Ghunghat in Gujarati Women Focused by શિતલ માલાણી books and stories PDF | ઘુંઘટ

Featured Books
Categories
Share

ઘુંઘટ

ઘુંઘટથી રાહત

"રાણીસાહેબ, તમારા સાટું સંદેશો આવ્યો છે આપના પિહરથી." દાસીએ મસ્તક ઝુકાવી કહ્યું.

" શું છે સંદેશો ? આટલા વર્ષે આજ દીકરી યાદ આવી."

" બા,સાહેબ , સમાચાર જરાય રાહતના નથી. આપના પિતાશ્રીના જાયદાદના વારસદાર આપ એક જ છો એટલે આપને એમની અંતિમ ઘડીઓમાં યાદ કરે છે."

"ભલે, હું રાણાસાહેબના હુકમની રાહ જોઈ જવાબ આપું."

રાણી લાંબો ઘુંઘટો કાઢી રાણાજીની આજ્ઞા માટે મહેલમાં પ્રવેશ કરે છે. રાણો પણ હુક્કો ગગડતો હજુરીયાની સાથે સોગઠાબાજી રમે છે. રાણીના આગમનના સંદેશ સાથે હજુરીયા વિદાય લે છે.

રાણાજી : "અહિં આવવા પાછળનો ઉદ્દેશ શું છે આપનો ?"

રાણીસાહેબ : "પિહરમાં મારા તાતનો જીવ જાય એમ છે આપણે બેયને અબઘડી બોલાવે છે. આપની આજ્ઞા હોય તો.....આપ.....ણે..."

રાણોજી : "પિહરનો ઊંબરો ઓળંગીને આવી છો હજી કેવા અભરખા છે ત્યાં ના.."

રાણીસાહેબ મૌન રહી જવાબની રાહ જોવે છે. પણ આ તો અભિમાની રાણો એમ થોડી હાં પાડે ???

રાણોજી : "એક શરતે જાવ, મોં બતાવી પાછા વળી જવાનું અને હા, આ ઘુંઘટો આપણી શાન છે એની અદબ જળવાઈ રહે એ ન ભુલાય. હું નહિ આવું તમને રસાલા સાથે મોકલું છું જાવ..."

રાણી સાહેબ : "પણ, તાતને તો જાયદાદના વારસદાર માં આપ પણ સાથે હો એવું કહેણ છે.... થોડીવાર રોકાઈ તો રાહત થાય એ તડપતા જીવને."

રાણોજી પગ પછાડતા ને મૂંછ ને વળ આપતા. "તારા તાતની જાયદાદને આ રાણોજી લાત મારે છે... હવે થઈ રાહત આ સાંભળી ને " એમ કહી હસે છે.

રાણીસાહેબ નિરાશ વદને પિહર જાય છે ને અતિતમાં ખોવાય છે કે પોતે એક કોડિલી કન્યા કેવા આશભરેલા સપને લગ્નના બંધને બંધાઈ હતી. દીકરીને તમામ કરિયાવરની માલમતા આપ્યા પછી પણ જો આ જ સાંભળવાનું હોય તો પિહરનો પરિવાર જ મારે પ્રથમ. આ વિચારે રાણીસાહેબનો અંદરથી રોષ પ્રગટ થઈ રહ્યો હતો.

ત્યાં રસાલો પિહરના પરિસરમાં પહોંચે છે..રાણીસાહેબ પુરા અદબ ને મલાજ સાથે તાતને ઓરડે પહોંચે છે.

મરણપથારીએ પડેલા એ તાત દીકરીની પાયલના ઝણકારે
આંખના ડોળા ચકળવકળ ફેરવે છે. એને મજબુરીના સંજોગે પોતાની લાડકીને બાળપણમાં જ પરણાવી વિદાય આપી હતી. એ નરાધમ રાણાએ રીતસરની છેતરપિંડી કરી બાપ-દીકરીને અળગા કર્યા. આ વિચારી તાતની આંખે શ્રાવણ-ભાદરવો વરસે છે. હૈયે રાહત વળે છે દીકરીને જોઈને.

દીકરી રૂમમાં પહોંચી ને ઢોલિયાને પાંગથે બેસી મૌન રહી નિહાળે છે એ ઘરડાં તાતને. જાણે એક તરૂવરથી એની વેલડી વાવાઝોડાને વાયરે વેગળી થઈ હોય એવું આજ અનુભવતી હતી.

ત્યાં એનો સુબો આવી રાણીસાહેબને કહે છે "ખમ્મા,
બા,સાહેબ રાણાજી નું ફરમાન યાદ રાખજો મોં જોઈને પાછા વળવાનું હતું. જો આપનું એ કામ પતી ગયું હોય તો આપ.....ણે..."

રાણીસાહેબ સ્તબ્ધ બની ઊભા થયા. તાત અવાચક હતા પણ ઈશારાથી બે હાથ જોડી છેલ્લી માફી માંગતા હોય એમ દીકરીને દોઝખમાં નાંખ્યાનો ભારોભાર અફસોસ વ્યક્ત કરતા હતા.

પણ, રાણીસાહેબ તો કંઈક જુદા વિચારે જ હતા. ત્યાં પાછી દાસી આવીને બોલી , "બા,સાહેબ વેલડું રાહ જોવે છે. રાણાજીની અદબ ને મલાજને આંચ આવશે તો આપ જાણો‌ જ છો ને કે..!!! "

એ રાણીસાહેબે લાલચોળ ચહેરે, ઘુંટાયેલ વેદનાએ અને બળતે હૈયે એક કારમી ચીસ સાથે ઘુંઘટો હટાવીને દાસીને કહ્યું કે " કહી દો તમારા રાણાને કે આપની રાણીસાહેબ હવે અદબ અને મલાજની ખોટી વાતે ખોટું સહન નહિ કરે. એણે મારા તાતની જાયદાદ અને તાતને ઠોકર મારી છે ને હું પણ એની આ અદબ અને મલાજને અલવિદા કહું છું. લઈ જાવ એના વેલડાને અને કહેજો ભાર દઈને કે એનો જુલ્મ મુંગા ઢોર સહન કરશે આ તાતની દિકરી નહીં." એમ કહી તાતના પગે પડી ગઈ.

રસાલો અને વેલડું જવાની તૈયારી કરતું હતું કે ઝરૂખેથી દાસીને ચુંદડી અને તલવાર આપતા કહ્યું કે 'રાણાજી ને કેજો આજથી સંબંધ પુરા. તાતથી થયેલી ભુલ મેં ઘણી ભોગવી પણ હવે એ ભુલની ભરપાઈ એ રાણો જ કરશે. ચુંદડીએ મલાજ મોકલું છું અને તલવારે મારી અંદરની ખુમારી મોકલું છું.'

ચુંદડીની અદબ જોઈ અત્યાર સુધી,,, હવે એ તલવારની તાકાત પણ જોવે. આમ કહી એ સિંહણ પડઘા પાડતી તાતની ગાદીએ બેઠી.

આ બાજુ રસાલો ચાલતો થયો અને તાતનો જીવ પણ... અને હાં, સાથે રાણીસાહેબનો ઘુંઘટો પણ....

એક હાશકારો અને રાહત અનુભવાઈ ઘુંઘટ ની કેદમાંથી...