Aatmani antim ichchha - 15 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આત્માની અંતિમ ઇચ્છા - ૧૫

Featured Books
Categories
Share

આત્માની અંતિમ ઇચ્છા - ૧૫

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

સવારે કાવેરી ઘરમાં ક્યાંય ના દેખાઇ એટલે લોકેશનો રક્તચાપ વધી ગયો. તેના મનમાં લસિકાનો બદલો સવાર થઇ ગયો. લસિકા ક્યાંક કાવેરીને નુકસાન તો પહોંચાડશે નહીં ને? લસિકા તેને ક્યાંક લઇ ગઇ તો નહીં હોય ને? તે વિચાર કરતો ઘરની બહાર નીકળ્યો અને કાવેરીના નામની બૂમો પાડવા લાગ્યો. સવારે બહાર કોઇ દેખાતું ન હતું. પણ લોકેશની બૂમ સાંભળી બાજુના ઘરમાં ગયેલી કાવેરી ઉતાવળા પગલે ચાલતી બહાર આવી અને બોલી:"લોકેશ... હું અહીં છું..." ઉતાવળે ચાલવાથી કાવેરી હાંફતી હતી. તેને સલામત જોઇ લોકેશને હાશ થઇ. તે બોલ્યો:"કાવેરી, ધીમેથી ચાલ...સાચવ..."

"તમે બૂમો પાડો છો તો મારે તો દોડવું જ પડે ને..." કહી કાવેરી તેની નજીક આવી.

"હા પણ...તું આખા ઘરમાં ક્યાંય દેખાઇ નહીં. મને થયું કે આટલી સવારે ક્યાં ગઇ હશે?" લોકેશ તેનો હાથ પકડતા બોલ્યો.

"તમને એમ કે પેલી સપનાવાળી મહિલા મને લઇ ગઇ હશે...?" કાવેરીએ એમ પૂછ્યું ત્યારે લોકેશની હાલત કફોડી થઇ ગઇ. કાવેરીને મારા મનની વાતની કેવી રીતે ખબર પડી? તેણે પોતાના મનોભાવ છુપાવવાનો પ્રયત્ન કર્યો. અને વાતને બદલતાં બોલ્યો:"ડૉકટરે તને દોડધામ કરવાની ના પાડી છે છતાં તું બહાર કેમ ચાલી ગઇ?"

"હું તો બાજુમાં તુલસીનાં પાન લેવા ગઇ હતી. આજે મોરાઇ માને પ્રસાદમાં તુલસીના પાન ચઢાવવાના છે અને આપણે ત્યાં છોડ સુકાઇ ગયો છે. ચાલો, તમે જઇને પરવારો. હું પૂજા કરી લઉં...નાહકની દોડધામ કરી મૂકી." કહી કાવેરી નાનકડા પૂજાઘર પાસે ગઇ અને પૂજા કરવામાં પરોવાઇ ગઇ.

લોકેશને થયું કે દીનાબેન આવે ત્યાં સુધી નોકરીમાંથી રજા લઇ લેવી જોઇએ. કાવેરીને લસિકાથી સાચવવાની છે. લસિકા ગમે ત્યારે કોઇ ચાલ ચાલી શકે છે. એ કોઇ તકની રાહમાં જ હશે. વિચાર કરતો લોકેશ નહાવા ચાલી ગયો. નહાતી વખતે તે બાથરૂમમાં નહીં પણ કોઇ બીજી જ દુનિયામાં હોય એવી સ્થિતિ હતી. વિચારોમાં ખોવાયેલો લોકેશ ક્યારે નાહીને બહાર આવી ગયો એનો ખ્યાલ જ ના રહ્યો.

"આ લો પ્રસાદ...મોરાઇ મા સૌનું ભલું કરશે. તમે હજુ પણ ચિંતામાં ડૂબેલા લાગો છો...પાણીથી નહાતા હતા કે ચિંતાથી?!" કાવેરીએ હાથમાં પ્રસાદ ધરીને મજાક કરી.

"હા-ના, ના, અહં...શું કહે છે? લોકેશ બહાવરો બનીને પૂછવા લાગ્યો.

"હવે આમ નાના બાળક જેવું વર્તન શું કરો છો? કાલે એક બાળકના બાપ બનશો!" કહી કાવેરીએ લોકેશના મોંમાં પ્રસાદ ઓરી દીધો. લોકેશને થયું કે થોડીવાર માટે જવાબ આપવાનું ટળી ગયું. તેણે પ્રસાદ ગળે ઉતારી કહ્યું:"કાવેરી, આજે આપણે ડોકટરને બતાવી આવીએ..."

કાવેરી નવાઇથી લોકેશને જોતાં બોલી:"ગયા અઠવાડિયે તો ચેકઅપ કરાવી આવ્યા છે. ડૉકટરે પણ કહ્યું હતું ને કે હજુ સુધી કોઇ તકલીફ થઇ નથી એટલે ડિલિવરી સારી રીતે થઇ જશે. હવે આવતા મહિને જઇશું. અને આવતા મહિને તો મા પણ આવી જવાની છે..."

"કાવેરી, મને થાય છે કે હું ત્યાં સુધી રજા લઇ લઉં." લોકેશ પોતાના મનની વાત રજૂ કરતાં બોલ્યો.

"આપણે સાપસીડી કે લુડો રમવાના છે?" કાવેરી હસીને આગળ બોલી:" આપણે કામવાળી મહિલાને રાખી છે ત્યારથી મારે કામ પણ શું રહે છે? તમે મારી ચિંતામાંથી બહાર આવી જાવ. હું સ્વસ્થ છું અને એક સ્વસ્થ બાળકને જન્મ આપવાની છું. આ દિવસો તો આમ ચપટી વગાડતામાં ચાલ્યા જશે. તમારી જરૂર હશે તો હું સામે ચાલીને તમને રજા મૂકાવીશ..."

"ઠીક છે...." લોકેશ હવે મનથી સ્વસ્થ થયો હોય એમ બોલ્યો અને ચા પીવા બેઠો.

"ભગવાન કરે પતિ તરીકે મને જન્મોજનમ તમે જ મળો. મારી કેટલી સંભાળ રાખો છો." કાવેરીના અવાજમાં લાગણીની ભીનાશ હતી.

લોકેશ તેને હળવેથી ભેટી પડ્યો. અને આંખમાં તગતગી રહેલા આંસુને કાવેરી ના જુએ એમ લૂછી નાખ્યા.

લોકેશ નોકરીએ જવા નીકળ્યો ત્યારે જ કામવાળી મહિલા સુલોચનાબેન આવી પહોંચ્યા. લોકેશે રોજની જેમ એને કહ્યું:"બેન, કાવેરીનું ધ્યાન રાખજો..."

"હા, ભાઇ, તમે નિશ્ચિંત થઇને જાવ..." કહી સુલોચના ઘરમાં ગઇ.

"આવો સુલોચનાબેન, પહેલાં ચા પીઓ પછી કામે વળગો...." કહી કાવેરીએ તેના માટે ચા કાઢી.

"બેન, રહેવા દોને હું જાતે લઇ લઇશ..." સુલોચનાબેન કાવેરીના હાથમાંથી ચાનો મગ લેતાં બોલ્યાં.

"મને આટલી તક તો આપો સુલોચનાબેન! આખો દિવસ તો તમે મારા કામ કરતા રહો છો. મને તો એમ લાગે છે કે તમે મારો પડછાયો છો!" કાવેરી આજે વધારે સારા મૂડમાં હતી.

"અરે! તમે જોતાં નથી? તમારા પતિ મહાશયને તમારી કેટલી બધી ફિકર હોય છે? લાગે છે કે પહેલી વખતનું બાળક છે એટલે કંઇક વધારે ચિંતા કરે છે. રોજ સવારે મને શિખામણો આપીને જાય છે. આવો પતિ તમને જન્મોજનમ મળે." ચાના ઘૂંટડા સાથે સુલોચનાબેનનું મોં ચાલુ જ હતું.

"મોરાઇ માની બધી કૃપા છે બહેન..." કહી કાવેરી બેડરૂમમાં જઇ આડી પડી.

***

કાવેરીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. દીનાબેન આવી ગયા હતા. લોકેશને હવે વધારે ચિંતા સતાવી રહી હતી. ઘરમાં બે સ્ત્રીઓ કાવેરીની સેવામાં રહેતી હતી. પણ લસિકા કાવેરી અને તેના બાળકને હાનિ પહોંચાડવા કોઇને કોઇ ખેલ કરશે એવા ભયથી લોકેશનો એક દિવસ એક વર્ષ જેટલો લાંબો વીતી રહ્યો હતો.

"જમાઇરાજ, ખુશીના દિવસો હવે દૂર નથી. એક નાનકડું બાળ આ દુનિયામાં આવવા કાવેરીના પેટમાં થનગની રહ્યું છે! તમે ખુશીની પળને ઉજવવા તૈયાર થઇ જાવ..." દીનાબેને એક દિવસ લોકેશને આમ કહ્યું પણ ખરું. ત્યારે લોકેશને થયું કે મારી દુનિયાને ઉજાડવા માટે લસિકા શું કરી શકે છે એની તમને ક્યાંથી કલ્પના હોય?

આખરે એ દિવસ આવી જ ગયો. કાવેરીને મોડી રાતે દરદ ઉપડ્યું. દીનાબેન તેની બાજુમાં જ હતા. તેમણે લોકેશને ઉઠાડ્યો. લોકેશને થયું કે પરીક્ષાની ઘડી આવી ગઇ છે. તેણે ઘડિયાળમાં જોયું તો રાત્રિના બે વાગી રહ્યા હતા. બહાર અંધારું ઘોર હતું. તેણે હોસ્પિટલમાં ફોન કર્યો. એમણે એમ્બ્યુલન્સ રવાના કરી રહ્યા હોવાનું જણાવ્યું. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. એટલી વારમાં લોકેશને ન જાણે કેટલાય અમંગળ વિચારો આવી ગયા.

હોસ્પિટલમાં કાવેરીને લેબરરૂમમાં લઇ જવામાં આવી. રાત્રિ ફરજ પરના ડૉકટરે નર્સોને ડિલિવરી માટે વ્યવસ્થા કરવા સૂચના આપી. દીનાબેન મોરાઇ માને પ્રાર્થના કરી રહ્યા હતા. લોકેશ પણ આજે મોરાઇ માને વિનવણી કરી રહ્યો હતો.... મા, મારી કાવેરીને બચાવી લેજે....

પંદર મિનિટ પછી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા:"મિસ્ટર, તમે એક બોટલ બ્લડની વ્યવસ્થા કરો. જરૂર પડી શકે છે. કેસ ક્રિટિકલ બની રહ્યો છે. ગયા અઠવાડિયા સુધી બધું બરાબર હતું. અચાનક કોમ્પ્લિકેશન્સ ઊભા થયા છે. તમે ગભરાશો નહીં. અમે પ્રયત્ન કરીએ છીએ."

દીનાબેન પોતાનું લોહી આપવા તૈયાર થઇ ગયા. તેમનું રક્ત લેવાની વ્યવસ્થા થઇ ગઇ.

લોકેશ હોસ્પિટલની ગેલેરીમાં ઊભો અમાસના તારા જોઇ પ્રભુ સ્મરણ કરી રહ્યો હતો. ભગવાન! કાવેરીની રક્ષા કરજો. કાવેરીને અને અમારા બાળકને કોઇ આંચ ના આવે...

અચાનક લોકેશે જોયું કે આકાશમાં કોઇ પડછાયો છે. દૂર વાદળામાં કોઇ પડછાયો છે કે પોતાનો ભ્રમ છે એ જાણવા તેણે આંખો ઝીણી કરી. એ પડછાયો ઊડતો ઊડતો હોસ્પિટલ તરફ જ આવી રહ્યો હતો. લોકેશ આંખનો પલકારો માર્યા વગર તેના તરફ જોઇ રહ્યો હતો. પણ જેવો આંખનો પલકારો માર્યો કે એ પડછાયો અદ્રશ્ય થઇ ગયો. લોકેશે ચારે તરફ નજર ફેરવી. ત્યાં તેની નજરે કોઇ સ્ત્રી ઊડતી દેખાઇ અને કાવેરીને લઇ ગયા હતા એ ઓપરેશન થિયેટરવાળા રૂમમાં ઓગળી ગઇ હોય એવું લાગ્યું. લોકેશને થયું કે આ ભ્રમ ના હોય શકે. નક્કી લસિકા કોઇ કાંડ કરવા આવી છે. તેનાથી કાવેરીને ખતરો છે. "લસિકા, હું તને તારા બૂરા ઇરાદાઓમાં સફળ થવા નહીં દઉં" બબડતો તે દોડતો ઓપરેશન થિયેટર તરફ ગયો. ત્યાં દરવાજા પર ઊભેલા વોર્ડબોયે તેને અટકાવ્યો અને કહ્યું કે અંદર સ્ટાફ સિવાય કોઇને જવાની પરવાનગી નથી. લોકેશે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે માનતો ન હતો.

ત્યાં ડૉકટર બહાર આવ્યા. લોકેશ એમને કંઇ કહેવા જાય એ પહેલાં ઉતાવળમાં તે એક કાગળ ધરી બોલ્યા:"મિસ્ટર, આ ફોર્મ પર સહી કરી દો... અમે ઓપરેશનની આગળની કાર્યવાહી શરૂ કરીએ."

"આ શેનું ફોર્મ છે? કાવેરીને કેવું છે?" લોકેશ ધડકતા હ્રદયે બોલી રહ્યો હતો. લોકેશને થયું કે લસિકાએ તેનું પોત પ્રકાશ્યું છે. તેણે કાવેરીના જીવન પર કબ્જો કરી લીધો છે.

ડૉક્ટર કહે:"મિસ્ટર, તમારા પત્નીની સ્થિતિ બગડી રહી છે. અમે માતા કે બાળક બેમાંથી એકને બચાવી શકીશું....અથવા એકને પણ નહીં..અમે દિલગીર છીએ. પૂરો પ્રયત્ન કરીએ છીએ. તમે આ ફોર્મ પર અમને પરવાનગી આપતી સહી કરી આપો તો અમે આગળ સારવાર શરૂ કરી શકીએ...સમય ઓછો છે..."

લોકેશને થયું કે લસિકાએ આવીને ડૉકટરના હાથમાંથી બાજી છીનવી લીધી છે. તે મને સજા આપીને જ જશે...

*વધુ હવે પછીના પ્રકરણમાં*