“બાની”- એક શૂટર
ભાગ : ૩૧
"ટીપેન્દ્ર...!! શું બોલી રહ્યો છે તું...!!" બાનીના હોઠ ધ્રુજતાં બોલી ઉઠ્યા.
" તું મળી લેજે એને. હું ગોઠવું છું બધું. વધારાની વાત નહીં હવે. ટીફીન જોઈ લેજે...હું નીકળું.!!" સળંગ બોલીને ટીપેન્દ્ર ત્યાંથી નીકળી ગયો. બાનીએ નોટિસ કર્યું કે ટીપેન્દ્રએ એની ચાલવાની સ્ટાઈલ પણ બદલી દીધી હતી.
પોતાના પગ પર ટીફીન રાખી બાની રિલેક્સ થઈને વ્હીલચેરમાં બેઠી બેઠી જ આખા સ્વિમીંગ પૂલનો રાઉન્ડ મારીને બંગલામાં પેઠી ત્યારે આછું અજવાળું હતું. એ બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને ટીફીન ખોલ્યું. વારા ફરતી બે ડબ્બા ઊંઘાડ્યા. પહેલા ડબ્બામાં એક ચિઠ્ઠી હતી. બીજા ડબ્બામાં મોબાઈલ હતો. બાનીએ ઝડપથી વાંચ્યું:
'એહાન સાથે અત્યારે જે મોબાઈલ મોકલ્યો છે એનાથી વાત કરજે. ઈવાનની પૂછતાછ ચાલુ છે. ડાયરી પોલીસને સોંપી દેજે. જે દિશામાં ઈન્વેસ્ટિગેશન ચાલી રહી છે એનાથી મને નથી લાગતું કે અસલી કાતિલ સુધી પહોંચી વળાશે..!!
મને ખબર છે કે તું મારા પર તારા કરતા પણ વધુ ટ્રસ્ટ ધરાવે છે. પણ એકદમ બ્લાઈન્ડલી મારા બધા જ નિર્ણયોમાં હામી ભરવાની જરૂર નથી. તેમ છતાં હું તારા હિતમાં જ બધી સલાહ આપીશ. કેમ કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. ચાહું છું તને..!! બપોરે 3 વાગ્યે ઈવાન તને મળવા આવશે.
સળગાવી દે ચિઠ્ઠીને..!! ભૂક્કો સાથે ટીફીન કેદારને સોંપી દેજે.'
ચિઠ્ઠી ટીપેન્દ્રની હતી એ પણ ટાઈપ કરેલી. આ બધા જ પરથી એક વાત તો નિશ્ચિત હતી કે ટીપેન્દ્રને બાનીને મદદ કરવી છે પણ એ આ આખી ઘટનામાં સામેલ છે એનો એક પણ સબૂત એ પાછળ છોડવા માગતો ન હતો. એ ખેલાડી હતો. દેખાવ પરથી કોઈ વિચારી ના શકે કે એ રમત રમવી જાણતો હોય..!!
બાનીએ ચિઠ્ઠીને વાંચી. થોડુંક વિચાર્યું. ટેબલના એક ખાનામાંથી એક લાઈટર કાઢ્યું. ચિઠ્ઠી સળગાવી. બળેલો બધો જ ભૂક્કો ટીફીનમાં પડે એ રીતે એને ચિઠ્ઠી સળગાવી. થોડી જ મિનીટમાં કેદાર એક કપડાની થેલી લઈને બાનીના બેડરૂમ પર આવી પહોંચ્યો. બાનીએ ટીફીન આપી. કેદાર ફટથી થેલીમાં ટીફીન નાખીને જતો રહ્યો. બાની વિચારમાં જ પડી હતી કે ટીપેન્દ્રએ કેટલો પકંચ્યુઅલ પ્લાન બનાવ્યો હતો ત્યાં જ તરત ફોનની ધીમા સ્વરમાં રીંગ વાગવા લાગી. બાનીએ ફોન ઉઠાવ્યો.
" એહાન બોલું."
" હા...!!" બાનીથી રડી પડાયું.
થોડી જ સેકેંડની ઈમોશનલ વાત સિવાય બીજી વાત જ ન થઈ અને ફોન મુકાયો. બાનીનો જીવ તો વધારે એટલે બળી રહ્યો હતો કે મીડિયામાં વાત અધ્ધર જ ચગી રહી હતી. "બાની ઈવાન જાસ્મિન ઈશ્ક ચક્રવ્યૂ...!!" એવા તરહ તરહના ન્યુઝ ચેનલો પર હેડલાઈન ચમકી રહી હતી.
માહોલ ટેંશનમાં જ ચાલી રહ્યો હતો. એમાં જ મિડિયાના પણ ફોન કોલ્સ તેમ જ ઈન્ટરવ્યૂઝ માટેનું પ્રેશર સતત વધતું હતું. પરંતુ બાનીએ એક પણ ફોન કોલ કે ઇન્ટરવ્યુઝને મહત્વ આપ્યું નહીં. પોતાની દીકરી પર કશી આંચ ન આવે એના પહેલા જ બાનીના ડેડે લોયરને ઘરે બોલાવ્યાં. બાનીની મીટિંગ થઈ. ઘણી ચર્ચાઓ થઈ. પરંતુ બાની ઉચાટ અનુભવી રહી હતી. ઈવાન એને ક્યારે મળવા આવશે એની બેસબરીથી ઈન્તેજાર કરી રહી હતી.
ઈવાન લગભગ બપોરે ત્રણ વાગ્યે બંગલાના પાછળના રસ્તેથી આવ્યો. બાનીના બેડરૂમમાં પ્રવેશ્યો. બાની આતુરતાથી રાહ જોતી વ્હીલચેરમાં બેઠી હતી. પણ એના ચહેરા પર ગજબની શાંતિ છવાયેલી હતી. એના મનમાં ફક્ત એ જ ચાલતું હતું કે દુનિયા આખી કશું પણ બોલે!! એને ઈવાનનાં મોઢેથી સચ્ચાઈ જાણવી હતી.
"બાની...!!" ઈવાને કહ્યું. બાની વ્હીલચેરમાં બેઠી હતી. એના ચહેરા પર કશા પણ પ્રકારના ભાવ દેખાતા ન હતાં. બે સેંકેન્ડ બેડરૂમમાં શાંતિ છવાયેલી રહી.
" આય એમ સોરી." ઈવાને કહ્યું.
"કેમ?????" બાનીના આ ટૂંકા શબ્દોમાં અનેકો પ્રશ્નો સમાયેલા હતા.
"હું...હું...!!" ઈવાનની જીભ થોથવાઈ.તે જ સમયે વ્હીલચેર ફેરવતી બાની ઈવાનની નજદીક આવી પહોંચી.
"હું......!! શુંઉંઉંઉં...??" બાની બરાડી.
" હું અને જાસ્મિન પ્રેમમાં હતા....!!" ઈવાને ઝટથી કહ્યું. સાંભળીને બાનીના ડોળા નીકળી આવ્યા. ઈવાન એનાથી બે કદમ દૂર હતો. વ્હીલચેર પરથી ઉતરીને એ લંગડી કુદતી ઈવાનના નજદીક ગઈ. ઈવાનના ગાલે જોરથી એક લાફો મારી દીધો. એની કોલરને પકડીને હચમચાવી દેતાં કહ્યું, " તારી હિંમત કેવી રીતે થઈ જાસ્મિનને પ્રેમ કરવાની...?? તને કીધેલું ને દૂર રહેજે મારી જેસ્સથી..!! અરે તું કેવો પ્રેમ કરતો હતો??? મારી જાસ્મિનને સંભાળી પણ ના શક્યો...!!" અધધ આંસુઓ સાથે બાની વિલાપ કરતી બોલી રહી હતી. તે જ સમયે એને પોતાનું બેલેન્સ ગુમાવ્યું. એ નીચે બેસી ગઈ.
ઈવાન નિરુત્તર હતો. બાનીની બધી જ બડાશ ઈવાનને માન્ય હતી. બાની બધો જ ગુસ્સો ઓકી દે એ જ ઈવાન ચાહતો હતો.
" પ્લીઝ ઊઠ." બાનીને બંને હાથેથી ઉઠાડવાની કોશિશ કરતાં ઈવાને કહ્યું. તે જ સમયે બાનીએ ફરી ફરીને ત્રણ ચાર તમાચા ઈવાનના ગાલ પર મારી દીધા, " તમે બંને પ્રેમમાં હતાં...!! ને મને એની ભણક પણ લાગવા ન દીધી..!! કેમ..!! આ છુપાવાનું કારણ શું હતું..??" બાની બધી રીતે હારી હોય તેમ કહેવા લાગી. ઈવાન પણ હવે કશું છુપાવા માગતો ન હોય તેમ બાની સાથે નીચે બેસી ગયો, " બાની, મેં જાસ્મિનને કહ્યું હતું કે આપણે બંને પ્રેમમાં છે એ વાત બાનીને કરીએ. પરંતુ એને જ કહ્યું હતું કે બાની જ્યારે ઈન્ડિયા આવશે ત્યારે હું જ એને સામેથી આ સરપ્રાઈઝ આપીશ."
બાનીના આંસુ હજુ પણ એવા જ આંખમાંથી નીકળી રહ્યા હતાં.
" બાની, તું યકીન તો કરશે જ નહીં. પણ આ એક સત્ય છે કે હું જ્યારથી જાસ્મિનના લવમાં પડ્યો છું ત્યારથી મારામાં ઘણા મોટા બદલાવ આવ્યા છે. ટ્રસ્ટ મી તું જેટલો કમીનો મને સમજે છે એટલો તો શું?? હું સાવ એટલે સાવ જ બદલાઈ ગયો હતો. ખરેખર પ્યાર કેટલો બદલાવ લાવી શકે છે એ તો જ્યારે પ્રેમમાં હોય ત્યારે જ ખબર પડે..!!" ઈવાને ચોખવટ કરી. પણ બાનીના દિલોદિમાગ પર ટીપીએ કહેલી વાત ઘુમરાયા કરતી હતી. અચાનક જ એને ભાન થઈ આવ્યું કે હવે સમય જ એની પાસે ક્યાં હતો કે એ લાગણી માં વહીને સમય બરબાદ કરે..!!
બાનીના દિમાગમાં સૈતાન રમતો થઈ ગયો હોય તેમ નજદીક બેઠેલા ઈવાનની કોલર પકડીને દાંત પીસીને કહેવા લાગી," તેં જાસ્મિનને કેમ મારી નાંખી....!! બોલ ઈવાન...!!બોલ..!!" તે સાથે જ ઈવાને બાનીના ગાલ પર લાફો ઝીંક્યો.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)