એક રાજા હતા. કૃષ્ણપ્રેમી રાજા. એટલા બધા એ કૃષ્ણનાં પ્રેમમાં ઓતપ્રોત કે જ્યાં જ્યાં કૃષ્ણનું ચિત્ર મળે એ લઈ આવે. જ્યાં જ્યાં કૃષ્ણની મૂર્તિ મળતી હોય એ લઈ આવે. પણ જેટલા ચિત્ર અને જેટલી મૂર્તિ એણે જોઈને એમાં એને ક્યાંય કૃષ્ણ જેવું નો દેખાણું... કાંઈક કાંઈક ખામી દેખાય ચિત્રમાં. રાજાને એમ થાય આવો કૃષ્ણ નો હોય આમાં આ ખામી છે, તેમાં આ ખામી છે.
રાજાને એમ થયું કે હું રૂબરૂ તો કૃષ્ણને ન મળી શકું અને જેનું હું ભજન કરું છું અને મારા મગજમાં જે મોહન રમે છે એવો જો માધવ કોઈ મને દોરી દેય, એવો કોંક ચીતરી દેય મને.
ભારતવર્ષનાં તમામ ચિત્રકારોને બોલાવ્યા રાજાએ. તમામ ચિત્રકારોને બોલાવી રાજા હાથ જોડી એટલું બોલ્યો કે "આપ બધાય ચિત્રકારો આવ્યા છો, મારે કૃષ્ણનું ચિત્ર મારી બેઠકની સામે જે દીવાલ છે ત્યાં મારે કૃષ્ણનું ચિત્ર દોરવું છે. અને જે કૃષ્ણનું ચિત્ર દોરશે અને જેનું ચિત્ર મને ગમી જશે એને હું જીંદગીભરની કમાણી આપી દઈશ.
ચિત્રકારો રાજી થયા કે વર્ષોથી જે આપણે જે કારીગરી કરીએ છીએ આજ એનો કદર કરનારો કોંઈક રાજા મળ્યો.
એક ચિત્રકાર આવે... કૃષ્ણનું ચિત્ર તૈયાર કરે... રાજાને દેખાડે... રાજા ના પાડે... ના ભાઈ, કૃષ્ણ આવો નો હોય.
બીજો ચિત્રકાર આવે... કૃષ્ણનું ચિત્ર બનાવે... કે જોઈ લ્યો રાજા... રાજા કૃષ્ણનું ચિત્ર જોઈ ના પાડે... કે ભાઈ આ ચિત્ર મને ગમ્યું નઈ... કે હું જેનું ભજન કરું છું અને મને જે મગજમાં બેસે છે... એવો કૃષ્ણ નથી આ.
એમ કરતાં કરતાં એમ કે'વાય જેટલા ચિત્રકારો આવ્યા છે એ બધા ખલાસ થઈ ગયા. કોઈ કૃષ્ણનું ચિત્ર બનાવી નો શક્યું. રાજા નિરાશ થઈ બેસી ગયા ને એટલું કીધું "આજ કૃષ્ણનું ચિત્ર દોરનાર કોઈ નથી... તો મારે કૃષ્ણ ગોતવો ક્યાંથી".
એમાં એક ચિત્રકાર ઉભો થ્યો અને બોલ્યો "મહારાજ માફ કરજો, બધાંયથી પેલો આવ્યો છું અને બધાંયથી મોડો ઉભો થાવ છું. પણ આજ મને મારી કલા ઉપર ગૌરવ છે અને ક્યારનો હું બેઠો બેઠો જોતો હતો અને બધાંયનાં ચિત્રો જોયા અને હવે મને ખબર પડી ગઈ કે તમારે કેવો કૃષ્ણ જોઈએ છે. પણ રાજા હું આપની સામે પ્રતિજ્ઞા લઉં છું કે "જો આબેહૂબ કૃષ્ણ નો બનાવી દઉં... જશોદાનો જાયો નો બનાવી દઉં તો મારા કાંડા કાપી બજારમાં ઘા કરી દેજો. મને વિશ્વાસ છે હું કૃષ્ણનું ચિત્ર દોરી શકીશ".
રાજા લેરમાં આવી ગયા કે નીકળ્યો એક માણસ... અને રાજા બોલ્યો "શાબાશ દોસ્ત, તું જો મને ગમે એવો માધવ દોરી દેય... તો આ બધાને તો જીંદગીભરની કમાણી કીધી'તી પણ ભલા માણા છેલ્લે તે જો ચેલેન્જ કરી હોય અને તું જો એવો કૃષ્ણ દોરી દેય તો જીંદગીભરની નઈ તારી સાત-સાત પેઢી બેહીને ખાય તોય નો ખૂટે એટલું ધન તને દેવા માટે તૈયાર છું".
ધનની વાત આવીને ચિત્રકારની આંખમાંથી આંસુની ધાર વહેવા મંડી કે "મહારાજ આજ કોઈ ધન માટે મારે ચિત્ર નથી દોરવું પણ મારી જિંદગીમાં પહેલી વાર તમારા જેવો કોઈ કળાની કદર કરનારો રાજા મળ્યો છે. એટલે આજે મારી કલાની કદર જે થાય એટલું હું ઓળઘોળ છું, મારે પૈસા નથી જોતા બાપ, સંપત્તિ ન જોવે". પણ મહારાજ હું ચિત્ર બનાવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે.
રાજાએ પૂછ્યું "શું શરત છે તારી, ચિત્રકાર?".
ચિત્રકારે કીધું "સંપત્તિ નથી જોતી પણ વરસ, સવા વરસ જેટલો કૃષ્ણ જેવો છોકરો જોયે છે, તમારા રાજમાંથી મળશે કોઈ. વરસ, સવા વરસનો કનૈયા કુંવર જેવો બાળક જડી જાય... તો એને જોતો જાવ ને ચિત્ર દોરતો જાવ".
રાજા કેય... એવા છોકરા તો હોય જ ને.
પેલા તો રાજાનાં છોકરાઓને જ લાવ્યા, પ્રધાનોના અને મંત્રીઓનાં. પણ ચિત્રકારની આંખોમાં બેસતા નથી એને એકેય બાળક કાનુડા જેવું લાગતું નથી. ત્યારબાદ ગામમાંથી નગરપતિનાં દીકરાઓને તેડાવામાં આવ્યા પણ ચિત્રકારને એકેય બાળક નજરમાં બેસતું નથી. જેમ રાજાએ એકપણ ચિત્રકારને ન સ્વીકાર્યો એમ ચિત્રકારે રજવાડાનાં એકપણ છોકરાને નો સ્વીકાર્યા. એમ કરતાં આખા નગરનાં બાળકોને જોઈ લીધા ને બાજુનાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો. દૂર દૂરથી સ્ત્રીઓ પોતાનાં બાળકોને લઈ લઈને હાજર થવા લાગી કેમ કે દરેક માં પોતાનાં બાળકને લાલો જ સમજે છે.
પણ ભાઈ, લાલા જેવા બાળક માટે તો પહેલા જશોદા જેવી માં જોવે. આ તો કોંક કોંક બાળક એવાં હોય જેમાં આવું નૂર હોય જેમ કે શિવાજી મહારાજ. જે માં ના પેટમાંથી જ રામ લક્ષ્મણ ની વાતો સાંભળી હોય કે બાળક ઉદરમાં હોયને માતા સંસ્કૃતિના પાઠ ભણાવતી જતી હોય. આજકાલ ફેસબૂક અને વોટ્સઅપ વાપરતી માં ઓનાં ટિકટોક અને pubg રમતાં બાળકો જ થવાનાં... છોકરાંઓ માં ના ગર્ભથી જ આ પ્રકારનું શીખીને આવે છે. બાળક જરા રોયા નથી કે બાળકનાં હાથમાં મોબાઈલ દીધો નથી... બાળકો પણ મા બાપ કરતા મોબાઈલ સાથે વધુ સમય પસાર કરતા હોય છે. દાદા-દાદીઓની વાર્તા ક્યાંય ખોવાઈ ગઈ છે. કયાંથી હોય કૃષ્ણ કનૈયા જેવા બાળકો...
કૃષ્ણ જેવું બાળક જડ્યું નહિ ત્યારે ચિત્રકારે કહ્યું "મહારાજ, હવે જો મને આજ્ઞા આપો તો હું સૌરાષ્ટ્રની ભૂમિમાં જાવ અને કદાચ મને લાલો મળી જાય".
રાજાને થયું... આનેથી કાંઈ થયું નથી એટલે હવે આ ચિત્રકારને છટકવું છે. રાજાએ કહ્યું "સારું, પણ મારાં બે માણસો સાથે આવશે".
ચિત્રકાર બોલ્યો "મહારાજ, બે નહિ પણ પચાસ માણસને મારી સાથે મોકલો, પાછો આવીશ".
અને ચિત્રકાર ફરતો ફરતો મારી અને તમારી ભૂમિ સૌરાષ્ટ્રમાં આવ્યો હશે. ખેડૂત માણા... માલધારી માણા... નાના-નાના ગામડાઓમાં એમ કે'વાય કે પોતાનું ગુજરાન ચલાવે અને પોતાની મહેનત કરીને જે જીવન જીવતા'તા. એવા માણસોના ઝૂંપડાઓમાં જોતો જોતો ચિત્રકાર હાલ્યો આવે... અને એક ઝૂંપડું જોયું.. જેમાં થોડી ગાયો બાંધી છે... થોડાં ઢોરો બાંધ્યા છે. એક દંપતી એ ઝૂંપડામાં રેય છે. અને બાય એમ કેવા'ય એ ઝૂંપડામાં જીવતી જગદંબા...
એક બાળકને ખોળામાં લઇ એનાં માથે ઓઢણું ઢાંકયું છે અને એમ કે'વાય કે પોતાનાં એક વરસનાં બાળકને પઈપાન કરાવે છે. ઇ ચિત્ર જોય ગયો ઇ ભાઈ... ઇ ચિત્રકારે ઇ માઁ જગદંબાનું ચિત્ર જોયું, ઇ બેઠક જોઈ... માઁ જશોદા જેવી બેઠક જોઈ અને ચિત્રકારે નક્કી કરી લીધું. જનેતા જો જશોદા જેવી લાગતી હોય તો એનાં ખોળામાં માધવ જ હોય... બીજું કોઈ નો હોય.
આમ ધીરે-ધીરે ઇ ડગલા ભરતો ચિત્રકાર આ દેશની જનેતા પાસે આવ્યો અને બોલ્યો "માઁ, પરદેશી માણા છઉં... પણ કાકલૂદી કરીને કવ કે... ઘડીક તારો દીકરો જોવા દે ને".
રૂપક એવું બન્યું કે ગોકુળની અંદર માં જશોદા પાસે અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયોનાથ સાધુના રૂપમાં ઉભો રયો'તો અને એમ કીધું'તું "મૈયા, ઘડીક મને તારો લાલો દે". ઇ જે રૂપક બન્યું એવું આ ચિત્રકારનું રૂપક બન્યું.
સૌરાષ્ટ્ર ધરતીની જનેતાએ બાળકને પોતાનાં ખોળામાંથી આપ્યો... આ લ્યો ભાઈ. પણ દેવા ગઈને ત્યાં પોતાની આંખમાં મસેલા કાજળનો લીટો કરીને દીકરાને કાળું ટીલું કર્યું કે "મારા દીકરાને કોઈની નજર ન લાગી જાય".
પણ આમ જ્યાં ચિત્રકારે બાળકને પોતાનાં હાથમાં લીધો... ગુલાબી ગાલ... પરવાળા જેવા હોઠ... ભમરડા જેવી આખો... ઘૂઘરીયા વાળ... માધવનાં દર્શન થયા. માણસો હતા એનાં ભેળો સંદેશો દેવરાવ્યો "ક્યો મહારાજને, માધવ આયાં ઝૂંપડામાં જીવે છે. એ મહેલમાં ન જોવાં મળે એ તો આવા ઝૂંપડામાં જોવા મળે".
રાજા પોતે આવ્યા અને માલધારી ને કીધું "ભાઈ, તમારે થોડાક દિવસ સુધી અમારું ચિત્ર તૈયાર નો થાય ત્યાં સુધી રાજમાં રે'વાનું છે".
માલધારીએ બે હાથ જોડી કહ્યું "મહારાજ, અમારી જેવા માણાઓને રાજમહેલમાં નો ફાવે. અમારાં માટે તો આ ઝૂંપડું એ જ અમારો રાજમહેલ છે અને આ ઢોરઢાંખર એ જ અમારી સંપત્તિ છે".
રાજાએ કહ્યું "તમે જેવું ક્યો એવું અમે તમને ત્યાં સગવડ કરી દેશું પણ તમે મહેરબાની કરી અમારી સાથે ચાલો".
જીવન મિત્રો આવું જીવજો. ભલે થિંગડાવાળા લૂગડાં પહેર્યા હોય પણ આ દેશનાં રાજાએ ય તમારી પાસે આવીને કે'વું પડે કે... થોડાં દિ' અમારાં મહેમાન થાવ.
ઇ ગામડાંના માણસોને મહેલમાં લઈ ગ્યા... રાજમહેલમાં લઇ ગ્યા. ચિત્રકાર છે ઇ એક વરહનાં લાલા પાસે બેહી જાય અને પંદર'ક દિવસ ઇ ચિત્રકારે એ બાળકને પોતાનો હેવાયો કર્યો. અત્યારે ચોકલેટ ને પીપરમિન્ટ જેમ દેવાય. એમ એ સમયે જે દેવા'તું હોય એ દઈને બાળકને પોતાનો હેવાયો કર્યો. ચિત્રકાર જેમ ક્યે એમ મોઢું કરે... ચિત્રકાર જેમ ક્યે એમ હાથ કરે. પછી તો ચિત્રકાર આ બાળક કોનું છે ઇ ભૂલી ગ્યો, બાળક કોણ છે ઇ ભૂલી ગ્યો. સાક્ષાત મારી સામે લાલો રમે છે... એમ ધારણ કરી લીધું.
અને પંદરેક દિ' જાવા દઈને ઇ બાળકને કનૈયા જેવો તૈયાર કર્યો. માથે મોરપીંછ બાંધ્યું... હાથમાં બાજુબંધ... પગમાં એમ કે'વાય કે ઝાંઝર પહેરાવ્યા... કેડે કંદોરો બાંધ્યો... હાથમાં નાનકડી એવી વાંસળી આપી. અને જે જગ્યાએ ચિત્ર દોરવું'તું ઇ દીવાલે લાલાને ઉભો રાખી દીધો. ચિત્રકારે હાથમાં પીંછી લીધી પણ... પીંછીમાંથી જેમ જેમ રંગ પડતો જાય... કલર પડતો જાય, એમ ચિત્રકારની આંખમાંથી આંસુ પડતા જાય. ક્રુષ્ણને હૃદયમાં ધારીને ચિત્રકાર મંડ્યો ચિત્ર દોરવા.
સમય જાતા એ ચિત્ર તૈયાર થયું. રાજાને બોલાવીને એટલું કીધું "લ્યો મહારાજ, માધવને જોઈ લ્યો... ચિત્ર નઈ પણ મારા માધવને જોઈ લ્યો". એમ કહી પરદો જ્યાં હટાવ્યો ત્યાં તો મહારાજ ચોકી ગ્યા. અચકાય ગ્યા મહારાજ પોતે... કે લાલો હમણાં પડી જશે... લાલો હમણાં દોડીને મારા ખોળામાં વ્યો આવશે. આબેહૂબ લાલો જોયો. રાજાની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. વાહ ચિત્રકાર વાહ... ધન્યવાદ મારા બાપ તને. તારી માથે ઓળઘોળ થઈ જાવ આજે.
પણ ના જાણે શું થયું... ઇ ની ઇ ક્ષણમાં વિચાર ફરી ગ્યો રાજાનો અને બોલ્યો "ચિત્રકાર આબેહૂબ કૃષ્ણ બનાવ્યો છે તે પણ હવે... હવે મારે મામો કંસ બનાવવો છે.
ચિત્રકારને કેય "ઇ તારે ન'હોતું કરવું, મારી આખી મહેનત તારે મામા કંસમાં બગાડવી છે?".
રાજા બોલ્યો "હાં, કૃષ્ણ હામો મામો કંસ હોય તો જ સૃષ્ટિ હારી લાગે".
પણ હવે મામા કંસ જેવો માણસ લાવવો ક્યાંથી?. આ દુનિયામાં તો કૃષ્ણ ય નથીને કંસ ય નથી.
ચિત્રકાર બોલ્યો "તો લાવો મામા કંસ જેવો માણસ, મામો કંસ બનાવી દઉં".
પણ મામા કંસ જેવો માણા તો જેલમાં જ જડે. અને પછી મંડ્યા જેલોમાં ગોતવા... એક પછી એક જેલો જોતા જાય... એમ કે'વાય જેલ ઉપર જેલ ગોતવા મંડ્યા. ત્રીસ-ત્રીસ વરસનાં વાહણા વીતી ગ્યા પણ એક મામા કંસ જેવી વ્યક્તિ જડતી નથી. ચિત્રકારનાં ધોળા કેશ થઈ ગ્યા, બુઢાપો આવી ગયો.
અને ત્રીસ વરસ પછી એક જેલમાંથી એવો ખુંખાર માણા મળ્યો પણ કેરીની ફાંડા જેવી આંખ... બજારમાં નીકળે ને પડકારો કરે તો એમ કે'વાય જેવો તેવો માણસ પતી જાય. એક પડકારે પતાવી દેય એવો બુલંદ અવાજ. દેશી મકાન હોય... સાદા મકાન હોય... અને બજારમાંથી નીકળ્યો હોય દોડતો દોડતો... તો પગની થાપીથી એમ કે'વાય અભરાઈ પરનાં વાસણ પડી જાય... આવી જેના પગમાં તાકાત.. એવો ખૂંખાર માણા જોયો અને ચિત્રકારની નજર ચોંટી ગઈને એટલું કીધું કે "મહારાજ, આ માણસ હાલે".
જેલમાંથી બારો કાઢ્યો... હાથ-પગનાં બંધન તોડી નાખ્યા.. બેડીઓ તોડી નાખી... મામા કંસ જેવો પોશાક પહેરાવ્યો અને જ્યાં એનું ચિત્ર દોરવાનું હતું કૃષ્ણની સામે... ત્યાં જ કૃષ્ણનાં ચિત્ર પાસે જ એને ઉભો રાખી દીધો.
ઇ મામા કંસને ઉભો રાખી અને ચિત્રકાર એની હામે જોઈ અને મામા કંસનું ચિત્ર દોરવાની જ્યાં તૈયારી કરી અને જ્યાં પીંછી હાલે અને ફરીવાર જ્યાં એમ કે'વાય કે મામો કંસ બનીને ઉભો છે એની હામે જોયું.. ત્યાં તો એની આંખોમાં આહુંડાની ધાર થઈ ગયેલી.
ચિત્રકાર મંડ્યો કાકલૂદી કરવા "એય... તારી આંખમાં આહુંડા નો હારા લાગે. મારે તને મામો કંસ બનાવવો છે. તારી આંખમાં કરૂપતા હોવી જોવે... કરૂણતા ન હોવી જોવે. તું રોઇશ તો મારી જિંદગી આખીની મહેનત ઉપર પાણી ફરી જાહે. હું તને પગે લાગું".
જેમ જેમ ચિત્રકાર કાકલૂદી કરતો ગ્યો એમ એમ ઇ કંસ બનેલો માણા ભાંગીને ભુક્કો થઈ ગ્યો. જિંદગીમાં જે માણા આંખમાં આહુડા ન'હોતો લાવ્યો... ઇ આજે એમ કે'વાય રોતો રોતો ઢગલો થઈ ગ્યો અને ચિત્રકારનાં પગ પકડી લીધા "હું તને પગે લાગુ.. મારી આંખમાં હવે પછી કરૂપતા નઈ આવે.. ક્રોધ નઈ આવે. આજ તુએ મારી અંદરની આંખો જે છે બીડાઈ ગયેલી હતી... મારા બાપ, તુએ ઉઘાડી નાખી".
ચિત્રકારે કીધું "પણ તું રો છો શું કરવા... ઇ તો મને કે... રોવાનું કારણ શું છે?".
તે દિવસે મામો કંસ બનીને ઉભો છે ને એણે જવાબ આપ્યો ચિત્રકારને "કે ભાઈ રોવ છું એનું બીજું કાંઈ કારણ નથી પણ એકત્રીસ વરસ પહેલાં... તારે કૃષ્ણનું ચિત્ર બનાવવા જે બાળક જોતું'તું ને... તું જે બાળક લાવ્યો'તો એ બીજું કોઈ નહિ પણ હું જ ઇ બાળક હતો.
મામો કંસ બનેલો માણસ વાત આગળ વધારતા બોલ્યો "આ ચિત્ર જોયુને મારી આંખ ઉઘડી ગઈ... એક દી' હું કૃષ્ણ બન્યો'તો અને આજ હું ખરાબ સંગતને કારણે મામો કંસ બની ગ્યો. મારાથી સમજણ નો રઇ ને મારો આખો મારગ બદલાઈ ગ્યો. અને તુએ મને ફરી પાછો કૃષ્ણ તરફ વાળી દીધો".
કહેવાનો અર્થ "માણસ ધારે તો કૃષ્ણ પણ બની શકે અને માણસ ધારે તો કંસ પણ બની શકે". પણ મારે ને તમારે શું બનવું એ તો ઇ'નાં હાથની વાત છે... વાચકો, આશા રાખું છું કે તમને આ સ્ટોરી ગમી હશે.... જય શ્રીકૃષ્ણ