વાર્તા- સાધના લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
સૂરજનગર રેલ્વે સ્ટેશને લોકલ ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ પર ઊભી રહી.બપોરે ચાર વાગ્યાનો સમય હતો.ટ્રેનમાં ખાસ મુસાફરો નહોતા એટલે ચા નાસ્તાની લારીઓ વાળાઓને ખાસ ઘરાકી નહોતી.સૂરજનગર સ્ટેશને આખા દિવસમાં ત્રણ ટ્રેન ઊભી રહેતી.એક સવારે વહેલી છ વાગ્યે,એક બપોરે ચાર વાગ્યે અને એક રાત્રે નવ વાગ્યે.
આજની ટ્રેનમાંથી ઉતરનાર પેસેન્જરમાં બે જાજરમાન મહિલાઓ હતી.એક પાંત્રીસેક વર્ષની મહિલા હતી જેણે લેટેસ્ટ ફેશનેબલ ડ્રેસ પહેર્યો હતો અને બીજી મહિલા પચાસ વર્ષની હશે એણે અત્યંત મોંઘી સાડી પહેરી હતી અને દાગીના પહેર્યા હતા.સ્ટેશન માસ્તર પણ નવાઇ પામ્યા કે આવડા નાનકડા ગામમાં આવી જાજરમાન અને શ્રીમંત મહિલાઓને કદી જોઇ નથી અને એ પણ આવી લોકલ ટ્રેનમાં આવી હોય.આ બંને મહિલાઓ કોઇની સામે પણ જોયા વગર ગામથી પરિચિત હોય એમ સ્ટેશન બહાર નીકળી ગઇ.
'ભાઇ, અહીં એક પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ વાળું શિવમંદિર આવ્યું છે એ કેટલું દૂરછે?' સાયકલ ઉપર જતા એક ભાઇને ઊભો રાખીને ડ્રેસ પહેરેલી મહિલાએ પૂછ્યું.
' બેન, અહીંથી જમણી બાજુ વળી જાઓ.ચાલતાં પંદર મિનિટ જેવું થશે.અહીં રીક્ષા કે છકડો જેવું કોઇ વાહન નહીં મળે.'
' ભલે અમે ચાલીને જતા રહીશું.તમારો આભાર'.
સાયકલવાળા ભાઇએ પંદર મિનિટ કહી હતી પણ પાંત્રીસ મિનિટ ચાલ્યા પછી પણ મંદિર દેખાતું નહોતું.પેલો ભાઇ જૂઠું તો નહીં બોલ્યો હોયને એવી શંકા પણ ગઇ.પણ થોડું આગળ ગયા ત્યારે શંકા દૂર થઇ ગઇ.સામે જ ભવ્ય પ્રાચીન શિવમંદિર દેખાયું.બંને ના ચહેરા ઉપર સંતોષ છવાયો.
આ મહિલાઓને એવું હતું કે આટલું પ્રાચીન શિવમંદિર છે તો ભક્તોની ભીડ હશે પણ અહીં તો મંદિરના પુજારી અને માંડ આઠ દસ દર્શનાર્થીઓ હતા.મંદિર ખરેખર ભવ્ય હતું.પવિત્ર વાતાવરણ હતું.બાજુમાં નાનકડું તળાવ અને સુંદર બગીચો હતો જ્યાં બાંકડા મુકેલા હતા.પુજારીને પૂછતાં જાણવા મળ્યું કે લગભગ બે હજાર વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિરછે.ભોળાનાથ ભકતોની મનોકામનાઓ પૂરી કરેછે.
' બમ બમ ભોલે બમ બમ ભોલે' નો જયઘોષ કરતું સાધુઓ નું એક ટોળું મંદિરમાં પ્રવેશ્યું.સૌથી આગળ એક વયોવૃદ્ધ પ્રભાવશાળી સાધુ શંખ વગાડી રહ્યા હતા.બે મહિલાઓએ સાધુઓ નજીક આવતાં તેમને વંદન કર્યા.પુજારીએ કહ્યું ' બહેનો, આ મહાત્માઓ વર્ષમાં ફક્ત એકવાર આ રીતે આવેછે મહાદેવની પૂજા કરેછે અને પછી આ રીતે જ જયઘોષ કરતા કરતા મંદિરની બહાર નીકળીને ક્યાં અદ્રશ્ય થઇ જાયછે કોઇને ખબર જ નથી પડતી.મંદિરની બહાર નીકળી ગયા પછી કોઇ એમને જોઇ શકતું નથી.તમે બે બહેનો નસીબદાર છો કે તમને દર્શન થયા.સિદ્ધ મહાત્માઓ છે.'
' પુજારીબાબા અમારે એમને મળવું હોયતો?'
' બહેનો, મંદિરના દ્વાર બંધ કરીને આ મહાત્માઓ એક કલાક સુધી પુજા કરશે પછી તુરંત નીકળી જશે.તમને મળવાનો મોકો નહીં મળે.અને હવે સંધ્યા સમય થવા આવ્યો છે તમારે શહેરમાં જવાનું હોયતો રાત્રે નવ વાગ્યે છેલ્લી ટ્રેન છે.અને જો રોકાઇ જવું હોયતો હું મારા ઘરે વ્યવસ્થા કરાવું.'
' જોઇએ મહારાજ જો બહુ મોડું થશે તો આપના ઘરે રોકાઇશું પણ મહાત્માઓને મળવાનો પ્રયત્ન તો કરવો જ છે.અમે અહીં બહાર બેઠા છીએ.'
' બહેનો મેં તો હજી સુધી આપના નામ પણ નથી પૂછ્યા'
' મારૂં નામ અમૃતા અને આ મારા જેઠાણી છે એમનું નામ નંદિતાબેન છે.' બંનેએ પરિચય આપ્યો.
' બેટા નંદિતા, કેમ માનતી નથી દીકરી? પૈસે ટકે સુખી અને મોભાદાર કુટુંબ છે.શહેરમાં રહેછે અને મીલમાલિક છે.શેઠને સંતાનમાં બે દીકરા જ છે.મોટા દીકરા ગૌતમ સાથે તારી વાત આવીછે.દીવો લઇને શોધવા નીકળીશું તોએ આવું ઘર નહીં મળે.'
' પણ પપ્પા તમને ખબર છે મને ગીતો, ભજન અને ગરબા ગાવાનો શોખછે.ભગવાને મને કેવો મીઠો અવાજ આપ્યો છે.લોકો કહેછેકે નંદિતા મોટી કલાકાર બનશે.ખરેખર મારે કલાકાર જ બનવું છે પપ્પા.લગ્ન એ મારી કારકિર્દી માટે બંધન બનશે.'
' મેં ગૌતમ ને તારા આ શોખની વાત કરીછે એ તને તારી કલાકાર તરીકેની કારકિર્દી માં નડતરરૂપ નહીં બને.ભગવાનનો માણસછે.કરોડપતિનો દીકરોછે પણ સહેજે અહમ નથી.તમારી જોડી જામશે'
અંતે ગૌતમ અને નંદિતાની જોડી બની.
' શું વિચારે ચડ્યાછો નંદિતાબેન?' અમૃતાએ તેમના હાથને થપથપાવીને પૂછ્યું.
' ભૂતકાળમાં ડૂબકી લગાવી હતી અમૃતા.' પણ નંદિતાબેનની આંખોમાં ઉદાસી છવાયેલી તો અમૃતાએ જોઇ.
ગૌતમ સવારથી જ મીલમાં જતા રહે અને છેક રાત્રે નવ વાગ્યે ઘરે આવતા.આખો દિવસ નંદિતાની સંગીતસાધના ચાલતી.બંને વચ્ચે સારો મનમેળ હતો.એ પછી બે વર્ષે નાના ભાઇ પૂજન ના લગ્ન અમૃતા સાથે થયા.સુંદર અને સુશીલ અમૃતા સારી નૃત્યાંગના હતી એ જાણીને તો નંદિતાને તેની સાધનામાં સાથીદાર મળ્યાની ખુશી થઇ.
પણ ખુશીને ગ્રહણ લાગ્યું.મીલના ધંધામાં મોટું નુકશાન આવ્યું અને બંને ભાઇઓ ભાગી પડ્યા.ગૌતમ સ્વભાવે ખૂબ લાગણીશીલ હોવાથી હતાશ થઇ ગયા.પૂજન સ્વસ્થ હતો એ મોટાભાઇને સમજાવતો હતો કે ફરી મહેનત કરીને ધંધો જમાવીશું.ચિંતા કરશો નહીં.પણ ગૌતમને તો એમજ હતું કે આટલો ઇમાનદારીથી ધંધો કરતા હતા તો પણ નુકશાન કેવીરીતે આવ્યું?
થોડા દિવસો સુધી બધા નિરાશ થઇને બેસી રહ્યા.અને એકદિવસે વહેલી સવારે કોઇને કશું જણાવ્યા વગર ઓશીકા નીચે ચિઠ્ઠી મુકીને ગૌતમે ગૃહત્યાગ કર્યો.કોઇએ મારી શોધખોળ કરવી નહીં. હું આત્મહત્યા તો નહીં જ કરૂં પણ જીવન ઉપરથી મોહ ઉઠી જવાથી ગૃહત્યાગ કરૂં છું એવું જણાવ્યું હતું.
ઘરમાં શોકમગ્ન વાતાવરણ થઇ ગયું.દિવસો,મહિનાઓ અને વર્ષો વિતવા લાગ્યા.પૂરા પચીસ વર્ષ ના વ્હાણા વહી ગયા.પૂજને મહેનત કરીને ધંધો પણ ફરી જમાવ્યો.નંદિતાની સંગીતસાધના પણ અટકી પડી.ગૌતમ વગર નંદિતા નું જીવન નિરર્થક બની ગયું હતું.પણ નંદિતાને ભગવાન ભોળાનાથ ઉપર ખૂબ શ્રદ્ધા હતી.તેની શ્રદ્ધા કહેતી હતીકે એકવાર ગૌતમ નો મેળાપ તો થશે જ.અને આટલાં વર્ષો પછી ગઇકાલે રાત્રે સપનામાં આવીને ભગવાન ભોળાનાથે આ મંદિરના દર્શને આવવાનું સૂચવ્યું.
' બમબમ ભોલે બમબમ ભોલે' કરતું મહાત્માઓ નું ટોળું મંદિરમાંથી નીકળીને બહાર જવાના રસ્તા તરફ જવા લાગ્યું.નંદિતાબેન સફાળા તંદ્રામાંથી જાગ્યા.તેમને સિદ્ધ મહાત્મા સાથે વાત કરવી હતી.સાધુ ટોળકી નજીક આવી એટલે નંદિતાબેન થોડા આગળ વધ્યા.પણ સહુના આશ્ચર્ય વચ્ચે આ સિદ્ધ મહાત્મા નંદિતાબેન પાસે ઊભા રહ્યા.નંદિતાબેને તેમના ચરણોમાં વંદન કર્યા.
' બેટા નંદિતા, ભગવાન ભોળાનાથે તને અહીં મોકલી અને મને પણ આજે જ અહીં દોડાવ્યો.'
' બાપજી આપ તો અંતર્યામી છો.આપતો જાણોછો કે હું અહીં કેમ આવીછું.' બોલતાં બોલતાં નંદિતાબેનની આંખો વરસી પડી.'
' જો દીકરી ગૌતમ આત્મકલ્યાણ માટે નીકળ્યો હતો અને એ માર્ગે જ છે.તારે એને મળવું છેને? 'મહાત્મા એ પાછળ નજર કરી અને ભગવા કપડા ધારણ કરેલો ગૌતમ આગળ આવ્યો.
નંદિતા દોડતી આવીને ગૌતમના ચરણે પડી પણ ગૌતમ તો બે હાથ જોડીને નિસ્પૃહ ઊભો હતો.એટલામાં બમબમ ભોલે બમબમ ભોલે બોલતી સાધુ મંડળી ગૌતમને લઇને રવાના થઇ.
અમૃતાએ નંદિતાબેનની પીઠ ઉપર હાથ પસવાર્યો.અને ધીરેધીરે બંને મંદિરની બહાર નીકળ્યા.
. (સમાપ્ત)
મિત્રો, વાર્તા ગમી હોયતો મને સ્ટાર આપજો અને મારા ફોલોઅર બનશોજી