Emporer of the world - 20 in Gujarati Adventure Stories by Jainish Dudhat JD books and stories PDF | Emporer of the world (જગતનો સમ્રાટ) - 20

Featured Books
Categories
Share

Emporer of the world (જગતનો સમ્રાટ) - 20

જગતનો સમ્રાટ (ભાગ-20)



આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી શા માટે કૈલાશધામ છોડીને આવ્યા તે સત્ય રાજેશભાઈને જણાવે છે. રાજેશભાઈને આ હકીકત જાણીને નવાઈ લાગી. એમને તો બધી ઘટનાઓ પરથી એમ જ હતું કે ગુરુજી જૈનીષ માટે જ આવ્યા છે. છેલ્લે ગુરુજી રાજેશભાઈને ગુરુદેવ સાગરનાથ દ્વારા જણાવવામાં આવેલ વાતોથી અવગત કરાવે છે અને એમ પણ જણાવે છે કે ભવિષ્યના સમ્રાટની ઝલક એમણે જૈનીષમાં જોઈ લીધી છે. પણ હજી એની સમ્રાટ બનવાની સફરની શરૂવાત થવાની વાર છે. સાથે સાથે ગુરુજીએ રાજેશભાઈને એમ પણ કહ્યું કે જૈનીષની સમ્રાટની યાત્રામાં તેમણે, રાજેશભાઈ અને ગુરુદેવ માત્ર સહાયક તરીકે જ કામ આવીશું. સમ્રાટ તો એ પોતાની રીતે જ બનશે. હવે આગળ,



#######~~~~~~~#######~~~~~~~#######



ગુરુજીએ રાજેશભાઈને તેમની અને ગુરુદેવની ઘણી બધી વાતોથી માહિતગાર કર્યા. હવે તેઓ રાત્રિ ભોજન માટે આમંત્રિત મહેમાનોના સ્વાગત સત્કાર માટેની વ્યવસ્થા કરવા અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવા પાછા ઘર તરફ ફરે છે. રાજેશભાઈના મહારાજએ તેમની સૂચના મુજબ ભોજનની વ્યવસ્થા કરી લીધી હતી. ગુરુજી માટે પણ રાજેશભાઈના આદેશ મુજબ આશ્રમને અનુરૂપ ભોજન બનાવ્યું હતું. ગુરુજીનો સાંજનો પૂજા આરતીનો સમય થઈ ગયો હોવાનું જાણતા રાજેશભાઈ ગુરુજીને સ્નાન માટે લઈ ગયા અને ત્યારબાદ તેમને મંદિરમાં મૂકી રાજેશભાઈ બીજી તૈયારીઓ કરવામાં લાગી ગયા.



આ તરફ જૈનીષ તેના માતા પિતા સાથે રાજેશભાઈના ઘરે આવવા માટે તૈયાર થઈ રહ્યો હતો. દિશા પણ તેના માતા પિતા સાથે તૈયાર થઈ જૈનીષના ઘરે આવી ગઈ. અહીંથી બધાએ એક સાથે જ જવાનું નક્કી કર્યું હતું એટલે બધા બીનીતભાઈના ઘરે જ ભેગા થાય છે. રાજેશભાઈનું ઘર શહેરથી થોડું દૂર હોવાથી બીનીતભાઈ આજે તેમના મિત્રની કાર લઈને જવાનું પ્લાનિંગ કરી લીધું હોય છે. તેઓ દિનેશભાઈ સાથે પોતાના મિત્રના ઘરે જઈ કાર લઈને આવે છે. જૈનીષ અને દિશાની સાથે રમીલાબેન અને શાલિનીબેન પણ કાર આવતા પોતપોતાની જગ્યાએ ગોઠવાય જાય છે અને ત્યારબાદ રાજેશભાઈના ઘરે આવવા માટે નીકળી જાય છે.



અહી રાજેશભાઈને ત્યાં એક એક કરીને મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ. સૌ પ્રથમ આચાર્ય સાહેબ તેમના પત્ની સાથે આવી પહોચ્યા. રાજેશભાઈ તેમનું હૃદયથી સ્વાગત કરે છે અને તેમને આવકારે છે. તથા તેમને ઘરની પાછળના બાગમાં લઈ જાય છે, જ્યાં મહેમાનો માટે બેઠકની વ્યવસ્થા કરેલ છે. ત્યારબાદ થોડી જ ક્ષણો વીતતા આનંદ સર અને મીતાબેન સજોડે આવી પહોંચ્યા. રાજેશભાઈ તેમને પણ આવકારે છે. આનંદ સર આવતાવેંત જ રાજેશભાઈની સાથે રમૂજ કરવા ખાતર એક ફરિયાદ કરે છે.



આનંદ સર:- " રાજેશભાઈ આ તો તમે જીતેલી બાજી છીનવી લીધી હોય એવું લાગે છે. જૈનીષ અને દિશાને સ્પર્ધા માટે મેં અને મીતા એ તૈયારી કરાવડાવી જેથી તેઓ જીતી શક્યા, અને વિજયની ઉજવણીનો મોકો તમે લઈ ગયા. આ તો હળાહળ અન્યાય થયો અમારી સાથે." આમ કહીને તેઓ ખડખડાટ હસવા લાગ્યા. રાજેશભાઈ પણ તેમની રમૂજ સમજી ગયા અને પોતાના કાન પકડીને માફી માંગતા હોય તેમ આનંદ સર અને મીતાબેન સામે ઊભા રહી ગયા.



મીતાબેન:- "અરે અરે રાજેશભાઈ, આ તમે શું કરો છો ? આમને તો આદત જ છે રમૂજ કરવાની. તમે આમ વિદ્યાર્થીઓની જેમ કાન પકડીને માફી ના માંગશો." મીતાબેન તેમના ભોળા સ્વભાવ મુજબ જ રાજેશભાઈને વાત કરે છે અને ત્યારબાદ આનંદ સર તરફ જોઈને તેમને કહે છે, " શું તમે પણ ? આપણે કરીએ કે રાજેશભાઈ કરે, વિજયના હકદાર તો રાધાકૃષ્ણ જ છે ને.." " સાચી વાત હો મીતા તારી. હું માત્ર રમૂજ માટે જ કહું છું કેમ કે સ્કુલમાં તો આમેય આપણે ક્યાં સરખા મળી શકીએ છીએ. કેમ રાજેશભાઈ ?" એમ કહીને આનંદ સર રાજેશભાઈ તરફ જોવે છે. જવાબમાં રાજેશભાઈ "હા એક દમ સાચું" એમ કહે છે અને આનંદ સરને ગળે મળે છે તથા મીતાબેનને નમસ્તે કરીને તેમનું અભિવાદન કરે છે.




રાજેશભાઈ બંનેને પાછળ બાગ તરફ દોરી જાય છે જ્યાં આચાર્ય સાહેબ તેમના પત્ની સાથે આવી પહોચ્યા છે અને કેટલાંક બીજા શિક્ષકો પણ આવી ગયા છે. આનંદ સર ચાલતા ચાલતા રાજેશભાઈ સાથે ગુરુજી અને તેમની વચ્ચે શું ચર્ચા થઈ તે બાબતે સવાલ કરે છે પણ એમનો ભેટો રસ્તામાં જ ગુરુજી સાથે થઈ જાય છે એટલે સંકોચવશ વધુ કઈ પૂછતા નથી. ગુરુજી આ ચર્ચા સાંભળી ગયા હોવાથી રાજેશભાઈને રોકાય જવા ઈશારો કરે છે. એટલે રાજેશભાઈ આનંદ સર અને મીતાબેનને આગળ વધવા માટે કહીને તેઓ ગુરુજી સાથે આવે છે એમ કહી ગુરજી પાસે રોકાય ગયા. તેમના ગયા બાદ ગુરુજી રાજેશભાઈને તેમની વચ્ચે થયેલ ચર્ચા બીજા કોઈને ના જણાવવા કહે છે અને રાજેશભાઈ તેમને નિશ્ચિંત રેહવાની ખાતરી કરાવે છે.




રાજેશભાઈને હવે જૈનીષ અને દિશાના પરિવારની રાહ હતી, એટલે તેઓ ગુરુજીને કહીને તેમના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર તરફ જવા નીકળે છે. તેઓ રસ્તામાં બીનીતભાઈને ફોન કરી તેઓ ક્યાં સુધી પહોંચ્યા તેની જાણકારી મેળવે છે અને સામે છેડે બીનીતભાઈ જણાવે છે કે તેઓ બસ હવે પહોંચવાની તૈયારીમાં જ છે એમ જણાવે છે. રાજેશભાઈ તેમને લેવા માટે મુખ્ય દ્વાર પર મળશે એમ જણાવી ફોન મૂકી દેય છે અને જેમ બને એમ જલ્દી રાજેશભાઈ મુખ્ય દ્વાર તરફ જવા લાગે છે.




રાજેશભાઈના પહોંચ્યાની થોડી જ ક્ષણોમાં બીનીતભાઈ અને દિનેશભાઈ તેમના સહપરિવાર સાથે આવી પહોચ્યા. રાજેશભાઈ એક યજમાનની જેમ બધાનું સ્વાગત કરે છે અને તેમના આમંત્રણનો સ્વીકાર કરવા માટે ધન્યવાદ કહે છે. તેઓ જૈનીષ અને દિશાને પણ આવકારે છે અને તેમને સ્પર્ધા જીતવા માટે અભિનંદન પાઠવે છે.જૈનીષ અને દિશા રાજેશભાઈના આશીર્વાદ લેવા તેમને પગે લાગવા જાય ત્યાં જ રાજેશભાઈ તેમને એમ કરતા રોકે છે અને બંનેને ભેટીને તેમને "કલ્યાણ થાવ" એવા આશીર્વાદ આપે છે. પછી બધા પાછળ બાગ તરફ આગળ વધે છે.



રાજેશભાઈની સાથે જૈનીષ, દિશા અને તેમના માતા પિતાને આવતા જોઈને ત્યાં ઉપસ્થિત તમામ તેમને આવકારવા માટે આગળ વધે છે. ઉપસ્થિત મહેમાનોએ ફરી એક વખત તેમને સ્પર્ધામાં વિજેતા બનવા માટે જૈનીષ અને દિશાને વધાવી લીધા અને અભિનંદન પાઠવ્યા. રાજેશભાઈએ બધાના સ્વાગત માટે સ્પેશિયલ શરબત બનાવડાવ્યું હતું તે તેમના મહારાજ દ્વારા પીરસવામાં આવ્યું અને કલાક બાદ ભોજનની વ્યવસ્થા પણ ત્યાં બાગમાં જ કરવામાં આવી. રાજેશભાઈ એ કરેલ તમામ વ્યવસ્થાની બધાએ ખૂબ પ્રશંસા કરી. સાથે સાથે એક દમ સ્વાદિષ્ટ વાનગીઓ માટે મહારાજને પણ બિરદાવવામાં આવ્યા. ઘણા શિક્ષકોએ તો રાજેશભાઈને ત્યાં માત્ર જમવા માટે ફરી આવવું પડશે એમ રમૂજ પણ કરી.



આવા હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણને ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ માણી રહ્યા હતા. સાથે સાથે જૈનીષ અને દિશાના પ્રસ્તુત કરેલ "રાધાકૃષ્ણનો રાસ" ને પણ યાદ કરી તેના વખાણ કરતા હતા. એવામાં આચાર્ય સાહેબને એક ફોન આવે છે અને તેમના ચેહરા પર રહેલ ખુશીની લાગણી ગાયબ થઈ જાય છે અને તેઓ ચિંતામાં પડી જાય છે.



#######~~~~~~~#######~~~~~~~#######



કોનો ફોન આવ્યો આચાર્ય સાહેબ પર ?
કેવા સમાચાર મળ્યા કે જેથી તેઓ ચિંતામાં મુકાયા ?
શું આ સમાચારને જૈનીષ સાથે કોઈ સબંધ છે ?
જોઈએ આવતા ભાગમાં



રાધે રાધે

હર હર મહાદેવ