આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ રુચિને સમજાવે છે કે મમ્મી કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે તે ખોટું નથી. રુચિને પણ લાગે છે કે તેની મમ્મીએ આખું જીવન તેના માટે વિતાવી દીધું તો હવે તેની ખુશીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. નિખિલ અને રુચિ બંને થોડી મઝાક મસ્તી વાળી વાતો કરે છે અને નિખિલ રુચિને તેના ઘરે મુકવા માટે જાય છે. ઘરે જઈને રુચિ દિશાને ખુશ રહેવાનો પૂરો હક છે અને જે એની લાઈફમાં થઈ રહ્યું છે એમાં કાંઈ ખોટું નથી એમ સમજાવે છે. દિશા મનમાં જ ખુશી અનુભવી રુચિનો આભાર વ્યક્ત કરે છે. દિશા એકાંત સાથે વાતો કરીને માનસિક સહારો અનુભવવા લાગે છે. એમ જ દિવસો પણ પસાર થતા જાય છે. અચાનક દિશાને એકાંતને પૂછવાનું મન થાય છે કે તે તેને કઈ દૃષ્ટિમાં જુએ છે. એકાંત પણ પોતાના દિલની વાત દિશા આગળ રજૂ કરે છે. દિશાને તે પોતાના જીવનમાં સ્થાન આપવા માંગે છે. દિશા પણ એકાંતને પોતાની હકીકત જણાવવા માટે રુચિ સાથેની એક તસવીર મોકલે છે. એ જોઈને એકાંતને લાગે છે કે તસ્વીરમાં દિશાની બહેન છે. પરંતુ દિશા તેને જણાવે છે કે તે તેની દીકરી છે. દિશાના હકીકત જણાવ્યા બાદ એકાંતનો કોઈ મેસેજ નથી આવતો. દિશા માની લે છે કે ઓનલાઈન સંબંધ ઓનલાઈન જ પૂર્ણ થઈ ગયો. ઘણીવાર સુધી રાહ જોયા બાદ જવાબ ના આવતા તે ફોન બાજુ પર મૂકીને કામે વળગે છે.. હવે જોઈએ આગળ શું થાય છે....!!!
સમર્પણ -21
દિશાનું મન ચગડોળે ચઢ્યું હતું. તેના મનમાં સતત એજ વિચારો ચાલી રહ્યા હતા કે "ક્યારેક વાસ્તવિકતા કેટલી કડવી હોય છે ? કોઈપણ માણસની આગળ તમે જો એણે નહીં ધારેલી હકીકતનો સ્વીકાર કરો તો તે પચાવી શકતો નથી. શું કોઈપણ સંબંધ નિઃસ્વાર્થ નહીં હોતો હોય ? એકાંત માટે આવી ધારણા તો નહોતી જ. વ્યક્તિ મહત્વનું હોય કે એની આગળ-પાછળની પરિસ્થિતિઓ ? ખરેખર, ઓનલાઈન સંબંધો ઓનલાઈન જ શરૂ થાય છે અને ઓનલાઈન જ પુરા." અચાનક તેને એમ પણ થયું કે "ક્યાંક એકાંતને બધી હકીકત જણાવીને ભૂલ તો નથી કરી ને ?... એક વાત કરવા જેવો સંબંધ જાણી જોઈને ખોઈ તો નથી દીધો ને ?... ભલે, કંઈપણ હતું, પરંતુ આટલા દિવસથી એની સાથે વાત કરીને સારું લાગતું હતું. થોડીક ખુશી એની વાતોમાંથી મળતી હતી. મારી જાતને થોડું સ્પેશિયલ feel કરતી હતી." પછી પોતાની જાતે જ તેને નક્કી કર્યું "ના ના.. જે કર્યું છે એ બરાબર છે. એક દિવસ તો તેની સામે આ હકીકત લાવવાની જ હતી. મારા મનમાંથી પણ એ વાતનો ભાર હળવો થઈ ગયો કે મારી વાસ્તવિકતાથી એ અજાણ છે. અને જે થાય, એ સારા માટે જ થાય. મેં જે કર્યું છે એ યોગ્ય જ છે.'' ( પોતાની જાતે જ સવાલ કરતી અને પોતાની જાતે જ જવાબો આપતી એ મનમાં ઉઠતા વંટોળને નાથવા મથી રહી.)'' તો પછી મને એનો સાથ છૂટવાનો ભય કેમ લાગી રહ્યો છે ? ... ના ના, મારે સ્વાર્થી ના બનવું જોઈએ.'' એમ માનીને પોતાની જાતને મક્કમ કરી લીધી. આજે દિશાને જમવાનું બનાવવાનો મૂડ નહોતો થતો. રુચિના આવ્યા બાદ ઓનલાઈન મંગાવી લેવાનું નક્કી કર્યું.
રાત્રે અને રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ ત્યારે દિશાએ મોબાઈલ હાથમાં લીધો. એકાંતનો હજુ કોઈ મેસેજ નહોતો. ''અભિવ્યક્તિ'' ઉપર મનનો ઉભરો ઠાલવ્યો.
"मिलता है कोई राहगीर,
मुस्कान लूट जाने को,
फिर क्यूँ होती है बेबसी,
साथ एक छूट जाने को !!!"
થોડીવાર બીજી પોસ્ટ જોઈને દિશા એપ્લિકેશન બંધ કરવા જતી હતી ત્યાં જ એકાંતનો મેસેજ ઝબુકયા. દિશાએ તરત એની ઉપર ક્લિક કરીને જોયું.
એકાંતે લખ્યું હતું...
''Ms. Breath, તમને એમ લાગ્યું હશે કે હું તમારી આ વાસ્તવિકતા જાણીને ભાગી ગયો. સાચું કહું તો, હા..મારી અંદર કશુંક તૂટી ગયું'તું. હું આ વાસ્તવિકતા પહેલી નજરે પચાવી શક્યો નહીં, પરંતુ ખૂબ જ મનોમંથન કર્યા પછી હું એક નિર્ણય ઉપર આવ્યો છું. તમે જે પણ પરિસ્થિતિમાં છો, જેવા પણ છો, તમારી દીકરી સાથે હું સ્વીકારવા તૈયાર છું. તમારા ભૂતકાળ વિશે પણ હું કંઈજ જાણવા નથી માંગતો. મેં નાની ઉંમરમાં ખૂબ દુનિયા જોઈ છે, ઘણા સ્વાર્થી સંબંધો જોયા છે, સ્વાર્થ વિનાનો કોઈ સંબંધ સ્વીકારવા માટે થોડું ઘણું જતું કરવું પડે તો પણ એ પૂરેપૂરો નફાનો સંબંધ જ કહેવાશે. તમારી જાણ ખાતર કહી દઉં કે હું અપરિણીત છું, અને મેં એ પણ ચેક કરી લીધું છે કે હું તમારા કરતા 10 વર્ષ નાનો છુ. છતાં સમજી વિચારીને ફરીથી તમારી આગળ પ્રસ્તાવ મુકું છું. અને બાંહેધરી આપું છું કે જો તમારા તરફથી પ્રસ્તાવનો સ્વીકાર થશે તો હવે પછીના જીવન માં તમને કયારેય દુઃખી નહીં થવા દઉં, અને કોઈપણ પરિસ્થિતિમાં કયારેય સાથ નહીં છોડું.''
દિશાને તો આ વાંચ્યા પછી આખા શરીરમાં એક વીજળી ફરી ગઈ. એણે તરત એકાંતને ફોન લગાડ્યો.
દિશા : ''મને આ ઠીક નથી લાગતું.''
એકાંત : ''દિશા, મને આમાં કાંઈ જ ખોટું નથી લાગતું, હું તમને કે તમારી દીકરીને જરાય ઓછું નહીં આવવા દઉં. મને મનગમતો સાથ મળતો હોય તો હું એના ભૂતકાળના લીધે ક્યારેય ખોવા નહીં માંગુ, અને એમાં તમારો શુ વાંક ? દરેકના જીવનમાં કંઈક ને કંઈક ચડાવ-ઉતાર તો હોવાના જ છે, એના લીધે મનભરીને જીવવાનું નહીં, શું ?(થોડી વારના મૌન પછી) તમને નહીં ગમે મારો સાથ ???''
દિશા : ''મને ચોક્કસ ગમતો જ, પણ...''
એકાંત : ''પણ, શુ ? દિશા ? તું થોડું વિચાર, જિંદગી આમ જ વહી જશે, તું સ્વીકારે કે ના સ્વીકારે... તો વિચાર કે એમનેમ જ વહી જતી જિંદગીમાં જો ગમતો સથવારો હોય તો કેવું ?''
દિશા : (આજે પહેલી વાર એકાંતે એની સાથે ''તું'' કાર માં વાત કરી. એના રુંવાડા ઊભા થઈ ગયા. ) ''હું સમજુ છું પણ, આ ઉંમરનો તફાવત તો જોવો જોઈએ ને ? લોકો શુ વિચારે ?''
એકાંત : ''શું ફર્ક પડે છે દિશા ? 10 વર્ષ તું મોટી હોય કે હું મોટો હોઉં ? લાગણી ક્યારેય ઉંમર જોતી નથી, એ જ રીતે મૃત્યુ પણ ક્યારેય ઉંમરનો તફાવત જોઈને નથી આવતું. જેની જીવાદોરી જેટલી હશે એ એટલું જ જીવવાનું છે. રહી વાત લોકોની, તો લોકોને જવાબ આપણે જ આપવાનો છે, એકબીજા સાથે આપણે એવીરીતે ખુશખુશાલ જીવન જીવીશું કે આ ઉંમરના તફાવતને લોકો એક ઉદાહરણ તરીકે જોવે.''
દિશા : ''એકાંત, આ બધું બોલવામાં સારું લાગે છે પણ, હકીકત ખરેખર બહુ જ અલગ હોય છે, તમારી તો જિંદગીની શરૂઆત છે. મારા ઉપર દયા ખાઈને તમારે તમારી લાઈફ શું કામ ખરાબ કરવી ?''
એકાંત : ''દિશા, હવે તું મને ગુસ્સો અપાવી રહી છે, તને હું પસંદ ના હોય તો સીધું જ કહી શકે છે, બહાના ના બતાવ. મને વાંધો નથી તને As it is accept કરવામાં, તો તને શું વાંધો હોઈ શકે ? કહે તો તારા ઘરે વાત કરવા હું જાતે આવું ?''
દિશા : ''ના, ના, આપણે પછી આ બાબતે વિચારીએ.''
એકાંત : ''આપણે નહીં તારે વિચારવાનું છે, મારુ decision final છે. ચાલ, શાંતિથી સુઈ જાજે, પછી વિચારજે તારા ટાઈમે. Good night.''
દિશા : ''good night''
ફોન મૂકીને દિશા ક્ષણવાર માટે તો પોતાના હોશ જ ખોઈ બેઠી. શું કરવું તેની સમજ તેને પડી રહી નહોતી. આજ પહેલા તેને પણ ક્યારેય એકાંતને તેની ઉંમર વિશે પૂછ્યું નહોતું. અને આજે પહેલીવાર એની ઉંમર વિશે જાણીને થોડો ધ્રાસકો પણ લાગ્યો.
એવું પણ નહોતું કે એકાંતનો સાથ તેને ગમતો નહોતો. પણ બંને વચ્ચેનું ઉંમરનું આ અંતર તકલીફ આપનારું હતું.. દિશાના મનમાં એમ પણ વિચાર આવ્યો કે એકાંત કદાચ યુવાનીના આવેગમાં તો આમ નથી કહી રહ્યો ને ? મારી હકીકત જાણીને એ પણ થોડીવાર માટે તો ચાલ્યો જ ગયો હતો ને...!! (ફરી જાત સાથેના સવાલ-જવાબોમાં ગૂંથાઈ)
હા, પણ ધારણા કરતા અવળી વાસ્તવિકતાને કોઈ પણ સ્વીકારી શકે નહીં, એની જગ્યાએ હું હોત તો હું પણ આમ જ react કરતી કદાચ. એમાં એનો વાંક નથી.
પણ આ પરિસ્થિતિ મેં તો જાણીજોઈને નથી બનાવી ને ? એનો પ્રસ્તાવ નહીં સ્વીકારી શકું તો શું એ વાત કરવાનું પણ બંધ કરી દેશે ?
એ ગમે તે વિચારે પણ મારે તો સમજવું જોઈએ ને ? હું ઈચ્છું તો પણ કઈ રીતે સ્વીકારી શકું એને ? ભગવાન પણ આવી દુવિધાઓ શુ કામ ઉભી કરે છે ? રિતેષ પછી ઘણોબધો સમય નીકળી ગયો, કોઈ જીવનમાં આવવાનું જ હતું તો આ એકાંત જ કેમ ? કે જેની સાથે હું આગળ વધી જ શકું એમ નથી.''
આ વિચારોમાં જ દિશા સુઈ ગઈ. મોડા સુધી રુચિ નિખિલ સાથે વાત કરતી રહી હતી, પરંતુ એનું ધ્યાન દિશાના અસમંજસવાળા ચહેરા ઉપર જ હતું, અને એટલું તો એ સમજી જ ગઈ કે મમ્મી કોઈ ચિંતામાં છે. છતાં એને સુઈ ગયેલી જોઈને હમણાં ડિસ્ટર્બ કરવાનું ટાળીને પોતે પણ સુઈ ગઈ.
બીજા દિવસે રવિવાર હતો. રોજની જેમ જ દિશા ઘરના કામોમાં લાગી હતી. નિખિલ સાથે બહાર જવાનું હોવાથી રુચિ પણ વહેલી તૈયાર થઈ ગઈ. એને અચાનક એક વિચાર આવ્યો, અને નિખિલને વિડીયો કૉલ કર્યો, કૉલ ઉપાડતાં જ...
નિખિલ : ''વાહ, જોરદાર લાગે છે બાકી, પ...ણ, તે આ પહેર્યું છે શું ?''
રુચિ : ''મેં તને આ બતાવવા ફોન નથી કર્યો, અને ખબર ના પડતી હોય, તો ખોટા વખાણ ના કર..''
નિખિલ : ''વિડિઓ કૉલ આવે એટલે અમારે તો સમજી જ જવાનું હોય કે વખાણ કરવાના છે...''
રુચિ : ''હવે તારી બકબક બંધ કર અને સાંભળ, મને એક આઈડિયા આવ્યો છે''
નિખિલ : ''રે'વા દે ને ભાઈ, તારા આઈડિયા તારી પાસે જ રાખ, તું ready છે હજુ કે હું સુઈ જાઉં પાછો ?''
રુચિ : ''તારે ક્યારેય serious થવાનું જ નહીં ? પૂછ તો ખરા કે શું વાત છે ? બસ બધી વાતો હસવામાં જ ઉડાવી દેવાની તારે તો...હુહ !''
નિખિલ : ''ઓહ, સોરી, તમે તો અત્યારથી શ્રીમતી બની ગયા, વાત વાતમાં ધમકાવો છો હવે તો... બોલો શુ હતું ?''
રુચિ : ''મને એવો આઈડિયા આવ્યો છે કે આપણે તો રોજ મળીએ જ છીએ, હા કે ના ?''
નિખિલ : (વિચારવાનો ઢોંગ કરીને) ''મારે શું જવાબ આપવાનો છે એ પણ કહી દો ને મેડમ..''
રુચિ : (નિખિલ સામે આંખો કાઢીને) ''નિખિ....લ''
નિખિલ : ''પણ બોલ ને હવે... એટલું ચિંગમની જેમ ખેંચે છે શું કામ ? અહીં મોડું થાય છે ને તું...''
રુચિ : ''હું એમ વિચારું છું કે આપણે તો રોજ મળીએ જ છીએ તો આજે મમ્મીને પણ સાથે લઈ જઈએ તો ?''
નિખિલ : ''પાગલ, એમાં પૂછવાનું શું હોય ? એમ પણ તું મને ધક્કા જ માર્યા કરે છે, તો મમ્મી સાથે હશે તો એમને પણ ખબર પડશે કે એમનું ડાહયું ડમરું પાર્સલ અસલમાં કેટલું ખતરનાક છે ?''
રુચિ : ''બહુ દોઢ ડાહ્યો ના થા, બાય ધ વૅ, thank you મારી વાત માનવા માટે..''
નિખિલ : ''તું બસ કર હવે, તું મને એટેક્ લાવી દઈશ, thank you અને તું ??? Suit નથી કરતું તને..અને હા મમ્મીને લેવાના હોય તો ઉતાવળ કર... સાંજ અહીં જ નથી પાડી દેવાની..ready થાય એટલે ફોન કર, ચલ બાય..''
વધુ આવતાં અંકે...