અધ્યાય ૧૬
રાતે લગભગ સાડા અગિયાર વાગ્યે ટ્રેન દિલ્હીના પહાડગંજ રેલવે સ્ટેશન પર આવી પંહોચી. એ જ ડામાડોળ મનોસ્થિતિ સાથે પણ હસતા ચહેરે સહુ પ્લેટફોર્મ પર ઉતર્યા.
હમણાં ભીડમાંથી કોઈ હથિયાર કે બંદૂક કંઈક લઈને આવશે અને મિનલ પર હુમલો કરી દેશે તો?
અંહી પ્લેટફોર્મ પર આટઆટલુ માણસ છે તો શપથવિધિમાં તો ન જાણે કેટલા હજારોની ભીડ એકઠી થશે, શુ મિનલ પરનો હુમલો પોલીસ ખાળી શકશે?
ટોળા વચ્ચે એ હુમલાખોરોને કઈ રીતે ઓળખી શકાશે?
આવા અનેક અનિયંત્રિત પ્રશ્ર્નોએ મારૂ મન સાવ અસંતુલિત કરી મૂક્યુ હતુ. જાણે અંહી જ હુમલો થવાનો હોય એમ હું અને અર્જુન ચોતરફ નજર ફેરવી રહયા હતા. અમારા બેની વચ્ચે મિનલ ચાલતી હતી. અને દેસાઈ સાહેબે મોકલેલા બે હવાલદાર પણ આજુબાજુમાં જ હતા.
પ્લેટફોર્મની બહાર નીકળ્યા ત્યારે બધાએ જરા રાહતની લાગણી અનુભવી. એકલદોકલ લોકો સિવાય અંહી ભીડ ઘણી ઓછી હતી. અને ઈન્સ્પેક્ટર દેસાઈએ બાતમી પંહોચાડી દીધી હોવાથી દિલ્હી પોલીસ પણ નાની ટુકડી સાથે બહાર તૈયાર જ ઉભી હતી. પોલીસ સાથે ચર્ચા કરી લીધા બાદ પેલા બે હવાલદારોએ સહુની વિદાય લીધી.
શપથવિધિમાં આવનાર કેબિનેટના મંત્રીઓના રહેવાની વ્યવસ્થા દિલ્હીની પ્રખ્યાત અને વૈભવી હોટલમાં કરવામાં આવી હતી, પણ મિનલે આમાં પણ એના આદર્શ ન છોડ્યા. એક જનસેવક તરીકે એણે હોટલમાં રહેવાના બદલે સંઘની એક મહિલા મિત્ર જે દિલ્હીમાં જ સ્થિત હતી એના ઘરે રોકાવાનું પહેલાથી જ નકકી કરી દીધુ હતુ.
દિલ્હીની વચ્ચોવચ આવેલા પોળ જેવા એ વિસ્તારમાં જ્યારે અમારી રિક્ષાએ પ્રવેશ કર્યો, ત્યારે એવુ લાગ્યુ કે જાણે મિનલ જ એના પર હુમલો કરાવવા માંગતી હોય. નાની-મોટી ભૂલા પડી જાય એવી સાંકડી ગલીઓના બનેલા આ ભૂલભૂલામણી જેવા વિસ્તારમાં ગૂનો કરીને ગુનેગાર કોઈ પણ દિશામાં નાસીને આરામથી ખોવાઈ જઈ શકે.
અમારી પાછળ આવી રહેલી પોલીસ જીપમાંથી દેસાઈ સાહેબના મિત્ર આલોક તિવારી જે દિલ્હી પોલીસમાં ઈન્સપેક્ટર હતા એ એમના બે સહકર્મી સાથે ઉતર્યા. પૂરા વિસ્તારનુ અવલોકન કરી લીધા પછી તિવારી સાહેબે મિનલ પાસે આવી કહ્યુ, "મેડમ, તમને આ વિસ્તારમાં પૂરી સુરક્ષા આપવી જરા મુશ્કેલ છે. બધા રીઢા ગુનેગારો આ એરિયામાં જ રહે છે અને હજુ સુધી બાકીની બે ગેંગના માણસો પણ પકડાયા નથી જેમના વિશેની માહિતી મને દેસાઈએ આપી હતી. તમે હોટલમાં રોકાઈ જાવ તો વધુ સારૂ."
"તમે અંહી જેટલી વ્યવસ્થા કરી શકો એ કરો, બાકી રહેવાનુ તો અંહી જ છે. મારી સખી સાથે."
મિનલે એનો નિર્ણય સંભળાવી દીધો.
તિવારી સાહેબ એક નાનકડી બારેક પોલીસવાળાની ટુકડી રાઈફલ સાથે એ વિસ્તારમાં ગોઠવી મને અને અર્જુનને સાવચેતી રાખવાનુ કહી ચાલ્યા ગયા.
પેલા બે માળના, સળંગ ત્રણ રૂમોવાળા, ત્રણ તરફથી જે મકાન પડોશના ઘરોથી ઘેરાયેલુ હતુ એવા ઘરની અંદર મિનલની પાછળ અમે પ્રવેશ્યા. સૌપ્રથમ બધાએ રાતનુ વાળુ કર્યુ. એ બહેને બધાના રહેવા-સૂવાની પણ સારી સગવડ કરી હતી.
ખાવાનુ પતાવી સૌ અગાશીમાં જ્યાં સહુના સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં જઈ બેઠા. મિનલની બહેનપણી જેનુ નામ અવની હતુ એણે વાત શરૂ કરી.
"આખરે કાલે તુ રેલમંત્રી બની જઈશ ખરી, મિનુડી. પછી તો તુ ભૂલી જ જવાની ને બધાને."
"આ વખતે અંહી ઘરે આવી તો સારૂ લાગ્યુ. ભવિષ્યમાં તો ન જાણે ક્યારે મળીશ હવે."
"અરે, હોય કાંઈ. મારે દિલ્હી તો હવે અવારનવાર આવવા-જવાનુ રહેશે, દર વખતે હોટલમાં થોડી રહીશ. સરકારના આપેલા મોટા વૈભવશાળી બંગલાઓમાં પણ મારા જેવી મધ્યમવર્ગીય વ્યક્તિ ને જરાય નહી ફાવે. કંઈ નહી તો તારા હાથના મારા પ્રિય ગુલાબજાંબુ ખાવા તો જરૂરથી આવીશ."
ઘણા વર્ષો પછી મળેલી બંને બહેનપણીઓની બિન્દાસ વાતો ચાલતી હતી.
હું હમણાં જ નીચે જઈને જોઈ આવ્યો હતો કે પોલીસના માણસો પહેરો બરાબર ભરે છે કે નહી. એ લોકો પોતપોતાની જગ્યાએ સાવધાન જ હતા માટે મારૂ મન જરા રાહત અનુભવતુ હતુ, છતાં થોડા થોડા સમયે ફરી ફરીને ચિંતા ઉદ્ભવતી હતી. વ્યસન ત્યજી દિધાના કેટલાય વર્ષો પછી આજે હું સિગારેટનુ આખુ પાકીટ લઈ આવ્યો હતો. દિવસ તો હવે પૂરો થઈ ચૂક્યો હતો, પરંતુ રાત હજુ આખી બાકી હતી. ચિંતાભર્યા રહેનારા એ આવનારા અંધકારભર્યા કલાકોને હું સિગારેટ ના ધુમાડામાં ધુમ્રસેરની જેમ ઉડાડી દેવા માંગતો હતો.