ચન્દ્ર પર જંગ
યશવન્ત મહેતા
(કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦)
પ્રસ્તાવના
કિશોરસાહિત્યનું એક મોંઘેરું મોતી
ચન્દ્રની ધરતીનો તાગ મેળવવા ત્રણ અમેરિકનોની ટુકડી જાય છે. એમાંથી બે પહેલાં ગુમ થાય છે અને પછી ત્રીજો પણ લાપતા બને છે. એ ત્રણેને શોધવા અને બચાવવા માટે બે ભારતીય અવકાશવીરો કુમાર અને કેતુ ઊપડે છે, અને તે બંને પણ જીવલેણ આફતમાં સપડાઈ જાય છે !
ચન્દ્રની ધરતી ઉપર કયું છે એ ભયંકર જોખમ ? ચન્દ્ર ઉપર પહોંચનાર એક પછી એક સાહસિક અવકાશવીરને કઈ આફત નડી જાય છે ? એનો ભેદ જાણશો ત્યારે તમેય અદ્ધર થઈ જશો.
ચન્દ્રની ધરતી પર ખેલાયેલા અનોખા જંગની આ વાર્તા ફક્ત સાહસકથા નથી, એમાં વિજ્ઞાન પણ છે. એ વાંચશો એટલે તમને ચન્દ્રનો પણ આપણી ધરતી જેટલો જ નિકટનો પરિચય થઈ જશે. કથા તદ્દન વાસ્તવિક અને વૈજ્ઞાનિક પાયા ઉપર ઘડાઈ છે.
*************
વિજ્ઞાનને વફાદાર વાર્તા
ઈ.સ. ૧૯૬૯માં માનવીએ ચન્દ્રની ધરતી ઉપર પહેલવહેલાં પગલાં માંડ્યાં. એ પહેલાં લખાયેલી આ વાર્તા છે.
ચન્દ્રવિજય માટે જુદા જુદા લોકો કેવી દોટ મૂકે છે, કેવી હરીફાઈ કરે છે, એમાં વૈજ્ઞાનિક રસ ઉપરાંત બીજા હીન પ્રકારના રસવાળા લોકો ભળી જવાને પરિણામે કેવી કટોકટી સર્જાય છે, કેવો જીવલેણ જંગ ખેલવો પડે છે, એની આ કથા છે.
આમ તો આ એક કલ્પિત સાહસકથા છે, પરંતુ આ એક વૈજ્ઞાનિક કથા પણ છે, અને અહીં ચન્દ્રની ધરતી, એની ભૂગોળ, એની વિચિત્રતા, એની વિશેષતા વગેરેનો પણ સરસ પરિચય છે. સાથોસાથ અહીં માનવીના સ્વભાવની વિચિત્રતાની કથા તો છે જ. એટલે એ વાંચવામાં કિશોરોને બેવડો રસ પડશે એમ માનું છું. આ શ્રેણીનાં અન્ય પુસ્તકોની જેમ આને પણ કિશોર વાચકો અને વડીલોનો આવકાર મળશે એવી આશા છે.
- યશવન્ત મહેતા
૧૯૭૦
************
પ્રકરણ – ૧ : અવકાશમાં અપહરણ
એપોલો-૧૫.
ચન્દ્ર પર વધુ ને વધુ સંશોધન માટે મોકલાયેલું અમેરિકાનું વિરાટ અવકાશયાન.
એમાં બેસીને બે અમેરીકન વિજ્ઞાનવીરો ચન્દ્ર પર ઉતર્યાં. નામ એમનાં જોન ને જુલિયસ.
પરંતુ તેંત જ એમની સાથે રેડિયો-વેહવાર કપાઈ ગયો. એ ચૂપ થઈ ગયા. ત્રીજો વિજ્ઞાનવીર ડેવિડ એક અલગ યાનમાં બેસીને ચન્દ્રની ફરતો ઘૂમતો હતો. એને કશી ખબર ના પડી.
એમનું શું થયું ? એમને શી આફત નડી ? કોણ જાણે ?
ભારતની વિજ્ઞાનશાળામાં પણ આ અણધારી આફતે સન્નાટો ફેલાવી દીધો.
વિજ્ઞાનશાળામાં કારમી શાંતિ ફેલાઈ ગઈ હતી. સૌ એક જ ચિંતા કરતાં હતાં. જોન અને જીલિયસ સાથેનો સંપર્ક શાથી તૂટી ગયો ? એમના ટ્રાન્સ્મીટરના સંદેશા શા માટે બંધ થઈ ગયા ? શું એમને કોઈ અકસ્માત થયો.
રામનાથે રેડિયો રિસીવર સીમાના હાથમાંથી લીધું. અમેરિકાના અવકાશ મથક કેપ કેનેડી સાથે એમણે સંદેશા-વ્યહાર જોડ્યો, અને ચિંતાતુર સ્વરે પૂછવા લાગ્યાં :
કેપ કેનેડી....કેપ કેનેડી....ભારતીય અવકાશ મથક પાર્થ હું બોલું છું....
જવાબ આવ્યો : બોલો ! શું છે ?
રામનાથે પૂછ્યું : શું થયું છે ?
જવાબ આવ્યો : કશી ખબર પડતી નથી. કદાચ અવકાશયાનને કશોક અકસ્માત થયો હશે. તમે તો જાણો છો કે ચન્દ્રની ધરતી પર કેવી ઝીણી પાવડર જેવી ધૂળના થરના થર જામેલા છે. એ થરમાં અવકાશયાન ડૂબી પણ જાય.
રામનાથે પૂછ્યું : તમે હવે શું કરવા માગો છો ?
જવાબ આવ્યો : હજુ અમે કશો નિર્ણય કરી શક્યા નથી.
રામનાથ કહે : ડેવિડને તમારા શા હુકમો છે ?
અમેરિકી અવકાશ મથકનો જવાબ મળ્યો : ડેવિડને અમે પાછો વળી જવાનું કહ્યું છે.
છેક મોડી રાત સુધી અમેરિકાની સરકાર કશો નિર્ણય કરી ના શકી. ચન્દ્રના ફરતા આંટા મારતો ડેવિડ તો ક્યારનો મંજૂરી માગતો હતો કે મને નીચે ઊતરવા દો ! મને તપાસ કરવા દો ! મારા સાથીઓના જીવનમરણનો સવાલ છે. પણ અમેરિકી સરકાર હવે ગભરાટમાં પડી ગઈ હતી. બે માનવી તો ગુમાવ્યા, હવે ત્રીજાને પણ ગુમાવવાની તૈયારી નહોતી, એટલે ડેવિડને પાછા વળી જવાનો હુકમ અપાયો હતો.
પણ ડેવિડ બહાદુર માણસ હતો. એ પોતાના સાથીઓની ભાળ મેળવવા ચન્દ્ર પર ઉતારવા માગતો હતો. એણે કહી દીધું કે, મને ઉતારવાની મંજૂરી આપવી જ પડશે. મંજૂરી નહિ આપો તો હુકમનો ભંગ કરીને પણ હું તો નીચે ઉતરીશ જ. મને મારા બે મિત્રોના પ્રાણની ચિંતા સૌથી વધારે છે.
એટલે નછુટકે છેક રાતના બે વાગે અમેરિકાના પ્રમુખે ડેવિડને ચન્દ્ર પર ઉતરવાની મંજૂરી આપી.
થોડી વારમાં ડેવિડના સંદેશા આવવા લાગ્યા. કેપ કેનેડીથી આ સંદેશા રેડિયો ટ્રાન્સ્મીટર રિસીવર ઉપર કચ્છ સુધી આવતા હતા. બંને સરકારોએ એવી ગોઠવણ કરી રાખી હતી.
અચાનક જ ટેલિફોન ખખડ્યો. વૈજ્ઞાનિક રામનાથ પોતે એ લેવા દોડ્યા. દોડતાં દોડતાં બોલ્યા : મેં દિલ્હી સરકાર સાથે વાત કરવા ટેલિફોન જોડાવ્યો છે.
ટેલિફોનનું રિસીવર ઉપાડીને એમણે પૂછ્યું : હલ્લો, કોણ ?
જવાબ મળ્યો : અવકાશ વિજ્ઞાન પ્રધાન, નવી દિલ્હી ! બોલો, શું કામ પડ્યું ?
રામનાથ કહે : સાહેબ ! હવે તો અમને ચન્દ્ર તરફ રોકેટ ઉડાડવાની મંજૂરી આપવી પડશે.
પ્રધાને પૂછ્યું : કેમ ?
રામનાથ કહે : સાહેબ ! અમેરિકાના જે અવકાશવીરો ચન્દ્ર પર ગયા છે, એમને પાછા લાવી શકે એવડું એક માત્ર તૈયાર રોકેટ આપણી પાસે છે. ડેવિડના યાનમાં ત્રણ માણસો માટે સગવડ નથી. એટલે એમને બધાને લેવા આપણે જવું પડશે.
પ્રધાન કહે : પણ એમાં રહેલા જોખમનો તો તમને ખ્યાલ છે ને ? અમેરિકનો ગુમ થયા છે. કરોડોના રોકેટને અને વૈજ્ઞાનિકોને ગુમાવવાનું આપણે પોસાય તેમ નથી. અને ધારો કે એવું કાંઇક બને તો આવતી ચૂંટણીમાં અમારા પક્ષને કોઈ મત પણ આપર નહિ.
રામનાથ કહે : સાહેબ ! આપણું રોકેટ તો ઉડવાનું જ હતું. તૈયાર જ ઊભું છે. જોખમ ખેડવા આપણે તૈયાર જ હતા. એ જ કામમાં હવે એક પરોપકારનો પ્રશ્ન પણ ઉમેરાયો છે. આપણે નહિ જઈએ તો અમેરિકનો પાછા નહિ આવી શકે. એ લોકો ફક્ત પંદર દિવસ માટે જ ચન્દ્ર પર રહી શકે. એ ગણતરી રાખીને એ લોકો પ્રાણવાયુ, ખોરાક વગેરેનો પુરવઠો પણ પંદર દિવસો જ લઈ ગયા છે. આપણે એમને બચાવવા જ જોઈએ.
પ્રધાન કહે : ભલે. તમે અમેરિકાના અવકાશ ખાતાને જાણ કરીને ઉડવાની તૈયારી કરો ! તમને રોકેટ ઉડાડવામાં મદદ કરે તેવા બે વિજ્ઞાનીઓને પણ હું મોકલું છું. અરે હાં....પેલા ડેવિડના શા સમાચાર છે ?
રામનાથ કહે : થોડી વાર ટેલીફોન ચાલુ રાખો. હમણાં જ એના સમાચાર મળશે !
ત્યારે જ સીમાએ કહ્યું : અવકાશવીર ડેવિડ ચન્દ્રની ધરતી પર ઊતરી ચૂક્યો છે.
સૌએ તાળીઓ પાડીને આ સમાચાર વધાવી લીધા. રામનાથે ટેલિફોનમાં આ સમાચાર વિજ્ઞાન પ્રધાનને આપી દીધા.
થોડા વખતમાં કેપ કેનેડીનો સંદેશો આવવા લાગ્યો : અવકાશવીર ડેવિડ જણાવે છે કે ચન્દ્રભૂમિ પર થોડે દૂર અમેરિકી રોકેટ ઊભું છે. એ સીધું ઊભું છે. આડું પડી ગયેલું નથી, એટલે જોન-જુલિયસના રોકેટનો અકસ્માત તો થયો લાગતો નથી. હું બને એટલી ઝડપથી તે બાજુ જાઉં છું. મારાથી એ રોકેટ અડધોએક માઈલ દૂર પડ્યું છે. પાંચેક મિનિટમાં હું ત્યાં પહોંચી જઈશ.....
કુમારે રામનાથ સામે જોયું. “અડધો માઈલ માત્ર પાંચ મિનિટમાં કાપશે ? ઝડપી માણસ લાગે છે આ ડેવિડ !”
“એમાં ઝડપનો સવાલ જ નથી. ચન્દ્રનું ગુરુત્વાકર્ષણ જ એટલું ઓછું છે કે માણસ ઘણી ઝડપથી હિલચાલ કરી શકે. પૃથ્વી કરતાં લગભગ છગણા લાંબા કૂદકા ચન્દ્ર પર મારી શકાય.”
સીમા બોલી : “ડેવિડ કહે છે કે, હું સલામત રીતે રોકેટ તરફ જાઉં છું. જમીન કઠણ છે. ક્યાંય ધૂળના ઢગ દેખાતા નથી. જોન અને જુલિયસનું રોકેટ પણ કઠણ ખડક ઉપર જ ઉતરેલું છે.”
રામનાથ અકળાઈને બોલ્યા : “તો પછી એ બંનેને થયું છે શું ?”
સીમા કહે : “મને તો લાગે છે કે બંને જણા લહેરથી રોકેટમાં બેઠા હશે.”
બીજું કોઈ બોલ્યું : “ના રે ના ! ચંદામામા પરનાં પેલા રેટિયો કાંતનારાં ડોશીમાની મુલાકાતે ગયા હશે !”
સૌ હસી પડ્યા. કેવું ટૂંકું અને બનાવટી એ હાસ્ય હતું ! બધાં હસતું મોં રાખવા મહેનત કરતાં હતાં. મનની ચિંતા ભૂલવા વાતો કરતાં હતાં. મજાક ઉડાવતાં હતાં.
ડેવિડને શું જડશે ? જોન અને જુલિયસ ? બંને સલામત હશે ? એમના ટ્રાન્સ્મીટરમાં બગાડો થવાને કારણે સંદેશાવ્યહાર અટક્યો હશે ? કે કોઈ જુદું રહસ્ય હશે ?
સીમા બોલતી હતી : “અવકાશવીર ડેવિડ સંદેશો આપે છે કે હું રોકેટની નજીક પહોંચી ગયો છું. રોકેટ તદ્દન સલામત છે, પણ રોકેટની આસપાસની ધૂળ બહુ ખૂંદાયેલી છે. હું રોકેટની કેબિન પાસે પહોંચી ગયો છું. કેબીનનો દરવાજો ખુલ્લો છે. પણ કેબીનનો દરવાજો કદી ખુલ્લો રખાય નહિ. દૂરથી અંદર નજર કરતાં કેબિન ખાલી લાગે છે. અહીં રોકેટની બહારની ધૂળમાં ઘણી દોડધામનાં નિશાન દેખાય છે. બે વધુ માણસો અહીં આવ્યા હોય એવું લાગે છે ! જાણે જોન અને જુલિયસને કોઈની સાથે બથ્થંબથ્થા થઈ હોય એવું લાગે છે....હું કેબિનની અંદર આવી ગયો છું ! ઓક્સીજન ભરેલા નળા ગુમ થઈ ગયા છે ! કેબિનમા ભાંગફોડ થઈ છે. સામસામી અથડામણ અને છૂટા હાથની મારામારીનાં નિશાન પણ દેખાય છે.ટ્રાન્સ્મીટર તૂટી ગયું છે. એમ લાગે છે કે કોઈકે અવકાશવીરોનું અપહરણ કર્યું છે !”
કુમાર બોલી ઊઠ્યો. તે એક હાથમાં બીજા હાથની મુઠ્ઠી ગુસ્સાથી પછાડીને બોલ્યો : “કેવી ઘેલી વાત છે ! ચન્દ્ર પર અપહરણ ! કોણ કરે અપહરણ ! સૌ જાણે છે. ચન્દ્ર પર હવા નથી ! જીવન નથી ! કોઈ પ્રાણી નથી ! માનવી વગરનાં સેંકડો રોકેટો મોકલીને આપણે આ વાતની ખાતરી કરી છે કે ચન્દ્ર નિર્જીવ છે. અને ડેવિડ કહે છે કે, જોન અને જુલિયસનું અપહરણ થયું છે ! કેવી મૂરખ જેવી વાત છે !”
કુમારના લાંબા ભાષણનો કોઈ પાસે જવાબ નહોતો. સૌ જાણતા હતા કે ચન્દ્ર પર કોઈ જીવંત પ્રાણી નથી. છતાં ડેવિડનો સંદેશો ખોટો પણ નહોતો. એને તો જેવું લાગ્યું એવું બિચારાએ કહ્યું.
સીમાએ તદ્દન નવી વાત પૂછી : “કદાચ કોઈ અજાણ્યા ગ્રહના માનવી તો ચન્દ્ર પર નહિ ઉતર્યા હોય ને ?”
રામનાથ કહે : “ના, સીમ ! એ શક્ય નથી. હજુ સુધી એવી અજાણ્યા ગ્રહની કલ્પનાઓ સાચી પડી નથી. પણ મને તો આમાં કોઈ જુદો જ ભેદ લાગે છે. ખેર ! આપણા સાહસવીરો થોડા સમયમાં જ ચન્દ્રની મુલાકાતે જવાના છે. એ બહાદુરો કોઈપણ ગ્રહના માનવીઓને પહોંચી વાલે એમ છે.”
સૌ વિખરાયા. થોડાક વળી સંદેશા-ખંડમાં પણ બેસી રહ્યા. ડેવિડના તૂટક તૂટક સંદેશા આવ્યા કરતા હતા. બધા રસથી એ સંદશા સાંભળતા હતા. વચ્ચે વચ્ચે અમેરિકી અવકાશ-સંસ્થા પણ પોતાની વાત સમજાવતી હતી.
બહાર મેદાનમાં ભારતનું ચન્દ્ર રોકેટ ઉડાવવાની પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યંત્રો તપાસાતાં હતાં. બળતણ ભરાતું હતું. ચન્દ્ર પર જરૂરી એવી સામગ્રી મુકાતી હતી.
રાત પડી.
અજવાળિયાની રાત હતી. કુમાર પાછો દૂરબીનવાળા ખંડમાં જઈને ઊભો રહી ગયો. દૂરબીન ચન્દ્ર તરફ જ ગોઠવાયેલું હતું. એમાં નજર કરતાં જ ચન્દ્ર જાણે કૂદીને કુમારની સામે આવીને ઊભો રહી ગયો. એની ઉપરના જ્વાળામુખી પહાડોનાં મોંનાં કુડાળાં ગેડીદડાની રમત રમતાં છોકરાંઓએ પોતાના મેદાન પર કુંડાળાં દોર્યાં હોય એવાં લાગતાં હતા. કુમારને એકદમ એ ગેદીદાડાના મેદાનમાં જઈને રમવાની ઈચ્છા થઈ આવી.
પણ બીજી જ ઘડીએ તેને ખ્યાલ આવ્યો; એ કુંડાળાં જ ભયંકર હતાં. શાંત થઈ ગયેલા એ જ્વાળામુખીઓનાં મોંમાં જ પેલી ખૂની ધૂળ ભરેલી હતી.
કુમારે પૃથ્વી પરનાં કળણોની વાત સાંભળી હતી. કળણ એટલે કાદવનો કૂવો. એમાં કોઈ પડે એટલે ધીરે ધીરે નીચે ઊતરવા લાગે. જેમ બહાર નીકળવા પ્રયાસ કરે તેમ ને તેમ વધુ ઊંડે ગરક થઈ જાય.
ચન્દ્ર પર ગયેલાં કેટલાંક રોકેટોના અનુભવ પરથી વાત જાણવા મળી હતી કે, ચન્દ્રના આ ધૂળના કૂવા પણ એ કળણ જેવા જ છે.
અચાનક જ કુમારને ચન્દ્ર પર ગુસ્સો ચડી આવ્યો. તિરસ્કાર છૂટ્યો. આ ઊજળી ધરતી કેવી છેતરામણી છે ! જે ચન્દ્ર સુધી પહોંચવા છેક શ્રી રામના વખતથી આજ લગી હજારો વર્ષો સુધી મહેનત કરી એ ચન્દ્ર કેવો નિમકહરામ નીકળ્યો ! એણે પૃથ્વીના બે માનવીઓને કેવા ગુમ કરી દીધા ! ખૂની છે ચન્દ્ર.........
એકાએક જ કુમારને લાગ્યું કે પોતાના ખભે કોઈએ હાથ મૂક્યો છે. ઝડપથી એ ઘૂમી ગયો. “કેતુ, તું ?” એ નવાઈ પામીને બોલી ઊઠ્યો.
“હા, દોસ્ત ! હું કેતુ !”
કેતુ એકદમ કુમારને ભેટી પડ્યો. કુમાર પણ ઉમળકાથી એને ભેટ્યો.
કેતુ તો કુમારનો જિગરી દોસ્ત ! બંને સાથે રમીને મોટા થયેલા. સાથે જ એમણે સાહસો ખેડેલાં. પણ થોડા વખત પહેલાં કેતુને સરકારે દિલ્હી બોલાવી લીધો હતો.
એ કહે : “દોસ્ત કુમાર ! મને જે સવારે જ અવકાશવિજ્ઞાનના પ્રધાને બોલાવ્યો અને અહીં મોકલ્યો છે. મારે ચન્દ્રભૂમિ પર જવાનું છે. તારું પણ નક્કી છે ને ?”
કુમાએ કહે : “ના. મને હજુ કોઈએ કહ્યુ નથી.”
“તો હું અત્યારે કહી દઉં કે તારે કેતુની સાથે જવાનું છે.” એ રામનાથનો અવાજ હતો. તેઓ એ જ ઘડીએ દૂરબીન-ખંડમાં આવ્યા હતા. “કેતુ રોક્ર્ત યંત્રોનો અને સંચાલનનો ઉસ્તાદ છે અને તું, કુમાર, સંદેશા-વિજ્ઞાનમાં હોશિયાર છે. એટલે તમને બંનેને મોકલવા નિર્ણય થઈ ગયો છે. કેતુને મોકલવાની ભલામણ મેં જ પ્રધાનજી ને કરેલી.”
પછી થોડી વાર રહીને રામનાથે ઉમેર્યું : “તમે બંને તૈયાર થઈ જજો. સવારમાં ઉપાડવાનું છે. યાદ રાખજો, આ મોતનો ખેલ છે.”
કુમાર કહે : “રામનાથબાબુ ! કુમાર અને કેતુ સાથે હોય ત્યારે મોત પણ એક આનંદનો પ્રસંગ બની જાય છે. તમે વિશ્વાસ રાખજો, અમે અમારું કામ જરૂર પાર પાડીશું.”
(ક્રમશઃ)