સત્યાવીસ
“વ્હોટએવર ટોક યુ વોન્ટ ટુ ડૂ, ડૂ ઈટ આઉટ સાઈડ ધ કેબીન.” જયરાજે સુંદરી અને વરુણને એણે જ ઉભા કરેલા કોયડામાંથી બહાર નીકળી જવાનો મોકો આપી દીધો.
સુંદરીના ચહેરા પર થયેલી હાશ વરુણને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સુંદરીએ વરુણને પોતાની આંખોના ઈશારે કેબીન જ નહીં પરંતુ પ્રોફેસર્સ રૂમની બહાર ચાલવાનું કહ્યું. વરુણ સુંદરીની આંખોને જ જોઈ રહ્યો. સુંદરીને એમ લાગ્યું કે વરુણને તેનો ઈશારો સમજાયો નથી એટલે તેણે પોતાનો મરોડદાર હાથ લાંબો કરીને અને પોતાની હથેળીને ઘુમાવીને વરુણને બહાર જવાનો ફરીથી ઈશારો કર્યો.
વરુણ માટે તો સુંદરીની આ અદા પણ સહન થાય તેવી ન હતી પરંતુ તે એટલું સમજ્યો કે હવે જયરાજની હાજરીમાં વધુ સમય ઉભું રહેવું એ તેના માટે અને સુંદરી માટે યોગ્ય નથી એટલે એણે ત્યાંથી ચાલતી પકડી. સુંદરીએ પણ વરુણની પાછળ પાછળ જ ચાલવાનું શરુ કર્યું.
“મને લાગે છે કે આપણે હવે અહીં પ્રોફેસર્સ રૂમની બહાર જ મળવું પડશે.” સુંદરીએ બહાર નીકળતાંની સાથે જ વરુણને કહ્યું.
“પણ, કાલ સવારે કોઈ બીજો પ્રોફેસર અહીં ઉભા રહીએ તો પણ વાંધો ઉઠાવે તો?” વરુણે યોગ્ય સવાલ કર્યો.
“બીજાની તો ખબર નથી પણ જયરાજ સર જ એમ કરી શકે છે. એમને તો કોઇપણ વાતે ઝઘડો કરવો જ હોય છે” સુંદરીએ થોડા ગુસ્સામાં પોતાની પહેલી આંગળીનો નખ પોતાનાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા દાંત વચ્ચે મૂક્યો અને વિચારવા લાગી.
વરુણને ખબર નહોતી પડી રહી કે તેને હજી સુંદરીની કેટલી અદાઓ સહન કરવાની છે. વરુણ જ્યાં સુધી પોતાની લાગણી સુંદરી સમક્ષ રજુ નહીં કરે ત્યાં સુધી તેની એક પછી એક અદાઓ, તેનો સુંદર ચહેરો અને સહુથી વધુ તો તેનો અતિશય મીઠો અવાજ સહન કરવો જ પડશે એનો એને ખ્યાલ હતો પરંતુ એમ કરવા માટે હજી ઘણો સમય લાગી જવાનો હતો.
“તો શું કરીએ?” વરુણે જ સુંદરીને આ સમસ્યામાંથી બહાર લાવવાની જવાબદારી સોંપી દીધી.
“એક કામ કરીએ... તમે કોલેજ સવારે કેટલા વાગ્યે આવો છો?” સુંદરીએ પોતાની આંગળી દાંત વચ્ચેથી કાઢીને વરુણની આંખમાં આંખ મેળવીને પૂછ્યું.
“લગભગ સાત અને સાતને દસની વચ્ચે કારણકે મારે દરરોજ સાડાસાતનું પહેલું લેક્ચર હોય જ છે.” વરુણે સુંદરીની આંખમાં આંખ નાખવાની હિંમત કેળવતાં કહ્યું.
“ગૂડ. હું પણ લગભગ સવાસાતે આવી જ જાઉં છું. તો આપણે મેઈન ગેટથી અંદર આવતા કોલેજનો એન્ટ્રી ગેટ છે ત્યાં જે ટર્નીંગ છે ત્યાં દરરોજ મળીએ તો? તમે મને ત્યાં જ રિપોર્ટ આપી દેજો.” સુંદરીના ચહેરા પર હવે શાંતિ વર્તાઈ રહી હતી.
“ચોક્કસ... હું ત્યાં તમારી રાહ જોઇશ. કદાચ જો બસ થોડી મોડી થાય તો...” વરુણ હજી આગળ બોલવા જ જતો હતો ત્યાં...
“... તો એક કામ કરો તમે મને કૉલ કરી દેજો અથવાતો જો સાતને વીસ થશે તો હું તમને કોલ કરી દઈશ.” સુંદરીએ જવાબ આપ્યો.
સુંદરીએ સામે ચાલીને પોતાનો સેલ નંબર આપવાનું કહ્યું એ જોઇને વરુણ તો રીતસર હર્ષના સમુદ્રમાં ડૂબકી લગાવવા લાગ્યો, પણ હવે તેને પોતાની લાગણીઓ પર કન્ટ્રોલ લાવતા આવડી ગયો હતો અને કદાચ એ થોડો સ્માર્ટ પણ બની રહ્યો હતો.
“તો તમે મારો નંબર ડાયલ કરો હું તમને એડ કરી લઉં.” વરુણે સ્માર્ટનેસ દેખાડી.
“ગ્રેટ.” આટલું કહીને સુંદરીએ વરુણે કહેલા નંબરને ડાયલ કર્યો અને વરુણનો ફોન ઝબકી ઉઠતાં તેણે કૉલ કટ કર્યો.
“થેન્કયુ મે’મ.” વરુણ ખુશ થતાં થતાં સુંદરીને આવજો કરીને પાછો વળ્યો.
“અરે મિસ્ટર વરુણ...” સુંદરીએ તેના મધમીઠા અવાજથી તેનું નામ લીધું અને વરુણ રોકાઈ ગયો.
“હાં મે’મ?” વરુણ તરત જ પાછો વળ્યો અને સુંદરી સામે જોવા લાગ્યો હવે તેને આમ કરવું ફાવી ગયું હતું અને તેને ડર પણ લાગતો ન હતો.
“ગઈકાલનો રિપોર્ટ? ભૂલી ગયા કે શું? એના માટે તો આપણે આટલી મહેનત કરી!” સુંદરી હસતાં હસતાં બોલી રહી હતી અને વરુણની લાગણીઓ આ જોઇને ઉભરા લઇ રહી હતી.
“અરે હા! આ રહ્યો.” આમ કરીને વરુણે પોતાની ફૂલસ્કેપ બૂકમાં સાચવીને રાખેલું એક પાનું સુંદરીને હસીને પકડાવ્યું.
આમ કરતાં સુંદરીના નખ સાથે વરુણનો નખ ટકરાયો અને વરુણના શરીરમાં વિજળી દોડી પડી.
“તો કાલે મળીએ, બાય!” સુંદરીએ હવે વરુણને આવજોની સાઈન કરી અને પ્રોફેસર્સ રૂમમાં દાખલ થઇ ગઈ.
સુંદરીનો ફોન નંબર મળ્યો એટલે વરુણ માટે તો સ્વર્ગ સાથે ફક્ત એક વ્હેંતનું જ છેટું રહી ગયું હોય એવી લાગણી તેને થવા લાગી. સુંદરીથી દૂર જતી વખતે ચાલતાં ચાલતાં જ વરુણે સહુથી પહેલું કામ એ કર્યું કે તેણે સુંદરીનો નંબર SVBના નામે એટલેકે સુંદરી વરુણ ભટ્ટના નામે સેવ કરી લીધો!
નંબર સેવ કર્યા બાદ તેણે વોટ્સએપ ઓપન કર્યું અને કોન્ટેક્ટ્સ રિફ્રેશ કરીને સુંદરીની DP પર ટેપ કરી અને તેને એન્લાર્જ કરી અને તે જ જગ્યા પર ઉભો રહી ગયો. તે સતત સુંદરીના ચહેરાને નિહારતો રહ્યો. વરુણ એ પણ ભૂલી ગયો હતો કે તે કોલેજમાં છે અને તેની આસપાસ ઘણા વિદ્યાર્થીઓ આવ-જા કરી રહ્યા છે. એ તો બસ સુંદરીની સુંદરતામાં જ ખોવાઈ ગયો હતો.
==::==
“શામભાઈ છે?”
“કામ?”
“મારી બેન માટે મળવું છે.”
“ઉભો રહે અહીંયા, હું પૂછીને આવું.”
અમદાવાદની હદથી દૂર એક ગામડામાં એક નાનકડું મકાન હતું. આ મકાનના દરવાજા બહાર દસથી બાર લોકો પોતાના કપડાંમાં નાના હથીયારો છુપાવીને એવી રીતે આંટા મારી રહ્યા હતા જાણેકે તેઓ આ મકાનની ચોકી કરી રહ્યા હોય.
આવામાં એક સામાન્ય ઘરનો લાગતો છોકરો ત્યાં આવ્યો જેણે મકાનના મુખ્ય દરવાજે ઉભા રહેલા એક વ્યક્તિ સાથે ઉપરોક્ત સંવાદ કર્યો.
પેલો વ્યક્તિ અંદર ગયો અને થોડીવારમાં બહાર આવ્યો અને પેલા છોકરાને તેની સાથે અંદર લઇ ગયો.
“શામભાઈ...” સામે પડેલી ખુરશીમાં બેઠેલા એક વ્યક્તિને જોતાની સાથે જ પેલો છોકરો દોડીને તેના પગમાં પડી ગયો અને અઢળક રડવા લાગ્યો.
“ઉભો થા, તને ખબર તો છે મને કોઈ પગે લાગે એ મને નથી ગમતું. જે વાત કરવી હોય તે ઉભો થઈને કર.” ખુરશીમાં બેસેલા વ્યક્તિએ કહ્યું, તેનું નામ શ્યામ હતું.
પેલો છોકરો ઉભો થયો પણ તેનું રડવાનું ઓછું નહોતું થતું. શ્યામે એના એક માણસને ઈશારો કરીને પાણી લાવવાનું કહ્યું. પેલો માણસ સામે રહેલા ફ્રીજમાંથી બોટલ કાઢી તેમાંથી એક ગ્લાસ ઠંડા પાણીનો ભરીને લાવ્યો અને તેને પેલા છોકરા સામે ધર્યો. છોકરાએ આનાકાની કરી.
“પી લે, સારું લાગશે.” શ્યામે કહ્યું.
“ન..ના..શામ..ભાઈ..મને નથી પીવું.” પેલો છોકરો ડૂસકાં ભરતો બોલ્યો.
“અરે! પાણીને દુઃખ સમજીને એનો ઘૂંટડો ભરી લે, તારું દુઃખ પચી જશે તો તને જ શાંતિ થશે.” શ્યામે પોતાનો હાથ ઉંચો કરીને કહ્યું.
પેલો છોકરો શ્યામને હવે ના ન પાડી શક્યો, તેણે તરતજ પાણી ગટગટાવી દીધું. પાણી પી લીધા પછી તેણે પોતાના શર્ટની બાંયથી પોતાના હોઠ લૂછ્યા. શ્યામે તેના માણસને ઈશારો કરીને ખાલી ગ્લાસ લઇ લેવાનું કહ્યું,
“હવે બોલ! દુઃખ ગળી જવાથી જીભ હલકી થઇ જાય છે અને ઉઘડી જતી હોય છે. જે બોલવું હોય તે એક પણ શબ્દ ચોર્યા વગર બોલજે. શ્યામ પાસે આવ્યો છો તો શ્યામનો ન્યાય જરૂર મળશે.” શ્યામે હવે ખુરશીનો ટેકો લીધો અને પોતાના લાંબા પગ વધુ લંબાવ્યા.
“શામ ભાઈ, હું અમદાવાદમાં રાજીવ નગરમાં રહું છું. મારું નામ રવિ છે. અમારા ઘરના બધાંય એટલે હું, મારી બેન, મારા બાપા, મારી મા, અમે ચારેય છૂટક મજુરી કરીને ઘર ચલાવીએ છીએ. અમારા ઘરની આસપાસ જાવેદ, ઇમરાન અને એના બધા ચમચા આખો દિવસ પોતાની બાઈક રસ્તા વચ્ચે મુકીને આવતી જતી છોકરીઓ અને પરણેલી સ્ત્રીઓની ગંદામાં ગંદી મજાક કરતા હોય છે.” આટલું બોલીને રવિ રોકાયો.
“હમમ... તો?” શ્યામે પોતાની વ્યવસ્થિત ટ્રીમ કરેલી દાઢીમાં આંગળી ફેરવી.
“છેલ્લા એક અઠવાડિયાથી મારી બેનને ફેક્ટરીએથી આવવાનું મોડું થાય છે. હું પણ મોડો આવું છું નહીં તો અમે બંને ચાંગોદરથી સાથેજ એસટીમાં છએક વાગે ઘરે આવી જતા હોઈએ છીએ. પણ હું અને મારી બેન સાથે હોય કે ન હોય જાવેદ, ઇમરાન અને તેના ચમચાઓને કોઈજ ફરક નહોતો પડતો. એ પહેલા પણ મારી બેનની ખૂબ ગંદી મજાક કરતા હતા, પણ અમે એમના તરફ ધ્યાન આપ્યા વગર જ ઘરે જતા રહેતા. પણ એક અઠવાડિયાથી મારી ગેરહાજરીનો લાભ લઈને પેલા બંનેએ મારી બેનને ગમે તે જગ્યાએ અડવાનું શરુ કર્યું છે. પણ ગઈકાલે તો હદ થઇ ગઈ...” આટલું બોલતાં રવિને ફરીથી ગળે ડૂમો બાઝી ગયો.
“શું થયું? જે હોય તે બોલ, બિન્દાસ...” શ્યામે એના જમણા હાથની મુઠ્ઠી ડાબા હાથની હથેળીમાં લઈને દબાવી.
“મારાથી વધુ નહીં બોલાય, પણ ગઈકાલે મારી બેને કંટાળીને વિરોધ કર્યો એટલે જાવેદ અને ઈમરાને તેને એકદમ કસીને પકડી લીધી.. પછી એમની પકડમાંથી છૂટવા મારી બેને જાવેદના બંને પગ વચ્ચે જોરથી પોતાનો ઘૂંટણ માર્યો... જાવેદ તો પડી ગયો પણ ઇમરાન અને તેના બીજા ચમચાઓએ...” રવિની આંખ ભરાઈ આવી.
“શું કર્યું? એની સાથે...” આટલું બોલીને શ્યામ અટક્યો તેના ચહેરા પરનો ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો.
“ના... એટલું બધું નહીં પણ મારી બેનને પાઠ ભણાવવા તેના બધા જ કપડાં..... હું આગળ નહીં બોલી શકું.” આટલું બોલીને રવિ રૂમમાં દાખલ થતાંની સાથેજ જે રીતે રડવા લાગ્યો હતો એવી જ રીતે ફરીથી રડવા લાગ્યો.
“ભાઈ થઈને બેનની રક્ષા કરતા નથી આવડતી તે મારી પાસે આવ્યો છે? મરદ છે કે નહીં?” શ્યામની આંખો લાલ હતી.
“ના...શ્યામભાઈ એવું નથી...પણ... મને ડર લાગે છે...” રવિ હજી પણ રડી રહ્યો હતો.
“મરી જા આ રીતે ડરવાને બદલે. તારી જગ્યાએ હું હોત અને મારી બેનનું કોઈએ આ રીતે અપમાન કર્યું હોત તો હું એને મારી નાખીને પોલીસ સામે હાજર...” શ્યામ આટલું બોલતાં બોલતાં અચાનક જ અટકી ગયો.
શ્યામને અચાનક જ યાદ આવ્યું કે તે વર્ષો અગાઉ પોતાની બહેનને પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર પોતાના સરમુખત્યારશાહ જેવો સ્વભાવ ધરાવતા પિતા સામે એકલી મુકીને અડધી રાત્રે ભાગી ગયો હતો. શ્યામને ખ્યાલ આવ્યો કે તે જો પોતાના સ્વાર્થ ખાતર પોતાની બહેનને એકલી છોડીને ભાગી જઈ શકતો હોય તો પછી રવિનો કોઈ ખાસ વાંક નથી અને તેને તેણે એ રીતે વઢવો જોઈએ નહીં.
હા! આ શ્યામ એ શ્યામલ જ હતો જે સુંદરીનો મોટોભાઈ હતો અને પ્રમોદરાયના જક્કી સ્વભાવથી ત્રાસીને તેને અઢળક પ્રેમ કરતી બહેન સુંદરીને તેના હાલ પર છોડીને ભાગી ગયો હતો.
==:: પ્રકરણ ૨૭ સમાપ્ત ::==