padchhayo - 14 in Gujarati Horror Stories by Kiran Sarvaiya books and stories PDF | પડછાયો - ૧૪

Featured Books
Categories
Share

પડછાયો - ૧૪

પડછાયો કાવ્યાને સ્પર્શ્યા વિના જ ફક્ત હાથના ઈશારે ઢસડીને છત પર લઈ આવ્યો હતો. તેણે કાવ્યા સાથે વાત કરવાની કોશિશ કરી તો કાવ્યા તેને સાંભળ્યા વિના જ છતની પાળ પર ચઢી ગઈ અને તે અજાણતાં જ પાળ પરથી બીજી તરફ નીચે પડી ગઈ અને જોરથી ચીસ પાડી. તેની ચીસ સાંભળી રસીલાબેન અને કવિતાબેન છતના દરવાજા તરફ દોડ્યાં.

સેકન્ડ ફ્લોરની છત પરથી કાવ્યા નીચે પડી રહી હતી અને જમીનથી એકાદ ફૂટ જેટલી જ દૂર હતી ત્યાં તેને કોઈએ પકડી લીધી હોય એવું લાગ્યું. તે હવામાં જ ઊભી થઈ ગઈ અને ઊડીને પાછી છત પર પડછાયો જ્યાં ઊભો હતો ત્યાં આવી ગઈ અને ઊભી રહી ગઈ. આ બધું પડછાયો કરી રહ્યો હતો તે એના હાથના ઈશારા જોઈ કાવ્યા સમજી ગઈ.

"કાવ્યા, હવે મારી વાત સાંભળીશ કે?" પડછાયો કાવ્યા તરફ જોઈ બોલ્યો.

"હ..હા.." કાવ્યા ડરતાં ડરતાં બોલી.

"તું ડર નહીં કાવ્યા. હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મારે બસ તારી સાથે વાત કરવી છે અને તારી મદદ જોઇએ છે." પડછાયો બોલ્યો.

"સૌથી પહેલાં તો તમારો ખુબ ખુબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો અને હું તમારી મદદ જરૂર કરીશ. પણ મારા મનમાં ઘણાં બધાં સવાલો છે. શું હું પૂછી શકું?" કાવ્યા શાંત સ્વરે બોલી.

"હા. પૂછ કાવ્યા.." પડછાયો થોડું વિચાર્યા બાદ બોલ્યો.

"તમે કહો છો કે તમે મને કોઈ નુકસાન નહીં પહોંચાડો તો પછી મને ડરાવી મને આવી રીતે ઢસડીને લાવવાનું શું પ્રયોજન?"

"મારે તને ડરાવવી તો હતી જ નહીં. પણ તું પોતે જ ડરતી હતી અને ઢસડીને લાવ્યો એ બદલ હું દિલથી માફી ચાહું છું."

"હું પોતે નહોતી ડરતી. તમે ભયાનક અવાજે મને ઉદ્દેશીને બોલાવો અને તે દિવસે તો બાથરૂમમાં લોહીનો શાવર અને અરીસાની બહાર નીકળવું અને આજે છાશનો મારી ઉપર વરસાદ એ બધું મને ડરાવવાનું ન હતું તો શું હતું?"

"એ બધું તને રોકવા માટે હતું કે તું એના લીધે ડરી જાય અને મારી વાત સાંભળ. મારે બસ તારી સાથે વાત જ કરવી હતી. તને ડરાવવાનો કોઈ ઉદેશ્ય નહતો."

"ઓકે! પણ તે દિવસે તમે મારું એક્સીડન્ટ કરાવ્યું હતું. મારાં સ્કૂટર પર પાછળની સીટ પર બેસીને અને મારી કમર પર હાથ પણ ફેરવ્યો હતો." કાવ્યાનો ડર હવે જતો રહ્યો હતો આથી તે બિન્દાસ સવાલોનો વરસાદ કરી રહી હતી.

"હા. ત્યારે હું તારી પાછળ બેઠો હતો પણ મેં તારી કમર પર હાથ ફેરવવાની વાત તો દૂર રહી મેં તને આજ સુધી હાથ પણ નથી લગાવ્યો. તારો દુપટ્ટો તારી કમર પર સ્પર્શતો હતો અને તને એમ લાગ્યું હશે કે મેં તારી કમર પર હાથ ફેરવ્યો. પણ હકીકત એ છે કે હું તને કે બીજા કોઈને અડકી જ નથી શકતો."

"રિયલી?"

"સ્પર્શી જો તું જાતે જ!" પડછાયાએ પોતાનો હાથ કાવ્યા તરફ કરીને બોલ્યો.

કાવ્યા પડછાયાનો હાથ અડકવા ગઈ ત્યાં જ તેનો હાથ હવામાં જ વિન્ઝાઈ ગયો. પડછાયો સત્ય બોલી રહ્યો હતો. તેણે પણ કાવ્યા ના હાથને સ્પર્શવા ગયો પણ તેનો હાથ પણ હવામાં જ વિન્ઝાઈ ગયો.

"હવે તો તને મારા પર વિશ્વાસ છે ને? હવે તું મારી મદદ કરીશ?" પડછાયો શાંત સ્વરે બોલ્યો.

"હા પણ તમે કોણ છો એ તો જણાવો અને તમે મને કેવી રીતે ઓળખો છો અને મારા સુધી કેવી રીતે પહોંચ્યા એ બધું જણાવો." કાવ્યા બોલી.

"હા કાવ્યા, હું તને બધું જ જણાવીશ." પડછાયાએ પોતાના વિશે બોલવાનું શરૂ કર્યું ત્યાં જ કાવ્યા વચ્ચે બોલી,

"એક મિનિટ.. પહેલાં મને એ જણાવો કે તમે શનિવારે જ શા માટે આવો છો? અને મને એકને જ શા માટે દેખાઓ છો?"

"કાવ્યા, હું બધું જ જણાવીશ તને. શનિવારે શા માટે આવું છું તને એકને જ શા માટે દેખાઈ છું એ બધું જ તને જણાવીશ પણ હવે વચ્ચે ના બોલીશ પ્લીઝ. તારા એક એક સવાલના જવાબ આપીશ. ઓકે?"

"ઓકે જણાવો.. હવે વચ્ચે નહીં બોલું."

પડછાયાએ પોતાના વિશે જણાવવાનું શરૂ કર્યું, "મારું નામ રૂદ્રરાજ સિંઘાનિયા ઉર્ફે રોકી છે."

"શું રૂદ્રરાજ સિંઘાનિયા... સિંઘાનિયા ગ્રુપ ઓફ કંપનીના માલિક વનરાજ સિંઘાનિયાનો એકમાત્ર પૂત્ર..." કાવ્યા આ નામ જાણતી હતી આથી બોલી પડી.

"હા.. એ જ વનરાજ સિંઘાનિયા નો પૂત્ર.."

"મેં તમારું નામ સાંભળેલું પણ તમને જોયા ન હતા આથી તમને ઓળખી ના શકી."

"હા. હું બાળપણથી જ લંડનમાં હતો. મને જન્મ દેતાંની સાથે જ મારી મા દુનિયા છોડી ગઈ હતી. ડેડીને કંપની વધારવી હતી આથી મને આયાના હાથમાં સોંપી દીધો હતો અને પંદર વર્ષનો થયો ત્યારે ડેડીએ મને લંડન સ્ટડી માટે મોકલી દીધો હતો. આથી વધુ પડતાં કોઈ મને ઓળખતું જ ન હતું. મારું સ્ટડી પૂરું કરી ઈન્ડિયા આવ્યો એટલે થોડા ઘણાં ઓળખતા થયા હતા મને. પણ મારું નસીબ ખરાબ હતું કે વધુ લોકો મને ઓળખી જ ન શક્યાં." પડછાયો નિસાસો નાખીને બોલ્યો.

"હા.. અમને તમારા મોત વિશે મને જણાવ્યું હતું. અમે લોકો તમારા બેસણામાં પણ આવ્યાં હતાં. અને તમે ઈન્ડિયા આવ્યા એ પહેલાં જ મેં જોબ છોડી દીધી હતી આથી તમને મળી શકી નહોતી." કાવ્યા દુઃખ સાથે બોલી.

"તમારો છેલ્લો દિવસ હતો જોબનો ત્યારે હું આવ્યો હતો ઓફિસ. મેં તમને જોયા હતા ત્યારે અને એ જ મારા મોતનું ખરું કારણ બન્યું હતું."

"શું? તમારા મોતનું કારણ હું છું? મને કંઈ ખબર જ નથી એ વિશે. મેં કંઈ નથી કર્યું." કાવ્યા હેબતાઈને બોલી.

"તે કાંઈ નથી કર્યું કાવ્યા. પણ મેં તને જોઈ એના લીધે મોત થયું એમ કહી શકાય."

"એ કેવી રીતે?"

"તારા જોબ છોડ્યા નાં બે મહિના બાદ શરૂ થયું હતું એ બધું. ઓફિસમાં જ ખીચડી રંધાઈ રહી હતી અને એમાં તારો અમન પણ સામેલ હતો." પડછાયો ગુસ્સામાં બોલ્યો.

"શું? અમન સામેલ હતો આ બધામાં?" કાવ્યા આ સાંભળી જમીન પર ફસડાઇ પડી અને રડવા લાગી.

પડછાયો બોલ્યો, "કાવ્યા, તારે હિંમત રાખીને બધું સાંભળવું પડશે. પહેલાં પૂરી વાત સાંભળી લે પ્લીઝ.."

"ઓકે! જણાવો બધું. હું સાંભળવા માટે તૈયાર છું." કાવ્યા પોતાની જાતને હિંમત આપતાં બોલી અને જમીન પર જ બેસી રહી. પડછાયો પણ તેની સામે પલાંઠી વાળીને બેસી ગયો અને શરું કરી પોતાની આપવીતી...

*************

વધુ આવતા અંકે