આગળના અંકમાં આપણે જોયું કે પૂજનને સામેથી આવતી ગાડીમાં કોઈને જોઈને ભૂતકાળ યાદ આવે છે. પૂજનને પ્રાંજલની ફ્રેન્ડ સુહાની પસંદ કરતી હોવાનું જાણવા મળે છે. ઘરે જાય છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે સુહાની કોઈકને મેસેજ કરે છે. પારિજાત પૂજનને બ્લુ ગાડીની માહિતી આપે છે. પૂજન પારિજાત સાથે આગળના પ્લાન માટે બીજા દિવસે સવારે મળવાનું નક્કી કરે છે. પારિજાતનો પતિ નિસર્ગ એક કવર પારિજાતને આપે છે. હવે આગળ...
પારિજાત: "નિસર્ગ, પેલા જાસૂસને માહિતી મેળવવાનું કામ આપેલું એ ક્યાં પહોંચ્યું?"
નિસર્ગ પારિજાતને એક મોટું કવર આપે છે. પારિજાત સ્માઈલ સાથે નિસર્ગને ગળે લગાવી લે છે.
પારિજાત કવર ખોલીને અમુક ફોટોગ્રાફ અને કાગળો જોવે છે. કવરના અંદર એક પેનડ્રાઈવ પણ હોય છે જેમાં એક વિડિયો પણ હોય છે. પારિજાત એ વિડિયો જોઈને બધું સમજી જાય છે. પારિજાત બધી વસ્તુ કવરમાં પાછી નાખે છે અને સૂઈ જાય છે.
બીજા દિવસે પૂજન સવારે સુભાષ બ્રિજ પાસે રીવરફ્રન્ટ ગાર્ડન નજીક ગાડી પાર્ક કરીને નીચે સાયકલિંગ બુથ પાસે આવે છે. સવારના સાત વાગ્યે પણ ત્યાં ભીડ જોવા મળે છે. ઘણાબધા લોકો ચાલવા અને કસરત તથા સાયકલિંગ કરવા આવેલા હોય છે.
થોડીવારમાં પારિજાત એના પરિવાર સાથે આવતી દેખાય છે. પારિજાત પૂજન અને નિસર્ગની ઓળખાણ કરાવે છે.
નિસર્ગ: "પૂજન, ઘણું સાંભળ્યું છે તમારા કૉલેજના ગ્રૂપ વિશે. પણ તું અમારા લગ્નમાં કેમ નહોતો આવ્યો?"
પૂજન: "એમાં એવું છે ને હું તમને લગ્ન પહેલા મળ્યો હોત તો તમે આ મુસીબતમાં પડ્યા જ ના હોત." (બંને એકબીજા સામે જોઇને ખડખડાટ હસે છે.)
પારિજાત: (ગુસ્સો કરતા)" અચ્છા નિસર્ગ એટલે હું મુસીબત છું તારા માટે?"
નિસર્ગ: " અરે મે ક્યાં એવું કીધું. આતો પૂજન મારી સ્થિતિ જોઈને સમજી ગયો લાગે છે. બાકી મજાલ છે કે મારા હોતા બીજું કોઈ તને મુસીબત કહે. તું તો મારી લાઈફ છે." (કહીને વાત વાળી લે છે.)
પારિજાત: "એય પૂજન, જોયું ને... તું કઈ પણ કહીશ નિસર્ગ કઈ નહી બોલશે. એ તો મારી સાઈડ જ રહેશે."
પૂજન: "અરે મજાક કરતો હતો. તમે બંને એક જ સાઈડમાં એટલે સાથે જ સરસ લાગો છો. "
એટલામાં પારિજાતનો દિકરો સાયકલિંગ માટે કહે છે. નિસર્ગ એને લઈને સાયકલિંગ કરવા જાય છે.
પારિજાત: "બોલ, આગળ શું પ્લાન છે? "
પૂજન: " હજી એક વાત મને ખબર પડી છે. મિસ્ટર રાજનની તે જમાનાની ફેવરીટ જગ્યા કાંકરીયા તળાવ અને લો ગાર્ડન હતા. શનિવારે બંને જણા કૉલેજના બહાને લો ગાર્ડનમાં મળતા. કાલે પણ મિસ્ટર રાજને ત્યાં પ્રજ્ઞા મેડમને જોયા હશે.
હવે આજે આપણે એ બંને એકબીજાને મળે એવું કરવાનું છે. પણ બહુ સાચવીને કરવું પડશે."
પારિજાત: "એક કામ કરી શકીએ. જો બંને એકબીજાને અચાનક જ મળી જાય એવું આયોજન કરીએ તો કામ થઈ જશે."
પૂજન: "એવું જ કરવાનું છે. " કહીને પૂજન બધો પ્લાન પારિજાતને સમજાવે છે.
પારિજાત: " પ્લાન તો સરસ છે પણ પ્રજ્ઞા મેડમ માની જશે એવું હું નહી કહી શકું."
પૂજન: "અરે પાર્ટનર, મને તારી ટેલેન્ટ પર પૂરો ભરોસો છે. આ કામમાં તો તું ઉસ્તાદ છે."(કહીને પારિજાતના પરાક્રમો કહી જુસ્સો વધારે છે.)
પારિજાત: "હા હો, હવે બહુ મસ્કા મારવાની જરૂર નથી. કામ હો જાયેગા, મેરી પાર્ટી તૈયાર રખના."
પૂજન: "બસ તું આ કામ કરી આપ. પાર્ટી કરવા આપણે દીવ જઈશું. પ્રોમિસ આપુ છું." (ગુજરાતીઓ માટે દીવ અને આબુ પાર્ટી માટે ફેવરીટ સ્થળો છે.)
એટલામાં નિસર્ગ સાયકલિંગ કરીને પાછા ફરતા નજરે પડે છે. પારિજાત પાસે આવીને નિસર્ગ કહે છે આપણે થોડુ આગળ જવું જોઈએ ત્યાં "હેપ્પી સ્ટ્રીટ" ચાલે છે. પૂજન અને પારિજાત પણ સાયકલ લઈને બધા સાથે ત્યાં જાય છે.
હેપ્પી સ્ટ્રીટમાં બધાને મજા પડે છે. મ્યુઝિક, ડાંસ અને ઝુમ્બા સાથે છોકરાઓ અને મોટાઓ કદમ મિલાવી મજા કરતા હોય છે. સાડા આઠ થતાં પારિજાત ઘરે પાછા ફરવાનું કહે છે. નિસર્ગ પૂજનને ઘરે આવવાનું કહે છે અને છૂટા પડે છે. એટલામાં પારિજાત પાછી આવીને પૂજનના હાથમાં કવર આપે છે.
પૂજન: "આ શું છે? "
પારિજાત: "અરે કઈ નહી, બસ તારા માટે એક ગિફ્ટ છે. શાંતિથી ઘરે જઈને જોજે. જમીને હું ફોન કરીશ. પછી સાંજનું ગોઠવીએ."
પૂજન: " તું કઈ સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવી છે. મને તો અત્યારે જ જોવાનું મન થાય છે."
પારિજાત: "કીધું ને...અત્યારે નહી. જમીને ફોન કરવાનું ભૂલતો નહી."
એટલું કહીને પારિજાત ઘરે આવવા નીકળે છે. રસ્તામાં નિસર્ગને સાંજે બહાર જવાનું થશે કહીને બધી વાત સમજાવે છે. નિસર્ગ પણ સારા પતિની જેમ પારિજાતના સાથે છે એમ કહીને સ્માઈલ આપે છે.
પૂજન ઘરે પહોંચીને નહાવા જાય છે. ત્યાં સુધીમાં ઘરેથી ફોન આવે છે. એટલે ફોન પર વાત કરતા કવર પલંગ પર મૂકી દે છે. નાહીને પૂજન મિસ્ટર રાજનને વાત કરીને સાંજે અમદાવાદ ફરવાનું અને ડિનર જોડે કરવાનું કહે છે.
મિસ્ટર રાજન: "પૂજન, આજે સાંજે મારે લીધે તમે તમારો પ્લાન બદલતા નહી. હું તો આમેય મંગળવારે પાછો બેંગ્લોર નીકળી જઈશ."
પૂજન: "એવું નથી. આજે આમેય મારો કઈ પ્રોગ્રામ નથી. તો સાંજે ભેગા મળીને વાતો કરીએ. એ બહાને હું પણ અમદાવાદને એક વાર ફરીથી મન ભરીને માણી લઈશ."
મિસ્ટર રાજન: " એવું છે તો બંદા સાથે જ છે."
પૂજન: "સારું તો 6 વાગ્યે હું તમને લેવા આવી જઈશ."
મિસ્ટર રાજન: "અરે એવું નથી કરવું, હું તમારે ત્યાં આવી જઈશ. ડ્રાઈવરે તમારું ઘર તો જોયેલું જ છે."
પૂજન: " સારું, એવું જ કરીએ." કહીને ફોન મૂકે છે.
મિસ્ટર રાજન ફેસબૂક પર ઘણીવાર પ્રજ્ઞાને સર્ચ કરવાના પ્રયત્નો કરી ચૂક્યા હોય છે. આજે ફરી એક વાર એજ નામ સર્ચ કરે છે. ઘણાબધા નામ અને ફોટા આવે છે પણ એમાં ક્યાંય જાણીતો ચહેરો ના દેખાતા છેલ્લે ફેસબૂક હતાશા સાથે બંધ કરે છે.
પાછું કઈક યાદ આવતા મિસ્ટર રાજન "શ્યામલાલ શ્રીમાળી"નું નામ સર્ચ કરે છે. એમાં થોડા નામ અને ફોટો આવતા એક ફોટા પર ક્લિક કરીને નીચે આપેલ ફ્રેન્ડ રિકવેસ્ટ બટન પર ક્લીક કરે છે.
શ્યામ અને સુંદર(મિસ્ટર રાજન) બંને કોલેજના મિત્રો હતા. જ્યારે સુંદર અને પ્રજ્ઞા વચ્ચે પ્રથમ દોસ્તી અને પછી પ્રણયના અંકુર ફૂટ્યા એ બધી ઘટનાઓ સમયે શ્યામલાલે સુંદરને પોતાનાથી બનતી મદદ કરી હતી. શ્યામ- સુંદરની દોસ્તી કોલેજકાળમાં બહુ ચર્ચિત હતી.
કદાચ શ્યામલાલ એ જ હોય તો એક આશા બંધાય કે એને પ્રજ્ઞાના કઈક સમાચાર ખબર હોય. પણ શ્યામલાલ કદાચ ફેસબુક બહુ ના વાપરતો હોય તો? એણે મને કદાચ ના ઓળખ્યો તો? એવા બધા વિચારો સાથે મોબાઈલ હાથમાં રાખીને મિસ્ટર રાજન બેઠા હોય છે. થોડીવાર પછી મોબાઈલમાં એક મેસેજ આવે છે. ફ્રેન્ડ રિકવેસ્ટ મંજૂર થઈ ગઈ છે.
પૂજન પોતાના ઘરમાં નાસ્તો કરીને બેઠો હોય છે એમાં પેલું કવર યાદ આવે છે. પલંગમાં બેસીને કવર ખોલે છે. કવર અંદરથી ફોટો નીચે પડી જાય છે. પૂજન ફોટા ઉપાડીને જોવા લાગે છે. આ ફોટા તો એ લોકો ઉદયપુર ગયા હતા ત્યારે પાડેલા હતા.
એમાં એક ફોટોમાં એમના ગ્રુપના સિવાય બીજા પણ 3 છોકરા દેખાતા હતા જેમાંથી એકને પૂજન ઓળખતો હતો. બીજા ફોટામાં પણ એ ત્રણ છોકરા થોડા દૂર ઉભેલા દેખાતા હતા. પૂજનને કવરમાંથી બીજા થોડા કાગળો અને એક ફાઈલ મળે છે. એની સાથે મળે છે એક પેનડ્રાઈવ. પૂજન પેનડ્રાઈવ લેપટોપમાં ચાલુ કરે છે. પેનડ્રાઈવમાં એક વિડિયો ફાઈલ જોવા મળે છે.
પૂજન વિડિયો ચાલુ કરે છે. આ તો એજ રાતની પાર્ટીનો વિડિયો છે. એમનું ગ્રૂપ ફૂલ મસ્તી કરી રહ્યું હોય છે. થોડીવારે એમાં બીજા કેમેરાની ફૂટેજ આવે છે. એમાં 3 છોકરાઓ એમની પાછળ થોડા અંતરે બેઠેલા જોવા મળે છે. એ છોકરાઓમાં એક છોકરાને જોઈને પૂજન બોલી ઉઠે છે. "અચ્છા તો એ રાત્રે તું પણ ત્યાં જ હતો. અને આ બધું તે કરાવેલું છે. મારે પહેલા જ સમજી જવુ જોઈતું હતું. "
મિત્રો,
આ અંકમાં પૂજન અને પારિજાત વચ્ચે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજનને એકબીજાની સામે કેમ કરીને લાવીશું એનું આયોજન થાય છે. પારિજાત એને કવર આપે છે જેમાં એ બધાના ઉદયપુરમાં લીધેલા ફોટા હોય છે. મિસ્ટર રાજન એમના મિત્ર સુંદરલાલને ફેસબુક રિકવેસ્ટ મોકલે છે. વીડિયોમાં પૂજન અમુક છોકરાઓમાંથી એક છોકરાને જોઈ ઓળખી જાય છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞા વચ્ચે શું થશે? વિડીયોમાં રહેલો છોકરો કોણ છે? પ્રાંજલ સાચે જ સગાઈની વાત પૂજનની સામે લાવશે? પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યા શું થશે? આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.
આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020