નમસ્કાર ...
આપ સૌના અસીમ પ્રેમ અને આશિર્વાદથી "શોધ - પુર્નજન્મની ગાથા" (https://www.matrubharti.com/novels/14519/discovery-the-story-of-rebirth) ની રજુઆત બાદ, એક નવી નવલકથા સાથે આપની સમક્ષ હાજર છું.
નવલકથા - વાત છે, ભવિષ્યના રામાયણની - એટલે કે પાત્રોના નામ તે જ, પરંતુુ કથાના સ્થળો અને કથાર્દષ્ટિ અલગ...તો ચાલો શરૂ કરીએ
મારા પ્રિય પ્રભુશ્રીરામદૂત હનુમાનથી
અધ્યાય – ૧
ઇ.સ. ૨૪૯૮, અવકાશમાં ક્યાંક
અવકાશયાન અવકાશમાં કાળા ભમ્મર ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. યાન ધનુષ-આકારમાં બનાવેલી રચના હતું. યાનમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના વક્રીભવનના લીધે વિખરાયેલા કિરણો જ ર્દશ્યમાન હતા. ધનુષની જેમ યાનના બન્ને છેડા પર શક્તિશાળી પંખા અને યાનના પાછળના ભાગમાંથી બહોળી માત્રામાં ઊર્જા ઉત્સર્જિત થતી, જે યાનને પૂર ઝડપથી અવકાશમાં ગતિ કરવામાં મદદ કરતી હતી. યાનના કેન્દ્રબિંદુએ કોકપિટ હતું, જે મજબૂત, બિન-જ્વલનશીલ સામગ્રીથી સંપૂર્ણ રીતે આવરીત હતું. યાનની બાહ્ય અવસ્થાનું અવલોકન તેમજ નિરીક્ષણ કરવા માટે પારદર્શક કાચ સ્થાપિત કરવામાં આવ્યો હતો. યાનની આંતરિક દિવાલો મિશ્રધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી, જેથી તે અવકાશના વાતાવરણમાં ટકી શકે. તે પૂર ઝડપે તેના મુકામ તરફ ગતિ કરી રહ્યું હતું.
એક માનવી અવકાશમાં યાનને ચલાવવાની વિધિ જાણતો હોવાને કારણે યાનને ચલાવતો અને સાથે સાથે નિયંત્રીત કરી રહેલો. તે માનવીનો સાથી આધુનિક કોમ્પ્યુટર દ્વારા બનાવેલ ડિજિટલ નક્શાનો અભ્યાસ કરવામાં વ્યસ્ત હતો. શનિ ગ્રહ તરફના માર્ગનો નકશો. સૌરમંડળમાં શનિ એ બીજા ક્રમનો સૌથી મોટો તેમજ સૌથી વધુ માત્રામાં વાયુ ધરાવતો ગ્રહ છે, વધુમાં તેની સરેરાશ ત્રિજ્યા પૃથ્વી કરતા નવ ગણી છે, તેમજ તે ૮૨ ચંદ્રો ધરવાતો ગ્રહ છે. શનિના સૌથી મોટા ચંદ્રનું નામ ટાઇટન છે. શનિનું ખગોળશાસ્ત્રીય પ્રતીક ભગવાનનું દાતરડું છે. દાતરડું એ ખેતી માટે હાથથી વાપરવામાં આવતું સાધન હોય છે. દાતરડું પાક આધારિત જીવનશૈલીને સહાયક કૃષિ ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે, મેસોપોટેમીઆ અને નિયોલિથિક સમયમાં પણ તેનો વપરાશ થતો હતો. દાતરડાંનો ઉપયોગ તેની લાક્ષણિક રચના પર લગાવવામાં આવેલા વિવિધ વળાંકવાળા બ્લેડની મદદથી લણણી, અથવા કાપવા માટે થાય છે. ટાઇટન પર એક મહાન, ક્રૂર, બુદ્ધિશાળી, ખતરનાક વ્યક્તિનું શાસન હતું.
યાનમાં રહેલા બન્ને માનવો અવકાશયાત્રામાં તેમની સાથે આવેલ ત્રીજા માનવી માટે ચિંતિત હતા. જ્યારે તે અવકાશમાં સ્થાપિત પ્રયોગશાળાના સમારકામમાં વ્યસ્ત હતા, તે સમયે ત્રીજો માનવી અવકાશમાં ક્યાંક ખોવાઈ ગયેલો. બન્ને જણા યાનની ડ્રાઇવિંગ સીટ પર પોતપોતાની જગા પર ગોઠવાઇ ચૂકેલા.
‘મારા નાના ભાઈ! આપણી આગામી ગતિવિધિ માટે તારી શું દરખાસ્ત છે?’, તેમાંથી એક માનવીએ બીજાને પૂછ્યું.
‘ભાઈ રામ! તમારા હુકમનું પાલન ન કરવા બદલ મારી માફી સ્વીકારો...’,નાનો ભાઈ દિલગીર બન્યો.
‘લક્ષ્મણ! ચિંતા કરીશ નહીં, આપણે આપણી સાથી સીતાને શોધી કાઢીશું.’, રામે લક્ષ્મણના ખભા પર પોતાનો જમણો હાથ મૂક્યો.
લક્ષ્મણે આંસુ લૂછ્યા, ‘પણ, તમે કેવી રીતે જાણો છો કે પ્રયોગશાળાની નજીક જોવામાં આવેલ યાન શનિ ગ્રહનું હતું?’
‘જો, આપણા યાનની ઉપરની બાજુએ લગાવેલા કેમેરા દ્વારા ખેંચવામાં આવેલ છબી. છબીમાં ખગોળશાસ્ત્રનું પ્રતીક સ્પષ્ટ દેખાય છે. જે યાન દ્વારા પ્રયોગશાળા પર હુમલો થયો હતો તેના પર દાતરડું કોતરેલું છે.’, રામે દીવાલ પર લગાવેલ કમ્પ્યુટરની સ્ક્રીન લક્ષ્મણ તરફ ફેરવી.
‘હા! આ પ્રતીક; પોતે શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, આખા સૂર્યમંડળમાં કૃષિક્ષેત્રે શ્રીમંત ગ્રહ.’, લક્ષ્મણે પોતાના બાળપણનું શિક્ષણ યાદ કર્યું.
રામે સ્ક્રીનને તેના મૂળ સ્થાને ફેરવી દીધી, ‘તેથી જ આપણે શનિ તરફ જઈ રહ્યા છીએ.’
*****
શનિ તરફની એક કલાકની યાત્રા પછી, યાનમાં બળતણ ભરાવવા માટે બળતણ વેચતા સ્ટેશન પર રોકવામાં આવ્યું. અવકાશમાં યાન માટે બળતણ મેળવવા અર્થે ચોક્કસ અંતરે બળતણના પંપ બનાવેલા હતા. દરેક બળતણ સ્ટેશન પર બાલીની માલિકી હતી, જે બળતણ ઉદ્યોગમાં સૌથી પ્રબળ વ્યક્તિ હતો. યાનના પંપ પર રોકાણ દરમ્યાન, રામે બળતણ સ્ટેશનના જમણા ખૂણા પર આવેલ દુકાનની મુલાકાત લીધી. તે લાંબા સમયની મુસાફરી માટે જરૂરી ખોરાક ખરીદવા માંગતો હતો. તેમના યાન પર વર્તુળ બનેલું, જેને દ્વિભાજન કરતી રેખાઓ દ્વારા ચાર એકસરખા ભાગમાં વિભાજીત કરેલું હતું. આ લાક્ષણિક પ્રતીક દર્શાવતું કે યાન પૃથ્વી ગ્રહ પરથી આવ્યું હતું. સુગ્રીવના તાલીમાર્થીએ આ યાન શોધી કાઢયું હતું, અને તેણે પૃથ્વીથી આવેલ માનવીની બળતણ સ્ટેશન પર થતી ચળવળ વિશે માહિતી આપી હતી. સુગ્રીવે તેના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિને દુકાનની મુલાકાતમાં વ્યસ્ત પૃથ્વીના લોકો વિશે પૂછપરછ માટે મોકલેલો.
આગળ આવતા સ્ટેશન સુધી પહોંચી શકાય તેટલું બળતણ ભરાવી રામ અને લક્ષ્મણ યાનમાં તેમની જગા પર ગોઠવાઇ ગયેલા અને યાન ઉપાડવા માટે તૈયાર હતા. લક્ષ્મણે જમણી હથેળી ઇગ્નીશન સ્વીચ પર ગોઠવી, પરંતુ તેમના ઉડ્ડયન માર્ગમાં બીજું યાન આડે આવ્યું. સ્ટેશન પર તેઓ ઉડાન ભરી શકે તેટલી જગા નહોતી. આ ઘટનાને લીધે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયો.
‘ભાઈ! આ કોણ છે?’ લક્ષ્મણે ગુસ્સામાં ચીસ પાડી.
‘ચાલ તપાસીએ…’ રામ ડ્રાઇવિંગ સીટ પરથી ઉભો થયો અને યાનના દ્વાર તરફ ચાલ્યો.
લક્ષ્મણે યાનને દબાણ મુક્ત કર્યું અને સીટની સામે રહેલા લાલ રંગની ગોળાકાર સ્વીચ પર એક જ વખત દબાણ આપી યાનનું દ્વાર ખોલ્યું. લક્ષ્મણ પણ રામની પાછળ ગયો અને વાતચીતનું અવલોકન કરવા યાનમાંથી બહાર આવ્યો.
અન્ય યાનમાંથી, બળતણના દહનથી ઉત્પન્ન થતાં વાદળોના ધુમાયમાન વાતાવરણમાંથી એક પડછાયો રામની નજર સમક્ષ આવ્યો. તે વ્યક્તિ શાંત વ્યક્તિત્વ, વિશાળ કાળી આંખો, સ્નાયુબદ્ધ ધડ તેમજ ચમકતા કપાળ સાથે હાથ જોડી રામની સમક્ષ હાજર થયો.
‘માનનીય, તમે કોણ છો?’, વ્યક્તિએ રામને ખૂબ નમ્રતાથી પૂછ્યું.
‘પ્રવાસી અને તે મારો ભાઈ છે. મારો સાથી!’, રામે લક્ષ્મણ તરફ ઇશારો કર્યો. લક્ષ્મણ હજી યાનના દરવાજા પર જ ઊભો હતો.
‘અને…, અવકાશમાં પ્રવાસ કરવાનો તમારો હેતુ શું છે?’, વ્યક્તિએ શાંતિથી બીજો પ્રશ્ન પૂછ્યો.
‘તું પૂછવાવાળો કોણ છે?’, લક્ષ્મણ ગુસ્સાથી વ્યક્તિ તરફ આગળ ધસ્યો.
‘ભાઈ! થોભી જા…!’, રામે લક્ષ્મણને આદેશ આપ્યો, અને હાથ આડો કરી, તેનો રસ્તો રોકી દીધો.
‘તેને વ્યક્તિગત રૂપે ના લો. હું તે વ્યક્તિ દ્વારા મને સોંપવામાં આવેલી સત્તા સાથે પૂછું છું, જે મારા બાળપણનો મિત્ર છે, અને બળતણ સ્ટેશનના માલિક બાલીનો ભાઈ છે.’, વ્યક્તિએ આવા પ્રશ્નો પૂછવા પાછળનો મર્મ સમજાવ્યો.
‘કંઇ વાંધો નહિ! તમે અને તમારા મિત્ર દ્વારા આશ્રય અપાતા પ્રાંતમાં, અમે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલા છીએ.’, રામે ખૂબ શાંત-મનથી જવાબ આપ્યો.
‘હું તમારા ઉદ્દેશ્યને જાણવા માંગું છું, શ્રીમાન…’, વ્યક્તિ પ્રવાસી રામ અને તેના સાથીનું નામ જાણવા માંગતો હતો.
‘અમારો ઉદ્દેશ્ય…’, રામે નાટકીય ઢબે વિચાર કર્યો.
‘હા.’
‘અમે શનિ તરફ મુસાફરી કરી રહ્યા છીએ અને આટલા લાંબા અંતરને કાપવા માટે ઘણી ખરી માત્રામાં બળતણની જરૂર પડશે. તો યાનને બળતણથી ભરવાનો અમારો ઉદ્દેશ્ય છે.’,રામે બુદ્ધિપૂર્વક વાતને જુદી દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો.
‘શનિ? કેમ?, અને હું હજી પણ તમારું નામ જાણતો નથી?’, વ્યક્તિ રામની નજીક આવી ગયો.
‘અમે શનિ સાથે વ્યાપારી સંબંધો બાંધવા માંગીએ છીએ. જેથી અન્ય ગ્રહોની સરખામણીમાં પૃથ્વી આર્થિક ધોરણે આગળ આવી શકે, અને શનિ પૃથ્વીની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ છે.’, લક્ષ્મણે તેમના ખોટા ઉદ્દેશ્યની જાણકારી આપી.
‘તમારા હાવભાવ વ્યવસાયિક રીતે સક્રિય વ્યક્તિ જેવા લાગતા નથી. તમે એક યોદ્ધા જેવા લાગો છો. જો હું ખોટો નથી, તો તમે પૃથ્વી પરથી આવેલા સૈનિકો છો.’, વ્યક્તિએ તેનું નિરીક્ષણ દર્શાવ્યું.
‘હા! અમે સૈનિકો છીએ અને અવકાશનો પ્રવાસ ખેડીએ છીએ. અમારા સાથીને કેટલાક ઘુસણખોરોએ, જ્યારે તે અવકાશીય પ્રયોગશાળાનું સમારકામ કરતી હતી ત્યારે પકડી લીધી છે,. ઘુસણખોરો શનિ ગ્રહના છે.’, રામે મુખ્ય હેતુ જણાવ્યો.
‘અને તમે તે સાથીને શોધવાના માર્ગ પર છો.’
‘બરાબર’
‘તો પછી તમારે પહેલા મને સાચું કહેવું પડશે. તમારું નામ, કૃપા કરીને…?’, વ્યક્તિએ ફરીથી પૂછ્યું.
‘રામ…’
વ્યક્તિને આશ્ચર્ય થયું, ‘રામ…! અમારો ગ્રહ ઘણા લાંબા સમયથી તમારી પ્રતીક્ષામાં છે.’
‘કેમ?’, આ વખતે લક્ષ્મણ પ્રશ્નાવલીના મિજાજમાં આવ્યો.
‘અમને તમારી મૂલ્યવાન મદદની જરૂર છે.’, વ્યક્તિએ રામના ચહેરા પર નજર ફેરવી.
‘મને તમારી જરૂરિયાત વિશે કહો; તમે કોણ છો? અને તમે મારી શોધમાં કેમ હતા?’, રામે શાંતિથી વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો.
‘મારો મિત્ર - બાલી દ્વારા તેને શોધવા અને સમાપ્ત કરવા માટે મોકલવામાં આવતા સૈનિકોથી ડરતો રહે છે. તે વિચારી રહ્યો છે કે તમે બન્ને તેના માટે બાલી દ્વારા મોકલેલા સૈનિક છો. આથી જ, હું તમારા વિશેની માહિતી એકત્રીત કરવા અહીં આવ્યો છું.’, વ્યક્તિએ, રામ અને લક્ષ્મણને તેના હેતુ વિશે માહિતી આપી.
‘ઠીક છે. પરંતુ તમારા અને તમારા મિત્ર વિશે અમને કહો. તમારું નામ…’, લક્ષ્મણે વ્યક્તિની આંખોમાં આંખો પરોવી.
‘હા! મારા મિત્ર… અમે તમારું નામ જાણવા માગીએ છીએ ...’, રામ લક્ષ્મણના પ્રશ્ન સાથે સંમત થયા.
‘હું છું, એક દૂત!’
*****