Jivan sandesh in Gujarati Motivational Stories by SHAMIM MERCHANT books and stories PDF | જીવન સંદેશ

Featured Books
Categories
Share

જીવન સંદેશ

"કેટલો સમય છે અમારી પાસે?"
ડરતાં ડરતાં અને ધ્રૂજતાં ધીમાં સ્વરે આદિત્યએ ડોક્ટરને પૂછ્યું. સારા સમાચારની આશા તો હતીજ નહીં, બસ બહું વધારે ખરાબ ના હોય. ડોક્ટર ત્રિપાઠીએ ઊંડો શ્વાસ ભરતાં આદિત્યને જાણ કરી.
"વધુમાં વધુ... છ મહિના."
જાણે છરી ફેરી ગઈ હોય અને આદિત્યના હૃદયના કોઈએ હજાર ટુકડાં કરી નાખ્યાં. રિપોર્ટ હાથમાં લઈ, એ ચૂપચાપ ડોકટરને ત્યાંથી ઘરે જવા નીકળી ગયો.

મગજ બહેર મારી ગયું અને એક અ જ વિચારે આદિત્યને જકડી રાખ્યો. અનુરાધા સાથેનો વીસ વર્ષનો અતૂટ રિશ્તો ....અને હવે ફક્ત છ મહિના?!?
અનુંના બ્લડ કૅન્સરે ભાવનાઓ અને જીવનનો આખો ચહેરો બદલી નાખ્યો હતો. કારમાં બેઠા પછી, અને ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં અનું સાથેનાં ખુશહાલ વીસ વર્ષ નજરની સામે તરી આવ્યા.

આદિત્યનું જીવનમાં એકજ લક્ષ્ય હતું. પોતાની હોટલ ખોલવી અને મા- બાપને ખૂશ રાખવા. અનુરાધા એના મમ્મીની પસંદ હતી. ઘરેલુ, સુંદર અને સુઘડ. આ બધાની સાથે, અનુરાધા ઘણી લાગણીશીલ અને ચંચળ પણ હતી. લગ્ન પછી આદિત્યના જીવનમાં માનો ખુશીનું તોફાન આવી ગયું. હવે તો બાળકો પણ કૉલેજ જવા લાગ્યાં હતાં.

ઘરમાં દાખલ થતાં પહેલાં આદિત્યને મન થયું કે રિપોર્ટ્સ ફાડીને ફેંકી દે. પણ એ થી શું? સચ્ચાઈ બદલાઇ જશે..? ..! કિચનના દરવાજા પાસે જઇને ચૂપચાપ ઉભો રહી ગયો. અનું ટેબલ સેટ કરવાની તૈયારી કરી રહી હતી. બસ થોડી પાતળી થઇ ગઇ હતી, પણ એને જોઈને કોઈ ન કહીં શકે કે એને કેન્સર છે કે પછી એ ફક્ત છ મહિનાની મહેમાન છે. આદિત્ય પોતાના જ વિચારથી ધ્રુજી ગયો. આસું રોકે તો કઈ રીતે?

અનુંને આભાસ થયો અને એણે આદિત્ય સામે જોયું. પાસે આવી અને એની આંખમાં જોઈને પૂછ્યું,
"છ, ચાર કે પછી એનથી પણ ઓછા?"
આદિત્યના રોકાયેલા આસું છલકાય ગયા અને એણે નજર નીચી કરી નાખી.
"અનું પ્લીઝ."
અનું આગળ વધી અને એને બાથમાં લઇ એની પીઠ થપથપાવી.
"આદિ. મારી હિમ્મત બનો, કમઝોરી નહીં."
અનુંને ગળે લાગીને આદિત્ય રડવા લાગ્યો,
"હું એટલો બધો બહાદુર નથી અનું."

* * * * *

આદિત્યને અનુંની હિમ્મત અને ઝીંદાદિલી જોઈને આશ્ચર્ય થતું. હસતી રમતી ખીખિલાટ રહેતી જાણે કાંઇ થયુ જ નથી. ગણતરીનાં દિવસો એની પાસે હતાં અને આદિત્યના હાથ પગ ઢીલા થઈ ગયાં હતાં. કેમ જીવશે એ અનું વગર અને આ ઘર, બાળકો, અનું વગર બધું વેરવિખેર થઈ જશે. વિચારો અને વિચારોમાં બંધ આંખો થી આંસુ વહી રહ્યા હતાં. અનું ક્યારે આવીને પાસે બેઠી ખબર જ ના પડી. એણે આદિત્યના બન્ને હાથ પોતાનાં હાથમાં લીધા અને પ્રેમથી બોલી,
"આદિ કોઈ અમર પાટો લઈને નથી આવ્યું. વહેલા મોડું બધાએ જવાનું જ છે."
"હાં અનું. પણ આવી રીતે? હું અને બાળકો આ પીડા માટે તૈયાર નથી."
"અને ક્યારેય તૈયાર થશો પણ નહીં."

આદિત્યના હાથને ચુંબન આપતાં અને સ્મિત કરતાં બોલી,
"છ મહિના. જોવા જાવ તો નાનો સમય નથી. મારી એક ઈચ્છા પૂરી કરશો?"
આદિત્યએ અનુંના ગાળામાં હાથ નાખ્યો અને પાસે ખેંચી.
"તું જે કહે તે."
અનું જિજ્ઞાસાની સાથે બોલી,
"તો ચાલો, આ છ મહિના આપણે આપણી જિંદગીનાં સૌથી મધુર છ મહિના બનાવી દઇએ. એટલી યાદો જમા કરીયે કે આંચલમાં ન સમાય. અને આદિ...."
અદિત્યનો ચહેરો પોતાના હાથમાં લેતાં બોલી,
"મને છેલ્લી ઘડી સુધી તમારી આંખમાં પ્રેમની સાથે જીવન જીવવાની ધગસ જોવી છે. તમારે આપણા બાળકો માટે આ કરવું પડશે."

* * * * *

અનું ને હમેશા કશ્મીર જોવાની ઈચ્છા હતી. ડોક્ટરની સલાહ લીધી અને બધી સાવચેતીની સાથે, એ લોકો સહકુટુંબ કશ્મીર ફરવા ગયા. જ્યારે જ્યારે અનુંને થાક લાગતો કે તબિયત બગડતી તો બધા ડરી જતાં અને એ બધાને દિલાસો આપતી.
"ફિકર નહીં કરો. હજી એક્સપાયરી ડેટ દૂર છે."

અનું ને કવિતા વાંચવાનો શોખ હતો. બાળકોની મદદ લીધી અને પોતાની વિડિયોઝ બનાવી, યૂ ટ્યૂબ ઉપર મૂકી. લાઇક્સ આવતાં જાય અને અનુંના કમજોર ચેહરાની રંગત ખીલી જાય. અનું હમેશા મશ્કરી કરતા ગીત ગાતી,
"મેરી આવાઝ હી પહેચાન હૈ...ગર યાદ રહે..."
ભલે મન રડતું, પણ અનું ને જોઈને આદિત્યના ચહેરા પર સ્માઈલ આવી જતી.

હવે અનુંથી કામ ઓછું થતું. આદિત્ય અને બાળકો વગર કીધે કોઈ ન કોઈ બહાનાથી ઘરે જ રહેતાં. અનુંના છેલ્લી રાત્રે કિધેલા શબ્દો આદિત્યને જીવન ભર યાદ રહેશે.
"આદિ તમને ખબર છે, કોઈ મહાન વ્યકિએ કહ્યું હતું, દિવસોમાં જીવન હોવું જોઈએ, જીવનમાં દિવસો નહીં."

-શમીમ મર્ચન્ટ
___________________________________