Aganpari - 1 in Gujarati Classic Stories by Hima Patel books and stories PDF | અગનપરી - 1

Featured Books
Categories
Share

અગનપરી - 1

"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું.

"હા બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું.

જેમ આદેશ મળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી.

પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ કહ્યું," નોટ અગેઈન યાર! અચાનક કેમ આવું થયું?"

પરિતાએ આંગળી ચીંધીને કાર પર જયાં સ્ટીકર હતું તે બતાવ્યું પણ ત્યાં કોઈ સ્ટીકર હતું જ નહીં.

એટલે તેજસ્વીએ હસીને કહ્યું," આવું તું પહેલીવાર કરતી નથી એટલે મને કોઈ નવાઈ લાગતી નથી.. આટલાં મજાક કરવાનાં ન હોય.. આની પહેલા પણ મને કોઈ સ્ટીકર દેખાયુ નહોતું અને અત્યારે પણ મને સ્ટીકર દેખાયુ નથી... ચાલ એ બધું છોડ.. તું સ્વસ્થ ન હોય તો હું ગાડી ચલાવું?"

પરિતાએ કહ્યું," હા! કદાચ મારો ભ્રમ હશે પણ ગાડી તો હું જ ચલાવીશ.. મારી મોટી બહેન તેજુ આરામ ફરમાવશે અને ગીત સંભાળવાની મજા લેશે."

તેજસ્વીએ હસીને કહ્યું," હા.. જયાં સુધી મારી નાની બહેન પરિ છે ત્યાં સુધી મારે આરામ જ કરવાનો છે. હવે જલ્દી કર.. બાકી તું જ મારાં રાડો પાડીશ."

પછી પરિતાએ ગાડી ચાલું કરી.ગાડીમાં હળવું મ્યુઝિક વાગી રહ્યું હતું જેનો બંને બહેનોને શોખ હતો. થોડીવાર પછી સીટી પ્લસ મોલ પહોંચ્યા બાદ જલ્દીથી મૂવીની ટીકીટ લઈને બંને અંદર જતાં હતાં ત્યારે પરિતા એક છોકરાં સાથે અથડાઈ ગઈ.

પરિતાએ ગુસ્સાથી કહ્યું," એય! જોઈને ચાલને.. દેખાતુ નથી? સાવ ડોબા જેવો.."

પેલાં છોકરાએ પણ ગુસ્સામાં કહ્યું," તું ડોબી.. તને ખબર નથી કે હું કોણ છું?"

પરિતા પણ જાણે ઝગડવાનાં મુડમાં જ હોય તેમ કહ્યું," હા બોલ ને! કોણ છે તું? મારું નામ પણ પરિતા છે. કરાટેમાં નેશનલ લેવલ સુધી રમેલી છું. એક મુક્કો મારીશને તો ચહેરો જોવાં જેવો નહીં રહે.."

તેજસ્વીએ તેને અટકાવતાં કહયું," બસ કર હવે.. ચાલ અંદર મૂવી સ્ટાર્ટ થઈ ગયું હશે." તે ખેંચીને પરિતાને અંદર લઈ ગઈ.પેલો છોકરો પણ ગુસ્સામાં તેનાં મિત્રો સાથે અંદર જતો રહ્યો.

અંદર જઈને પોતાની સીટ પર બેઠા પછી પરિતાએ તરત જ કહ્યું,"તે મને શા માટે રોકી? આજે તો તે છોકરાનું મોઢું તોડી નાંખવાની હતી.. કેવો વિચિત્ર છોકરો હતો?"

તેજસ્વીએ તેને શાંત પાડતાં કહ્યું," તે જોયું નહીં ત્યાં કેટલાં લોકો ભેગાં થઈ ગયાં હતાં. તેમાં તારો પણ થોડો વાંક તો હતો જ ને! તો શાંતિ રાખ અને ચુપચાપ મુવી જો. બાકી તારો રવિવાર ખરાબ જાશે."

ત્યાં જ મુવી ચાલું થઈ ગયું. થિયેટરમાં બેઠેલાં બધાં લોકો શાંતિથી મુવી જોવાં લાગ્યા.પણ પરિતાનુ મન હજું પણ પેલાં છોકરાંમાં જ અટવાયેલું હતું. કોણ જાણે કેમ પણ પરિતાને એવું લાગતું હતું કે એ છોકરાને પહેલાં કયાંક તો જોયેલો છે પણ યાદ આવતું નહોતું.

બીજી બાજુ પેલાં છોકરાએ મનોમન જ કહ્યું," યાર! મારી અગનપરી! તું મને ભૂલી પણ ગઈ? કોઈ વાંધો નહિ. પણ તારે મને યાદ તો કરવો જ પડશે. હા.હા.હા.."

થોડા સમય પછી ઇન્ટરવલ પડ્યો એટલે પરિતાએ કહ્યું," દી તું અહિંયા બેસ. હું પોપકોર્ન લઈને આવું છું." તે બહાર નીકળી ગઈ.

પરિતા પોપકોર્ન લઈને પાછી ફરી ત્યારે તેણે જોયું તો તેજસ્વી પેલાં છોકરાં સાથે હસી હસીને વાતો કરી રહી હતીં. તેજસ્વીને દૂરથી જ પરિતા આવતી દેખાયી એટલે તેણે ફટાફટ પોતાની જગ્યાએ બેસી ગઈ. આ બધું જ પરિતા જોઈ ગઈ હતી પણ તેને કઈ જોયું જ નથી એવાં હાવભાવ રાખ્યા.

પરિતા પોતાની જગ્યાએ બેસતાં કહ્યું," દી આ લે તારા માટે પણ પોપકોર્ન લાવી છું. પછી કહેતી નહીં કે હું તારું ધ્યાન રાખતી નથી.."

તેજસ્વીને લાગ્યું કે પરિતાને કઈ જ ખબર પડી નથી બાકી તો કેટલાંય સવાલો પૂછી નાંખે.એટલે તેણે કહ્યું,"હા હો! મારી અગનપરી.. ઓહ ! સૉરી પરી.."

પરિતાએ પોતાની ભમ્મરો ઉંચી કરતાં કહ્યું," શું બોલી તું? અગનપરી? મને એવું લાગે છે કે આ નામ મેં કોઈનાં મોંઢેથી સાંભળેલું છે. અરે! જો મૂવી ચાલુ થઈ ગયું. "

પરિતા પાછી મુવી જોવાં લાગી એટલે તેજસ્વીને નિરાંત થઈ કે તે હવે અગનપરી વાળી વાત ભુલી જાશે. પછી તે પણ મુવી જોવાં લાગી.

મુવી પૂરી થયા પછી બંને બહેનોએ શોપિંગ કર્યું . નાસ્તો કરીને ઘરે જવા નીકળી. ત્યારે પરિતા થોડી આગળ ચાલતી હતી અને તેજસ્વી પાછળ ચાલતી હતી. તેણે પાછાં ફરીને કોઈને ઈશારો કરીને જવાનું કહેતી હતી.

ત્યારે પરિતાએ પાછળ ફરીને પૂછયું," શું થયું દી? કોની સાથે વાત કરે છે?"

અચાનક પુછાયેલા સવાલથી તેજસ્વી ગભરાઈ ગઈ. તેણે કહ્યું," ક.ક.કોઈની સાથે નહીં.. ચાલ જલ્દી ઘરે."

પરિતાને વિશ્વાસ થઈ ગયો કે દી જરૂર કંઈક તો છુપાવે છે. પણ જયાં સુધી તે સામેથી કશું ન જણાવે ત્યાં સુધી કઈ પૂછવું નહીં એવું તેણે નક્કી કરી લીધું.

તેજસ્વીએ તેને હલબલાવીને પૂછ્યું," અરે! શું વિચારે છે? ઘરે જવું લાગતું નથી?"

પરિતાએ કહ્યું," અરે ના ના.. ચાલ જઈએ બાકી મમ્મીનો ગુસ્સો તારે સહન કરવો પડશે. "

કારમાં બેસતાં તેજસ્વીએ પુછ્યુ," મારે શા માટે?"

પરિતાએ ગાડી ચાલું કરતાં કહ્યું," કારણકે તું મારી મોટી બહેન છો ને? હાહા.હા એટલે."

તેજસ્વી મોં ફુલાવીને બેસી ગઈ.બંને જવા નીકળી ગઈ.

ક્રમશઃ

પરિતાને સ્ટીકર દેખાવવાનુ કારણ શું હશે? પેલાં છોકરાનું શું રહસ્ય હશે? તે છોકરાને તેજસ્વી કેમ ઓળખતી હશે? અગનપરીનું શું રહસ્ય હશે? આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં..