Jaane ajaane - 68 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (68)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (68)

અમી ગુસ્સામાં હોવાં છતાં તેને દેખાય રહ્યું હતું કે શું ખોટું છે ને શું સાચુ. પણ એ વાત ધિરજને નહતી દેખાય રહી. બદલાની ભાવનાથી ભરેલી પટ્ટી આંખોએ બાંધી ધિરજ કેટલાય સમયથી ખોટાં કામો કરે જતો હતો. અને હવે તો જાણે એ તેની આદત બની ચુકી હોય તેમ ભાસી રહ્યું. પોતાનાં મનનું કરવાવાળા અનેક મળી જાય પણ પોતાનો ગુસ્સો ધિરજ બીજાને મુશ્કેલીમાં મુકીને અને તેમને દુઃખમાં , રડતાં જોઈ સંતોષવાં લાગ્યો. મનમાં લાગેલી આ આગની લપેટામાં વંદિતા અને નિયતિ પણ ઝડપાય ગયાં હતાં. વાતની ગંભીરતા અમી સારી રીતે જાણતી હતી. તેણે પોતાની આંખોમાં આવેલાં આંસુ લૂછી ધિરજ તરફ પોતાની મદદનો હાથ લંબાવવાની કોશિશ કરી. ધિરજ પોતાનાં ભૂતકાળમાં એ રીતે ડૂબી ચુક્યો હતો કે તેને આસપાસનું ધ્યાન જ નહતું. અમી તેની નજીક ગઈ. પોતાનો હાથ ધિરજનાં ખભે મુક્યો. જાણે તે કહી રહી હતી કે બધુ ઠીક થઈ જશે. ધિરજની પાંપણોમાં ભરાયેલા આંસુઓનાં ટીપકાં જાણે એકસાથે જ વરસી પડ્યાં. એક હિંમત ભરી હૂંફની જરૂર હતી જે આજે અમી જોડેથી મળી રહી હતી. ધિરજ તેને વળગીને રડી પડ્યો. ઘણુંબધું કહેવું હતું પણ જાણે ગળામાંથી અવાજ જ બહાર નહતો આવી રહ્યો. છતાં કોશિશ કરી રહેલાં ધિરજને જોઈ અમીએ ઘણી ધિરજતાથી કહ્યું " શૂશૂશૂશશશશશ... બસ... ચુપ ચુપ... શાંત.... કશું કહેવાની જરૂર નથી. હું સમજી શકું છું. શાંત થઈ જા. જે થઈ ગયું એ થઈ ગયું હવે. તું તારાં ભૂતકાળને બદલી તો નથી શકવાનો ને. અને એ વાતને મનમાં સાચવી રાખીશ તો તું તારાં ભવિષ્ય ને પણ બરબાદ કરી નાખીશ. તું એક વાત કહે... શું એક છોકરીની સજા બીજાં બધાને આપવી એ સાચું હતું?.. અને શું મળ્યું તને આ બધું કરીને?!.. દુઃખ, આંસુ અને લોકોનાં રડવાનાં અવાજો!... તેં કેટલી છોકરીઓનાં ઘર બરબાદ કરી નાખ્યા શું એ બરાબર હતું?.. અને તું જ કહે આ બધું કરવાથી શું એ છોકરીને કશું અસર થયો?.. એ તો તેની જિંદગી સારી રીતે ખુશી ખુશી જ વીતાવી રહી હશે ને!.. અને તું!.. તું હજું તેની માટે આટલાં આસું ટપકાવે છે!..

ધિરજ બધાં વ્યકિત ખોટાં નથી હોતાં. જો કોઈ તારાંથી અલગ છે અને અલગ રીતે વિચારે છે તેનો મતલબ એ તો નથી ને કે તે ખોટાં છે, તે સ્વાર્થી છે?... અને કોઈ છોકરી તેને પ્રેમ ના કરે જે તેને પ્રેમ કરતો હોય એ તેનો વાંક તો ના કહેવાય ને!.. એક છોકરી પણ માણસ હોય. તેને પણ પોતાની ઈચ્છા મુજબ પોતાનો સાથી શોધવાનો હક્ક હોય છે." " પણ તે મારી સાથે એવી રીતે કેમ રહેતી હતી જાણે એ મને પસંદ કરે છે?..." ધિરજે ધીમાં અવાજમાં પુછ્યું. અમીએ શાંતિથી જવાબ આપ્યો " અરે તો કોઈ છોકરી તારી સાથે સારી રીતે વાત કરી લે અથવાં હસી-મજાક કરી લે એનો અર્થ એ તો નથી ને કે તે તને પ્રેમ કરે છે . તારે પહેલાં પુછવું જોઈતું હતું ને કશું પણ આગળનું વિચારવાં પહેલાં. હું નથી જાણતી કે એ સમયની પરિસ્થિતિ શું હતી પણ જો કોઈએ તને ના પાડી અથવાં કોઈ બીજાં સાથે ચાલી ગઈ એ વાતને તું સહન નથી કરી શકતો તો પછી તને શું હક્ક હતો બીજાં કોઈની જિંદગી બગાડવાનો. અને વંદિતા અને નિયતિદીદી?.. તું એમને જાણે છે જ કેટલું?.. તને શું ખબર એ તેમની જિંદગીમાં કેટલું સહન કરીને આવ્યાં છે!.. તું શું જાણે કે તેમનો કઠણ સ્વભાવ પાછળનું કારણ શું હતું!.. એવી રીતે બીજી પણ છોકરીઓનું પોતાનાં સ્વભાવ પાછળનું કારણ શું તું જાણતો હતો?.. અને ના તો તને શું હક્ક હતો તેમને મુશ્કેલીમાં મુકવાનો!.. આજે ઘણી છોકરીઓ છોકરાંઓ પર ભરોસો નથી કરતી!.. શું કામ!... તારાં જેવાં લોકોનાં લીધે!.. જે પોતાનાં સિવાય બીજાં કોઈને નથી જોઈ શકતાં. સમાજ આગળ તો વધી ગયું છે પણ એટલું પણ નહીં કે એક એકલી પડેલી, કમજોર છોકરીને સમાજમાં રહેવાં દે!... આ સમાજ આજે પણ એવી છોકરીઓને ખરાબ નજરે જ જોવે, દોષ જાણે તેનો જ છે તેમ માની લે. અને એકપણ અવસર ના છોડે આંગળી ચિંધવાનો!... શું છોકરીઓ એ વાતનો પડકાર નથી કરતી?.. શું તે બધું સહન નથી કરતી?... એક સ્ત્રીને જ્યારે તેનો પતિ છોડીને જતો રહે છે તો પહેલો વાંક કોનો નિકળે છે!.. વગર વિચારે કે તેનો કોઈ વાંક નહતો એ છતાં શું તે બધાનાં અપશબ્દો નથી સહન કરતી?... જ્યારે એક સગર્ભા સ્ત્રી પ્રસૂતિ સમયે અઢળક દુઃખ સહન કરે છે અને છતાં જ્યારે તેનાં જ દિકરાં/દિકરી પર પોતાનાં કરતાં વધારે હક્ક બાપને આપવામાં આવે છે અને બાપનું નામ તેનાં નામ પાછળ લગાડવામાં આવે છે ત્યારે એકપણ પ્રશ્ન કર્યા વગર શું તે પોતાનો હક્ક નથી છોડતી!... જો કોઈ આટલું સહન કરી શકતું હોય તો તું એક છોકરીથી નકારવા પર આટલું કેમ બદલાય ગયો?.. શું તું તારી જાતને અને વિચારોને નથી સાચવી શકતો?...

ખરેખર ધિરજ આ બધું ખોટું છે. મને નથી ખબર એ છોકરી કેવી છે અને તમાંરાં બંને માથી કોનો વાંક હતો પણ અત્યારે તું જે કરી રહ્યો છે એમાં માત્ર તારો જ વાંક છે. હવે બહું થયું.. આ બંધ કર અને એક નવી શરૂઆત કર. નિયતિ દીદી અને વંદિતાનો કોઈ વાંક નથી. તે પોતાની જગ્યા સાચા જ છે. મહેરબાની કરીને તેમની સાથે આવું ના કરીશ. "
ધિરજ પર અમીનો અસર થતો હતો પણ ત્યાં સુધી જ જ્યાં સુધી તેણે નિયતિ અને વંદિતાનો પક્ષ નહતો લીધો. પણ જેવું જ અમીએ વંદિતાની તરફથી વાત કરવાનું અને તેને પોતાનાં હાલ પર છોડી દેવાનું કહ્યું ત્યાં ધિરજ ખોટું સમજવા લાગ્યો. તે વિચારવાં લાગ્યો કે અમીને તેની ચિંતા નથી. તે માત્ર પોતાની બહેનો ને સાચવવાં માંગે છે. અને જેટલી પણ વાતો અમીએ કહી તે બધી ભૂલીને ધિરજનાં મનમાં બસ આ એક જ વાત ફરવાં લાગી કે અમીને તેની બહેનોથી જ મતલબ છે . અને તેનો ઓછો થયેલો બધો ગુસ્સો ફરીથી માથે ચઢી ગયો. અમીનાં ખભાનાં સહારે માથું મુકી બેસેલો ધિરજ ફટાફટ ઉભો થયો. અને અમી તરફ જોઈ કહેવાં લાગ્યો " અમી મેં તને મારી ફ્રેડ સમજી હતી. મને લાગ્યું કે તું મારું ભલું વિચારે છે, મારી ચિંતા છે તને પણ ના.... તને તો માત્ર વંદિતા અને નિયતિથી જ મતલબ છે. ફરીથી તેં મારો ભરોસો તોડી નાખ્યો છે. હવે તો મારે જે કરવું છે એ હું કરીને જ રહીશ. હું કાલે વંદિતા સાથે લગ્ન કરીને જ રહીશ. અને એ પણ તારી સામેં જ. જે કરવું હોય એ કરી લે. " અને ધિરજ ત્યાંથી ગુસ્સામાં ચાલ્યો ગયો. અમીની વાતનો કોઈ અસર ધિરજ પર થયો નહીં અને એ સાથે જ અમીની ચિંતા વધી ગઈ. તેણે વિચાર્યું કે હવે ગમેં તેમ કરીને આ લગ્ન રોકવું જ પડશે. તે ફટાફટ વંદિતા પાસે ગઈ. તે વંદિતાને આમતેમ શોધવાં લાગી પણ તે મળી નહીં. આસપાસ બીજા આવેલાં મહેમાનો ને તેણે પુછ્યું ત્યાં તેને ખબર પડી કે શબ્દ રમવાની જીદ્દ પર અટક્યો હતો એટલે વંદિતા શબ્દને લઈ ને પાર્કમાં ગઈ છે. અને ધિરજ પણ તેની સાથે જ ગયો છે.

અમીએ ફરીથી વિચાર્યું કે નિયતિને બધું જણાવે. પણ આસપાસ તે પણ નહતી દેખાતી. થોડું શોધવાં પર ખબર પડી કે ધિરજનાં ઘેરથી કોઈક સામાન વંદિતા માટે લાવવાનો છે એટલે નિયતિ ત્યાં ગઈ છે. હવે ઘરમાં બચ્યા તેનાં પિતા શેરસિંહ અને દાદીમાં. હા નિયતિનાં પિતા હતાં પણ તે પોતે જ એક માનસિક બિમારીનાં કારણે કશું સમજવા યોગ્ય નહતાં. અને કોઈ તેમની વાત સાંભળી લગ્ન રોકશે પણ નહીં. આ વિચારી અમી પોતાનાં પિતાને શોધવાં લાગી. પણ તે પણ ધિરજનાં જ કોઈક કામથી બહાર ગયાં હતાં. અને દાદીમાં થોડું ઓછું અને ધીમું સાંભળતા અને સમજતા હતા.

જ્યારે જરૂર છે તો અમીને કોઈ નહતું દેખાય રહ્યું. તે સમજી ગઈ કે બધાં એક નહીં ને બીજી રીતે ધિરજનાં જ કામમાં પડેલાં હતાં. અને આ તો ત્યારે જ શક્ય બને જ્યારે જાણી જોઈને ધિરજે બધાને અમીથી દૂર રાખ્યા હોય. " ધિરજે જાણી જોઈને બધાને દૂર મોકલી દીધાં છે. જેથી હું કોઈને કશું કહી ના શકું. પણ કેટલીક વાર?... સાંજે તો બધાં પાછાં આવશે જ ને... હું ત્યારે કહી દઈશ. " અમીએ પોતાની સાથે જ વાતો કરવાનું શરું કરી દીધું.

રાહ જોતાં જોતાં બપોરની સાંજ થઈ અને સાંજની રાત પણ પડી ગઈ પણ કોઈ સાથે વાત કરવી શક્ય જ ના બન્યું. " શું કરું હવે?... કોઈ સાથે વાત જ નથી થઈ. આવું કેવી રીતે શક્ય બને કે કોઈ મને આટલાં સમયથી મળ્યું જ નથી. એવું તો શું ચક્કર ચલાવ્યું આ ધિરજે?... પણ જે હોય. મારે આ લગ્ન તો નથી જ થવાં દેવાનાં. " પણ અમી પાસે કોઈ રસ્તો નહતો. તે શું કરે ને શું નહી તે સમજાય નહતું રહ્યું. નિરાશ બનેલી અમી દાદીમાંના ખોળામાં માથું મુકી બસ બેસી રહી. દાદીમાંનો થથરતો હાથ વ્હાલથી જેમ જેમ અમીનાં માથે ફરતો ગયો તેમ તેમ તેનું મન થોડું શાંત બનવાં લાગ્યું. તેનામાં એક અલગ જ પ્રકારની હિંમત આવવાં લાગી અને સહેજ આંખો મિંચાય એટલામાં સવાર પડી ગયું.

સવારથી જ કલબલ શરૂ થઈ ગઈ. લગ્નનો મંડપ શણગારાય ગયો. બધી સામગ્રી મંડપમાં આવવા લાગી. ફૂલોથી મહેકતું વાતાવરણ ખુશનુમા બન્યું. ચારેકોર રંગબેરંગી સજાવટ થયેલી હતી. પંડિતજી બેઠા બેઠા પોતાની જરૂરી સામગ્રી માંગી રહ્યા અને મહેમાનો સહીત બધાં પોતાનાં કોઈક ને કોઈક કામમાં પરોવાયેલા ફરવાં લાગ્યા. દરેક દ્રશ્ય અમીની મુશ્કેલી વધારવા લાગ્યું. અમી ધીમેથી બધી જગ્યા જોતાં ફરતા ચાલવા લાગી. રૂમમાં જઈ ને ઉભી રહી. જ્યાં પહેલેથી વંદિતા બેઠી હતી. લાલ રંગનો લાંબો ભરતકામ કરેલો ચણિયો અને શણગારેલી માથે ઓઢેલી ઓઢણીથી તે એક અલગ જ પ્રકારે ચમકી ઉઠી હતી. સોળે શણગાર કરેલી વંદિતાનાં ચહેરેથી ખુશી ટપકી રહી હતી. આ જોઈ અમી દરવાજે ઉભી ઉભી જ રડી પડી. દરેક પરિસ્થિતિ તેની વિરૂધ્ધમાં હતી. અમી પોતાને લાચાર અનુભવી રહી. અને તે ત્યાંથી આગળ ચાલી નિકળી. બીજી તરફ નિયતિ અને શેરસિંહજી એકદમ નવાં અને જગમગતાં કપડાં પહેરી બાકી રહેલી તૈયારીઓમાં લાગેલા હતાં. હા થોડાં થાકેલાં હતાં પણ છતાં એક અનેરો સંતોષ તેમનાં ચહેરે દેખાય રહ્યો હતો. આજે પહેલીવાર એક મોટી જવાબદારી પુરી થવાની હતી એ વિચારીને જ તેમનાં ચહેરાનું નૂર વધી રહ્યું હતું. પણ તેની સાથે સાથે અમીની ચિંતા વધી રહી હતી. હવે તો તેની હાલત એટલી ખરાબ થવાં લાગી કે તેને આસપાસનું કશું ભાન જ નહતું. તે ધીમેથી આગળ વધી ત્યાંથી ચાલી ગઈ. લગ્નનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. અને અમીની કોઈ ખબર જ નહતી.

જોતજોતામાં લગ્નની વિધિ શરૂ થઈ ગઈ અને ધિરજ અને તેનાં તરફથી બીજાં લોકો પણ આવી ચુક્યા. હવે લગ્ન રોકવું એ સદંતર અશક્ય જેવું જ હતું. લગ્નની પૂજા એક પછી એક આગળ ચાલી અને દરેક વિધિ પતાવતાં લગ્ન આગળ વધવાં લાગ્યું. અને પવનવેગે વહેતાં સમય સાથે લગ્ન સંપન્ન થયું. આ દરેક જગ્યા અમી ક્યાંય દેખાય નહી. પણ જેવું જ લગ્ન પુરું થયું કે વર- વધુને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. જમવાનું થયું એટલે વંદિતાએ ધીમાં અવાજે કહ્યું તેને ભૂખ નથી. ઘૂંઘટમાં છૂપાવેલો ચહેરો જાણે ખુલ્લો પડવાં જ નહતો માંગતો. નિયતિનાં ઘણાં કહેવાં પર પણ વંદિતાએ માથું ધૂણાવ્યું. આ જોઈ ધિરજને શક થવાં લાગ્યો. અને અચાનક તેણે વંદિતાનો ઘૂંઘટ ઉઠાવી દીધો. અને ચહેરો જોતાં જ નિયતિની આંખો પહોળી રહી ગઈ. બસ એક જ નામ હતું. " અમી.!"

અમીએ પોતાની જાતને એ રીતે તૈયાર કરી હતી કે તે ચહેરાં સિવાય બધું જ વંદિતા સાથે મળતું આવતું હતું. ધિરજને આ વાતનો અચંબો ના થયો પણ બાકી બધાં સદમા માં આવી ગયાં. નિયતિનાં ગુસ્સાનો પાર ના રહ્યો અને તેણે અમીને જોતાં જ એક જોરદાર લાફો તેને ચટકારી દીધો. " શું વિચારીને મંડપમાં બેઠી હતી?.. આ કોઈ મૂવી ચાલે છે કે એક નહી તો બીજી બહેન મંડપમાં બેસસે?.. કેમ કર્યું તેં આવું?.. અને વંદિતા ક્યાં છે?.." નિયતિનાં પ્રશ્નોનો વરસાદ વરસી પડ્યો. પણ અમી ચુપચાપ નીચુું માથું કરી સાંંભળતી રહી.

કેવી રીતે વંદિતાને દૂર રાખી અમીએ અને શું કહી સમજાવશે બધાને?!



ક્રમશઃ