રહસ્યમય જંગલ.. પ્રકરણ ૨
(આગળના પ્રકરણમાં તમે વાંચ્યું...પાલડી ગામની સીમમાં એક જંગલ આવેલું છે જેમા અંદર જનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. એ જંગલથી થોડે દૂર બે ભાઇઓ મહેશ અને ગૌરવ રમી રહ્યા હતા. અને અચાનક ગૌરવ જંગલમા ચાલ્યો જાય છે અને એ સાથે જ ગામલોકો પણ ત્યાં આવી પહોંચે છે અને ત્યાંનો નજારો જાઇને એ દંગ થઇ જાય છે. હવે આગળ..)
* * * * * *
રાજીબેને જે જોયું એ જોઇને એમની આંખો ફાટી ગઇ. એ જ હાલ એમના પતિ મનોજભાઇનો હતો. એમની સાથે કૌશિકના પપ્પા અને ગામના સરપંચ કેશવભાઇ પણ હતા. એ બધા જ એમની સામેનો નજારો જોઇ રહ્યા હતા.
એમની સામે આછા અજવાળામાં મહેશ જમીન પર બેસીને કોઇને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ એનો મોટો ભાઈ ગૌરવ હતો જે જમીન પર બેભાન પડ્યો હતો. મહેશ એકધારો રાડો પાડીને એને જગાડી રહ્યો હતો. એ રડતા રડતા 'મોટા ઉઠ.. મોટા ઉઠ' ની રાડો નાખી રહ્યો હતો. પણ ગૌરવ બિલકુલ નિસ્તેજ પડ્યો હતો. એ જરા પણ હલી રહ્યો ન હતો.
રાજીબેન દોડતા દોડતા એ બંનેની પાસે આવ્યા અને આવતા ભેર એ ગૌરવને ઉઠાડવા લાગ્યા. એ રડમસ અવાજે એને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. " ગૌરવ શું થયુ તને ઉઠ દીકરા" એ રડતા રડતા બોલ્યા. મનોજભાઇ પણ પોતાના દીકરાને લઈને ખૂબ જ ચિંતિત દેખાય રહ્યા હતા. એમણે મહેશને પુછતા કહ્યું, "મહેશ શું થયું અહી? આ ઉઠતો કેમ નથી?"
" પપ્પા.... પપ્પા...." મહેશે રડતા રડતા કહ્યું, "મને નથી ખબર.. હું... હું.. તો આ બાજુ રમી રહ્યો હતો. અને અચાનક મે પાછું વળીને જોયું તો મોટો જંગલ તરફ જઈ રહ્યો હતો.."
આ સાંભળતાં જ ત્યાં ઉભેલા બધાની આંખોમા ભય દેખાય ગયો. સાથે એક આશ્ચર્ય પણ હતું કારણ કે એ જંગલ માંથી બહાર જીવતો આવનારો એકમાત્ર શખ્સ એમની સામે બેભાન પડ્યો હતો. મહેશની વાત સાંભળીને મનોજભાઇનો ગુસ્સો બહાર આવ્યો.. એમણે મહેશને ખીજાતા કહ્યું," એ ત્યાં શું કરવા ગયો હતો? તમને બંનેને ના નથી પાડી કે જંગલ બાજુ નહી જવાનુ?"
મહેશ નીચું મોં કરીને સાંભળી રહ્યો હતો. સરપંચ કેશવભાઈએ એમને શાંત પાડતા કહ્યું, " મનોજ આને શું કામ ખિજાય છે? સારૂ કે કે તારો છોકરો ત્યાંથી પાછો આવી ગયો."
" પણ પાછો ક્યાં આવ્યો છે હજુ? " મનોજભાઇએ ચિડાતા કહ્યું," જોવ ને શું થઇ ગયું છે એને?" જમીન પર નિસ્તેજ પડેલા ગૌરવ તરફ આંગળી ચીંધીને એમણે કહ્યું.
" એ જીવિત છે એટલું જ બસ છે" રાજીબેને કહ્યું. એમને પણ ગૌરવ જંગલમાં ગયો હતો એ જાણીને ખુબ જ આઘાત લાગ્યો હતો. પણ એ પાછો આવી ગયો એટલે એ મનોમન ભગવાનને ધન્યવાદ કરી રહ્યા હતા.
સરપંચ કેશવભાઇ મહેશને છાનો રાખતા કહ્યું, "બેટા બસ છાનો થઈ જા.. અને તું મને એ જણાવ કે તે તારા ભાઇને જંગલમાં જતા જોયો પછી શું થયું?"
મહેશ હવે પહેલાંથી વધુ સ્વસ્થ થયો હતો. એણે પોતના આંસુ લૂછીને જવાબ આપ્યો, " સરપંચ કાકા, મે મોટાને જંગલમાં જતા જોયો તો હું ખુબ જ ડરી ગયો. મે એને રાડો નાખી નાખીને બોલાવ્યો. અને એ બાજુ ન જવા કહ્યું. હું ખૂબ જ ડરી ગયો હતો. એટલે જંગલની વધારે નજીક ન જઇ શક્યો. પણ.."
" પણ શું?" કેશવભાઈએ પુછ્યું.
" હું ઘર તરફ આવીને માં ને બોલાવવા આવતો જ હતો ત્યાં જ મે એને જંગલમાંથી બહાર આવતા જોયો. એ બહાર આવ્યો અને થોડુક આગળ ચાલીને જ બેભાન થઇ ગયો. મે એને જગાડવાના બોવ પ્રયત્ન કર્યા. પણ એ ન જાગ્યો. પછી તમે બધા આવી ગયા."
આ સાંભળીને બધા દંગ રહી ગયા. કારણ કે આજ સુધી કોઈ દિવસ એ જંગલમાં જનાર પાછો આવ્યો નથી. તો આ ગૌરવ કેમ પાછો આવી ગયો એ કૌઇને સમજ પડતી ન હતી. બધા વિચારી રહ્યા હતા ત્યાં જ ગૌરવ સળવળ્યો.. એણે થોડીવારે ધીરેકથી આંખો ખોલી. આ જોઇને રાજીબેન તો ખુશીથી ઉભરાઈ ગયા. એમણે તરત જ ગૌરવને ગળે લગાવ્યો અને એ રડવા લાગ્યા. એમની સાથે મહેશ પણ રડવા લાગ્યો. પણ એ આંસુ ખુશીના હતા. બધાના જીવમાં જીવ આવ્યો.
મનોજભાઇએ ગૌરવને પુછ્યું, " બેટા શું થઇ ગયું હતું તને તું ઠીક તો છે ને.."
ગૌરવે જવાબ આપ્યો," હા હું ઠીક છું પપ્પા.. બસ થોડા ચક્કર આવી ગયા હતા."
એ સાંભળીને એમના જીવને શાંતિ થઇ. પછી કંઇક યાદ આવતા એમણે ગુસ્સે થઈને કહ્યું, "તારો ભાઇ કહેતો હતો કે તું જંગલમાં ગયો હતો? નાં નથી પાડી ત્યાં જવાની શું કરવા ગયો હતો?"
" કંઇ નહીં પપ્પા.. બસ ખાલી એમ જ ગયો હતો. હવે નહી જાવ.. " ગૌરવે માફી માગતા કહ્યું.
કૌશિકના પપ્પાએ કહ્યું, " ચાલો હવે જે કહેવું હોય તે ઘરે જઈને કહેજો. અંહીયા અત્યારે બેસવું સલામત નથી. "
બધા એમની સાથે સહમત થયા. અને ત્યાંથી રવાના થઈ ગયા. ચાલતા ચાલતા ગૌરવે એક વાર પાછળ નજર કરી. અંધારામાં એ જંગલ ખુબ જ ડરામણું ભાસતું હતું. ત્યાં કંઇક જોઇને એના મોઢા પર એક રહસ્યમય સ્મિત ફરકી ગયું.
(ક્રમશઃ)
* * * * * *