વ્હાલી તું પણ ગઈ..??
કેવાં એ દિવસો હતાં જ્યારે મારી દરેક રમતો તારાં ખોળામાં રમાતી હતી. રમત-રમતમાં ક્યારેક મેં મારેલો પથ્થર પણ તને વાગ્યો હશે તોય તું સ્મિત વરસાવતી, તારા છાંયે જ વિશ્રામ ખાધો, તારાં છાંયે જ નિંદરનુ મટકું મારતો. રજાનાં દિવસે ઉનાળાની બપોર તારી નિશ્રામાં વિતાવવી એનાથી મોટું સુખ એ દિવસોમાં કોઈ નહોતું. તારી ખરબચડી કાયા આંબલીપીપળી રમતી વખતે અમને ડાળી ડાળી ફરવામાં સદાય સહાય થતી. પીલુડા પાકે ત્યારે પક્ષીઓનું ટોળું તારી ઉપર કલરવ કરતું હોય એ નિહાળવું, તેનાથી વિશેષ કોઈ નેત્રસુખ તે દિવસોમાં ક્યાં હતું! હવે તારાં વિના એ પક્ષીઓ કેવાં વિહવળ થતા હશે, તારું થડ તો પેલાં વિકલાંગ લાલિયા શ્વાનનું ઘર હતું, એ તારાં વિના કેટલો ટળવળતો હશે.
હું સમજણો થયો ત્યારથી જ મેં તને પુખ્ત અવસ્થામાં જ જોયેલી. તને યાદ છે ને કે હું તને રોજ પૂછતો કે, તને કોણે ઉગાડી.. તું આવડી મોટી ક્યારે થઈ.. તને કોઈએ પાણી પીવડાવેલુ? તારી સાથે રમતાં રમતાં હું પણ પુખ્ત થઈ ગયો. તારી આજુબાજુ રમતાં રમતાં મોટાં થયેલાં વ્યક્તિઓના કાળાં ભમ્મર વાળ સમયની થપાટે ધોળાં ધબ થઈ ગયાં પણ તું તો કાયમ એવી ને એવી લીલીછમ. હાં, પીલુડાની સિઝનમાં તું લાલ, લીલાં, પીળાં મોતી જેવાં પીલુડાથી ભરેલી ઓઢણી ઓઢતી તે દિવસોમાં તું નવોઢા લાગતી અને અમારી સામે હળવું સ્મિત કરી કેવી શરમાતી, એ હું હજુ એ ભુલ્યો નથી. એ દિવસે પેલા વેરશીભાઈએ મારી મનગમતી ડાળી કાપી ત્યારે માત્ર બાર વરસનો તારો આ અબુધ બાળક તે ડાલામથ્થાની સામે ઘૂરકીયા કરી કેવો સામો થયેલો!!
જ્યારે જ્યારે પણ વતનની ધૂળ યાદ આવે અને માટીની મહેક મને વતનમાં ખેંચી લાવે ત્યારે ક્યારેય એવું બન્યું છે કે હું તને મળ્યો ન હોઉં? મેં તારા ખબર અંતર પૂછ્યા ન હોય?
તારી છાયામાં લખોટીએ રમતાં રમતાં ક્યારેક હું હારી જતો તો નિરાશ વદને ઉપર જોતો ત્યારે તું ડાળી હલાવી મને આશ્વાસન આપતી અને 'લખોટા જ હાર્યો છે, જોજે હિંમત ના હારતો' એવી તારી શિખામણ મને હજીએ સાંભરે. અરે તારી એ શિખામણના સથવારે તો મારા ચાર દસકા વહી ગયાં, ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત હાર્યો નથી..
આજે રૂઆબદાર મોભાદાર અને દેવદૂતને પણ દુર્લભ એવા પદ પર પહોંચ્યો છું. કાચી માટીના એક ઓરડામાંથી આજે સરકારી બંગલાઓમાં રહેતો થયો છું પણ સરકારી વસાહતના વિશાળ ફળિયામાં તારી ખોટ મને કાયમ સાલે છે. મને સદાય એવું થયાં કરે કે, જ્યાં જ્યાં મારી બદલી થાય ત્યાં ત્યાં તને મારી સાથે જ લઈ જાઉં અને મારા બંગલાની સામે વાવી તારી સાથે એ જ જૂની ભાઈબંધી નિભાવું. જીવનમાં વૃક્ષની શી ઉપયોગીતા છે, શું મહત્વ છે એ તે જ તો શીખવ્યું હતું. અહીં મારી આસપાસ તારી પ્રેરણાથી કેટલાંય વૃક્ષો વાવ્યાં છે અને ઉછેર્યા છે તેમની સાથે પણ જરૂર માયા બંધાઈ છે, પરંતુ તું તો મારો પહેલો પ્રેમ હતી.
ગયાં વર્ષે વરસાદની થપાટે તું નમી ગયેલી, પડ્યાં પછી તો તું બમણી ફાલેલી. ગમે તે પરિસ્થિતિમાં અડીખમ રહેવું, ઉગી નીકળવું ને ધરતીની સાથે સદાય જોડાયેલાં રહેવું, એ તારી તાસીર જ તો મારી પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે.
માનવીની જમીનની ભૂખ અંતે તને પણ ભરખી ગઈ. મારાં ઘરનાં દરેક પ્રસંગની સાક્ષી એવી વ્હાલી 'પીલુડી' અંતે કપાઈ ગઈ..
જીવનભર એ વસવસો રહી જશે કે હું તારી અંતિમ પળોમાં તારી પાસે, તારાં સન્મુખ હાજર ન રહી શક્યો કે ન તો તને ઝાઝાં જુહાર પણ કહી શકયો. આમ પણ તે વખતે હું હાજર ન હતો એ જ સારું. મારી નજર સામે તારી કાયા પર કરવતો મંડાતી હોય, કુહાડીના ઘા ઝીંકાતા હોય એ હું કેમ સહન કરી શકતો.
એક ન ભરાય તેવો ખાલીપો તે મારાં જીવનમાં છોડ્યો છે, અશ્રુભીનાં અક્ષરે તને શ્રદ્ધાંજલિ પાઠવવા શિવાય હવે મારી પાસે બીજું કંઈ બચ્યું જ ક્યાં છે? મારાં હૃદયનાં એક ખૂણામાં તારું સ્થાન હંમેશા હતું અને એમ જ રહેશે.
આ ભાવાંજલિ લખતાં હું વિશેષ ભાવુકતા અનુભવું છું મન કહે છે કે એવું કંઈક લખાય કે હવે પછી કોઈ ડાળી તો શું પાંદડું તોડતાં પણ ખચકાય. એના મનમાં થાય કે પાંદડે પાંદડે પુરુષોત્તમ છે. ડાળીએ ડાળીએ દ્વારિકાનો નાથ અને થડમાં ઠાકોરજી બિરાજે છે. વૃક્ષ સ્વયં સજીવ છે.
લિખિતંગ તારાં સંજુ નાં ઝાઝાં જુહાર...
સંજય_૨૨/૦૯/૨૦૨૦
slthakker123@gmail.com