premnu vartud - 13 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમનું વર્તુળ - ૧૩

Featured Books
Categories
Share

પ્રેમનું વર્તુળ - ૧૩

પ્રકરણ-૧૩ મનના ડંખ

રાત્રિના લગભગ બાર વાગ્યા હશે. વૈદેહીના માતાપિતા એના સાસરે આવી પહોંચ્યા હતા. વૈદેહીના સસરાએ એમને આવકાર આપ્યો. તેઓ અંદર દાખલ થયા. વૈદેહી તો પોતાના મમ્મી પપ્પાને જોઈને એમને ભેટીને ખુબ જ રડવા લાગી હતી. અને તરત બોલી ઉઠી, “મને તમે અહીંથી લઇ જાઓ. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. પ્લીઝ, તમે મને અહીંથી લઇ જાઓ.”
“હા, બેટા, અમે તને લઇ જ જશું. તું શાંત થઇ જા. અત્યારે હવે હું વાત કરું છું ને. તું કઈ ન બોલ.” એના પપ્પાએ કહ્યું અને પૂછી પોતાના વેવાઈ સામે જોઇને પૂછ્યું, “હકીકત શું છે? શું બન્યું હતું?” વૈદેહીના પિતા એ પૂછ્યું.
એટલે રેવાંશના પિતાએ જે કઈ પણ બન્યું હતું એની અતથી ઇતિ સુધી જાણ કરી.
એ દરમિયાન રેવાંશ એક પણ શબ્દ બોલી રહ્યો નહોતો. એ ચુપચાપ સાંભળી જ રહ્યો હતો. એને મનમાં તો ફડક પેસી જ ગઈ હતી કે વૈદેહી હવે એને છોડીને જતી રહેશે. એ મનથી નહોતો ઈચ્છતો કે, વૈદેહી એને છોડીને જાય. એ ભલે કડી પોતાની લાગણીઓ વૈદેહી સામે વ્યક્ત નહોતો કરતો પરંતુ મનથી તો એ વૈદેહીને ચાહતો જ હતો. વૈદેહીની સચ્ચાઈ એને સ્પર્શી રહી હતી. પણ હવે એક ડંખ તો પડી જ ગયો હતો આ સંબંધમાં.
વૈદેહીના પિતાએ રેવાંશના પિતાને કહ્યું, “અત્યારે તમે વૈદેહીને મને મારી સાથે લઇ જવા દો. હું એને સમજાવીને પછી ફરી ત્યાં મોકલી આપીશ. અત્યારે એ ખુબ ખરાબ હાલતમાં છે એટલે મને અહી એને રાખવી યોગ્ય નથી લાગતી. અત્યારે હું એને મારી સાથે લઇ જવા ઈચ્છું છું.”
“હા, તમે ઠીક કહો છો. તમે વૈદેહીને તમારી સાથે લઇ જાઓ. અને એને સમજાવીને પછી મોકલી આપજો. ઘેર પહોંચીને અમને જણાવજો.”
આ વાત થઇ હતી એ દરમિયાન વૈદેહી સતત રેવાંશ સામે જોઈ રહી હતી. એને લાગતું હતું કે, હમણાં રેવાંશ એને રોકી લેશે. એને કહી દેશે કે, તું ના જા. રોકાઈ જા. મારી ભૂલ થઇ ગઈ. પરંતુ એવું કશું જ બન્યું નહિ. વૈદેહી રાહ જોઈ રહી હતી કે, રેવાંશ એને રોકી લે, પરંતુ રેવાંશ તો નીચું મો કરીને ચુપચાપ બેસી જ રહ્યો. એ વિચારી રહ્યો હતો કે, હમણાં વૈદેહી એમ કહી દેશે કે, ના, હું નથી જવા ઇચ્છતી પરંતુ વૈદેહીએ પણ એવું કશું જ ન કર્યું.
વૈદેહીએ હવે ઘરની બહાર પગ મુક્યો. બંને જણા માત્ર સંવાદના અભાવે જ આજે છુટા પડી રહયા હતા. રેવાંશને લાગ્યું વૈદેહી બોલશે અને વૈદેહીને લાગ્યું રેવાંશ બોલશે. પરંતુ બંનેની ચુપકીદીએ એકબીજાના મનમાં એક ડંખનું નિર્માણ કર્યું.
વૈદેહી હવે એના પિતાના ઘરે જતી રહી હતી. વૈદેહી જતી રહી પછી રેવાંશ એના પિતા પર બરાબરનો ભડક્યો ને બોલ્યો, “પપ્પા, તમે એને જવા શું કામ દીધી? હવે એ કોઈ દિવસ પાછી નહિ આવે. મારી પત્ની તમારે લીધે મને છોડીને જતી રહી. તમારે એને જવા જ દેવાની નહોતી.”
એના પિતાએ એને સમજાવતા કહ્યું, “બેટા, મેં એને સમજી વિચારીને જ જવા દીધી છે. અત્યારે એની હાલત ખૂબ ખરાબ છે. એના મા બાપ એને સમજાવશે પછી એને અહી મૂકી જશે.”
આ સાંભળીને તો રેવાંશ વધુ ભડક્યો અને બોલી ઉઠ્યો, “હવે એ કોઈ દિવસ પછી નહિ આવે. એ જતી રહી છે પપ્પા. આ ઘર છોડીને. મને છોડીને. હવે મારે એ જોતી જ નથી. હવે હું એને બોલાવવાનો જ નથી. એમ કહી એના બેડરૂમમાં વૈદેહી અને રેવાંશ ના લગ્નનો જે ફોટો હતો એ પણ કાઢી નાખ્યો અને ઉપર જઈ માળીયામાં મૂકી આવ્યો અને બોલ્યો, “આજથી હવે મારે વૈદેહી જોઈતી જ નથી મારી લાઇફમાં. જે મને છોડી ગઈ છે એને હવે હું બોલાવવાનો જ નથી. હું તમને બધાને કહી દઉં છું કોઈ એને પાછી બોલાવવાની કોશિશ કરતા નહિ. નહિ તો મારાથી ખરાબ કોઈ નથી. એટલું કહી રેવાંશ ત્યાં જ બેસી પડ્યો. વૈદેહીએ આવું પગલું ભરીને એનું દિલ દુખાવ્યું હતું. એને દુઃખ તો જરૂર થયું હતું પરંતુ એ પોતાનું દુઃખ કોઈને બતાવવા માંગતો નહોતો એટલે એ ગુસ્સાથી પોતાનું દુઃખ છુપાવતો હતો.
આ બાજુ વૈદેહી પણ દુઃખી હતી. એને પણ રેવાંશ સાથે ગાળેલો સમય યાદ આવી રહ્યો હતો. અને રેવાંશ પણ મનમાં તો વૈદેહીને યાદ કરતો હતો પરંતુ બે માંથી કોઈ બોલવા ઇચ્છતા નહોતા. બંનેના મન એકબીજા પ્રત્યે હવે ડંખીલા બની ગયા હતા.
શું વૈદેહી અને રેવાંશના ડંખનું સમાધાન થશે? શું વૈદેહી રેવાંશના ઘરમાં પુનઃ પ્રવેશ કરશે? શું રેવાંશ વૈદેહીને લેવા આવશે? એની વાત આવતા અંકે.....