The colour of my love - 17 in Gujarati Love Stories by પ્રિયાંશી સથવારા આરિયા books and stories PDF | મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 17

Featured Books
Categories
Share

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 17

એક ક્ષણનું મિલન અને બધા તફાવતો ઓગળી ગયા. માણેકચોકની એ ગલીમાં નીતિન અને રિધિમાંને પોતાનું સ્વર્ગ મળ્યું. આ મિલન પૂરું થયું કે નીતિન રિધિમાંથી અળગો થઈ ગયો, અને એનાથી ઊંધો ફરી ગયો. રિધિમાં પણ શરમના માર્યે લાલ થઈ ગઈ હતી. નીતિનની સામે જોવા માટે પણ એને શરમ આવી રહી હતી. એ પણ ઊંઘી ફરી ગઈ. પોતાના હોઠ પર એની આંગળીઓ મૂકી અને એ ક્ષણ જાણે ફરીથી આવી ગઈ. અને એની આંખો શરમના માર્યે ઝૂકી ગઈ. નીતિન સ્વસ્થ થયો થોડીવારમાં અને બાઈક પર બેઠો. જોકે એ બાઈકસવારોની મસ્તાનગીના લીધે રિધિમાંને તો કોઈ નુકસાન ન થયું. પણ એણે પોતાનો દુપટ્ટો સેફટીપિનથી નીકાળી આખું શરીર ઢંકાઈ જાય એમ ઓઢી લીધી. જેથી આવું કઈ ફરી ન થાય. નીતિન બાઈક પર બેઠો પણ શરમના લીધે રિધિમાંનું નામ પણ લઈ શકતો નહતો. એટલે એણે બાઈક પર બેઠા છતાં એને બોલાવી નહિ. છેવટે બાઈક ચાલુ કરી, પ્રથમ ગેરમાં નાંખી રેસ આપી. રિધિમાંને જવાનો સિગ્નલ આપ્યો. રિધિમાં દુપટ્ટો સરખો કરી બાઈક જોડે આવી. એક શરમ અને ગભરામણ સાથે એ પાછળની સીટ પર બેઠી. હાથ આ વખતે નીતિનના ખભા પર મુકવો ન મુકવો એ અવઢવ વચ્ચે એણે હાથ મુકવાનું પસંદ કર્યું. જેવો એણે હાથ મુક્યો અને નીતિને એ બાબત વિચાર ન કરતા બાઈક મારી મૂકી. ન તો એ કઈ બોલી શક્યો અને ન તો રિધિમાં. બંને જણા બસ એમ જ રસ્તા પર કઈ પણ બોલ્યા વગર જ મંઝિલની રાહ જોઈ રહ્યા. રિધિમાંએ ક્યાં જવાનું છે એનો જવાબ આપ્યો નહતો, એટલે નીતિને એના ઘર તરફના રસ્તા પર બાઈક લઈ લીધી. છેક ઘરની નજીક પહોંચી રિધિમાંએ નીતિનને ગાડી રોકવા કહ્યું. નીતિને એની સોસાયટીની નજીક બાઈક ઉભી રાખી. ત્યાંથી રિધિમાંએ એના ભાઈને ફોન કરીને બોલાવી લીધો. એનો ભાઈ આવે ત્યાં સુધી નીતિન અને રિધિમાં એકલા હતા. શુ બોલવું એની સૂઝ બેમાંથી એકેયને નહતી. નીતિન તો બાઈક પરથી ઉતરીને પણ રિધિમાંથી દુર ઉભો રહ્યો. એ એની સામે જોવાથી બચી રહ્યો હતો. કઈક વાતની શરૂઆત થાય એ પહેલાં રિધિમાંનો ભાઈ આવી ગયો. અને એ નીતિનને થેન્ક યુ કહી, રિધિમાંને ત્યાંથી લઈ ગયો. રિધિમાંને ખ્યાલ હતો જ કે નીતિન એને અહીંથી પણ એકલો નહિ જ જવા દે એટલે જ એણે પોતાના ભાઈને બોલાવી લીધો. એના ભાઈ સાથે એ નીકળી અને સોસાયટીનો મેઈન ગેટ ન આવ્યો, ત્યાં સુધી એ વળી-વળીને નીતિનને જોઈ રહી હતી અને નીતિન એને.

બન્ને જણ બસ આ એક ક્ષણ સાથે મીઠી નીંદરમાં પોઢી ગયા. આ ક્ષણથી એમની વચ્ચે ઘણું-બધું બદલાઈ ગયું. બીજા દિવસે પણ બંને વચ્ચે આ મૌન ચાલુ રહ્યું. ન તો નીતિન અને ન તો રિધિમાં, એકબીજાને કઈ કહી શકતા હતા. એ બંને કઇ પણ બોલ્યા વગર એકબીજા સાથે એક અનોખા સંબંધમાં બંધાઈ ચુક્યા હતા. લાગણીઓનો સેતુ હવે એનું મજબૂત સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. નીતિન ઓફિસમાં પણ રિધિમાં સામે જોઈ શકતો નહતો. બીજો અને ત્રીજો દિવસ આમ જ પસાર થયો. નીતિનને બસ એક ડર હતો, કે રિધિમાંની સામે ક્યાંક એનું ચરિત્ર ખરાબ ન પુરવાર થાય, કારણકે એકબાજુ એ સતત પોતાને રિધિમાંથી અલગ કરી રહ્યો હતો અને બીજી બાજુ આ હરકત. એની સાથે વાત તો કરવી પડશે. પણ ક્યાં? અને કેવી રીતે? એ ન સમજાયું. ઓફિસ કે એની આસપાસ વાત ન કરી શકાય તો બીજે ક્યાં? અને એને એનો જવાબ મળી ગયો અનાયાસે જ..

નોરતા હજુ ચાલી જ રહ્યા હતા, રિધિમાંનો ગરબાનો શોખ તો નીતિન જોઈ જ ચૂકયો હતો. કોલેજ, ઓફિસ અને ગરબા વચ્ચે એ પોતાનું ધ્યાન રાખી શકતી નહતી. અને એમાં નીતિને આપેલી ક્ષણને કારણે એ સાતમા આસમાને હતી. એટલે એ આઠમના દિવસે થાકને કારણે કોલેજ અને ઓફિસ ન જઈ શકી. જ્યારે એ નોમના દિવસે ઓફિસ ગઈ ત્યારે ખબર પડી કે દશેરાના દિવસે ઓફિસ ચાલુ છે પણ અમુક લિમિટેડ સ્ટાફ સાથે. એ લિમિટેડ સ્ટાફમાં રિધિમાંનું નામ પણ હતું. સપનાને તો રજા હતી જ. એટલે કમને એ દશેરાના દિવસે પણ ઓફિસ ગઈ. માત્ર 5 જણ જ હતા. અને સાથે નીતિન પણ. બસ એ દિવસની એ જ એકમાત્ર ખુશી. આખી રાત ગરબા ગાવાને કારણે એને ઉજાગરો તો નડી જ રહ્યો હતો અને શરીર દુઃખી રહ્યું હતું એ નફામાં. કસ્ટમર કોલ્સ બંધ હતા પણ અમુક કંમ્પ્લેઇન હતી જે આગળ ફોરવર્ડ કરી શકાય અને અમુક અન્ય કામગીરી એ માટે જ રિધિમાને બોલાવામાં આવી હતી. અને બાકી, 2 વોચમેન, 1 મેકેનિક અને 1 હિશાબનીશ બસ આટલા લોકો. એમને સાંજના 5 વાગ્યે છૂટવાનું નક્કી હતું. રિધિમાં તો બસ થોડું કામ કરતી અને ઝોકા ખાવા લાગતી. નીતિન એના કામ વચ્ચે જ્યારે-જ્યારે રિધિમાં સામે જોતો એ ખૂબ ખુશ થઈ જતો, એને આમ ઝોકા ખાતી જોઈ એ ખૂબ હસતો. સાંજે છૂટવાનો સમય થતા એ ચહેરો ધોઈ બહાર નીકળી, ફુટપાથ પર ચાલતા થોડીક આગળ ગઈ. નીતિન પણ પાછળથી આવ્યો. આ શ્રેષ્ઠ તક છે એમ વિચારી એણે રિધિમાં પાસે બાઈક ઉભી રાખી, એને બોલાવી. "રિધિમાં, ચલો મૂકી જઉં."
આ વખતે કોઈપણ આનાકાની વગર પાછળ બેસી ગઈ. એણે બાઈક ચાલુ કરી. વચ્ચે એક મંદિર પાસે નીતિને બાઈક ઉભી રાખી. રિધિમાં ઉતરી અને સ્ટેન્ડ લગાવી નીતિન પણ ઉતર્યો. રિધિમાંની આંખોમાં રહેલા સવાલો સમજી જતા, '"રિધિમાં આઈ નો, કે કદાચ તમને બીજે ક્યાંય પણ ઉભું રહેવું અજુગતું લાગી શકે છે. પણ મંદિરમાં કઈ તકલીફ નહિ થાય. દર્શન પણ થઈ જશે અને વાત પણ."
રિધિમાં અને એ બંને મંદિરમાં ગયા. દર્શન કર્યા અને બહાર આવ્યા. મંદિરની બહાર બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા હતી. પણ રિધિમાં ત્યાં ન અટકી, સીધી દરવાજા પાસે ગઇ. નીતિન મૂંઝવાતો એની પાછળ આવ્યો, "રિધિમાં મારે તમારી સાથે વાત કરવી છે તો તમે બહાર કેમ આવ્યા?" ત્યાં દરવાજા આગળ એક બહેન ફુલહાર વેચી રહ્યા હતા. એમની પાસે જઈ એણે એક હાર બનાવવા કહ્યું. નીતિનને કઈ સમજાઈ રહ્યું નહતું. રિધિમાંએ હાર બનાવડાવ્યો અને ફુલવાળી પાસેથી જ કંકુ-ચોખાની વ્યવસ્થા કરી. એ બાઈક પાસે ગઈ. નીતિન હાલ પૂરતું તો રિધિમાંની પાછળ જ ફરી રહ્યો હતો. રિધિમાં બાઈક પાસે ગઈ. એણે બાઈક પર સાથિયો કર્યો, ચોખા ચોંટાળ્યા અને હાર પહેરાવ્યો. નીતિન ખાલી આ બધું એક મુક પ્રેક્ષકની જેમ જોઈ રહ્યો હતો. ત્યારબાદ રિધિમાંએ કંકુ-ચોખા પરત કરી, પૈસા આપ્યા. તે પાછી મંદિરના બાંકડા પર જઈ બેસી ગઈ. અને નીતિન એની પાછળ દોરવાયો. "હા સર તો તમે શું કહેવા ઇચ્છતા હતા?" એની સામે જોઈ રિધિમાં પૂછવા લાગી. નીતિન તો કઈ જ બોલી શકે એમ ન રહ્યો, તો પણ, "રિધિમાં મારી બાઈકને તમે..."
"હાર ચઢાવ્યો. મમ્મી કે છે કે આપણું વાહન આપણી તાકાત છે. એની શક્તિને અવગણાય નહિ એટલે દશેરાના દિવસે એની શક્તિ અને સહાય માટે પૂજા કરવામાં આવે. જેથી જ્યારે આપણે જલદીમાં હોઈએ કે કોઈ ખરાબ ક્ષણ આવે તો એ શક્તિ આપણને સાચવી લે. હું પપ્પાના સ્કુટરની સવારે જ પૂજા કરીને આવી. તમારા બાઈકને ખાલી જોયું એટલે મેં..."
"પણ એ હક તો ઘરની છોકરી કે વહુનો હોય." નીતિને એની મૂંઝવણ મૂકી.
"તો શું તમે મને એ હક હજુ નથી આપ્યો?" નીતિનની આંખોમાં એણે જોઈ પૂછી લીધું.
"ના... પણ .. હા" નીતિન એની આંખોમાં દરેક વખતે ખોવાઈ જતો અને કઈ જ ન બોલી શકતો.
"સર આટલું ન મુંઝાશો. ફક્ત બાઈકની પૂજા કરી છે. તમારા ઘરમાં લક્ષ્મી પૂજા નથી કરી." એ જેવી રીતે બોલી એ આમ તો નીતિનને ગમવુ જોઈતું હતું પણ ન ગમ્યુ.
રિધિમાંએ એની આંખો બીજી તરફ કરી બોલવા લાગી, "સર જાણું છું કે મને સ્વીકારવું તમારી માટે આસન નથી. અને એક કાચી ક્ષણ તમારા જીવનમાં મારો અધિકાર સ્થાપી ન શકે. એટલે તમે તમારી મરજી અનુસાર નિર્ણય લેવા મુક્ત છો. હું ક્યારેય તમારી પર કોઈ આરોપ નહિ મુકું. તમારી પર પૂરો ભરોસો છે મને, તમે કોઈ અજાણ્યા સાથે કઈ ખોટું નથી કરી શકતા, તો મારી સાથે કઈ ખોટું કરવું અશક્ય છે. એટલે જે અસમંજસમાં તમે છો અને પોતાને દોષી માની રહ્યા છો એવું ન કરો. બધું જ ભૂલી જાઓ."
નીતિનને જાણે એક આત્મબળ પૂરું પડ્યું. પોતાને અભાગો માનનાર નીતિન રાધા-કૃષ્ણના આ મંદિરમાં પોતાને દુનિયાનો સૌથી ખુશ-કિસ્મત માણસ માનવા લાગ્યો. રિધિમાં જેવી વ્યક્તિ એને ક્યારેય નહીં મળી શકે, જો આજે તેને આ તક ગુમાવી તો. આથી જ જે વાતો એ કદાચ બીજી કોઈ જગ્યાએ ન કરી શકત એ એણે અહીં રિધિમાંને કહી, "રિધિમાં જો હું એ ખુબસુરત ક્ષણ ભૂલવા ન ઇચ્છું તો?"
"તો સર તમે શું ઇચ્છો છો?" એણે ફરીથી નીતિનની આંખોમાં જોયું.
"રિધિમાં મારી આંખોમાં ન જોશો. હું ગભરાઈ જઉં છું. કઈ બોલી નથી શકતો પછી!" એની તરફથી મો ફેરવતા નીતિન બોલવા લાગ્યો.
"કેમ એવું તો શું છે મારી આંખોમાં?" રિધિમાં હવે મશ્કરી કરવા લાગી.
"હું તમારી આંખોમાં જોઉં પછી ખોવાઈ જવું છું. કઈ જ નથી બોલી શકતો"
"હા ઓકે હું મારો ચહેરો ફેરવી લઉં છું બસ. હવે બોલો."
"હું બધું જ ભૂલવા માંગુ છુ." એ અટકીને બોલી રહ્યો હતો.
"ઓકે. તો હું જઉં છું." એ ગુસ્સે થઈ ઉભી થવા ગઈ.
"અરે સાંભળો તો, હું એ બધું જ ભૂલવા ઇચ્છું છું જેમાં મેં તમને મારા જીવનમાંથી નીકાળવા પ્રયત્ન કર્યો. હું તમને મારા જીવનમાં, મારા ઘરમાં, મારી હર પળમાં જોવા ઇચ્છું છું. શુ તમે આવવા માંગો છો મારી સાથે?" એ હવે એની આંખોમાં આંખો મેળવી બોલી રહ્યો હતો, "અત્યારે જવાબ નહિ આપો તો પણ ચાલશે. જ્યારે પણ તમારો જે નિર્ણય હશે. મને મંજુર હશે."
"સર આની માટે મે બહુ રાહ જોઈ છે. હવે એક પળ નથી બગાડવી. હું તો માત્ર તમારી સાથે જ જીવવા માંગુ છુ. બસ તમારી આ પૂછવાની રાહ જોઈ રહી હતી." મંદિરમાં ન હોત તો ક્યારના બંને ગળે મળી પોતાના પ્રેમનો એકરાર કરી ચુક્યા હોત. જોકે મંદિરના કારણે જ મર્યાદા રાખી હોય એમપણ નહતું. નીતિનનો સ્વાભાવ જ એવો હતો કે રિધિમાં પ્રત્યે એ જાહેરમાં મર્યાદા રાખતો જ હતો. નીતિન અને રિધિમાં પ્રેમના એક અનોખા બંધનમાં બંધાયા પછી આજે એકરાર કરી શક્યા. એકરાર બાદ એમણે સાથે સમય વિતાવ્યો. થોડીવાર મંદિરમાં જ એક શાંતિનો અનુભવ કરી નીતિન રિધિમાંને લઈને બહાર નીકળ્યો. બાઈક પર બેસી બંને નીકળ્યા અને કોઈ પણ મૂંઝવણ વગર રિધિમાંએ એના બંને હાથ નીતિનના ખભા પર મૂકી દીધા.
"રિધિમાં કઈ ખાવું છે?" ચાલુ બાઈક પર જ નીતિને પૂછ્યું.
"ખાવું તો છે પણ..."
"પણ.. હં કોઈ સ્પેશિયલ રિકવાયરમેન્ટ. બોલો જે કહેશો એ ખવડાવીશ"
"માણેકચોકના પાઉ-ભાજી અને આઈસ્ક્રીમ" રિધિમાં હસવા લાગી.
"શટ અપ, નહિ મળે." નીતિન ખોટો ગુસ્સો બતાવવા લાગ્યો, "તમે નાસ્તાના લાયક જ નથી. જાઓ ઘરે જઈને જ ખાઓ."
"સર, 8 વાગ્યા પછી જઈશ તો ચાલશે. રોજના સમય મુજબ"
"ના બિલકુલ નહિ, એકરાર કર્યો છે એનો મતલબ એ નહિ કે તમારા બીજા સબંધોને તમે ભરમાવો. હું હાલ જ મૂકી જઈશ."
રિધિમાં કઈ બોલી શકે એ પહેલાં જ નીતિને એને સોસાયટીની બહાર ઉતારી અને સીધો જ નીકળી ગયો. ઘરે પહોંચ્યો તો એના પિતાએ બાઈક પર હાર ચઢેલો જોયો અને નીતિન પાસે આછી-પાતળી હકીકત જાણી. અને બસ એ ખુશ થઈ ગયા. નીતિન તો ખુશ હતો જ.

આમને આમ બે વર્ષ થઈ ગયા. ક્યારેક ઝઘડો, ક્યારેક ઉદાસી, ક્યારેક નારાજગી અને ક્યારેક ભરપૂર પ્રેમ. બસ આ બધી લાગણીઓ એમની જગ્યા લઈ રહી હતી. રિધિમાં ગ્રેજ્યુએશન પૂરું કરી, ફુલટાઇમ ઓફિસમાં લાગી ગઈ. પણ સાથે નીતિનના કહેવા પર એણે એક્સ્ટર્નલ તરીકે માસ્ટર્સ કરવાનું ચાલુ કર્યું. બંને બહુ ખુશ હતા. ઓફિસમાં કોઈને જાણ ન થાય એમ સામાન્ય રીતે વર્તતા અને સમય મળે ત્યારે ક્યાંક બહાર કઈક ખાવા કે ફરવા નીકળી જતા. ઘરે હોય ત્યારે ફોન પર ઓછી અને મેસેજ પર વધુ વાતો થતી. બસ ઘણું-બધું હતું એમની વચ્ચે પણ કેટલીક મર્યાદાઓ એમણે ઓળંગી નહતી. બસ બધું ઠીક ચાલી રહ્યું હતું ને એનું છેલ્લું સેમિસ્ટર ચાલુ થયું અને સમસ્યાઓ ઉભી થઇ. ઘરેથી લગ્નનું દબાણ રિધિમાં પર થવા લાગ્યું. એના પિતા અત્યાર સુધી જે આઝાદી એને આપતા હતા એની પર આખા કુટુંબની નજર લાગી. દાદા-દાદી, કાકા-કાકી, માસીઓ બધા જ. પપ્પા અને મમ્મી તરફના બધા સંબંધીઓ હવે જેટલું બને એટલી જલ્દી એના લગ્ન કરવા ઇચ્છતા હતા. રિધિમાંએ બહુ કોશિશ કરી મમ્મી અને પપ્પાને મનાવવાની પણ એનું કઈ ન ચાલ્યું.

ફેબ્રુઆરી મહિનો, 2010
એ બંને જણ ઉસ્માનપુરાના એક કોફી શોપમાં બેઠા વાતો કરી રહ્યા હતા. એમ કહો કે ઝઘડો કરી રહ્યા હતા. કેટલાય દિવસથી રડી-રડી એની આંખો સૂઝી ગઈ હતી. એ નીતિનને ન ગમ્યું. એની આ કફોડી હાલત એ જોઈ શકતો નહતો. પણ કઈ કરી પણ શકતો નહતો. મજબૂરી હતી એની. દુનિયા સાથે લડી શકાય પણ રિધિમાંના પિતા સાથે કઈ રીતે? લગ્નનું ખૂબ દબાણ થતા નીતિન એના પિતાને મળ્યો. એના અને રિધિમાંના પ્રેમની પણ વાત કરી. અને સાથે-સાથે એના ઘર વિશે પણ. અને બસ એના પિતાને નીતિનને નકારવાનો રસ્તો મળી ગયો. ખૂબ મનાવવાની કોશિશ કરી એ બંનેએ. પણ એના પિતા કે કુટુંબ, કોઈ ન માન્યું. એ લોકો જ્ઞાતિને મહત્વ આપી રહ્યા હતા અને નીતિને એક તક પુરી પાડી. ઘરે આ બધું થયા પછી વધુ રાહ ન જોતા એના દાદાએ એક સબંધ પણ નક્કી કરી દીધો. રિધિમાં ઘરની બહાર ભાગ્યે નીકળી શકતી. છેવટે એણે પરીક્ષાનું બહાનું બતાવી નીતિનને મળવા બોલાવ્યો. એનો ફોન પણ એની પાસે રાખવામાં આવ્યો નહતો. કોઈ બીજાના ફોનથી એણે નીતિનને કોન્ટેકટ કર્યો. નીતિન આવ્યો અને....

"સર હું તમારી વગર રહી નહિ શકું, પ્લીઝ કઈક કરો" એ કોફી શોપમાં જ રડવા લાગી.
"રિધું પ્લીઝ રડીશ નહિ, તું જ કહે શુ કરું હું? તારા પપ્પા અને કુટુંબને મનાવવા કેટલા પ્રયત્ન કર્યા. પણ એ ન માન્યા. તારા ઘરે મળ્યાં બાદ મારા પપ્પા પણ મળવા આવ્યા હતા તારા દાદાને. પણ એ બધાએ મારા પપ્પાની બેઇજ્જતી કરી. મારા માટે બધું સહન કર્યું એમણે. પણ હું કઈ રીતે કરું? મારી પાસે કોઈ રસ્તો નથી હવે...."
"એક છે" એ આંસુ લૂછતાં બોલી.
"શુ?"
"ચાલો આપણે ભાગી જઈએ."
"ગાંડી થઈ ગઈ છે કે શું? તું ઈચ્છે છે કે જેમ મારા પિતાની બેઇજ્જતી થઈ એમ હું તારા પિતાની કરું. ના આ મારાથી નહિ થાય. તું નહિ મળે તો ચાલશે પણ કોઈની બદુઆ સાથે નથી જીવવું." થોડુંક વિચારતા, "તું લગ્ન માટે ના પાડી દે. જો કદાચ માની જાય."
"એ હું કેટલીય વાર કરી ચુકી છું" એ પાછી રડવા લાગી.
"તો તો બસ. મને ભૂલી જા"
"પણ ચલો ને આપણે ભાગી જઈએ"
"ફિલ્મોની દુનિયામાં ન રહીશ રિધું. એમાં બધું સાચું નથી હોતું. મારી સાથે આવ્યા પછી તું ક્યારેય તારા ઘરે નહિ જઈ શકે. ચાલશે તને???"
એ વધારે રડવા લાગી. એના ડુસકા આજુબાજુ પણ સંભળાઈ રહ્યા હતા હવે. નીતિન એને શાંત રાખી રહ્યો હતો.
"તું લગ્ન કરવાની ના પાડ. અથવા મમ્મી અને પપ્પાને મનાવ, કદાચ કઈક થાય" રિધિમાં હવે રડવાની સાથે ગુસ્સે પણ થઈ રહી હતી. નીતિન એની કોઈ વાત સાંભળવા તૈયાર નહતો. અને ન તો રિધિમાં કઈ સમજી રહી હતી. છેવટે અંતિમ પાસું ફેકતા.......
"સર 10 દિવસમાં મારા લગ્ન છે. તમે આવશો તો મને ગમશે"
રિધિમાંની વાત સાંભળી નીતિન અકળાયો અને છેવટે બોલી ગયો, "તો આ તમારો અંતિમ નિર્ણય છે?"

"હા" રિધિમાંને ઉમ્મીદ હતી કે નીતિન દર વખતની જેમ એને રોકશે પણ એવું કંઈ ન થયું અને એ ત્યાંથી ઉભો થઇ નીકળી ગયો. રિધિમાંએ રોકવાની કોશિશ કરી પણ એ ન રોકાયો. એકપળમાં 'તું' પરથી 'તમે' પર આવી આ સબંધે ત્યાં અલ્પવિરામ મુકાયું. બંને જણ પોતાનું અલગ બિલ ચૂકવી ત્યાંથી નીકળી ગયા. રિધિમાંની આશા પર પાણી ફેરવાઈ ગયું. એણે આટલે દૂર નીતિનને કદાચ અહીંથી દૂર જવા જ બોલાવ્યો હતો. પણ નીતિન જ એનાથી દૂર થઈ ગયો. નીતિનને લાગતું હતું કે જો રિધિમાં એના મમ્મી-પપ્પા સામે સખત વિરોધ કરે કે લગ્નના મંડપમાં બેસવા નકારે તો કદાચ એના મમ્મી-પપ્પા માને. અને રિધિમાંને લાગતું હતું કે જો એ બંને ભાગી જાય તો આજ નહિ તો કાલ એના મમ્મી-પપ્પા માની જશે. નીતિન મગજથી અને રિધિમાં હૃદયથી વિચારી રહી હતી. નીતિન પ્રેકટીકલ બની ગયો હતો અને રિધિમાં સપનામાં જીવી રહી હતી.

આ બંને બાબતોનો ક્યાંય મેળાપ ન થતા છેવટે બંને અલગ થયા. રિધિમાં જેવી ઘરે પહોંચી કે લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. અને નીતિનના જીવનનો ખાલીપો પાછો એની પાસે આવી ગયો. રિધિમાંનો રસ લગ્નની કોઈ તૈયારીમાં નહતો, એ તો બસ નીતિન વિશે વિચારી રહી હતી.....

કંઈક તો હશે ને એની અદાઓમાં
કે આ આંખો એને જ શોધે છે,
કંઇક તો હશે ને એના સંવાદોમાં,
કે કાન એને સાંભળવા તરસી જાય છે,
એનું વ્યક્તિત્વ જ કંઈક એવું છે
કે મારું મન
એ મૃગજળ પાછળ પણ દોડી જાય છે.....

(આપણે આપણા પ્રથમ પ્રકરણ કે જ્યાંથી નીતિન અને રિધિમાંની આ કથા ચાલુ થઈ હતી, ત્યાં પહોંચી ગયા છીએ. હવે આ બંને અલગ થઈ ગયા છે. પણ એક અંતિમ અને રસપ્રદ પ્રકરણ તમારી રાહ જોઇને બેઠું છે. મિલન કે જુદાઇની ક્ષણ એ ભાગ પર આધારિત છે. તો એવામાં હું તમને પૂછું છું જો તમે નીતિન કે રિધિમાંની જગ્યાએ હોવ તો શું કરો? માતા-પિતા સાથે સહમત થઈ લગ્ન કરો કે પ્રેમ સાથે ભાગી જાઓ. હું તમારા પ્રતિભાવની રાહ જોઉં છું અને તમારા પ્રતિભાવોને સંતોષવાની પૂર્ણ કોશિશ કરીશ. એટલે બસ તૈયાર થઈ જાઓ આપણા સૌના જીવન સાથે સંકળાયેલી આ નવલકથાનું ધમાકેદાર અંતિમ પ્રકરણ વાંચવા. અને હા દરવખતે તમે પ્રકરણની રાહ જોતા હોવ છો, આ વખતે હું તમારા પ્રતિભાવોની રાહ જોઇશ. મને વધુ ન રાહ જોવડાવતા........)