Rajipana badlata sarnama in Gujarati Magazine by Kuntal Sanjay Bhatt books and stories PDF | રાજીપાનાં બદલાતાં સરનામાં

Featured Books
Categories
Share

રાજીપાનાં બદલાતાં સરનામાં

*રાજીપાનાં બદલાતાં સરનામા!*

રાજીપો,ખુશ રહેવાનાં કારણો ઘણાં હોય છે.દરેક ઉંમરે, દરેક પરિસ્થિતિએ,દરેક પડાવે એ બદલાતાં રહેતાં હોય છે.આમ જુઓ તો સરળ અને સહેલો શબ્દ અને સહેલો અર્થ પણ એ મેળવવાનાં ધમપછાડા અગણિત!એ મળશે જ અને ટકશે જ એ પાછો ગહન અને વિચારણીય પ્રશ્ન!
જન્મથી સામાન્ય સમજણ આવે ત્યારે બાળપણનાં રાજીપાઓની અલગ દુનિયા હોય છે.મિત્રો,માતા-પિતા અને વડીલોનાં લાડ પ્યારમાં,સાથ સહકારમાં ખુશ રહેતાં હોય છે કેમકે એ સમયની બધી જ અપેક્ષાઓ સંતોષાતી હોય છે.ધીમે ધીમે એ રાજીપાની પ્રયોરિટીઝના લેવલ બદલાતાં જાય છે.કિશોરાવસ્થામાં એ ફક્ત મિત્રો સુધી સીમિત થઈ જાય છે.મિત્રો સાથે અલગ દુનિયા જીવવા,જોવા,જાણવા ને માણવા મળે છે. એ આગળ જતાં વળી કોઈને ગર્લફ્રેંડ કે બોયફ્રેન્ડ માં રાજીપો અટકે છે!એમ લાગે કે અમારી દુનિયા એ પ્રિયપાત્ર પૂરતી જ સીમિત છે! અને આગળનાં ખુશીઓનાં કારણ હાંસિયામાં ધકેલાતા જાય છે.લગ્ન પછી પાર્ટનર ગાંડીતૂર હેતવર્ષા!અને થોડાં વર્ષોમાં બાળકો પર!બાળકો પર ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી તેઓ માળા બહાર ઉડતાં ના શીખે.આ બધી થઈ સામાન્ય જિંદગીની વાતો પણ બહુ દિવસથી એક અલગ વિચાર મગજમાં વમળો લે છે.
અઢારથી વીસ વર્ષની ઉંમરે જેને પ્રેમ થઈ જાય અને લગ્નની મંઝિલ સર કરી લે છે એ લોકોનું લગ્નજીવન જલ્દી નીરસ થઈ જાય છે.જે રાજીપો એમને લગ્ન પહેલાં પ્રિયપાત્ર સાથે પ્રણયમાં મળતો હતો હવે એ જ્યારે પરિણયમાં પરિણમે છે ત્યારે એમાં ઓટ આવવા માંડે છે!તો શું એ માત્ર અફેક્શન જ હશે જે લગ્નવેદી સુધી લઈ જાય છે?એકબીજાનાં વિચારો,વ્યવહારો,અપેક્ષાઓની સમજણ કદાચ નથી જ હોતી.સરખા શોખ,સરખી પસંદગી, ફેવરિટ ફૂડ અને ફેવરિટ મૂવીઝનું જ જ્ઞાન હોય છે! એ પ્રિયપાત્ર આફ્ટર મેરેજ આગળ જતાં ઓળખાતું જતું હોય છે પોતાનાં વાસ્તવિક સ્વરૂપે છતું થતું હોય છે એ પેલા બીફોર મેરેજના અફેકશન પર હાવિ થવા લાગતું હોય છે અને એ અફેકશન...ક્યાંય.....ખૂણે જતું રહે છે.હવે રાજીપો જોખમમાં!નજર બીજે મંડાય કોઈ બેસ્ટ ફ્રેન્ડ્માં,કોઈ કલીગમાં,આજુબાજુ કોન્ટેકટમાં આવતાં વિજાતીય વ્યક્તિમાં અરે...સોશિયલ મીડિયામાં બનતાં દોસ્તોમાં પણ રાજીપાનું ઠેકાણું શોધાતું હોય છે!દોસ્તી સુધી તો ઠીક પણ ફેન્ટસી સુધી વાતો પહોંચી જાય છે.થોડે ઘણે અંશે આવું થવું વ્યાજબી લેખી શકીએ પરંતુ એ વાતો જ્યારે રીયલ લાઈફની મુલાકાતો સુધી પહોંચે ત્યારે જોખમી બની જાય છે.આમ થવાનું કારણ માત્ર એક જ કે આપણાં પ્રિયપાત્ર,પતિ કે પત્ની કરતાં આ જે ત્રીજું પાત્ર જીવનમાં આવ્યું હોય એ આપણી અપેક્ષાઓ સંતોષતું હોય છે.એ આપણને બીજાં દોસ્તો કે ઘરનાં દરેક વ્યક્તિ કરતાં પ્રાયોરિટીનાં સર્વોચ્ચ લેવલે રાખતું હોય છે.આપણને ગમતી વાત અને આપણાં શોખ સાથે તાલમેલ સાધતું હોય છે.એટલે વ્યક્તિને રાજીપા માટે એ સરનામે જવું ગમવા લાગે છે!ભલેને વ્યક્તિ કંઈ પણ બોલે પરંતુ જાણ્યે અજાણ્યે એ પોતાના પાર્ટનર સાથે અન્યાય કરી જ બેસે છે.મનોમન એની સરખામણી નવા રાજીપાનાં સરનામાં સાથે કરી જ બેસે છે અને મન સાથે શરૂ થાય તુમૂલ યુદ્ધ! એનાથી એવા વ્યક્તિઓ ઘણીવાર ડિપ્રેશન, અનિંદ્રા કે અન્ય માનસિક તકલીફોનો ભોગ બની જાય છે.
રાજીપા ને પણ એક સીમારેખામાં બાંધવો જરૂરી જ છે!નહિ તો એ એનાં સરનામાં બદલતો રહે તો આપણાં જીવનના ખરાં અર્થમાં સમર્પિત થયેલી વ્યક્તિઓ સાથે અન્યાય થવાનો પૂરેપૂરો ભય રહે છે.અપવાદ કોઈ હોઈ શકે કે બંને મોરચે લડી વિજય મેળવી શકતાં હોય!
આ પ્રકારનાં રાજીપાનાં બદલાતાં સરનામાં ક્યારેક મંઝિલથી ગુમરાહ કરી દેતાં હોય છે.મેં એવું સાંભળ્યું છે કે આવી ખુશીઓમાં કે વર્ચ્યુઅલ રિલેશન્સ માં બસ તરતું રહેવાય.ડૂબ્યા તો રીયલ લાઈફ ડુબવાના ઘણાં ચાન્સીસ રહેલાં છે.

*કુંતલ ભટ્ટ"કુલ"*