સવારની ૯:૨૫ ની ટ્રેન એટલે હાજરો લોકોને એમની મંઝીલ સુધી પહોંચવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો. અપ-ડાઉન કરતા હજારો લોકો ખીચોખીચ ભરેલ ડબ્બામાં એવી રીતે બેસે (મોટા હાગનાં લોકો ઉભા જ હોય છે )છે કે હવાની અવર જવર પણ થવી મુશ્કેલ હોય છે. પણ આ રોજનું છે એટલે કોઈપણ વ્યક્તિ ને એના વિશે કોઈ ફરિયાદ રહેતી નથી. અને બધા એ રીતે ટેવાઈ જાય છે કે એના વિશે વાત કરવાનું પણ વિચારતા નથી. બીજી હકીકત એવી છે કે મોટા ભાગે નોકરીયાત વ્યક્તિ કે વિધાર્થી વર્ગ જ હોય છે જેઓ સમય સર ન પહોચે તો તેમના ઉપરી અધિકારીનું ગુસ્સો સહન કરવો પડે. અને સવાર સવારમાં એ સાંભળવો એના કરતા તો જે છે એને સહન કરી લેવું એ વધારે ઉત્તમ છે.
***** મહિલા માટે અનામત રાખેલ કોચમાં પણ આવીજ પરિસ્થિતિ હોય છે. સૈલેજા રોજ ની જેમ દોડી ને ટ્રેન પકડે છે. આ એનું રૂટીન છે. અને એ કરવામાં એને જરાય પણ કંટાળો નથી આવતો. પરતું ટ્રેન પકડી ને થતો હાશકારો બતાવે છે કે હવે ઓછા માં ઓછા ૮ કલાક એ જેલ રૂપી ઘર માંથી મુક્ત થયેલ છે અને એ ૮ કલાક શાંતિ થી પાસ થાય એનાં માટે એ ઓફીસમાં બોસ નો ગુસ્સો પણ સહન કરવા તૈયાર છે. રોજ સાથે આવતા જતા હોવાથી સૈલેજા માટે એની ફ્રેન્ડ જગ્યા રોકી રાખે છે એટલે એ કોચ માં જઈ સીધી પોતાની રિઝર્વ જગ્યા ઉપર બેઠે છે. થોડીક વાર પછી એક સ્ટેશને ગાડી રોકાય છે ત્યારે તેના ડબ્બામાં ત્રણ સ્ત્રીઓ ચઢે છે. જેઓએ પહેનેલ સફેદ વસ્ત્રો જણાવે છે કે તેઓના પતિદેવ હવે હયાત નથી. થોડીવાર પછી ટ્રેન ચાલે છે પેલી ત્રણેય સ્ત્રીઓ આવી ને બેસે છે. અને અલગ અલગ વાતો ચાલુ કરે છે વાત કરતા કરતા તેઓ એટલા મોટેથી હસે છે કે સૈલેજા તેઓને જોયા કરે છે અને વિચારે છે કે પોતે ક્યારે આવી રીતે હસી હશે. એને કઈ યાદ નથી આવતું. કેટલાય સમય સુધી એ પેલી સ્ત્રીઓને જોયા કરે છે અને ઉપરવાલાથી ફરીયાદ કરતી હોય તેમ પોતાના મન માં જ કહે છે કે લાઈફ પાર્ટનર વગર પણ જો એ સ્ત્રીઓ આટલી ખુશ છે, આટલું હસે છે તો મને એમના જેવી કેમ ન બનાવી?
***** એક કોચ વિધાર્થીઓ માટે જ રિઝર્વ હોય છે. બધા સાથે મળી ને હસી મજાક કરતા કરતા કોલેજ માં જાય છે. અલગ અલગ કોલેજમાં હોવા છતાં નીતુ અને વીર વચ્ચે ખુબ જ સરસ દોસ્તી થઇ જાય છે. વીર એક ગંભીર પ્રકૃતિ ધરાવે છે એને બીજા કોલેજીયનો ની જેમ લોકો ને આકર્ષિત કરતા નથી આવડતું. એને બીજા ની જેમ વાત કરી ને પ્રભાવિત કરતા પણ નથી આવડતું. સામે નીતુ ખુબ જ તોફાની અને મઝાક મસ્તી કરનારી છોકરી હોય છે. નીતુ સાથે દોસ્તેતી કરવા માટે પડાપડી થતી હોય છે. જ્યારે વીર સાથે ભાગ્યે જ કોઈ વાત કરે છે, તેમ છતાં નીતુ એનાથી દોસ્તી કરવા આવે છે. શરૂઆતમાં વીર એને નાં કહે છે પણ પછી એ દોસ્તી કરવા તૈયાર થાય છે. હવે બંને એક સાથે જ ઉભા હોય છે કેટલીક વાર જગ્યા હોવા છતાં બંને દરવાજા પાસેની જગ્યાએ જ ઉભા રહે છે. નીતુ એના સ્વભાવ પ્રમાણે વ્યવહાર કર્યા કરે છે જેથી કેટલીક વાર અન્ય વિધાર્થીઓની ખોટી કોમેન્ટ કે અણસાજતા વર્તનનો ભોગ બનવું પડતું અને આ જ કારણે કેટલીય વાર વીર અને તેની વચ્ચે ઝગડો થતો. અને હવે તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ લડાઈ થાય જ છે. નીતુ આજે ઘરેથી નક્કી કરીને જ આવે છે કે વીર ને સાફ શબ્દો માં કહીશ કે તું તારો સ્વભાવ બદલ અથવા આ સંબધો ઉપર પૂર્ણ વિરામ મુક. આવું જ કઈક વીર પણ નક્કી કરે છે. બંને ટ્રેનનાં ડબ્બા માં એમની બાંધેલી જગ્યા એ ઉભા હોય છે. બંને ને એકબીજા સાથે વાત કરવી છે, બંને વિચારે છે કે સામેવાળા વ્યક્તિ ને સુધારવું છે પરતું સંબધો ઉપર આવતા પૂર્ણ વિરામ નાં લીધે બંને મૌન ધારણ કરી લે છે.
***** એક ભિખારી જેના બંને પગ ન હોવાથી એ ધસડાઇ ને ડબ્બામાં દાખલ થાય છે અને ઉભેલી ભીડ ને ચીરી ને એ ભીખ માંગતા માંગતા એ આગળ વધે છે. કેટલાક લોકો એને જુએ છે અને મોઢું વાંકુ કરે છે તો અમુક લોકો નાક ઉપર રૂમાલ મુકે છે. કેટલીક સ્ત્રીઓ દયા દાખવી ને એને રૂપિયા આપી છે. કેટલાક સભ્ય દેખાતા પુરુષો અંદર અંદર વાતો કરે છે કે આવી વ્યક્તિઓને જીવવું જ ન જોઈએ આ તો કઈ જીવન છે ? આના કરતા તો મારી જવું જોઈએ. એક સ્ત્રીને વધારે દયા આવે છે એટલે એ સાથે લાવેલ લંચબોક્સ માંથી ખાવાનું પણ આપે છે. ભિખારી બધાના વ્યવહારોની નોઘ કરતો, જેની પાસેથી જે મળે તે લઇ આગળ વધે છે. કોચનો બીજો દરવાજો આવતા તે ઉભો થઇ ને ચાલવા લાગે છે અને સામે ઉભેલી બીજી ટ્રેનમાં દાખલ થઇ ધસડાવા લાગે છે.