Yog-Viyog - 49 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 49

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

યોગ-વિયોગ - 49

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૯

સૂર્યકાંત છાતી પર ડાબી તરફ હાથ દબાવતા ઊભા થવા ગયા, પણ જમીન પર ફસડાઈ પડ્યા...

યશોધરા, શૈલેષ, દેવશંકર, ગોદાવરી, અજય, અભય, અલય, વસુંધરા, સ્મિતા, રોહિત... વારાફરતી એની સામે આવતાં હતાં અને કાન ફાડી નાખે એવા અવાજે એને સવાલો પૂછતા હતા...

સૂર્યકાંતને ગભરામણ થતી હતી. પરસેવો પરસેવો વળી ગયો હતો. ચીસ પાડવી હતી, પણ જાણે ગળામાંથી અવાજ નહોતો નીકળતો.

એમને કોઈને બોલાવવા હતા... પણ લક્ષ્મીના રૂમ સુધી એમનો અવાજ પહોંચે એમ નહોતો. સૂર્યકાંતને લાગ્યું કે આ એમની જિંદગીની આખરી પળ હતી. માસિવ હાર્ટઅટેકમાં હવે એમનું મૃત્યુ થવાનું...

એમણે આંખો મીંચી દીધી અને છાતી પર હાથ દબાવ્યો, ત્યાં અચાનક એમને યાદ આવ્યું કે એ ફોન સુધી પહોંચી શકે એમ હતા, ‘‘ઇમરજન્સી ? હોસ્પિટલ ?’’ મહામુશ્કેલીએ સૂર્યકાંત આટલું બોલી શક્યા અને ફોન એમના હાથમાંથી પડી ગયો.

પણ ત્યાં સુધીમાં અમેરિકાના સાબદાં તંત્રોમાં કોલ ટ્રેસ થઈ ગયો હતો... દસમી મિનિટે એમ્બ્યુલન્સ એમના ગેટ પાસે આવીને ઊભી રહી ત્યારે લક્ષ્મીને ખબર પડી કે પિતાને બાજુના ઓરડામાં હાર્ટઅટેક આવ્યો હતો !

લક્ષ્મી પિતાને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે એની પાસે કોઈ નહોતું. રોહિતના મૃત્યુનો આઘાત હજી પૂરેપૂરો હેઠો બેસે એ પહેલાં તો લક્ષ્મીની સામે પિતા જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલવા લાગ્યા.

‘‘નીરવ...’’ એનાં હીબકાં કોઈ રીતે અટકતાં નહોતાં.

‘‘કુલ ડાઉન, શાંત થઈ જા.’’ નીરવને આટલે દૂરથી બીજું શું થઈ શકે એ સમજાતું નહોતું.

‘‘હું સાવ એકલી છું નીરવ, મારામાં સંજોગો સામે લડવાની તાકાત જાણે ઓછી થઈ ગઈ છે.’’

‘‘તું માને ફોન કર. હું પણ કરું છું. એ આવી જશે તરત જ તારી પાસે !’’

‘‘મા આવી શકે, પણ તું નહીં, કેમ ?’’ લક્ષ્મીથી અનિચ્છાએ પણ કડવાશથી બોલાઈ ગયું.

‘‘મા એટલે મારી મા, લક્ષ્મી ! તું નબર લખી લે. ’’

‘‘છે મારી પાસે.’’

‘‘એ પહોંચશે થોડા જ કલાકોમાં.’’

‘‘ને તું ? તું નહીં આવે નીરવ ? મને જ્યારે તારી સૌથી વધારે જરૂર હોય ત્યારે પણ તું નહીં આવે ?’’

‘‘હું આવીશ લક્ષ્મી... તારા ગયા પછી તરત જ મને સમજાયું છે કે હું તારા વિના નહીં જીવી શકું...’’

‘‘નીરવ !’’

‘‘હા લક્ષ્મી, જે થયું એ સારા માટે. તું આમ ગઈ ના હોત તો કદાચ મને આ લાગણી થઈ જ ના હોત. તારા જવાથી જ મને સમજાયું કે તારા વિનાની જિંદગી મારા માટે નકામી છે. હું રાહ જોતો હતો કે કોઈ સ્ત્રી માટે મને આવી લાગણી થાય...’’

‘‘તું સ્ટૂપીડ છે એવી તને ખબર છે ?’’ આટલી કટોકટીની ક્ષણોમાં પણ લક્ષ્મીના ચહેરા પર ભીની આંખે સ્મિત આવી ગયું.

‘‘હોઈશ, છું જ... નહીં તો તને જવા દેત ?’’

‘‘તારું શું કરું ?’’ લક્ષ્મીને નીરવ પર, એની પ્રામાણિકતા પર વહાલ આવી ગયું.

‘‘હવે જે કરવું હોય તે કર... હું જે છું ને જેવો છું, એવો તારો છું.’’

‘‘ઓહ ગોડ !’’ લક્ષ્મી માટે કદાચ જિંદગીની આ સૌથી ધન્ય ક્ષણ હતી. નીરવ આવી રીતે, આવા કટોકટીના સંજોગોમાં આવી વાત કરી નાખશે એવી એને કલ્પના પણ નહોતી.

ભારતથી અહીંયા આવતી વખતે નીરવ એરપોર્ટ ના આવ્યો ત્યારે એણે મનોમન નીરવના નામ પર ચોકડી મૂકી દીધી હતી. એણે નક્કી કરી લીધું હતું કે હવે એ એને ભૂલવાનો પ્રયત્ન કરશે. જે માણસ પ્રેમ કરે, પણ જીવનભર સાથે જીવવાનું કમિટમેન્ટ ના કરી શકે એની યાદમાં ઝૂર્યા કરવાનો કોઈ અર્થ નહોતો એવું એ પ્રેક્ટિકલ અમેરિકન છોકરીને લાગેલું અને એટલે જ એણે મનોમન નીરવને ગુડ બાય જ કહી દીધેલું...

રોહિતના મૃત્યુ પછી નીરવનો એક ફોન આવ્યો ત્યારે પણ લક્ષ્મીએ ખૂબ ઔપચારિકતાથી અને પ્રમાણમાં જાતને ઘણીને જાળવીને વાત કરી હતી. બંને વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસમાં આ એક જ સંવાદ થયો હતો.

લક્ષ્મીને લાગ્યું કે જો પોતે આ જ મક્કમ રહેશે તો નીરવને ભૂલી જવો અઘરો નહીં પડે. પણ જે ક્ષણે સૂર્યકાંતની તબિયત લથડી એ ક્ષણે લક્ષ્મીને સૌથી પહેલો વિચાર નીરવનો આવ્યો. એની આંગળીઓ સૌથી પહેલી નીરવના જ નંબર પર વળી.

અને એ પછી જે થયું એ લક્ષ્મીની જ નહીં, કદાચ નીરવની પોતાની કલ્પનાની બહાર હતું. ‘લગ્ન’ જેને માટે ભયજનક શબ્દ હતો એ માણસ હવે લક્ષ્મી વિના જીવી શકે એમ નહોતો...

એટલું જ નહીં, એણે એ વાત લક્ષ્મી પાસે સ્વીકારી લીધી હતી!

આ પરિસ્થિતિમાં લાંબી વાત થઈ શકે એમ હતી નહીં, પણ ફોન મૂકીને લક્ષ્મીને એવું લાગ્યું કે જાણે નીરવ માઇલો દૂર નહીં, એની બાજુમાં, એનો હાથ પકડીને ઊભો છે.

લક્ષ્મી હજી તો આ રોમાંચમાંથી પૂરેપૂરી જાગે એ પહેલાં તો હોસ્પિટલની આસિસ્ટન્ટ ડોક્ટર દોડતી આવી, ‘‘એમને બાયપાસ કરવી પડશે. અમે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ છીએ. એમને તમારી સાથે વાત કરવી છે...’’

લક્ષ્મી એની પાછળ દોડી.

‘‘બેટા...’’ સૂર્યકાંતને બોલવામાં શ્રમ પડતો હતો.

‘‘હા, હા ડેડી...’’

‘‘હું ના બચું તો...’’

‘‘નહીં ડેડી, તમે હમણાં જ પાછા આવશો અને હજુ ઘણું લાંબુ જીવશો.’’

‘‘સાંભળી લે, મારી પાસે બહુ સમય નથી.’’ લક્ષ્મી હવે કશું જ બોલ્યા વિના માત્ર સાંભળી રહી, ‘‘મેં મારી બધી જ મિલકતના ત્રણ ભાગ કર્યા છે. વન થર્ડ તારા માટે રાખ્યો છે. વન થર્ડ વસુંધરા અને એના પરિવારના નામે કર્યો છે અને વન થડર્માંથી દેવશંકર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરવાની સૂચના આપી છે. મધુભાઈ પાસે પેપર્સ છે.’’

‘‘જી ડેડી.’’ લક્ષ્મીની આંખોમાં ફરી આંસુ ઊભરાવા લાગ્યાં હતાં.

‘‘વસુંધરા કદાચ મિલકત સ્વીકારવાની ના પાડે...’’ આવી ક્ષણોમાં પણ સૂર્યકાંતના ચહેરા પર એક સ્મિત આવી ગયું, ‘‘એ ના જ પાડશે ! તો એ મિલકતના ચાર એક સરખા ભાગ કરવા અને મારાં ચારેય સંતાનોને સરખા ભાગે વહેંચી આપવા.’’

‘‘ડેડી... હવે તમે...’’

‘‘હજી બાકી છે. સ્મિતાના નામે જે ડોલર્સ હું દર વર્ષે અલગ મૂકતો રહ્યો એ રોહિત માટે હતા, વિચાર્યું હતું કે એને બિઝનેસમાં રસ નહીં પડે તો એ એને આપી દઈશ...’’ એમના શ્વાસ ફરી વજનદાર ચાલવા લાગ્યા હતા. એમણે છાતી પર હાથ દાબ્યો, ‘‘બેટા, એ પૈસામાંથી તારી માના નામનું ટ્રસ્ટ કરજે અને એના જેવી રસ્તો ભૂલેલી, કુંવારી મા કે તરછોડાયેલી સ્ત્રીઓને મદદ મળી રહે એવી વ્યવસ્થા કરજે.’’ હવે હોસ્પિટલ ઓથોરિટિઝ એમને આગળ બોલવા દે એમ નહોતું, એમણે સૂર્યકાંતનું સ્ટ્રેચર ઓ.ટી. તરફ ધકેલ્યું...

લક્ષ્મી થોડી વાર સુધી સ્ટ્રેચર જોડે ચાલી, પછી સ્ટ્રેચર લાલ લાઇટવાળા દરવાજાની પાછળ ગુમ થઈ ગયું.

‘‘મા...’’ લક્ષ્મીનો અવાજ ધ્રૂજી ગયો.

‘‘મા તો એમના ઓરડામાં છે... બોલાવું ?’’ જાનકીનો અવાજ કોણ જાણે કેમ લક્ષ્મીને સહેજ ભીનો લાગ્યો.

‘‘બધું બરાબર છે ને ?’’ લક્ષ્મીથી પુછાઈ ગયું.

‘‘હા...’’ પછી જાનકીએ વસુમાને બૂમ પાડી, ‘‘મા... લક્ષ્મીનો ફોન છે.’’

અભયના ગયા પછી ઠાકોરજીની મૂર્તિ સામે બેઠેલાં વસુમાની નજર સામે વારંવાર સૂર્યકાંતનો ચહેરો આવી જતો હતો. એ ચહેરા પર અજબ પીડા અને ન સમજાય એવા દુઃખના ભાવ હતા.

વસુમાને નવાઈ લાગી, ‘‘આવું કેમ થયું હશે ?’’

એમણે ઠાકોરજીની મૂર્તિ સામે જોયું, હાથ જોડ્યા, ‘‘વહાલા, એક વાત કહું છું તમને, મારા શ્વાસ ચાલે ત્યાં સુધી સૌને સાજાસમા રાખજો. એ બધા ભલે એમ માને કે મેં માયા મૂકી દીધી છે, પણ હું ને તું તો જાણીએ છીએ કે મને સૌની કેટલી ચિંતા રહે છે.’’

એમણે ફરી આંખો મીંચી દીધી, એમને ફરી સૂર્યકાંતનો એવો જ ઉદ્વિગ્ન, પીડામગ્ન ચહેરો દેખાયો. એમણે આંખો ખોલી અને નવાઈથી ઈશ્વર સામે જોયું. ત્યાં એમને જાનકીની બૂમ સંભળાઈ.

‘‘મા... લક્ષ્મીનો ફોન છે.’’

‘‘વહાલા, બધું જ ક્ષેમકુશળ હોય એવા જ સમાચાર આપજે હોં.’’ એ ઊઠ્યાં અને ફોન પાસે આવ્યા, ‘‘બેટા... લક્ષ્મી.’’

‘‘મા...’’ લક્ષ્મીનું ડૂસકું ફરી છૂટી ગયું, ‘‘ડેડી... હોસ્પિટલમાં છે. એમને માસિવ હાર્ટએટેક આવ્યો. અત્યારે બાયપાસ ચાલી રહી છે.’’

‘‘તું એકલી જ છે, દીકરા ?’’

‘‘હા મા....’’

‘‘ચિંતા નહીં કરતી બેટા, ઉપરવાળો તારી સાથે જ છે. મધુભાઈ...’’

‘‘એ પહોંચે છે મા.’’

‘‘ભલે બેટા, અભય તો હમણાં જ સિંગાપોર જવા નીકળ્યો છે. હું અલયને ફોન કરું છું. અજયના પેપર્સનું શું થયું ?’’

‘‘મધુભાઈએ મોકલ્યા છે, તમને મળશે જ.’’

‘‘મળે કે તરત જ અહીંથી અજય-જાનકી અને હૃદયને મોકલું છું. તું જરાય ચિંતા નહીં કરતી બેટા, ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે.’’ વસુમાએ ફોન મૂક્યો ત્યારે એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.

‘‘મા, શું થયું છે ?’’ વસુમાની બાજુમાં ઊભેલી જાનકીએ આખી વાત સાંભળી તો ખરી, પણ એને સમજાઈ નહોતી.

‘‘કાન્ત હોસ્પિટલમાં છે.’’ વસુમાએ આંખો લૂછી, ‘‘જાનકી બેટા, હોસ્પિટલના કાગળિયા પણ જોડે જ હશે. તમારા પેપર્સ આવે કે તરત જવાની તૈયારી કરો.’’

‘‘પણ મા, હું તો...’’

‘‘જાનકી બેટા, હું તમારી લાગણી સમજું છું. આટલાં વરસ સુધી મારી સાથે રહ્યા પછી તમને સૂર્યકાંત પાસે જવાની ઇચ્છા નથી. તમને લાગે છે કે સૌ એમ માનશે કે અજય ડોલર્સની લાલચમાં એની માને છોડીને ગયો. ખરું ?’’

‘‘મા, બીજા જે માને તે, મને પણ એવું જ લાગે છે.’’

‘‘બેટા, તમારા સસરા હોસ્પિટલના બિછાને છે, અત્યારે આપણી અંગત માન્યતાઓને પ્રાધાન્ય આપવાના બદલે એમને તમારી જરૂર છે એમ વિચારો...’’

‘‘ને તમને જરૂર નથી અમારી ?’’ જાનકીને પણ ડૂમો ભરાઈ ગયો, ‘‘તમે જીવી શકશો અમારા વિના ?’’

‘‘જેની સાથે સાત ભવ જીવવાના સોગંદ ખાધા હતા એના વિના જીવી ગઈ.’’ વસુમાએ એક સ્મિત કર્યું, પણ એ સ્મિતમાં છુપાયેલું દર્દ જાનકી જોઈ શકી, ‘‘તો હવે કોઈનાય વિના જીવી શકીશ, બેટા.’’

‘‘પણ મા, મારે નથી જવું તમને મૂકીને.’’

‘‘બેટા, આ ઉંમર ધીમે ધીમે ગાંઠો છોડવાની છે... તું તારા પતિની સાથે હોય અને સુખમાં હોય તો મારું મન પણ શાંત રહે. મારે ખાતર તું અજયથી દૂર અહીં મારી પાસે રહે એ વાત હું સ્વીકારી શકું ?’’

‘‘મા, આ ઘર અને આ કુટુંબ તૂટી જશે. બધા છૂટા પડી જશે એની કલ્પના છે તમને ?’’ જાનકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં, ‘‘આટલાં વર્ષો સુધી તમે સૌને એક સૂત્રમાં બાંધી રાખ્યા, આ જમાનામાં સૌ સાથે જીવી ગયા... હવે શા માટે...’’ જાનકી આગળ ના બોલી શકી.

અંજલિ ઉપરથી નીચે આવી ગઈ હતી. એ પણ આ વાતચીત સાંભળી રહી હતી. આજે રાજેશ એને લેવા આવવાનો હતો. એટલે પેકિંગ કરીને તૈયાર એ રાજેશની રાહ જોતી હતી, ‘‘મા, શું થયુંં છે ?’’

‘‘કાન્ત હોસ્પિટલમાં છે બેટા !’’

‘‘બાપુ...’’ અંજલિ તો રડી જ પડી. એને એરપોર્ટ પર સૂર્યકાંતે કહેલું તે યાદ આવી ગયું, ‘‘મારા દોહિત્ર સાથે ડિઝનીલેન્ડ ફરવું છે મારે...’’ પોતાના અબોર્શન પછી અમસ્તીએ અંજલિ બહુ સેન્સેટિવ થઈ ગઈ હતી. એ વાત યાદ આવતાં જ એને રડવું આવી ગયું.

‘‘કંઈ નથી થયું બેટા, કાન્ત સાજાસમા પાછા આવશે એવું મારું મન કહે છે.’’

‘‘એમની પાસે કોઈ નથી મા !’’

‘‘બસ, પેપર્સ આવે એટલી વાર છે. જાનકી અને અજય જશે.’’

‘‘હું નહીં જાઉં તમને મૂકીને... આ ઘર વિખેરીને...’’

‘‘બેટા, માળામાં રહેલું પંખી બચ્ચું ઊડી ના શકે ત્યાં સુધી પોતાના ભાગની ચણ પણ બચ્ચાને ખવડાવી દે, પણ એક વાર બચ્ચાને પાંખો અને આંખો આવી જાય પછી એને જાતે જ ઊડતા શીખવાડીને આકાશને હવાલે કરી દે છે...’’ એમણે જાનકી અને અંજલિ બંનેના માથા પર હાથ ફેરવ્યો.

‘‘એક વાર પંખી આકાશની વિશાળતામાં પાંખ ફફડાવે પછી માળો એને નાનો પડે બેટા !’’

‘‘પણ સાંજ પડે તો એ માળામાં પાછું ફરે કે નહીં ?’’ જાનકી હજીયે પોતાની દલીલો કરી રહી હતી.

‘‘બેટા, એક વાર આકાશને આંબ્યા પછી સૌએ પોતપોતાનો માળો બાંધવો પડે. પોતપોતાની દિશામાં, પોતાની જરૂરિયાત અને સૂઝ પ્રમાણે !’’

જાનકી વસુમાને વળગીને રડી પડી.

‘‘બેટા, તું વહુ ક્યારેય હતી જ નહીં આ ઘરમાં. તું દીકરી જ છે અને દીકરીની જેમ જ તારે પોતાને ઘેર જાય છે એમ માનીને જજે... જેમ અંજલિ માટે આ ઘરના દરવાજા ક્યારેય બંધ નથી થયા, એમ તારે માટે પણ આ ઘરના દરવાજા ખુલ્લા જ રહેશે એવું કહેવાની જરૂર છે ખરી ?’’

જાનકી વસુમાને છોડવા જ તૈયાર નહોતી. એના હીબકાં વસુમાનો ખભો ભીંજવી રહ્યાં હતાં અને વસુમાનો માયાળુ હાથ એની પીઠ પર ફરતો એને ધીમે ધીમે શાંત કરી રહ્યો હતો.

દૂર ખુરશી નાખીને આંખો પર ગોગલ્સ ચડાવીને છત્રી નીચે બેઠેલી શ્રેયા કંઈ વાંચી રહી હતી. અલયનું શૂટ પૂરજોશમાં ચાલુ હતું. જો આ જ રીતે કામ ચાલુ રહ્યું અને વરસાદ કામ ના બગાડે તો આવતી કાલે સાંજ સુધીમાં કામ પતાવીને પરમ દિવસ સુધીમાં મુંબઈ ચાલ્યા જવાની ગણતરી અલયના મનમાં હતી.

પ્લાનિંગના બે દિવસ વહેલું શિડ્યૂઅલ પૂરું !

અલય ક્યારનો એવી તક શોધી રહ્યો હતો કે એ અને અનુપમા થોડીક ક્ષણો માટે એકલા પડે... અને સામાન્ય રીતે અલય સાથે એકાંત શોધતી બંગાલણ અનુપમા આજે મીઠા પાણીની માછલીની જેમ અલય નજીક આવે કે સરકી જતી હતી !

એ કપડાં બદલવા પોતાની મેક-અપ વાનમાં ચડી કે અલયે શ્રેયા સામે જોયું. એરપોર્ટથી પર લાવેલા મેગેઝિનમાંનો ઇન્ટર્વ્યૂ વાંચવામાં તલ્લીન શ્રેયાનું ધ્યાન અલય તરફ બિલકુલ નહોતું.

‘‘શું થયું છે તને ?’’ મેક-અપ વાનમાં કપડાં બદલતી અનુપમા અલયને જોઈને ચોંકી. એણે પોતાનું ટોપ શરીર પર લપેટી લીધું.

‘‘સ્ટૂપીડ ! એક છોકરીની વાનમાં આવી રીતે ધસી અવાય ?’’

‘‘બીજો કોઈ રસ્તો જ નથી. હું સવારથી જોઉં છું કે તું મને અવોઇડ કરે છે.’’

‘‘હું ? શા માટે ?’’

‘‘ગઈ કાલની રાત ના કાઢું એટલે માટે.’’

‘‘ગઈ કાલે રાત્રે ? શું થયેલું ?’’ અનુપમાના ચહેરા પર થોડું ભોળપણ અને થોડું દર્દ હતું.

‘‘તું સારી એક્ટ્રેસ છે એવું મેં તને ક્યારનું કહ્યું છે, પણ તારી એક્ટિંગ કેમેરાની સામે હોય ત્યાં સુધી જ બરાબર છે.’’ અલય નજીક ધસી આવ્યો અને એને બાવડામાંથી પકડી લીધી, ‘‘શું સમજે છે તારી જાતને ? ત્યાગની દેવી ? બલિદાન આપીને મહાન થવા માગે છે ?’’ એણે બાવડું એટલા જોરથી દબાવ્યું કે અનુપમાના મોઢામાંથી સીસકારી નીકળી ગઈ.

અલયે એને જોરથી ધક્કો માર્યો અને મેક-અપ વાનના કઉચ પર બેસાડી દીધી. પછી એનો જમણો પગ હાથમાં લઈ ઘૂંટી તપાસી. અલયે ઘૂંટી પર સહેજ આંગળી દબાવી કે અનુપમાથી ચીસ પડાઈ ગઈ.

‘‘અલય !’’

‘‘જરૂર હતી આવી બહાદુરી કરવાની ?’’

‘‘મારે કે તારે બેમાંથી એક જણે બહાદુરી કરવાની હતી. મને લાગ્યું કે હું કરું તો ઘણા પ્રશ્નો ઊભા થતા પહેલાં જ અટકી જાય.’’ એના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘‘અનુ... હું શું કહું તને ? મને ખબર નહોતી કે...’’

‘‘અલય, ખરેખર આપણે એકબીજાને કશું જ કહેવાની જરૂર નથી અને તું સાવ ખોટો નથી. અમુક ચર્ચા ન થાય એટલે જ હું તને ક્યારની અવોઇડ કરતી હતી.’’

‘‘તને ખરેખર લાગે છે અનુ કે હવે એ ચર્ચા આપણી વચ્ચે જિંદગીભર નહીં થાય ?’’ અલયની આંખોમાં થોડું ગિલ્ટ અને થોડું દર્દ હતું. એ અનુપમાના પગ પાસે બેઠો હતો. અનુપમાને હાથ લંબાવીને એના બંને ગાલ પર હાથ મૂક્યા.

‘‘ચર્ચા એટલે જેમાં બે જણ હોય, બરાબર ને ? હું આ વાત હવે મારી જાત સાથેય કરતા ડરું છું, તો તારી સાથે...’’ અનુપમાની આંખોમાં પાણી નહોતું, પણ એક એક શબ્દ જાણે આંસુમાં ઝબોળાઈને આવતો હતો, ‘‘આઈ એમ સો પઝેસિવ અબાઉટ યુ, ધેટ આઇ ડોન્ટ ડિસ્કસ યુ વીથ માય ઓન સેલ્ફ ! હું તારા વિશે એટલી પઝેસિવ છું કે કોઈ સાથે વાત કરવાનો તો સવાલ જ નથી.’’

‘‘ગઈ કાલ રાત પછી હું ‘કોઈ’ નથી રહ્યો એટલું તો માનીશ ને?’’

‘‘અલય.’’ અનુપમાના હાથ અલયના ગાલ પર માર્દવથી ફરતા હતા, ‘‘ઈશ્વરે મારા માટે જે લખ્યું હતું તે ! પણ મેં એને ખોટું પાડ્યું છે. એણે વિચાર્યું હશે કે એ મારી જિંદગીમાં તને નહીં પ્રવેશવા દઈને મને તરસી રાખશે... પણ મેં તો એક જ ઘૂંટડો એટલો મોટો ભર્યો અલય કે મારો આખો જન્મારો તૃપ્ત થઈ ગયો.’’

એ હજી બેઠી જ હતી. એની આંખો અલયને એવી રીતે જોઈ રહી હતી જાણે એને આખેઆખો પોતાની અંદર ઉતારી લેવા માગતી હોય.

‘‘તું મારો નથી, એ ક્ષણે પણ નહોતો એ જાણું છું હું અને છતાં તું વિશ્વાસ રાખજે કે હું તારી જ છું. અનુપમા અલય મહેતા.’’ એના ચહેરા પર સ્મિત હતું પણ એ સ્મિતની પાછળથી છલકાતા દર્દની છાલક અલયને ભીંજવી ગઈ.

‘‘કઈ જાતની છોકરી છે તું ?’’

‘‘જુદી જ જાતની...’’ અને એ હસી પડી, ‘‘આજ પહેલાં આવી કોઈ છોકરી જન્મી નથી અને આવનારી સદીઓ સુધી જનમવાની નથી.’’

અલય કંઈ બોલવા જતો હતો, પણ અનુપમાએ એના હોઠ પર આંગળી મૂકી, ‘‘બસ ! ચર્ચા અહીંયા પૂરી થાય છે. કોર્ટ ઇઝ એડજર્ન.’’

‘‘આપણે ચર્ચા નહીં કરીએ, પણ હું બોલું એટલું સાંભળી લઈશ?’’ અલયે અનુપમાની આંખોમાં જોયુંં. એની કથ્થઈ આંખોમાં અજબ સ્ત્રીત્વ દેખાતું હતું, ‘‘જિંદગીમાં ક્યારેય, કોઈ પણ ક્ષણે તને મારી જરૂર પડે તો હું છું.’’

‘‘જાણું છું.’’

‘‘તને ખરેખર જરૂર હશે ત્યારે મને શ્રેયાનો પણ ભય નહીં લાગે. ગઈ કાલ રાતથી તારા સુખમાં તો નહીં, પણ તારા દુઃખમાં હું અડધો અડધનો ભાગીદાર છું, એટલો વિશ્વાસ રાખજે.’’

‘‘અલય, આ કહેવાની જરૂર છે મને ? હું નથી જાણતી તને ? એ વિના તારી સાથે...’’ રડું રડું થતી એની આંખોમાં એણે પરાણે પકડી રાખેલી કોરપ અલયને વિચલિત કરી રહી હતી. એ ધીમે રહીને ઊભો થયો અને એણે અનુપમાના માથે હાથ ફેરવ્યો.

‘‘અનુ, આપણી વચ્ચે ફરી ક્યારેય ગઈ કાલની રાત આવે કે ના આવે, હવે એ રાત તારી કે મારી સ્મૃતિમાંથી ભૂંસાવાની નથી... એ સ્મૃતિને સાચવીને હૃદયના એક એવા ખૂણે મૂકી દઈએ કે એની સુગંધ સુકાઈ ગયેલા અત્તરના પૂમડામાંથી પણ આવે એમ આપણને આવ્યા કરે...’’

‘‘અલય...’’ અનુપમાએ એના ગાલ પરથી હાથ લઈ લીધા, ‘‘તું જા હવે...’’

અલય ઊભો થયો, ‘‘અનુ, તું મારી જવાબદારી છે એ વાત ક્યારેય નહીં ભૂલતી !’’ અને સડસડાટ વાનમાંથી બહાર નીકળી ગયો. એણે જોયું તો શ્રેયા હજી દૂર ત્યાં જ ખુરશીમાં બેસીને રસપૂર્વક મેગેઝિન વાંચી રહી હતી.

મધુભાઈએ અજયના પેપર્સ તૈયાર કરાવીને જોડે હોસ્પિટલના પેપર્સ જોડીને એના વિઝાની તૈયારી કરાવી, સૂર્યકાંતની તબિયત, રોહિતના મૃત્યુનાં કારણો બતાવીને અજય માટે ઇમરજન્સીમાં વિઝા કોલ ઊભો કરાયો હતો.

પેપર્સ પણ ઇ-મેલથી એમ્બેસીમાં મોકલી આપવામાં આવ્યા હતા. અમેરિકાના ઇમિગ્રેશન માટેના બેસ્ટ લોયરને કામે લગાડાયા હતા... કોઈ કચાશ ના રહે એનું પૂરેપૂરું ધ્યાન રખાયું હતું.

એ રાત શ્રીજી વિલાના સૌને માથે એક વજનદાર રાત બનીને પસાર થઈ ગઈ. સૂર્યકાંતનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. એમણે ભાનમાં આવ્યા પછી વસુમા સાથે વાત પણ કરી.

એ રાત્રે વસુમાને તંદ્રામાં સપનું આવ્યું કે, જાણે એક ભયાવહ મોજું સંબંધોને તહસ-નહસ કરી નાખવાની નેમ સાથે શ્રીજી વિલા તરફ આવ્યું તો ખરું, પણ સંબંધોની મજબૂતીએ એ મોજાને ફીણ ફીણ કરીને વિખેરી નાખ્યું...

બીજે દિવસે શ્રીજી વિલામાં વિઝા કોલના પેપર્સ પહોંચ્યા એ દિવસે ઉચાટને બદલે રાહત થઈ જાણે...

સવારના નાસ્તાના ટેબલ પર ત્રણ જ જણા હતા. જાનકી, વૈભવી અને વસુમા ! અજય કોઈ કામે બહાર ગયો હતો. રાજેશ અને અંજલિ ગઈ કાલે રાત્રે એમના ઘરે પાછા ગયાં. અભય સિંગાપોર અને અલય ગોવા હતો...

આદિત્ય અને લજ્જા બંને સૂતા હતા. પરીક્ષાને કારણે છોકરાંઓ મોડી રાત સુધી વાંચતાં એટલે વસુમાએ જ એમને ઉઠાડવાની ના પાડી હતી. આ ઘરની ત્રણ સ્ત્રીઓ, બે પેઢીઓ એક ટેબલ પર બેસીને જિંદગીનો હિસાબ કરી રહી હતી જાણે.

‘‘કાલે સવારે તમારે વિઝા માટે જવાનું છે.’’

‘‘મા... તમને ખરેખર લાગે છે કે મારે જવું જોઈએ ?’’

‘‘એક વાર જે વાત પૂરી થઈ ગઈ એને વારંવાર શા માટે ઉખેળે છે જાનકી ? મને જે લાગ્યું તે મેં કહ્યું. સાથે એમ પણ કહ્યું કે તું તારી મરજીની માલિક છે. તને જવા માટે દુરાગ્રહ નહીં કરું અને રોકાવા માટે મંજૂરી પણ નહીં જ આપું !’’

‘‘મા...’’ જાનકીએ વસુમા જોયું, ‘‘મને તમારી ચિંતા થશે. અહીં તમે એકલાં...’’

‘‘હું નથી ?’’ વૈભવીના અવાજમાં જાણે વરસાદ પછીનો ઉઘાડ હતો. જાનકીથી એની આંખોમાં જોવાઈ ગયું. એને માનવામાં જરા અઘરું લાગ્યું કે આ એ જ વૈભવી હતી !

‘‘તું જરાય ચિંતા ના કર જાનકી, હું છું ને ?’’ પછી એક દદર્ભર્યા સ્મિત સાથે ઉમેર્યું, ‘‘છોકરાંઓ મોટાં થઈ ગયાં છે. અભયને પણ હવે મારી જરૂર નથી રહી. હું હવે માનું ધ્યાન રાખીશ.’’

‘‘ખરાબ ના લગાડશો વૈભવી, પણ એક વાત કહેવી છે.’’ વસુમાએ વૈભવીની સામે જોયું, ‘‘બાળકો કે અભયને તમારી જરૂર હોય અથવા તમારી સાસુનું ધ્યાન રાખવા માટે જ તમારા દિવસના કલાકોનો ઉપયોગ કરવો એવું શું કામ વિચારો છો ? દુનિયા બહુ મોટી છે અને કરવાનું ઘણું છે. એવા કેટલાય લોકો છે જેમને તમારી સહાનુભૂતિની, તમારા સમયની અને તમારા સ્નેહની જરૂર છે. અનાથ બાળકો, ત્યજાયેલા વૃદ્ધો, બહેરા-મૂંગા અને અપંગ લોકો...’’ ચાનો એક ઘૂંટડો ભર્યો એમણે, ‘‘હું તો સશક્ત છું. મારું ધ્યાન પોતે રાખી શકું એમ છું. તમારે કે જાનકીએ હજી તો મારી ચિંતા કરવાની જરૂર નથી.’’

‘‘મા, મારે પણ એક વાત કહેવી છે.’’ વૈભવીનો ચહેરો મેક-અપ વગર પીળો લાગતો હતો. આખી રાત રડી હશે એ કદાચ, એટલે આંખો પણ થોડી સૂઝેલી હતી. અભયને એરપોર્ટ મૂકીને પાછી આવી ત્યારથી જ એ જાણે હારેલી, તરછોડાયેલી લાગતી હતી... અત્યારે પણ એના ચહેરા પર જાણે કશુંક ખોયાની, કશુંક કીમતી ગુમાવી બેઠાની અપાર પીડા હતી.

‘‘બોલોને બેટા.’’

વૈભવીએ વસુમા અને જાનકી બંને સામે જોયું, ‘‘મા, આટલાં વરસ તમારી સાથે રહીને જો એક જ વાત શીખી શકી હોત તો આજે આ ક્ષણે કદાચ ખૂબ સુખી હોત હું.’’ પાસે પડેલો પાણીનો ગ્લાસ ઉપાડીને વૈભવી એકીશ્વાસે પી ગઈ, ‘‘સ્વીકાર... પરમ સ્વીકાર શીખવાનો હતો તમારી પાસેથી ! બસ, એ એક જ વાત તમને બીજું કેટલું બધું આપે છે!’’

‘‘બેટા, શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તમે આજથી, આ મિનિટથી સ્વીકારની શરૂઆત કરી શકો. તમને શું લાગે છે ? હું પહેલેથી જ આવી હોઈશ ? આટલી સમજદાર, આવી શાંત અને જિંદગી સાથે આટલું બધું અનુકૂલન ધરાવતી ?’’ વસુમાનો અવાજ સહેજ કંપ્યો. જાણે પોતાના જ ભૂતકાળમાં ડોકિયું કરતાં હોય એમ વસુમા શૂન્યમાં તાકી રહ્યાં. બંને સ્ત્રીઓ એમની સામે જોતી હતી. આ ઉંમરે આવી સુંદરતા, જિંદગી પ્રત્યેનો આવો અભિગમ અને આટલી બધી નિસ્પૃહ સ્વાભાવિકતાની સાથે સાથે સૌ માટે એકસરખી કાળજી, એકસરખી લાગણી... સૌની ચિંતા... અને સૌ માટે સ્નેહ !

‘‘હું આમની ઉંમરે આવી થઈ શકું તો જીવ્યું સાર્થક ગણાય.’’ જાનકીને વિચાર આવ્યો.

‘‘સાવ આવી તો નહીં જ થઈ શકું, પણ થોડી ઘણીયે આમના જેટલી શાંત થઈ શકું, તો બાકીની જિંદગી તરફડાટમાં નહીં કાઢવી પડે.’’ વૈભવીની આંખો ફરી ભરાઈ આવી.

‘‘નહોતી જ! હું આવી નહોતી જ !’’ ટેબલ પર પડેલા વૈભવીના હાથ પર વસુમાએ સ્નેહથી હાથ મૂક્યો, ‘‘સમયથી મોટો કોઈ શિક્ષક નથી બેટા, એની શીખવવાની રીત થોડી કડક છે, પણ એ જે પાઠ શીખવે એ તમે ભૂલી જાવ તો બહુ આકરી શિક્ષા આપે છે, પણ એના શીખવેલા પાઠ યાદ રાખીને એની પરીક્ષામાં પાસ થવું અઘરું નથી !’’

‘‘મા...હું શું કરું ? જે થયું તે સ્વીકારી શકતી નથી અને નથી સ્વીકારી શકતી એટલે વધુ ને વધુ દુઃખી થતી જાઉં છું, દુઃખી થાઉં છું એટલે શું કરું તો સત્ય બદલાય એ વિચારે નહીં સ્વીકારવાની વૃત્તી તીવ્ર થાય છે... અને સત્ય બદલવાના ફાંફા મારું છું એટલે ફરી વધુ દુઃખી થાઉં છું.’’ વૈભવીએ ટેબલ પર માથું નાખી દીધું. વસુમાએ એના વાળમાં આંગળા પરોવ્યા. એના વાળ હજી ભીના હતા.

હળવેથી એના માથામાં હાથ ફેરવતાં વસુમા કશું બોલ્યાં નહીં, પણ એમનો સ્પર્શ એટલો તો મમતામયી હતો કે વૈભવીની અંદર ધીરે ધીરે કશુંક શાંત થવા માંડ્યું એવું એ અનુભવી શકી.

‘‘મા...’’

‘‘લક્ષ્મી ?!?’’ રિયાના અવાજમાં આનંદ અને સ્નેહ છલકાતો હતો, ‘‘નીરવે મને કહ્યું કે તું ફોન કરીશ...’’

‘‘મા, આઇ નીડ યુ.’’ લક્ષ્મીનો અવાજ ભરાઈ આવ્યો, ‘‘હું સાવ એકલી છું. મને જરૂર છે તમારી.’’ લક્ષ્મીને પોતાને પણ ના સમજાયું કે એક સાવ અજાણી સ્ત્રી, જેને એણે પહેલાં ક્યારેય જોઈ પણ નથી, જેને વિશે માત્ર સાંભળ્યું છે એની સાથે બે જ વાક્યની વાત કરતાં એ આટલી લાગણીવશ કઈ રીતે થઈ ગઈ ?!

‘‘ઋણાનુબંધ કદાચ આને જ કહેતા હશે !’’ લક્ષ્મીના મનમાં વિચાર આવ્યો.

(ક્રમશઃ)