Pranaybhang - 4 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 4

Featured Books
Categories
Share

પ્રણયભંગ ભાગ – 4

પ્રણયભંગ ભાગ – 4

લેખક - મેર મેહુલ

દિવસ અને રાતનાં સમયે વ્યક્તિના મૂડમાં જમીન આસમાનનું અંતર હોય છે. જે માણસ દિવસ દરમિયાન સપાટ ભાવે વર્તન કરતો હોય એ પણ રાતે લાગણીઓનાં ભવરમાં ફસાઈ જાય છે. રાતનો સમય જ કંઈક જુદો હોય છે. માણસ આ સમયે પોતાની સાથે જ વાતો કરે છે. ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યનાં સપનાં જુએ છે. આ એ સમય છે જ્યારે લાગણીઓ મુક્ત પણે વિહાર કરે છે. જે વાત મનમાં હોય છે એ આપોઆપ બહાર આવી જાય છે.

અખિલ પણ રાતના સમયે આવી જ પરિસ્થિતિમાં હતો. એ સિયાથી દૂર રહેવાનાં પ્રયાસ કરતો હતો પણ આજે જે ઘટનાં બની તેથી અખિલ તેનાં તરફ વધુ આકર્ષાયો હતો. સિયા સાથે વાતો કરવી, ચોરીછુપે સિયાનું નિરીક્ષણ કરવું અને ખાસ સિયા દ્વારા અખિલને ચા માટે આમંત્રણ આપવું એ વિચારતો અખિલ ટેરેસ પર આમતેમ ઘુમતો હતો.

“કેમ છે તબિયત હવે ?” સીયાએ સામેની અગાસી પરથી અવાજ આપ્યો.

અખિલે સિયા તરફ જોયું. સિયા બેબી સ્યુટ જેવા પોશાકમાં ઢીંગલી લાગી રહી હતી.

“સારું છે હવે” અખિલે કહ્યું, “સવાર માટે થેંક્યું કહેતાં ભૂલી ગયો હતો સો થેંક્યું”

“શું કહ્યું, મને કંઈ સંભળાયું નહિ” સિયાએ અખિલ તરફ કાન ધરવાનું નાટક કર્યું.

“થેંક્યું સવાર માટે” અખિલે થોડું જોરથી કહ્યું.

“શું…હજી નથી સંભળાતું” સિયા હજી નાટક કરતી હતી.

“અરે થેંક્યું સવાર માટે એમ” અખિલે બુમ પાડી.

“હજી નથી સંભળાતું” કહેતાં સિયા હસવા લાગી.

“જવા દે એ વાતને” આખરે અખિલે હાર માની લીધી.

“તું એક કામ કરને, મારી અગાસી પર આવી જા. તું શું કહેવા માંગે છે એ હું સાંભળી લઈશ”

“એવું, તો રાહ જો બે મિનિટ”કહેતાં અખિલ નીચે આવ્યો.બોક્સર કાઢી, નાઈટ ટ્રેક પહેરી એ ઉત્સાહિત થઈ સિયાના ઘર તરફ ગયો.

સિયા દરવાજે તેની રાહ જોઈને ઉભી હતી.

“બોક્સરમાં તું સારો જ લાગતો હતો” દરવાજો ખોલતાં સિયાએ કહ્યું.

“ઓકવર્ડ ફિલ થાય મને” અખિલે કહ્યું.

“ઓકવર્ડ ફિલ થાય કે પછી….” સિયા આંખો ત્રાંસી કરીને મલકાતી હતી.

“એવું કંઈ નથી” અખિલ શરમાયો, “તું કહે તો બોક્સર પહેરીને આવું”

“ના, હું તો મજાક કરતી હતી”સિયાએ હસીને કહ્યું, “ચાલ અગાસી પર બેસીએ”

“તું આટલાં મોટા ઘરમાં એકલી કેમ રહી શકે” અખિલે ઉપર નજર કરીને કહ્યું, “મતલબ એકલું એકલું ના લાગે ?”

“તું એકલો રહી શકે તો હું ના રહી શકું ?” સિયાએ ખભા ઉછાળ્યા.

“હું તો GPSCની તૈયારી કરું છું એટલે મારો પૂરો સમય વાંચવામાં જ જતો રહે છે” અખિલ દાદરા ચડતાં ચડતાં સિયાને જોઈ રહ્યો હતો.

“હા તો હું પણ નવરાશના સમયમાં નવલકથાઓ વાંચું છું” સિયાએ કહ્યું, “મારાં શેલ્ફમાં નવલકથાઓનું મોટું કલેક્શન છે”

બંને અગાસી પર પહોંચી ગયાં હતાં. સિયા પાળી પર બેસી ગઈ અને અખિલ પાળીને ટેકો આપી નીચે નજર કરીને ઉભો રહ્યો.

“તને આઈકોન્ટેકટ કરવામાં પ્રૉબ્લેમ થાય છે” સિયાએ પૂછ્યું. સિયાએ આ વાત નોટિસ કરી હતી.અખિલે એકવાર પણ સિયા સાથે આંખો નહોતી મેળવી.

“ના તો, કેમ એવું પૂછે છે ?” અખિલ હજી નીચે નજર કરી ઉભો હતો.

“મારી આંખોમાં આંખ પરોવીને વાત કરને” સિયાએ કહ્યું, “શું મારી આંખો એટલી ખરાબ છે?”

“ના હવે એવું કશું નથી” અખિલે નજર ઊંચી કરી સિયાની આંખોમાં જોયું અને બીજી જ સેકેન્ડે ફરી આંખો જુકાવી લીધી.

“મારી નજર સામે તું આંખો ચુરાવે છે અને તને પ્રૉબ્લેમ નથી એમ કહે છે” સિયાએ કહ્યું, “ચાલ એક ગેમ રમીએ, જે એકબીજાની આંખોમાં વધુ સમય જોઈ શકશે એ જીતી જશે અને કાલે સાંજે એણે આઈસ્ક્રીમની ટ્રીટ આપવી પડશે”

અખિલ પણ પાળી પર બેસી ગયો.

“આ ગેમ તું જ જીતવાની છે, હું તારી સાથે આઈકોન્ટેકટ નથી કરી શકવાનો” અખિલે ખભા જુકાવીને કહ્યું.

“એમ ના ચાલે, ગેમમાં હાર થાય એ બીજીવાત છે પણ રમ્યા વિના જ તું હાર ના સ્વીકારી શકે અને એક સ્ત્રી સામે હારવું મતલબ બધું હારી જવા જેવું થયું” સિયા અખિલને ગેમ રમવા ઉકસાવતી હતી. અખિલે નજર ઊંચી કરી.

“આમ તો મને કોઈની સાથે આઈકોન્ટેકટ કરવામાં હેઝીટેશન ફિલ નથી કરતો અને તને પણ આસાનીથી હરાવી શકું છું”

“ચાલ તો શરૂ કરીએ” સિયાએ ગાલ ગુલાબી કર્યા.

અખિલે સિયાની આંખોમાં આંખ પરોવી. પાંચ સેકેન્ડ..દસ સેકેન્ડ…ત્રીસ સેકેન્ડ સુધી બંનેમાંથી કોઈએ પલક ના જપકાવી. બંનેના ચહેરા પર સ્મિત રમતું હતું. અખિલ ફરી એ કથ્થાઈ આંખોમાં ડૂબી રહ્યો હતો. ધીમે ધીમે તેનાં ચહેરો ભાવ બદલી રહ્યો હતો. સિયા એ મોટું સ્મિત કર્યું અને આંખ મારી એટલે અખિલ નીચું જોઈ ગયો.

“આ ચિટિંગ કહેવાય, તું આંખ ના મારી શકે” અખિલે નાક ફુલાવ્યું.

“કંઈ રીતે ચિટિંગ કહેવાય ?, આપણે બંને આંખો પલકાવતાં હતા અને વાત આંખો મેળવવાની થઈ હતી” સિયાએ હસીને કહ્યું.

“એ મને નથી ખબર પણ તે મારું ધ્યાન ભટકાવી દીધું એટલે મારી નજર જુકી ગઈ” અખિલે હવે દલીલ શરૂ કરી હતી.

“હું આંખ મારું અને તારું ધ્યાન ભટકી જાય ?” સિયાએ ફરી અખિલ સામે આંખ મારી.

“હાસ્તો, આ ગેમમાં હું નથી હાર્યો” અખિલે કહ્યું.

“સારું હું કાલે આઈસ્ક્રીમની ટ્રીટ આપીશ, તને આઈકોન્ટેકટ કરાવવા આવી સો ટ્રીટ કુરબાન છે”

“વાત ટ્રીટની નથી. તે ચિટિંગ કર્યું હતું અને ચિટિંગ, ચિટિંગ હોય છે”

“સૉરી” સિયાએ કહ્યું, “તું આંખો જુકાવતો નહોતો એટલે મારે આવું કરવું પડ્યું”

“ચાલાકી અને એ પણ મારી સાથે” અખિલે છાંતી ફુલાવી કટાક્ષ કર્યું.

“હા હવે આવ્યો મોટો ચાલાક” સિયાએ હસીને કહ્યું, “જ્યુસ ચાલશે? ,મેં હમણાં જ બનાવ્યું છે”

“આપણે ચાની વાત થઈ હતી” અખિલે કહ્યું.

“એ તો પછી કોઈક દિવસ, અત્યારે ગરમીમાં જ્યુસ પીવાની મજા આવે” સિયાએ પાળી પરથી કૂદકો માર્યો.

“હું લઈ આવું, તું બેસ થોડીવાર” કહેતાં સિયા પગથિયાં ઉતરવા લાગી. થોડીવાર પછી હાથમાં બે મોટા જ્યુસના ગ્લાસ સાથે સિયા ઉપર આવી. એક ગ્લાસની આંગળીઓ વચ્ચે સિગરેટનું પેકેટ હતું. એ જોઈ અખિલની આંખો મોટી થઈ ગઈ.

“તું સિગરેટ પીવે છે ?” અખિલે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“કેમ તું નથી પીતો ?” સિયાએ હસીને કહ્યું, “કાલે જ ચાની લારી પાસે ફૂંકતા જોયો હતો તને”

“હું તો ફૂંકુ જ છું પણ તું એક ડોક્ટર છે અને ડોકટર….”

“ડોક્ટર માણસ નથી ?, તેને શોખ કે ટેંશન ના હોય”

સિયાએ જ્યુસનો એક ગ્લાસ અખિલનાં હાથમાં આપ્યો. અખિલે જ્યુસનો એક ઘૂંટ ગળા નીચે ઉતારીને પૂછ્યું, “તું શોખ માટે પીએ છે કે ટેંશનમાં આવીને ?”

“પહેલા એકલતાં દૂર કરવા પીતી પણ હવે આદત પડી ગઈ છે. તને કેવી રીતે લત લાગી ?” સિયાએ પૂછ્યું.

અખિલ જ્યુસનો ગ્લાસ એક ઝટકા સાથે પેટમાં ઉતારી ગયો. પાળી પર ગ્લાસ રાખી સિયાના હાથમાંથી સિગરેટનું પેકેટ લઈ તેણે કહ્યું, “એ જ એકલતાં દૂર કરવા”

“હવે એમ ના કહેતો કે આપણે બંને સાથે છીએ તો એકલાં કેમ કહેવાય” સિયાએ હસીને કહ્યું, “હું સિગરેટ નથી છોડવાની”

“એવું કહેવા વાળો હું કોણ ?” અખિલે સિગરેટનો એક કશ ખેંચીને હળવી મુસ્કાન સાથે કહ્યું, “સિગરેટ પાર્ટનર મળી ગઈ એ જાણીને હું ખુશ થયો”

“તો એ વાત માટે મને પણ એક કશ આપ” સિયાએ પણ અખિલનાં હાથમાંથી સિગરેટ લઈ એક કશ ખેંચ્યો અને ચહેરો ઊંચો કરી ધુમાડા હવામાં છોડ્યા. અખિલ સિયાની આ હરકત જોઈ રહ્યો હતો.

“એકલતાં કોરી ખાય છે નહીં !” અખિલે સાવ ધીમેથી કહ્યું.

“હા, શેખરનાં ગયાં પછી એકલતાં જ મારી સાથે રહી છે, અમે બંને મૌન રહીને કલાકો સુધી વાતો કરીએ છીએ. એ પણ મારી સાથે રોજ એક ગેમ રમે છે. અમારાં બંનેમાંથી કોણ વધુ સમય માટે ચૂપ બેસી રહે તેની એ શરત લગાવે છે અને હંમેશા હું જ જીતી છું” સિયાનાં અવાજમાં ભીનાશ હતી.તેણે અંદર ઘણુંબધું દફનાવીને રાખ્યું હતું પણ કોઈ દિવસ કોઈને કહી શકી નહોતી.

“તે બીજા લગ્ન કેમ ના કર્યા ?” અખિલે પૂછ્યું.

અખિલ સામે જોઈ સિયા હળવું હસી. પછી આકાશમાં નજર કરી અને ફરી સિગરેટનો એક કશ ખેંચ્યો.

“મારાં નસીબમાં જ આ લખ્યું હશે. હું ડરપોક છું. બીજીવાર મારી સાથે આવું થશે તો હું સહન નહિ કરી શકું એ ડરથી હવે હું લગ્ન કરવા નથી ઇચ્છતી”

“એવું નથી હોતું સિયા” અખિલે પોતાની બાલ્કનીમાં નજર સ્થિર કરી, “આગળ શું થશે એ વિચારીશ તો તું વર્તમાનમાં જીવી જ નહીં શકે. આપણે ભૂતકાળમાં જે ગુમાવ્યું છે એ યાદ કરતાં રહીશું તો વર્તમાનમાં કશું જ નહીં મેળવી શકીએ”

સિયાએ અખિલની આંખોમાં આંખ પરોવી. થોડીવાર માટે સિયા એ આંખોમાં કશુંક શોધતી રહી. આખરે તેને એ ન મળ્યું એટલે તેણે પૂછ્યું, “તને કોઈ દિવસ પ્રેમ નથી થયોને ?”

“ના, પણ એ વાત અને આ વાત વચ્ચે શું સામ્યતા છે ?” અખિલે પૂછ્યું.

“જ્યારે ગમતી વ્યક્તિ આપણાથી દૂર થાયને અખિલ સાહેબ, ત્યારે આ દુનિયા ધગધગતા રણ જેવી લાગે છે. જ્યાં વૃક્ષો નથી, પાણી નથી, લોકોની અવરજવર નથી. છે તો માત્ર યાદોનું મૃગજળ અને એ પણ આપણને તેની પાછળ પાછળ દોડાવે છે”

“આપણે ક્યાં એ દિશામાં જઈ રહ્યા છીએ ?” કહેતાં સિયા હસવા લાગી, “પહેલી મુલાકાતમાં આવું બધું બોલવું સારું ના લાગે”

“મને તારી વાતો સાંભળવી ગમે છે” અખિલે કહ્યું, “તારાં શબ્દો તારાં દિલમાંથી નીકળે છે. હું મહેસુસ કરી રહ્યો છું”

“આપણે દોસ્ત બન્યાં એને હજી એક દિવસ પણ નથી થયો અને તું મારી વેદના મહેસુસ કરે છે !” સિયાએ મુસ્કુરાઈને કહ્યું, “તું પહેલાં ક્યાં ગયો હતો ?”

“હાહા..હું વાંચવામાં વ્યસ્ત હતો” કહેતાં અખિલ હસવા લાગ્યો. અખિલને હસતો જોઈ સિયા પણ હસી પડી.

“તે દવા પીધી કે નહી ?” સિયાએ પૂછ્યું.

“એ તો ઓગળી પણ ગઈ હશે” અખિલે કહ્યું.

“તે ત્રણેય ટાઈમ મને આ વાત યાદ અપાવી એ માટે મારે તારો આભાર માનવો જોઈએ અને હું એ જ કહેવા આવ્યો હતો” અખિલે પોતાનાં કપાળે હથેળી મારી.

“બધી વાતમાં શબ્દોથી જ આભાર વ્યક્ત કરવી જરૂરી નથી હોતો, તું અહીં આવીને બેઠો, મારી સાથે વાત કરી એમાં આવી ગયું” સિયાએ સ્મિત કરતા કહ્યું.

અખિલે પણ સિયાને વળતાં જવાબમાં એક સ્માઈલ આપી.

“સારું તો હવે હું નીકળું, મારે વાંચવાનું પણ છે” અખિલે શેકહેન્ડ કરવા હાથ લંબાવીને કહ્યું.

“આવતો રહેજે, આપણી દોસ્તીમાં જંગ ના લગાવો જોઈએ” સિયાએ અખિલ સાથે શેકહેન્ડ કર્યો.પછી બંને દાદરા ઉતરી ગયાં.

( ક્રમશઃ )