Chandra par Jung - 2 in Gujarati Science-Fiction by Yeshwant Mehta books and stories PDF | ચન્દ્ર પર જંગ - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચન્દ્ર પર જંગ - 2

ચન્દ્ર પર જંગ

યશવન્ત મહેતા

(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)

પ્રકરણ – ૨ : આફતની આગાહી

દિવસ-રાત કામ ચાલ્યું. રોકેટના સાંચાની તપાસ થતી હતી. બળતણ પૂરતું હતું. અવકાશવીરો માટે પ્રાણવાયુ અને ખોરાક મૂકતો હતો. બીજી અનેક જાતની સાધનસામગ્રી તૈયાર થતી હતી.

રામનાથ ગંભીર બની ગયા. કુમાર-કેતુને બોલાવીને ધીમે અવાજે બોલ્યા : “તમારી હિંમત કદાચ આ સમાચાર સાંભળીને ભાંગી જશે. છતાં સાચી વાત કહેવાની મારી ફરજ છે. જુઓ, હમણાં જ કેપ કેનેડીનો સંદેશો મળ્યો છે. તેઓ કહે છે કે ડેવિડના સંદેશા અચાનક બંધ થઈ ગયા છે.”

સાંભળનારા બંનેના મોંમાંથી એક આછો સીસકારો નીકળી ગયો. વાત ખરેખર ભયંકર હતી. જોન અને જુલિયસ ગુમ થયા હતા. હવે ડેવિડ પણ ભેદી રીતે ગુમ થયો ! શું રહસ્ય છે ચન્દ્ર પર ? શી એવી આફત છે કે જે અવકાશવીરોને ચૂપ કરી દે છે ?

રામનાથ કહે : “આ વાત બીજા કોઈને કહેવાની નથી. કેપ કેનેડી એને ખાનગી રાખવા માગે છે. એ લોકો માને છે કે જ્યાં અમેરિકન રોકેટો ઉતર્યાં છે તે આખી ધરતી પોચી છે. વસ્તુઓને એ ગળી જાય છે. એ ધરતી પર ઉતરાણ કરવામાં જોખમ છે. કોઈએ ત્યાં જવું ન જોઈએ. કેપ કેનેડીએ તો મને એટલે સુધી કહ્યું કે આપણે ચન્દ્રયાનને પણ ઊડતું અટકાવવું.”

પછી કુમાર અને કેતુ તરફ ઘૂમીને કહ્યું : “તમે લોકો કેવા જોખમમાં જઈ રહ્યા છો, એ સમજાય છે હવે ?”

“હા,” કેતુએ હિંમતથી કહ્યું. “અને મને લાગે છે કે આવી હાલત હોય તો તો અમારે ખાસ જવું જ જોઈએ. તું શું કહે છે, કુમાર ?”

કુમાર કહે : “હું પણ જવામાં જ માનું છું. ચન્દ્રની પોચી ધરતીની વાત માન્યામાં આવે એમ નથી. ડેવિડે ચોખ્ખું કહ્યું છે કે ધરતી કઠણ છે. જોન અને જુલિયસનું રોકેટ ઊતર્યાં પછી કલાકો સુધી સલામત ઊભું રહ્યું હતું. ડેવિડ અડધો માઈલ સુધી ચાલતો ગયો હતો. એટલે ધરતી પોચી હોવાનો સંભવ નથી. અમને તો લાગે છે કે ડેવિડ અચાનક માંદો પડી ગયો હશે.....અથવા એનું અપહરણ થયું હશે !”

અપહરણની વાત આવતાં જ સૌનાં રુંવાંટાં ખડાં થઈ ગયા. શરીરમાંથી એક ઠંડી ધ્રુજારી પસાર થઈ ગઈ. ચન્દ્રની અજાણી ધરતી પર ઊભેલી આફત અને અજાણ્યા શત્રુઓની કલ્પનાથી સૌ ધ્રૂજી ઊઠ્યાં.

ફક્ત કુમાર અને કેતુ શાંત હતા ! સ્થિર હતા. કેતુએ કહ્યું : “રામનાથબાબુ ! ધારો કે આપણે અત્યારે ના જઈએ. પણ ચન્દ્ર પર શી ગડબડ છે, એ તો જાણવું જ પડશે. ત્રણ-ત્રણ અમેરિકન અવકાશવીરોનું શું થયું એ ય જાણવું પડશે. એ જાણવા માટે કોઈકે તો કદીક જવું પડશે. તો પછી અત્યારે અમે શા માટે ના જઈએ ? વળી, અવકાશવીરો પાસે પ્રાણવાયુ કે ખોરાક લાંબો વખત ચાલે તેમ નથી. થોડા દિવસોમાં પાછા ન ફરી શકે તો પછી ત્યાં જનારને એમનાં શબ માત્ર હાથ લાગશે....છોડો એ વાત....અમે જવા માગીએ છીએ. આપ રજા આપો એવી વિનંતી.”

રામનાથ ઘણી વાર સુધી ગંભીરપણે વિચારતા રહ્યા. એમને કુમાર-કેતુની ખૂબ ચિંતા હતી. આ બંને એમના ખાસ શિષ્યો હતા. ઘણા જ બહાદુર હતા. એટલે બંને એમને પ્રિય હતા. બંનેને તેઓ પોતાના દીકરા જેવા જ ગણતા. એમને આવા જોખમમાં ઝીંકતા એમનો જીવ કેવી રીતે ચાલે ?

પણ એ બંને મક્કમ હતા. એટલે આખરે રામનાથે રજા આપી : “ભલે દીકરાઓ ! તમારી મરજી એવી જ છે તો જાવ ! પણ...પણ જરા સંભાળીને જજો.....”

અને રામનાથે એક બાજુ માથું ફેરવી લીધું –આંખમાં આવી ગયેલ આંસુ લૂછ્યાં !

રોકેટ ઊડવાની ગણતરી શરૂ થઈ તે પહેલાં દર મિનિટે દસથી એક એમ ગણતરી થઈ. પછી દર સેકંડે ૩૦૦થી એક સુધીની ગણતરી થવા લાગી. એ પાંચ મિનિટ પૂરી થાય અને એ પછી ‘ઝીરો’ બોલાય એટલે રોકેટ ઊડે એવી વ્યવસ્થા હોય છે.

રોકેટની કેબિનમાં કુમાર અને કેતુ બેસી ગયા હતા. એમણે પોતાની કમરે અને છાતી પર પહોળા પટ્ટા બાંધી લીધા હતા. રેડિયો મારફત બહાર ચાલતી ગણતરી પણ એમને સંભળાતી હતી. બસો...એકસો નવ્વાણુ...એકસો અઠ્ઠાણુ.....એકસો એકાવન.......

કુમાર અને કેતુની કેબિન મોંઘામૂલા પ્રાણવાયુથી ભરેલી હતી. અવકાશમા ઊડનાર બે રીતે શ્વાસ લઈ શકે છે. એક તો એની પીઠે પહાડખેડૂઓ રાખે છે, તેવા પ્રાણવાયુના નળાકાર લઈ જવાની રીત છે. અવકાશયાત્રી મોં પર પારદર્શક પ્લાસ્ટિકનું મોટું મહોરું પહેરી રાખે છે. આ મહોરામાં બે નળીઓ હોય છે, જેના છેડા પ્રાણવાયુના પેલા નળાકાર સાથે જોડાયેલા હોય છે. એ નળીઓ મારફત હવાની આવ-જા થાય છે.

પણ આ રીતે લાંબો વખત સુધી શ્વાસ લેવામાં એક જોખમ છે. એનાથી આખા શરીરને હવા મળતી નથી.ફક્ત ફેફસામાં હવા જાય છે. બહારની ચામડી હવા વિના રહે છે. એથી ચામડી ધીરેધીરે પીળી પડવા લાગે છે.

કુમાર-કેતુની આ સફર તો લાંબી હતી. તેથી એમની આખી કેબિનને જ પ્રાણવાયુથી ભરપૂર બનાવી દેવામાં આવી હતી. વળી, કેબિનમાં એવી સાધન-સામગ્રી ગોઠવવામાં આવી હતી કે, જેથી પ્રાણવાયુ ઘટી જાય નહિ અને અંગારવાયુ વધી જાય નહિ. આ માટેનું યંત્ર કેબિનની અંદર પ્રાણવાયુના પ્રમાણનું નિયમન કરતું હતું.

પણ બંને સાહસિકોએ મહોરા સિવાયનો પૂરો અવકાશી પોશાક પહેરી રાખ્યો હતો. નીચે સૂતરાઉ કપડાં અને ઉપર એલ્યુમિનિયમના પાતળા પતરામાંથી બનાવેલો અવકાશી પોશાક ! ચાલતાં ખડખડાટ કરતો અને પ્રકાશમાં કોઈ આકાશી તારની જેમ ચમકતો પોશાક ! એની અંદર ન હવાની આવ-જા થઈ શકે ન અવકાશી અણુકિરણો પણ એને ભેદી શકે !

કુમારને ઘણી વાર આ અવકાશી પોશાકનો ઈતિહાસ યાદ આવી જતો. અવકાશયાનના જેટલો જ જૂનો અને એટલો જ જટિલ એનો ઈતિહાસ હતો. રોકેટ બનાવતાં અને ઉડાડતાં ઉકેલવા પડેલા પ્રશ્નો કરતાં વધુ મુશ્કેલ પ્રશ્નો આ પોશાક માટે ઉકેલવા પડ્યા હતા. કારણ કે કરોડોના અવકાશયાન કરતાંય કરોડોગણી કીંમતી માનવીની જિંદગી છે. એનો આધાર અવકાશી પોશાક ઉપર રહે છે. પણ આખરે આ પોશાકની શોધ થઈ હતી અને ગમે તેવા ગ્રહ પર, ગમે તેવા વાતાવરણમાં પણ અવકાશયાત્રી સલામત રહે એની ખાતરી થઈ હતી, ભારતના અને અમેરિકા-બ્રિટનના અવકાશવીરો એલ્યુમિનિયમનો પોશાક પહેરતા. સોવિયત સંઘના વૈજ્ઞાનિકોએ વળી રૂપાનો પોશાક બનાવ્યો હતો.

કુમાર અને કેતુએ બંનેએ આ અવકાશી પોશાક સાથે જોડેલા બૂટ પહેરી રાખ્યા હતા. આ બૂટનાં તળિયાં ચુંબકીય હતાં, જેથી કદાચ રોકેટની બહાર ચાલવું પડે તો રોકેટની સાથે પગ ચોંટી રહે. અવકાશમાં આવી પણ જરૂર ઘણી વાર પડે છે.

ગણતરી ઝીરો સુધી પહોંચી અને એક જબ્બર આંચકા સાથે ચન્દ્રયાન ઉપડ્યું. બંને સાહસિકો થોડી મિનિટો તો લગભગ બેભાન જ બની ગયા. પણ પછી સલામત સફરની મઝા માણવા લાગ્યા. અને પૃથ્વીથી ઊપડ્યા પછી માંડ બે કલાક થયા હશે ત્યાં જ કુમારને ખુલ્લા અવકાશમાં જવાની તક મળી જ ગઈ. રોકેટની દિશા સહેજસાજ બદલી શકાય તેથી એની ત્રણ બાજુના નાનાં નાનાં ત્રણ રોકેટો જડેલાં હતા.આ રોકેટો સળગવાથી મોટાં રોકેટની દિશા જરાજરા બદલી શકાય છે. એવું એક રોકેટ બરાબર કામ કરતું ન હતું. એટલે કુમાર ચન્દ્રયાનમાંથી બહાર નીકળ્યો, યાનની ઉપર ચાલતો ચાલતો નાના રોકેટ સુધી ગયો. પહેલાં એને ડર લાગ્યો કે આટલી બધી ઝડપથી જતા યાનની ઉપરથી હું ઊડી તો નહિ પડું ને ? પણ પછી યાદ આવ્યું કે ઉડાડી મૂકનારી પૃથ્વીની પેલી હવા તો અહીં હતી નહિ. અહીં તો ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે એકે પગલું યાનથી દૂર ના ભરાઈ જાય. જો એવું બને તો તે અંતર કોઈ રીતે કપાય નહિ. યાનની જેમ પોતેય અવકાશમાં ગતિ કરતો રહે. યાન તો યંત્ર વડે દિશા-ગતિ બદલે. માણસ ત્રિશંકુની જેમ લટકતો જ રહી જાય.

પણ આવું કાંઇ થયું નહિ. કુમારનાં ચુંબકીય જૂતાંએ તેને યાન સાથે જકડી રાખો.

આટલું સમારકામ કરીને કુમાર કેબિનમાં પાછો આવ્યો ત્યારે સામે જ એક લાલ બત્તી ઝબૂક્ઝબૂક થતી હતા. એક અવાજ આવતો હતો : હલ્લો હલ્લો.....ચન્દ્રયાન....ભારતીય અવકાશ મથક બોલાવે છે.....હલ્લો......ચન્દ્રયાન.

કુમારે જલદીથી જઈને એક બટન દબાવ્યું. લાલ બત્તી બુઝાઈ ગઈ. લીલી બત્તી થઈ એટલે કુમારનો સંદેશો લઈ જવા યંત્ર તૈયાર થયું. કુમારે કહ્યું : હલ્લો......ભારતીય અવકાશ મથક........હું કુમાર બોલું છું.....ચન્દ્રયાનમાંથી હું કુમાર બોલું છું......તમારો સંદેશો આપો....

અવકાશ મથક પરથી કોઈના પ્રસન્ન હાસ્યનો અવાજ આવ્યો. એ રામનાથ હતા. હસતાં હસતાં એ બોલ્યા : “કુમાર ! કેતુ ! એક ગંભીર સમાચાર આવ્યા છે. જો કે એ સમાચાર સાચા હોવાની કોઈને ખાતરી નથી. પણ દિલ્હીમાં એક અફવા ફેલાઈ છે કે ચન્દ્ર પર આપણા બધાની પહેલાં કોઈ પહોંચી ગયું છે !”

કુમારથી પૂછ્યા વગર ના રહેવાયું : “શું કહો છો ? ફરીથી બોલો તો !”

રામનાથ કહે : “જોન અને જુલિયસની પણ અગાઉ પૃથ્વી પરથી કોઈ ચન્દ્ર પર પહોંચી ગયું છે અને એ જ આ બધી આફતના મૂળમાં છે, એવી અફવા છે.”

કુમાર કહે : ‘એવી તાકાત કોની છે, એ આપણે જાણીએ છીએ. એકલા સોવિયત સંઘ પાસે એવું વૈજ્ઞાનિક જ્ઞાન અને સાધનો છે. પણ સોવિયત સંઘ ચૂપ છે. પોતે અવકાશયાત્રીઓ મોકલ્યા છે, એવી કશી જાહેરાત એ દેશ કરતો નથી.”

રામનાથ કહે : “આજના વૈજ્ઞાનિક યુગમાં કશું કહેવાય નહિ, દીકરા ! કોઈ પણ દેશ હોઈ શકે. મારે તમને એટલું જ કહેવાનું છે કે જરા ધ્યાન રાખજો. સાચવીને કામ કરજો અને......અમેરિકનોનું રોકેટ જ્યાં ઊતર્યું છે એનાથી સહેજ દૂર તમારું રોકેટ ઉતારજો.”

કુમાર કહે ; “ભલે, રામનાથ બાબુ ! અમે પૂરતું ધ્યાન રાખીશું. બોલો, બેજો કશો હુકમ છે ?”

રામનાથ કહે : “હુકમ નથી. પણ ભારતનું નામ ઊજળું થાય, એ રીતે કામ કરજો. કુમાર અને કેતુમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા ખોટી ના પડે એ જોજો.”

કુમાર કહે : “તમારા વિશ્વાસને લાયક ઠરવા અમે જીવ પણ આપી દઈશું. યાદ રાખજો કે દેશનું મસ્તક ઊંચું રહે, એ રીતે જ અમે કામ કરીશું.”

રામનાથ કહે : “આવજો ત્યારે....ફત્તેહ કરો !”

ટ્રાન્સમીટર યંત્રમાં લાલ બત્તી થઈ અને પછી એ હોલવાઈ ગઈ. એની જગાએ કાચની અંદર પૂરાઈ રહેલો અંધકાર જાણે દરમાં બેઠેલા કાળીનાગની જેમ ડોકિયાં કરવા લાગ્યો. કુમાર અને કેતુ, બંનેની નજર એ ઘેરાતા, ડોલતા અંધકાર ઉપર જ સ્થિર થઈ ગઈ. અને બંનેનાં મસ્તકમાંથી એક પછી એક વિચાર ડોકાવા લાગ્યાં : કોણ હશે એ અવકાશવીરો ? ચન્દ્ર પર પહોંચનાર એ પહેલા માનવી ક્યા દેશના હશે ? ભારતના એ મિત્રો હશે કે શત્રુઓ ? કેવી રીતે એ બીજા અવકાશયાત્રીઓને ચૂપ કરી દેતા હશે ? શું એમને મારી નાખતા હશે ? પણ આ અફવા સાચી હશે ખરી ? અફવાઓ ખોટી પણ હોય. કોઈકે બદઈરાદે ફેલાવી હોય, પણ ખૂની ચન્દ્રયાત્રીઓની આ અફવા સાચી ઠરે તો ? જોન, જુલિયસ અને ડેવિડ ખરેખર માર્યા ગયા હોય તો ?

આ વિચાર આવતાં જ બંને સહેજ થથરી ગયા. ના. મોતથી ડરે એવા એ બહાદુરો નહોતા. આફતથી અંજાઈ જાય એવા પણ ન હતા. પરંતુ આ તો અજાણી આફત ! એની સામે લડવું કેમ ? અને જો બંને સાહસિકો ચન્દ્ર પર નાશ પામે તો ? તો પછી ચન્દ્રલોકનો આ કોયડો કોણ ઉકેલે ? પછી ચન્દ્ર તરફ જવાની હિંમત પણ કોણ કરે ?.....

આવા આવા અનેક પ્રશ્નો એમના મનમાં દોડતા હતા અને ચન્દ્રયાન ચન્દ્ર તરફ ધસતું હતું...

(ક્રમશઃ)