સવારનો સૂર્ય બાલ્કનીમાંથી ડોકિયું કરી પોતાના કિરણોને અદિતીના ચહેરા પર પ્રસરાવવા લાગ્યો અને અદિતિ આળસ મરડીને ઉભી થઈ. સામેની દીવાલ તરફ નજર કરી જોયું તો ઘડિયાળમાં આઠ વાગી ગયા હતા. તે ઝડપથી આળસ મરડી ઊભી થઈ અને કબાટમાં થી કપડાં લઈ બાથરૂમ તરફ જવા લાગી. અચાનક !એને યાદ આવ્યું અરે, આજે તો રવિવાર છે? તે ફરી કપડાં પથારીમાં નાખી ધબ દઈને બેસી ગઈ અને બાજુના ટેબલ પર થી મોબાઈલ ઉઠાવી નંબર ડાયલ કરી, કોઇ અદ્ભુત આનંદના અણસાર સાથે વાતચીત કરવા લાગી.
હલો.. રેવા આજે રવિવાર છે, તું ક્યાંય જવાની છો? જો ના તો તું ઝડપથી તૈયાર થઈ મારી ઘરે આવ.
સામેથી અવાજ આવ્યો "અરે ,અરે ,પણ શું છે !?આજે તું આટલી ખુશ કેમ છે? કોઇ પાર્ટીનો પ્લાન છે કે શું?"
અદિતિએ જવાબ આપ્યો.. "ના...રે પણ મારે માટે આજે જિંદગીનો સૌથી ઉત્તમ દિવસ ઊગવાનો છે!"
આટલું કહેતા જ તેના અવાજમાં એક આનંદની કંપારી પ્રસરી ગઈ અને, આંખમાં પાણીનું સરોવર ઉમળકા લેવા લાગ્યું... તેટલું માંડ બોલી શકી કે, "તું..આવીશ ને રવિવારે?" . 'હા'માં ઉત્તર મળતા આદિતિએ ફોન મૂકી દીધો અને ઝડપથી બાથરૂમ તરફ વળી ગઈ. નાહીને બહાર આવતા આવતા તે ટુવાલથી ભીના વાળને લુછતી દર્પણ સામે ઉભી રહી,અને અચાનક તે એક નવી જ સૃષ્ટિમાં જઈને માણવા લાગી.
આજથી સાત વર્ષ પહેલા તે આવી જ રીતે એક સવારે અરીસા સામે ઉભી રહી તૈયાર થતી હતી. મનમાં અનેક પ્રશ્નો અને આશાઓ ઉભરાતી અને આપોઆપ શમતી જતી હતી. અચાનક રસોડામાંથી તેના મમ્મીનો સાદ આવ્યો "અદિતિ બેટા તૈયાર થઈ ગઈ ? મહેમાનો આવતા જ હશે ,જલ્દી રસોડામાં આવીને મને થોડી મદદ કર."
અદિતિ એ 'હા' માં ઉત્તર વાળ્યો અને સાડીની પાટલી સરખી કરતી તે અરીસા સામે થી દૂર થઈ રસોડા તરફ ડગ માંડ્યા.
થોડીક જ મિનિટોમાં ડોરબેલ વાગી મીનાબેન દરવાજો ખોલતા મહેમાનોને આવકારી અભિવાદન કરવા લાગ્યા. સૌને સોફા પર બેસાડ્યા અને અદિતિને બોલાવી. પાણીની ટ્રે સાથે અદિતિ મહેમાનો સમક્ષ આવી ઉભી રહી અને સૌને પાણી આપવા લાગી. મોહનભાઈ શીલાબેન અને તેમનાં નણંદ કોકીલાબેન તેમજ અર્પણ પોતે સાથે આવ્યો હતો. આ અદિતિ અને અર્પણના જીવનના મિલનની સોનેરી ક્ષણ હતી.
તે દિવસથી અદિતિ અને અર્પણના સંબંધોને મંજુરીની મહોર લાગી ગઈ અને બે મહિનાના ટૂંકા સમયમાં જ તેમનું લગ્ન નક્કી થઈ ગયું .સૌ લગ્નની તૈયારીમાં લાગી ગયા. પછી તો ,રોજ અદિતિ અને અર્પણ પોતાના જીવનની વીતેલી ક્ષણોને ફોન પર વાગોળતા રહેતા અને પોતાના પ્રણયના એ અંકુરને અંકુરિત કરતા રહેતા. અર્પણ ને અદિતિની એ પ્રથમ મિલનની સાદગી સ્પર્શી ગઈ. અને તેથી વધુ તેને તેની પ્રથમ મુલાકાત સ્પર્શી ગઈ. પોતાના જીવનમાં અગાઉ ક્યારેય ન વિચારેલી એ આશ્ચર્યજનક પળ હતી! અદિતિ અને અર્પણ પોતાના જીવનસાથી બનવાના સફરની પરીક્ષા આપી રહ્યા હોય તેમ વાતચીત ચાલી હતી.
અર્પણે પ્રશ્ન કર્યો "તમે શું અભ્યાસ કરેલ છે?"
અદિતિએ સિફતાઈથી ઉત્તર આપ્યો "હું ગુજરાતી વિષયમાં એમ.એ, એમ.ફિલ અને બી.એડ ની ડીગ્રી ધરાવું છું."
આટલું કહી અપૅણ બીજો પ્રશ્ન પૂછે તે પહેલા જ અદિતિની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થઈ ગઈ હોય તેમ; તેણે એક પછી એક પ્રશ્નોની વર્ષા શરૂ કરી દીધી. અને અર્પણ કંઈ બોલે તે પહેલાં તાે પ્રશ્ન તૈયાર કરી પૂછે એમ માત્ર ૧૫ મિનિટના સંવાદમાં તો જાણે તેણે અર્પણનાે પૂરો ઇતિહાસ કંઠસ્થ કરી લીધો.
અંતે અદિતિએ અર્પણ ને કહ્યું "મારે જે જાણવું હતું તે જાણી લીધું હવે તમારો વારો તમને કોઈ પ્રશ્નો હોય તો પૂછો?"
અર્પણ બે મિનિટ વિચાર કરી અદિતીના ચહેરા સામે જોતો રહ્યો અને કહ્યું "હું એક પ્રશ્ન જરૂર પૂછીશ?
અદિતી કહે "બોલો શું પૂછવું છે ?"
અર્પણે કહ્યું કે "હું તમારી આ પરીક્ષામાં પાસ થયો કે કેમ?"
આ સાંભળતા જ અદિતિમાં સ્ત્રી-સહજ લાગણીઓનો એક ઉભારો આવ્યો શરમથી તેનું મોં ઝૂકી ગયું તે ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ.
આ હતું સમગ્ર સુખમય જીવન નું પ્રથમ પ્રણય પગલું પછી તો મન મળ્યાના હરખે લગ્ન પણ લેવાઈ ગયું. બંનેનો પ્રણય સંસાર સુખેથી ચાલતો હતો. એવામાં, ઈશ્વરની કૃપાથી આ ખુશીમાં બેવડો ઉછાળો આવ્યો.
દરેક સ્ત્રી પત્ની બને ત્યારે તે સ્ત્રીત્વને પામવાનું પ્રથમ ડગલું માંડે છે. પણ, માતૃત્વ સ્ત્રીને સંપૂર્ણતા બક્ષે છે ,તે ખરા અર્થમાં સ્ત્રીત્વને ઉજાગર કરે છે.
અદિતિ પર ઈશ્વરની જાણે સંપૂર્ણ કૃપા હોય તેમ તેણે એક નહીં બે બાળકીને જન્મ આપ્યા. આ ઘટનાથી તે ખૂબ જ ખુશ હતી. અદિતિ અને અર્પણનો આ સ્નેહાળ સંસાર સુખેથી વીતતો હતો. પરંતુ, બે બાળકીની જવાબદારીમાં તે પરિવારથી ધીમે-ધીમે દૂર થતી જતી હતી.
પહેલા જે સાસુનો પડ્યો બોલ ઝીલી લેતી હતી, પતિ ને રીઝવવા સતત મથતી રહેતી હતી. તે અદિતિ હવે ખરા અર્થમાં માત્ર માતૃત્વને આદી બની ચૂકી હતી. તેને સતત પોતાની બાળકીની ચિંતા રહ્યા કરતી. વખત વિત્યે બાળકીઓના
નામકરણ કરાયા. પ્રથમ બાળકીનું નામ ફોરમ અને બીજીનું નામ ફાલ્ગુની રખાયું.
અર્પણ અદિતિને પોતાનાથી દૂર થતી જોઈ દુઃખી થઈ જતો પરંતુ, બે બાળકીના પિતાની ખુશી અને તેનું અસ્તિત્વ તેને પળવારમાં દુઃખ વસરાવી દેતું. પરંતુ ,જેને મન પોતાનું અસ્તિત્વ જ સર્વસ્વ હતું એવી અદિતિનું આ રૂપ તે લાંબો સમય સાખી શક્યો નહીં.
તે પોતાની કૉલેજના સમય દરમિયાન અને તે પછીનો સમય પણ વધુ ને વધુ કોલેજમાં જ વિતાવવા લાગ્યો. સતત વિદ્યાર્થીઓ વચ્ચે રહી તેઓના પ્રશ્નોના નિરાકરણમાં રસ લેતો થઇ રહ્યો. તો બીજી બાજુ, અદિતીને શરૂ-શરૂમાં આવર્તન કંઈ નોંધપાત્ર ના લાગ્યું. પરંતુ, ધીમેધીમે તેને પણ અર્પણનું આ વર્તન ખૂંચવા લાગ્યું પોતે આખો દિવસ પરિવારમાં રહી કામ કર્યા કરે . બે દીકરીઓને સંભાળે, રાત્રે અર્પણની રાહ માં ટેબલ પરનું પુસ્તક ખોલતાની સાથે જ ઊંઘી જતી અથવા કદીક સોફાની એ ઓથ તેના માટે રાત્રેની પથારી બની રહેતી.
બંને વચ્ચે કોઈ અદમ્ય ગેરસમજની દિવાલ ધીમે ધીમે વધતી જતી હતી. પરંતુ, અહમવાદી વ્યક્તિત્વનો તકાજો એટલો હાવી થતો જતો હતો કે બેમાંથી કોઈ પણ એક બીજા સાથે વાતચીત કરી આ ગેરસમજણને દૂર કરવાનો પ્રયત્ન સુધ્ધા નથી કરતા. પણ આખરે કયાં સુધી ચાલે આ નાટયવતૅન. જેના પરિણામે અદિતિમાં એક દિવસ સ્ત્રીસહજ લાક્ષણિકતા ઉભરી આવી. તેને હવે અર્પણ વિનાનું આ નિરસ જીવન સાખતું ન હતું.
તેણે અર્પણ સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો. તે આજની સવાર થવાની રાહ જોતી બેસી રહી. સવાર પડીને અદિતિ ઝડપથી ઊભી થઈ. અર્પણ રોજિંદા-ક્રમની જેમ તૈયાર થઈ જઈ રહ્યો હતો. અદિતિએ ત્યાંથી તેને અટકાવ્યો; "ઉભો રહે અર્પણ મારે તારી સાથે કંઈક વાત કરવી છે.?"
અર્પણ જાણે કંઈ બન્યું જ નથી તેમ પહેલાની માફક કહે છે."બોલ શું કામ છે?"
અદિતિને એમ કે આટલા સંબંધોના તોફાન માટે તે કંઈક અલગ જ ઉત્તર વાળશે પણ, તેની અપેક્ષા ખોટી ઠરતા તે વધુ સ્વસ્થ બની. તેણે પોતાના વર્તન અને બંનેના વણસતા સંબંધો સુધારવાની પહેલ અને તૈયારી બતાવી. પરંતુ, આ શું!....?અર્પણ જાણે દરેક વાતને માત્ર મૂર્તિવંત સાંભળતો હોય તેમ સાંભળી, પોતાની બેગ લઇ રવાના થયો.
અદિતીને થયું મેં વાત તો કરી દીધી છે સાંજે અર્પણ આવશે ત્યારે જરૂર કંઈક રસ્તો શોધી આવશે અને બંને વચ્ચેના સંબંધો જરૂર સુધરી જશે ...
શું અદિતિ ને અર્પણ વચ્ચેના સંબંધ સુધરી જશે...?
શું રસ્તો શોધી લાવશે??
આવતા અંકે...