Pratishodh - 2 - 10 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 10

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-10

નવેમ્બર 2019, મયાંગ

પંડિત શંકરનાથ દ્વારા સૂર્યા માટે જે વસ્તુ અમાનત સ્વરૂપે રાખવામાં આવી હતી એ અત્યારે સૂર્યા ઉર્ફ આદિત્યના હાથમાં હતી. એ વસ્તુ હતી પંડિત શંકરનાથ દ્વારા લખાયેલી એક ડાયરી. સૂર્યાએ ડાયરીનું પ્રથમ પાનું ખોલ્યું અને અંદર શંકરનાથ દ્વારા શું લખવામાં આવ્યું હતું એ વાંચવાનું શરૂ કર્યું.

"સૂર્યા આ ડાયરી ફક્ત ડાયરી નહીં પણ મારી આખી જીંદગીના અનુભવોનો નિચોડ છે. માટે આ ડાયરી ખૂબ જ શાંત ચિત્તે અને એકાંતમાં વાંચજે."

પ્રથમ પાને લખવામાં આવેલ આ શબ્દોની અસર રૂપે સૂર્યાએ ડાયરીને પોતાની ખભે લટકતી બેગમાં મૂકી અને પોતાની જોડે ઊભેલા દાસકાકા તરફ જોઈને બોલ્યો.

"કાકા, હું તળાવ કિનારે જાઉં છું. સાંજે તમારા ઘરે આવીશ જમવા માટે, જમાડશો ને તમારા સૂર્યાને?"

"દીકરા આ તો મારા માટે ગર્વની વાત છે કે તું મારા ઘરે ભોજન ગ્રહણ કરીશ." હર્ષભેર દાસકાકાએ કહ્યું. "બોલ શું બનાવવું છે જમવામાં?"

"તમે પ્રેમથી જે જમાડો એ." આટલું કહી સૂર્યા ઘરમાંથી નીકળી તળાવ તરફ જતાં રસ્તે અગ્રેસર થયો. દાસકાકા તળાવ તરફ જતાં સૂર્યાની પીઠ તકતા મનોમન સૂર્યાને હેમખેમ રાખવા માટે પોતાનો ઇષ્ટદેવનો આભાર માની રહ્યા હતાં.

સૂર્યા પંદર મિનિટ જેટલું ચાલીને ગામને ભાગોળ આવેલા તળાવ જોડે આવીને ઊભો રહ્યો. આ એ જ તળાવ હતું જ્યાં એ નાનપણમાં અવારનવાર પોતાના દાદા જોડે આવતો. અહીં આવેલા ઘેઘુર વડની છાયામાં બેસીને સૂર્યા મનોમન પોતાના દાદા જોડે પસાર કરેલ સમયની સ્મૃતિઓને વાગોળી રહ્યો હતો.

સૂર્યાએ ખભે લટકતી બેગને પીઠ અને વડવૃક્ષનાં થડ વચ્ચે રાખી અને ડાયરીનું આગળનું પાનું ખોલ્યું.

"સૂર્યા અત્યારે તારા હાથમાં આ ડાયરી હોવાનો અર્થ છે કે દુનિયામાં શૈતાનના જન્મનો સમય થઈ ચૂક્યો છે. આ વખતે શૈતાન પૂરી તૈયારી સાથે જગત પર અવતરિત થશે જેને રોકવાની શક્તિ કોઈનામાં નહીં હોય."

"આ શૈતાનનો જન્મ થાય એ પહેલા જ તારે એનો નાશ કરી દેવો પડશે. હું જાણું છું કે તારા મનમાં આ બધું વાંચતી વખતે એકસાથે હજારો પ્રશ્નો રમી રહ્યા હશે. તને થતું હશે કે મને કેમની ખબર કે તું ક્યારે અને કેવા સંજોગોમાં મયાંગ આવીશ અને શૈતાનનો નાશ તારા હાથે જ થશે?"

"તારા અને મારા શરીરમાં ચિન્મયાનંદ પંડિતનું રક્ત વહે છે એટલું પૂરતું છે તને અને મને બાકીનાં તંત્ર-મંત્ર વિદ્યાનું જ્ઞાન ધરાવતા લોકોથી મહાન બનાવવા માટે. મારા દાદા ચિન્મયાનંદ પંડિત ઉર્ફ ચૂરા બેઝ વાઘને કાબુમાં લેવાની અને ગાયબ થવાની શક્તિ પણ ધરાવતા એવું મેં મારી સગી આંખે જોયેલું છે. ગમે તેવો વિકરાળ વાઘ કેમ ના હોય એમની આગળ કોઈ પાલતુ શ્વાનની માફક પૂંછડી પટપટાવતો."

"આ બધું ઓછું હોય એમ તું એક એવી વિરલ દિવ્યાત્માનો બીજો અવતાર છે જેમની શક્તિ આગળ અરુઝા અને ઈકાવા કબીલાનાં શક્તિશાળી જીન્ન પણ ઘૂંટણિયે પડી ગયાં હતાં. જે દિવસે તારો જન્મ થયો એ દિવસના ગ્રહો અને નક્ષત્રોની દશા પરથી મને ખ્યાલ આવી ગયો હતો કે આટલી શક્તિશાળી કુંડળી ધરાવતો બાળક કોઈ સામાન્ય બાળક ના હોઈ શકે."

"તને જ્યારે પહેલી વાર હાથમાં લીધો એ દિવસે મારા શરીરની અંદર જે લાગણી ઉત્તપન્ન થઈ હતી એ હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. તારા માતા-પિતાનું અવસાન અને મારા થકી તારો ઉછેર બધું તારી નિયતીમાં પહેલેથી જ લખાયેલું હતું. હું ધન્ય છું કે જગતના બચાવ અને કલ્યાણ માટે તને તૈયાર કરવાની જવાબદારી ભગવાને મને આપી."

"તું આગળનાં જન્મમાં કોણ હતો એ હકીકત હું તને જણાવી શકું એમ નથી કેમકે એ તારે તારી રીતે જ જાણવું પડે એમ છે. હું તો બસ તને એટલું કહીશ કે જો શૈતાનના જન્મનો સમય નજીક હશે તો તને તારા પૂર્વજન્મનો પૂર્વાભાસ અવશ્ય થશે. તને જ્યારે સમજાશે કે તું ગયાં જન્મમાં શું હતો તો તને એ દિવ્યાત્માની તમામ શક્તિઓનું પણ જ્ઞાન આવી જશે."

"આ ડાયરીમાં મેં દરેક ડિમન, દરેક જીન્ન, દરેક પિશાચ અને શૈતાની આત્માઓને કાબુમાં કરવાની વિધિઓ લખેલી છે જેનો તું સમય આવે ઉપયોગ કરી શકે છે પણ અત્યારે તારે એક જગ્યાએ જવું ખૂબ જ આવશ્યક છે અને એ જગ્યાનું નામ છે તારાપુર."

તારાપુર નામ વાંચતા જ સૂર્યાના મનમાં એક ઝબકારો થયો, આ સ્થાન વિશે તો એકાદ-બે વાર એને શંકરનાથ પંડિતના મુખેથી કંઈક સાંભળ્યું હતું પણ એ શું હતું એ સૂર્યાને ઘણું વિચારવા છતાં પણ યાદ નહોતું આવી રહ્યું.

સૂર્યાએ વિચારવામાં પંદરેક મિનિટ ખર્ચી દીધી છતાં એને તારાપુરનો ઉલ્લેખ એને શેના સંદર્ભમાં સાંભળેલો એ યાદ ના આવ્યું તે ના જ આવ્યું.

બપોરનો સમય થઈ ગયો હતો અને સૂર્યાને ભૂખ પણ લાગી હતી. એને પોતાની બેગમાં રાખેલી એક સેન્ડવીચ નીકાળી અને પેટની ભૂખને થોડી શાંત કરી.

દાદાએ આગળ પોતાના માટે વધુ કંઈ લખ્યું છે કે નહીં એ જાણવાની તાલાવેલી સાથે સૂર્યાએ ડાયરીનાં આગળનાં પાના ફેરવવાનું આરંભ્યું.

"સૂર્યા તું તારાપુર જઈશ ત્યાં તને તારા સઘળા સવાલોનો જવાબ શક્યવત મળી જશે. મારી ગેરહાજરીમાં તને તારાપુરમાં આવેલી લાલ કોઠીમાં રહેતો મારો એક જૂનો મિત્ર તારા દરેક સવાલોનો જવાબ આપશે."

"તારું આ જીવન મનુષ્યજાતીનાં રક્ષણ માટે ન્યોછાવર કરવાનો સમય આવી ચૂક્યો છે. નેકી અને બદી, દેવ અને દાનવ, સત્ય અને અસત્ય, ઈશ્વર અને શૈતાન વચ્ચેની આ લડાઈમાં મનુષ્યોનાં પ્રતિનિધિ તરીકે ભગવાને તારું ચયન કર્યું છે, અને મને વિશ્વાસ છે કે મારો દીકરો કોઈને નિરાશ નહીં કરે."

"માં કાળી તારી રક્ષા કરે..વિજયી ભવઃ.!"

આ સાથે જ શંકરનાથ પંડિત દ્વારા સૂર્યાને સંબોધીને લખવામાં આવેલું લખાણ પૂર્ણ થતું હતું, એનાં પછીના પન્ના પર વિવિધ શૈતાની શક્તિઓની શક્તિ અને કમજોરી બંનેનું વ્યવસ્થિત વર્ણન હતું. પોતાના દાદાજી આટઆટલી વસ્તુઓનું જ્ઞાન ધરાવતા હતાં એ જોઈ સૂર્યાનું આશ્ચર્ય બેવડાઈ ગયું. જે શક્તિશાળી ડિમન અને શૈતાની શક્તિઓ અંગે પેરાનોર્મલ એન્ટીટીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એમનાં પ્રોફેસરોને વધુ માહિતી નથી એ બધાં અંગે શંકરનાથ પંડિત જે માહિતી ધરાવતા હતાં એ અદ્ભૂત હતી.

સૂર્યાએ ધીરે-ધીરે શાંત ચિત્તે એક પછી એક દરેક ડિમન, જીન્ન અને પિશાચ અંગે ડાયરીમાં લખેલી માહિતીને વાંચવાનું શરૂ કર્યું. પાયમોન, લીલીથ, પેમોન જેવા ડિમન....બેતાલ, ઇફરિત, શિરી, શયતાન જેવા જીન્ન ઉપરાંત...નરપિશાચીની, ચુડેલ, ખવીસ અંગેની રોચક માહિતી સાથેના અમુક પ્રસંગો આ ડાયરીમાં મોજુદ હતાં. આ ડાયરી ભૂત-પ્રેતને કાબુમાં લેનારા લોકો માટે ગીતા સમાન હતી એમાં કોઈ શંકાને સ્થાન નહોતું.

સૂર્યા જ્યાં સુધી ડાયરી વાંચી રહ્યો ત્યાં સુધી સાંજના છ વાગી ચૂક્યા હતાં, ભારતના આ પૂર્વોત્તર ભાગમાં નવેમ્બરની શરૂઆતમાં ઠંડક પ્રસરી ચૂકી હતી. સૂર્યા પોતાની જગ્યાએથી ઊભો થયો અને પોતાના જોડે રહેલી ડાયરીને બેગમાં મૂકવા ગયો ત્યાં એક વિચિત્ર ઘટના બની.

શંકરનાથ પંડિતની એ ડાયરીમાં અચાનક તીવ્ર આગ લાગી અને પાંચ સેકંડની અંદર તો પૂરી ડાયરી રાખમાં પરિવર્તિત થઈ ગઈ. સૂર્યા સમજી ગયો કે આ ડાયરી ફક્ત પોતાના માટે હતી; બીજા કોઈ વ્યક્તિનાં હાથમાં આ ડાયરી ના આવે એની વ્યવસ્થાના ભાગરૂપે પંડિતે પોતાની મંત્રવિદ્યાથી એવી ગોઠવણ કરી હતી કે સૂર્યા જેવી ડાયરી વાંચવાનું પૂરું કરે એ સાથે જ એનો નાશ થઈ જાય.

સૂર્યાએ આ ચમત્કારને મનોમન નમસ્કાર કર્યા અને દાસકાકાના ઘર તરફ ચાલી નીકળ્યો.

દાસકાકાની પત્નીએ સૂર્યા માટે ખીર અને પુરીઓ બનાવી હતી. સૂર્યાને આગ્રહ કરીકરીને દાસ અને એની પત્નીએ ભોજન કરાવ્યું. એમના આ પ્રેમના લીધે સૂર્યાની આંખો ભરાઈ આવી, અને એને ભરપેટ ભોજન લીધું.

ભોજન બાદ સૂર્યાને લઈને દાસકાકા ગામનાં ચોરે આવ્યા અને ગામનાં અન્ય વડીલો જોડે સૂર્યાની મુલાકાત કરાવી. શંકરનાથ પંડિતનો પૌત્ર હજુ જીવીત છે એ જાણી ગામનાં લોકો પણ ખૂબ જ આનંદિત થયાં. રાતનાં દસેક વાગ્યા સુધી એ લોકો સાથે અહીંતહીંની વાતો કર્યા બાદ સૂર્યા અને દાસ બંને દાસના ઘરે પાછા આવ્યા ત્યારે એમના માટે ખાટલા પથરાઈ ચૂક્યા હતાં.

ઠંડકભરી હવા અને દિવસભરનાં થાકને લીધે સૂર્યા જેવો ખાટલામાં લાંબો થયો એ સાથે જ ઘસઘસાટ સુઈ ગયો. પોતે હવે જે કામ પર જવાનો હતો એમાં હવે શાંતિથી સુવાનું લગભગ અશક્ય હતું એ જાણતા સૂર્યાએ આજની રાત મનભરીને સુઈ લેવાનો નિશ્ચય કરી લીધો હતો.

સવારે નિત્યક્રમ પૂર્ણ કરી સૂર્યાએ પોતાની બેગ ખભે ભરાવી અને દાસકાકાની રજા લઈને ચાલતો થયો. દાસ જાણતો હતો કે સૂર્યાને રોકવો શક્ય નથી એટલે એને સૂર્યાને રોકવાનો પ્રયત્ન ના કર્યો અને એને કોઈ સવાલ ના કર્યો.

મયાંગના બસ સ્ટેન્ડ પર જેવી ગુવાહાટીની બસ આવીને ઊભી રહી એ સાથે જ સૂર્યા બસમાં સવાર થઈ ગયો.

ગુવાહાટી પહોંચતા જ વ્રજલાલના ફાર્મહાઉસ પરથી પોતાનો બાકીનો સામાન લઈ સૂર્યા પોતાની નવી મંજીલ તરફ જવા નીકળી પડ્યો, જે હતી તારાપુર. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરે આવેલું તારાપુર ગામ એક સમયે નાનકડું રજવાડું પણ હતું.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)