્રહ્માકુમારી પીસપાર્કમાં પ્રવેશ્યા.

ક્રમશ:::

બ્રહ્માકુમારી પીસપાર્કમાં ફર્યા બાદ અમારી સાથે એક મોટો બનાવ બન્યો અને એમાંથી બચવા અમારે જીંગાની મદદ લેવાની હતી.જીંગાએ મદદ કરી એ વાચવાની વાચક મિત્રોને મજા આવશે જ .....

માટે વાચતા રહો જીંગાના ઝલસા....ભાગ 3.....

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર.......