dada ne vhali dikari in Gujarati Short Stories by Vijay Khunt Alagari books and stories PDF | દાદાને વ્હાલી દિકરી

Featured Books
Categories
Share

દાદાને વ્હાલી દિકરી

દાદાને વ્હાલી દિકરી

રાતના લગભગ બે વાગ્યા હશે. દાદા પથારીમાં બેઠા હતા. માળા ચાલુ હતી. રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના નુ મનમાં સ્મરણ ચાલુ હતુ. અચાનક જ પ્રિયા પાણી પીવા જાગી. પાણી પીને દાદાના ખાટલા પાસે આવીને બેઠી અને કહેવા લાગી દાદા તમને નિંદર નથી આવતી?

મોં પર થોડુ હાસ્ય લાવી ને કહે છે બેટા એક અઠવાડીયા પછી આ ઘર કાંગરા અને ડેલીયુમાંથી પ્રાણ નીકળી જાહે કેમની નિંદર આવે?

પ્રિયા- દાદા એવુ ન હોય હુ ક્યા અહિથી દુર જવાની માત્ર મુંબઈ તો જવાની છુ. હુ તમને દરરોજ ફોન કરીશ ને. મારા દાદાના ખબર અંતર પુછવા મહિને એક આંટો પણ આવીશ. મે તમારા જમાઇને બોલી કરી છે.

દાદા પ્રિયાના માથા પર હાથ ફેરવતા કહે છે અરે દિકરા ઇ તો તારા સાસરીયા પર આધાર છે તને નો આવવા દે તો જીદ પણ નો કરાય

પ્રિયા- દાદા અત્યારે તો બધા શાંતિથી રહે તેવો સમય છે. મારા દાદાના આશિર્વાદ હોય ત્યા મને કોની ચિંતા હોય. તમે હવે આરામ કરો. સવારમાં ભાઇ અને ભાબી આવવાના છે. એની પાસે સામાન વધુ હશે તો એને પણ લેવા જવાનો છે.ચાલો હવે કોઇ પણ ખોટી ચિંતા વગર સુઇ જાઓ

દાદા- ભલે બેટા ભલે મને એક ધાબળો ઓઢાડતી જા જે.

પ્રિયા ધાબળો ઓઢાડીને પોતાના રૂમમાં જઈને સુઇ જાય છે.

પ્રિયા ખુબ નાની હતી ત્યારે તેના પપ્પાનો સ્વર્ગવાસ થયો હતો. પ્રિયાથી મોટો ભાઇ અભિ જે વડોદરા નોકરી કરે છે. પ્રિયાના પપ્પાના સ્વર્ગવાસ પછી દાદા નાનકડી પ્રિયા અને અભિ અને પ્રિયાના મમ્મી બધાને લઈને ગામડે આવતા રહ્યા હતા. અભિને આગળ ભણાવ્યો. અભિ ભણવામાં હોશિયાર હતો એટલે પરિવારે ટેકો આપીને આગળ ભણવા વલ્લભ વિધ્યાનગર મોકલ્યો. ત્યા ઇલેક્ટ્રીકલ એન્જીનીયર થયો. અભિ હવે વડોદરા સરકારી નોકરીએ લાગ્યો હતો. ખુબ જ સારા પગારથી નોકરીએ લાગ્યો હતો. વડોદરા જ સાથે નોકરી કરતી સોનલ સાથે આંખો મળી ગઈ હતી. સોનલના અને અભિના પરિવારની સહમતિથી લગ્ન કર્યા. અભિ સમજુ છોકરો હતો એટલે કહ્યુ અમારે સાદાઇથી લગ્ન કરવા છે. આર્યસમાજની વિધી મુજબ લગ્ન કર્યા. વડોદરા બન્ને રહેતા હતા.

હવે આર્થિક રીતે ઘરમાં થોડી સધ્ધરતા હતી એટલે મુંબઈ આવેલા સંબંધીએ પ્રિયાનુ માંગુ નાખ્યુ કે મુંબઈ ઘરનો ફ્લેટ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખુબ મોટો બિઝનેસ છે. મુંબઈમાં સારૂ એવુ નામ છે.

દાદાએ કહ્યુ અમને તો અમારી દિકરીને આટલી બધી દુર મોકલવાનુ ગમતુ નથી પણ અત્યાર સુધી ખુબ પરિશ્રમ કર્યો. હવે જો દિકરી સુખી થતી હોય અને છોકરો જો એને ગમશે તો હમે આગળ વાત ચલાવીશુ.

પ્રિયા તો રંગે રૂપે શહેરની છોકરીઓને પાછળ મુકિ આવે એવી રૂપાળી. બાર સુધી ભણેલી પણ અંગ્રેજીમાં પકડ સારી હતી. મુંબઈથી આવેલા છોકરાને છોકરી ગમે એમા કોઇ બેમત ન હતા. ત્યારેને ત્યારે જ સારૂ મહુર્ત જોઇને ચાંદલો ચુંદડી પણ કરતા ગયા હતા. હવે લગ્નની તારીખ નક્કિ થઈ ગઈ. દસ બાર દિવસમાં લગ્ન હતા.

દાદા અને પ્રિયાને ખુબ જ બનતુ હતુ. દાદા વાડીયેથી કાયમ સિઝન મુજબ પ્રિયા માટે તાજા શાકભાજી ફળો લાવતા હતા. પોતાના ખેતર ના હોય તો બીજાના ખેતર જાય ત્યા ક્યાય બોર કે બીજુ કઈ જોઇ જાય એટલે કહે મારી નાનકી છોડી હાટુ થોડાક લઈ લઉ. સામે વાળા ના તો કહે જ નહિ અને પ્રિયા પણ દાદાના લાવેલા ભાગથી ખુશી અનુભવતી. દાદા ખેતરથી ઘરે આવે એટલે પાણીનો કળશો ભરી દે. દાદા માટે હાથ પગ ધોવા ગરમ પાણીનુ તગારુ તૈયાર રાખે. દાદાના હાથપગ ધોવાઇ જાય એટલે ફળીયામાં ખાટલે બેસે.

પ્રિયા દાદાની થાળી તૈયાર કરી દે. દાદા જમવા બેસે ત્યા સુધી પ્રિયા તેની પાસે જ બેસતી. દાદાને જે પણ લેવુ હોઇ એ દાદા માંગે એ પહેલા આપી દે તી.

આ રોજનો નિત્ય ક્રમ હતો. દાદાને પ્રિયા પ્રત્યે એટલો બધો સ્નેહ હતો કે ક્યારેક પ્રિયા ક્યાય બહારગામ ગઇ હોય તો દાદા વારંવાર પુછ્યા કરે કે નાનકિ ક્યારે આવશે? એના વગર તો આ ઘરમાં અંધારુ અંધારુ જ લાગે. એ ન આવે ત્યા સુધી દાદાને ચેન ન પડે. પથારીમાં બેઠા બેઠા માળા કરે તો થોડી વાર ઉભા થઈ ફરજામાં નીણ ઘાસચારો નાખે. જ્યારે પ્રિયાનો ડેલીમાં પ્રવેશ થાય એટલે દાદાને તો કોઇકે છીનવી લીધેલી આંખો પાછી આવી એવુ લાગે.

પ્રિયાના લગ્નના હવે અઠવાડીયુ બાકિ હતુ, બેચેની સ્પષ્ટ દેખાતી હતી પણ સમાજે દિકરીને એક નહિ બે ઘર દિપાવવાની જવાબદારી છે. વીસ વર્ષના સંબંધો લાગણી અને યાદ એક જ પળમાં છોડીને બધી જ નવી શરુઆત કરવાની હોય છે. એકવીસ વર્ષની ઉમરે પણ પાંચ વર્ષની બનીને રહેવુ પડે.

સવાર પડતા જ અભિનો ફોન આવ્યો. દાદા ટ્રેક્ટર અને પાછળ લારી જોડીને સ્ટેશન લેવા ગયા. અભિ અને સોનલ સ્ટેશન ઉપર લગ્નના પંદર વીસ મુદ્દાઓ ઉતારી અને દાદાની રાહ જોતા હતા. દાદા આવતા જ દાદાને પગે લાગ્યા અને ટેક્ટરમાં મુદ્દાઓ ભરવા લાગ્યો. બધા મુદ્દાઓ ભરીને બધા ઘરે આવ્યા. બપોર સુધી તો શહેરની બધી વાતો ઠાલવી પછી બપોરે જમીને દાદાને પોતાની બેગમાંથી કાઢી અને ત્રણ લાખ રૂપીયા આપ્યા અને કહ્યુ આ લ્યો દાદા આપણા ઘરે લગ્ન છે એમા આમાથી બધુ થઈ રહેશે.

દાદા- અરે દિકરા આની શુ જરુર હતી. મે આડા અવળુ કઈ રાખ્યુ હતુ. બધુ થઈ જતે તુ ચિંતા ન કરતો.

અભિ- ના દાદા આ અમારી કમાણીના જ છે. મે ક્યાયથી ઉંછીના નથી લીધા છેલ્લા ત્રણ વર્ષથી અમે બચત કરી છે નાનકી સારુ ઘરેણા પણ લાવ્યો છુ.

દાદા- દિકરા તે તો મારા માથેથી બોઝ હળવો કરી નાખ્યો.

અભિ- દાદા આપણે આ લગ્ન ધામધુમથી કરવા છે. મુંબઈથી જાન આવવાની છે. જાનૈયા એમ તો ન જ કહેવા જોઇએ કે ગામડામાં નબળા વેવાઇ ગોત્યા એમ. બધાને જલ્સા કરાવી દેવા છે.

દાદા પાસેથી તમામ જવાબદારી સમજી અને આખા લગ્નની જવાબદારી અભિ માથે લઈ લે છે. અભિ નાનપણમાં છત્રછાયા ગુમાવીને પોતાની જાતને સારી રીતે ઘડી હતી. નાની ઉમરમાં જ મોટા વ્યક્તિની જેમ નિર્ણય લેતો જાય અને બધા કામ પાર પાડતો જાય.

લગ્નની સંપુર્ણ તૈયારી થઈ ગઈ હતી. હવે તો લગ્નને બે દિવસની વાર હતી. દાદા ગામમાંથી ઘરે આવ્યા. પ્રિયા પાણીનો લોટો લઈને દાદા પાસે આવી. દાદા કહેવા લાગ્યા બેટા હવે બે જ દિવસ છે પછી મને કોણ પાણીનો લોટો ભરી દેશે.

પ્રિયા સુનમુન હતી થોડિવાર પછી કહે છે દાદા ગરમપાણી તૈયાર છે હાથપગ ધોઈ લો.

દાદા હાથ પગ ધોતા ધોતા કહે છે નાનકિ ગરમપાણીથી હાથપગ ધોવ છુ ને કાયમ મને આરામ મળતો પણ આજ તો થાક લાગે છે.

પ્રિયા – દાદા હુ તમને રોજ ફોન કરીશ બસ આ જ ટાઇમે અને રોજ પુછીશ કે દાદા થાક ઉતરી ગયો.

દાદા હાથપગ ધોઈ અને ફળીયામાં બેઠા હતા. અભિ દાદા પાસે જઈ લગ્નની તૈયારી વિશે માહિતિ આપતો હતો. દાદાને હાશકારો હતો કે પોતાના દિકરો તો ન હતો પણ પૌત્ર કોઇની ઓછપ લાગવા નહિ લાગવા દે. આવતા વેત જ બધી જવાબદારી લઈ અને દોડાદોડી કરવા લાગ્યો હતો.

દાદાની થાળી તૈયાર કરી દાદાને જમવા બેસવા કહ્યુ દાદા આવીને જમવા બેઠા. જમવાનુ શરુ કરતા પહેલા આમતેમ બે ત્રણ વાર નજર કરી. કોઇ દેખાયુ નહિ એટલે બે ત્રણ બટકા ખાધા પાછુ આમ તેમ જોવાનુ ચાલુ કર્યુ. અભિ પુછે છે દાદા કઈ લેવુ છે? હુ આપુ?

દાદા કહે ના બેટા કઈ નથી લેવુ?

પ્રિયા આવીને કહે છે નાનકી નથી દેખાતી એટલે દાદા આમતેમ જુએ છે.

દાદા કહે હા બેટા હુ તને શોધુ છુ તુ આવ અહિ બેસ. મને ખાવાનુ ભાવે.

દાદાના મનમાં ધ્રાસ્કો પડ્યો કે કેટલા દિવસ હવે તો કેટલી કલાક ? પછી મારુ શરુ શુ થશે? પણ પોતાના મનની વેદના મનમાં જ દફનાવી દે છે.

સાંજે સુતી વખતે દાદા માળા કરીને એની પથારીમાં બેઠા હતા. પ્રિયા અને અભિ આવીને દાદાના ખાટલે બેસે છે.

પ્રિયા- અભિ દાદા બોવ જ માળા કરે છે. દાદા ભગવાન પાસે શુ માંગો છો?

દાદા- હુ જે માંગુ ઇ ક્યા ઉપરવાળો આપે ? હુ તો એમ જ માંગુ કે મારા આંખ્યુના રતન જેવા આ બેય બાળુડાને સુખી રાખજો.

અભિ- દાદા પ્રિયા તો મુંબઈ જઈ સુખી જ થઈ જવાની છે. એના ઘરે હુ જઈ આવ્યો. બોવ જ મોટુ મકાન છે. પૈસા વાળી પાલ્ટી હો દાદા

દાદા- હા બેટા એટલે જ હુ મારા કાળજાના કટકાને એટલો દુર જવા દઉ છુ. નહિતો મારુ તો મન જ નો માને. અભિ બેટા તારો બાપ જે દિ આપને બધાને છોડીને ભગવાન પાસે ગયો ત્યારે આ નાનકિ બે વરહની અને તુ સાત વરહનો હતો. ત્યારથી અત્યાર સુધી આપણે બધાએ ખુબ મહેનત કરી. તારા મમ્મીએ પણ શહેરમાંથી આવીને ઘર અને વાડી બન્ને સંભાળી લીધા હતા. તને ભણાવ્યો. દિકરા મને આજ સંતોષ છે કે અમે કરેલી મહેનત ઉગી નીકળી.

પ્રિયા- દાદા મને તો તમારી વગર ગમશે જ નહિ મુંબઈ

દાદા- અરે ગાંડી દાદા વગર તો ગમાડવુ જ પડશે ને. તારા સસરાને દાદાની સેવા કરે છે એવી જ સેવા કરજે. આમ તો શહેરમાં તો કામેય શુ હોય તારે. હિંડોળે બેસીને તુ ને તારી સાસુ હિંચક્યા કરજો.

પ્રિયા- હા દાદા એ તો બધા મને આંબા આંબલી દેખાડે છે.

દાદા- તુ નાની હતી ને ત્યારે રોટલા બનાવતા શીખતી હતી. એ કાચા પાકા રોટલા તુ મારી થાળીમાં મુકતિ. એ રોટલો હુ હર્ષથી ખાઈ જતો હતો. હુ એ રોટલો તારી ખુશી માટે નહિ પણ એ રોટલો મને મીઠો લાગતો એટલે ખાતો. કેમ કે તારા નાના નાના હાથથી બનેલો રોટલો એ રોટલો તારી નિખાલતાથી ચોપડ્યો હોય એવો લાગતો હતો.

દિકરી તો એવુ પાત્ર છે કે એને જન્મતા જ અપાર સ્નેહ આપો. પછી ક્યારે મોટી થઈ જશે એ જ ખ્યાલ નહિ આવે. જ્યારે તમને સ્નેહ કરવાનુ લાડ લડાવવાનુ મન થશે ત્યારે તો એ પંખી માળો છોડી જતુ રહેશ.

પ્રિયા ની આંખો ભરાઇ આવે છે અને દાદાને કહે છે દાદા મુંબઈમાં બધુ મળશે?

દાદા- હા બેટા

પ્રિયા- મારા દાદા હશે ને?

દાદા- ના બેટા તને તારા દાદા નહિ મળે. મને મારી નાનકી હવે નહિ જ મળે. આ ઘરમાં બેટા તારી વગર અંધારુ થઈ જશે. પણ મને એનો આનંદ હશે કે તુ તારા ઉજાશથી અમારા સંસ્કારને અને તારા સસરાના ઘરને ઉજ્જવળ કરીશ.

દાદા, પ્રિયા અને અભિ મોડી રાત સુધી વાતો કરીને સુઈ જાય છે. બીજે દિવસથી હવે પ્રસંગો ચાલુ થાય છે. માંડવો નાખવામાં આવે છે. પોતાના વિશાળ ફળીયામાં માંડવો નાખ્યો હતો. ગાદલા તકીયા નાખીને મહેમાનો બેઠકો કરવામાં આવી.

દાદાને તો અંદાજો હતો જ કે આ મારુ હર્યુ ભર્યુ ફળીયુ કાલે ઉજ્જડા અને વેરાન થઇ જવાનુ છે. દાદાને મનમાં દિકરીની વિદાયના દ્રશ્ય અત્યારથી જ દેખાઇ રહ્યા હતા.પીઠિ ચોળીને દિકરીને પાટે બેસાડવામાં આવી. દિકરીને બધા આશિર્વાદ દેવા આવતા હતા. દિકરી પણ દાદાને શોધતી હતી. એની સખીને કહ્યુ કે મારા દાદાને બોલાવને ત્યા સુધી તો હુ કઈ રીતે ઉભી થાઉ?

દાદાને આવતા જોઇ પ્રિયાની આંખમાં આંસુ ભરાઇ આવે છે. નાનપણથી બાપની કમી વર્તાવા નથી દિધી. પ્રિયાએ એના પપ્પાને ફોટા સિવાય તો બરાબર જોયા નથી પણ આજ દાદા ચાલ્યા આવે છે કે પપ્પા એ એને સજળ આંખોએ દેખાતુ નથી. દાદા તો મનમાં જ રડી રહ્યા હતા. એ જો આંસુ દેખાવા દે તો બધા ભાંગી પડે.

દાદા આવીને દિકરીના આંસુ લુછે છે અને કહે છે કે મારી દિકરી રડ નહિ. તુ ભાંગી જઇશ તો હુ પણ રહિ શકુ બેટા. દાદા આંખના ખુણા લુછતા લુછતા બે હજારની નોટ આપીને ટોળામાં ચાલ્યા ગયા.

રાતે મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દાદા તો પોતાના ખાટલા પર ફળીયાના એક ખુણામાં બેઠા બેઠા મોડી રાત સુધી માળા કરતા હતા. પ્રિયા આવીને દાદાને ખાટલે બેઠી.

દાદા હવે સુઇ જાઓ ને રાત થઈ ગઈ અને સવારે જલ્દિ જાગવાનુ છે.

બેટા હવે તો આંખ્યુ જ કાલે ચાલી જાશે. ઉંઘ કેમની આવે આજે. બેટા અહિ બેસ થોડી વાર. બેટા તારા સાસરીયે વહુ થઈને કામ કરજે અને દિકરી થઈને રહેજે. ઘર હોય ત્યા વાસણ ખખડે જ પણ એમાં તારે જ નમતુ લઈને વાસણને માંડે ચડાવવાના. તને થોડુ અજુગતુ લાગશે પણ તારી મહાનતા એમા જ વધજે. જેમા આ ઘરનુ તે જતન કર્યુ છે. એમ એ ઘર હવે તારુ જ છે. ત્યા ક્યારેક તારા સ્વીકારવાથી કે તારી માફિ માગવાથી જો મોટુ નુકશાન અટકે તો એ માટે તુ તારી જાતને સજા દેવા તૈયાર રહેશે. આવી રીતે પાયો માંડિશ તો પરિવાર વર્ષો સુધી ખુશખુશાલ રહેશે.

પ્રિયા- દાદા હુ જા જાઉ છુ ત્યા એ ઘરની માત્ર લક્ષ્મી જ નહિ સરસ્વતી થઈને પણ જઈશ. મારા બલિદાનથી મારો પરિવાર ખુશ રહેતો હશે તો એ પહેલ હુ જ કરીશ. દાદા હુ તમને વચન આપુ છુ કે આપણા ઘરના ખોરડા અને ખાનદાની ને ત્યા દિપાવીશ. મારા પપ્પા અને તમને એ લોકો એમ કહેશે કે ધન્ય છે એના સંસ્કારો અને ઉછેર.

દાદા – વાહ બેટા હવે તો હુ પણ ખુશ છુ.હવે ઇશ્વરને એટલુ જ કહિશ. હવે મને જીવનમાં કોઇ ઇરછા નથી. અભિ તો એનુ ઉજ્જવળ ભાવિ કંડારી ચુક્યો છે. બેટા મને તારી ચિંતા હતી પણ તે મને વચન આપ્યુ એટલે હુ મુક્ત છુ.પણ બેટા વિચાર એ જ વાતનો આવે કે કુદરત સારો સમય જલ્દી પસાર કરાવી દે. કાલે સવારે હજુ કાલીઘેલી ભાષામાં હુ જેને લાડ લડાવતો એને આજે મારે વિદાય આપવાની છે.

પ્રિયા- ચાલો દાદા હવે તમે સુઇ જાઓ સવારે વહેલા ઉઠવાનુ છે. દાદાને છેલ્લી વાર ઓઢાડીને પ્રિયા પણ સુઇ જાય છે. સવારમાં પરોઢીયે જ લગ્ન નો માહોલ શરુ થઈ ગયો. મુંબઇથી જાન આવી અને ઉતારા પણ અપાઇ ગયા. ચા પાણી નાસ્તા કરાવવામાં આવ્યા. જાડેરી જાન આવી. દાદાએ કાઠીયાવાડી ફેટો બાંધેલો. કાળી કોટી અને આજ તો દાદાને હરખ નોતો સમાતો.

લગ્નની વિધી ચાલુ થઈ. દિકરીને કન્યાદાન દેવામાં આવ્યુ. લગ્નને અંતે પ્રસંગ આવ્યો વિદાયનો. દિકરીને વિદાય કરતા એક એક વ્યક્તિ દિકરીને માથે હાથ મુકતા જાય છે. દિકરી એના ઓવારણા લેતા જાય છે. અભિ આવે છે અને બાથ ભરીને પ્રિયા ખુબ રડે છે. અભિ શાંત્વના આપતો જાય છે. પોતે પણ રડતો જાય છે. પપ્પાની ગેરહાજરી આજે બન્ને ભાઇ બહેનને સાલવે છે પણ દાદાએ આજ સુધી તો કોઇ દિવસ એની ખોટા વર્તાવા જ નહોતી દિધી.

દાદા દિકરી પાસે આવીને ઉભા રહે છે. દિકરી તો ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. દાદાની આંખમાં હજુ આવ્યા ન હતા. દાદાએ તો કેટલાય બંધ એના દિલ પર બાંધી રાખ્યા હશે.

પ્રિયાના માથે હાથ મુકિને કહે છે દિકરી રડ નહિ હુ માંગુ ઇ આપિશ?

પ્રિયા – હા દાદા તમે જે માંગો એ આપીશ.

દાદા પ્રિયાનો હાથ પકડીને કહે છે કે બેટા આ હાથ તારા દાદાની માથે મુક અને આશિર્વાદ દે કે દાદા તમારો પરિવાર સુખી રહે. દિકરી પાસે આશિર્વાદ એટલા માટે લઉ છુ કે એના ને મારા તો વીસ જ વરસના અંન્ન જળ છે છતા પરિવાર અને દુઃખને વચ્ચે દિવાલ બનીને ઉભી રહે છે. દિકરી તુ તો લક્ષ્મી કેવાને તો તારા દાદાને માથે હાથ મુકતિ જા.

પ્રિયા રડતા રડતા દાદાની માથે હાથ મુકે છે દાદાના ઓવારણા લે છે. દાદાને ભેટી પડે છે. દાદાએ અત્યાર સુધી બાંધેલા આંસુઓના બંધ તુટી પડે છે. દાદા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

દાદાને તેના દિકરાના સ્વર્ગવાસ પછી પહેલી વાર આટલા દુઃખી થઈ રડતા જોયા હશે.

દાદા અંતમાં કહે છે બેટા તારા પાલન પોષણમાં કઈ ભુલ થઈ હોય તો મને માફ કરતી જા જે.

પ્રિયા- દાદા તમે મારા દાદા અને પપ્પાની બન્ને ફરજ નિભાવી છે. બસ તમારી દિકરીને એવા આશિર્વાદ આપજો કે એ એના જીવનમાં સુખી થાય.

પ્રિયા ઉપર આકાશમાં જોઇને કહે છે દાદા તમારે વાડીએ થી ઘરે આવવાનો સમય થઈ ગયો ને?

દાદા કહે હા બેટા પણ હવે તો મને મારી દિકરી ઘરે નહિ જોવ તો કામ જટ જટ પતાવી આવવાનો હરખ પણ નહિ થાય ને.

પ્રિયા પાનેતર પહેરેલુ છેડામાં શ્રીફળ નવવધુના શણગાર સાથે પાછી વળે છે અને પાણીયારામાંથી પાણી કળશો ભરી દાદાને આપે છે. લ્યો દાદા આજનો દિવસ હુ અહિ છુ આ અંતિમ વાર.

દાદાને પ્રિયા એના હાથથી પાણી પીવરાવે છે. પાણી પીધા પછી દાદા પ્રિયાના માથે હાથ મુકિ ને કહે છે જે બેટા હવે ખુશીથી વિદાય થા.

જાનને વિદાય આપવા ગામના પાદર સુધી બધા મુકવા જાય છે.

વેવાઇ દાદાને કહે છે દાદા તમે બિલકુલ ચિંતા ન કરતા તમારી દિકરી અમારી દિકરી છે. અમારે આમ પણ ક્યા દિકરી હતી એ અમારી દિકરી થઈને જ રહેશે.

દાદા – હા મારી દિકરીને સાચવજો. અધુરો રહિ ગયેલો પ્રેમ આપવા દિકરીને ભગવાન મોકલે છે. એની હારે લેણા દેવી પુરી થઈ.

જાનને વળાવી ઘરે આવીને બધા સાફસફાઇ કરવા લાગે છે. મંડપ છોડી નાખવામાં આવે છે. બધા બધુ સગેવગે કરવા લાગે છે. અભિ દાદાને ખાટલો ઢાળિ દે છે અને કહે છે દાદા તમે થાકિ ગયા હશો તમે આરામ કરો.

દાદા તો સુનમુન એ ખાટલામાં બેસી ગયા. હાથમાં માળા ચાલુ હતી. અભિ આવીને કહે છે દાદા હવે કઈ ભુલાતુ તો નથીને? બધુ જ સંભારીને લઈ લીધુ નથીને

દાદા મનમાં નિસાસો નિકળ્યો કે બેટા અભિ મારો કાળજા કેરો કટકો જ ભુલાઇ જાય છે. બીજુ તો લઉ કે ન લઉ શુ ફેર પડે? દાદા નકારાત્મક માથુ હલાવીને કહે છે ના કહિ નથી ભુલાતુ. તુ પણ બેટા આરામ કર હવે ઘણા દિવસથી દોડાદોડિ કરે છે. થાકિ ગયો હશે.

દાદા પથારીમાં તકીયાના ટેકે બેઠા બેઠા માળા કરતા હતા. બે કલાક જેવુ થઈ ગયુ. અભિ દાદાને જમવા બોલાવા ગયો દાદાની માળા અટકી ગઈ હતી. આંખમાં આંસુ તાજા નિકળ્યા હતા. આંખો મિચાઇ ગઇ હતી. અભિ – દાદા હાલો વાળુ તૈયાર છે.

દાદા હોકારો નથી ભણતા એટલે અભિને થયુ દાદા સુઇ ગયા છે જ્યા દાદાનનો હાથ હલાવે છે. દાદાનો દેહ અભિના ખોળામાં પડે છે.

દાદાએ દેહ છોડી દિધો હતો. એની લાડકડી દિકરી આ ઘરમાં ચાલી ગઈ હવે તો આ ઘરમાં અંધકાર લાગતો હતો. અભિ રડતો રડતો બધાને બોલાવીને આવ્યો.

બીજે દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિકરીને બે દિવસ રહીને જાણ કરવામાં આવી. દિકરી પણ આવીને ખુબ રડી. પાણી ઢોળ પત્યા પછી અભિએ એના મમ્મીને વડોદરા રહેવા લઈ જવાનો હતો. પ્રિયાને તો આ ઘર છોડવુ ન હતુ.

પ્રિયા જતા જતા આ ઘરના ફળીયામાંથી માટી લઈ એક રૂમાલમાં બાંધે છે. પ્રિયાનો પતિ પુછે છે આ માટી કેમ?

પ્રિયા કહે છે આ માટીએ અમને હુંફ આપી. આ ઘર અને આ ફળીયામાં આજે પણ મને મારા દાદા હોવાનો અહેસાસ થાય છે એટલે આ અમુલ્ય સ્મૃતિ મને દરેક જગ્યાએ હુંફ આપશે.

(મારી આ વાર્તાનો ચોક્ક્સ અભિપ્રાય કમેન્ટમાં આપશો અને સારી લાગી હોય તો વધુને વધુ શેયર કરજો)

લેખક વિજય ખુંટ