Niyati - 6 in Gujarati Love Stories by Kajal Rathod...RV books and stories PDF | નિયતિ - 6

Featured Books
Categories
Share

નિયતિ - 6

.....આગળના ભાગમાં આપણે જોયું કે કિરણ પોતાના ઘરે પરત ફરવા સામાન પેક કરી રહી હોય છે ત્યાં અચાનક રાજ આવે છે અને પોતાના ક્લાસ માટે અમદાવાદ જ રોકવા માટે કહે છે અને સાથે કિરણ ને પણ રહેવા કહે છે, કિરણ ત્યાં પોતાના વેકેશન દરમિયાન રોકાઈ જાય છે અને એ દરમિયાન ચિરાગ સાથે મિત્રતા પણ થઈ જાય છે. કિરણ સાહીલ વિશે ન વિચારે એ માટે કુંજન ની કઝીન નિધિ કિરણ ને જણાવે છે કે સાહિલ તેને પસંદ કરે છે એટલે વાત ની સ્પષ્ટતા કરવા માટે કુંજન કિરણ ને લઇને સાહિલ ના ઘરે પહોચે છે અને જો સાહિલ કિરણ ને પસંદ કરતો હોય તો કિરણ સાથે વાત કરવા જણાવે છે. સાહિલ હિંમત ભેગી કરીને કિરણ ને પોતાના દિલ ની વાત કરે છે એ પછી કિરણ ને સાહીલ પ્રત્યે પણ લાગણી જન્મે છે અને સાહીલ ને કહેવા માટે તૈયાર હોય છે પરંતુ એ દરમિયાન સાહિલ સાથે તેની મુલાકાત જ નથી થતી. હવે આગળ....

ભાગ ૬

....કિરણ ને પોતાના ઘરે પરત ફરવા નુ નકકી થઈ જાય છે અને તે રાજ સાથે ઘરે પરત આવી જાય છે પરંતુ, આ કિરણ કંઈક અલગ હોય છે. રોજ સાંજે પાણીપુરી ખાવા માટે જવુ, આખો દિવસ કંઇ ને કંઈક બહાનું કાઢીને કિરણ ને મળવા આવવુ એ બધું કિરણ ને બોવ યાદ આવે છે, જાણે વાત કર્યા વગર જ કિરણ ને સાહિલની આદત પડી ગઈ હતી .

થોડા દિવસ બાદ કિરણ ની શાળા પણ શરૂ થઇ જાય છે, પહેલે થી નક્કી કર્યું હતું તેમ રાજ અમદાવાદમાં હોસ્ટેલમાં ભણવા માટે જાય છે, કિરણ ઘરે પણ એકલી પડી ગઈ હોય છે.

કિરણ શાળાએ જવાનું શરૂ કરે છે, તે અભ્યાસમાં ધ્યાન આપવાનુ નક્કી કરે છે પરંતુ સાહિલ એના મનમાંથી દૂર થવાનુ નામ નથી લેતો, ક્લાસમા કોઈ દિવસ ચૂપ ન રહેતી કિરણ ને આમ વિચારોમાં ડૂબેલી રહેતી જોઇને એની બધી સહેલીઓને પણ અજીબ લાગતું હતું પરંતુ એમણે થોડા દિવસ કાંઈ પણ પુછવાનુ ટાળ્યું.

કિરણ ની ખાસ સહેલીઓમાં જાનવી, કિંજલ અને પૂર્વી હતા. થોડા દિવસ પછી રિસેસમાં એ ત્રણેય કિરણ ને બેસાડીને એના આવા વર્તનનુ કારણ પૂછે છે,

કિંજલ : "એય.. કિરણ શું થયું છે તને? જયાર થી વેકેશન પછી તુ સ્કૂલે આવે છે ત્યારથી કઇ દુનિયામાં ખોવાયેલી રહે છે? "

જાનવી :" હા.. યાર બોલ ને શું થયું છે, રાજ અમદાવાદ ભણવા ગયો એટલે ઉદાસ છે?"

પૂર્વી :" કે પછી તુ તારા માસી ની દિકરી રીયા ના લગ્ન મા અમદાવાદ ગઈ હતી ત્યાં કંઇ થયું છે? "

અત્યાર સુધી શાંત બેઠેલી કિરણ રિયાના લગ્નનુ નામ સાંભળતા જ જાણે સપનામાંથી જાગી હોય એમ ચોંકી જાય છે, આ જોઈને ત્રણેય ને આશ્ચર્ય થાય છે અને એમને ખબર પડી જાય છે કે નક્કી ત્યાંજ કંઇક થયું છે, ત્રણેય એકસાથે બોલી ઉઠે છે

" શું થયું હતું અમદાવાદમાં, બોલ કિરુ તને અમારી કસમ. "

કિરણ :" શું થયું છે તમને? અમદાવાદ ને યાદ નથી કરવુ તો પણ કયારના અમદાવાદ અમદાવાદ કરો છો? કાંઈ નથી થયું. "

કિંજલ : " વા.. હ.. અમારા કરતા તો તુ વધારે વખત બોલી, હવે બોલ ને શું થયું છે , નહીં તો સર ને કહેવું પડશે. "

" હં... હા, કવ છું. "

એમ કહીને કિરણ રિયાની સગાઇ થી લઈને વેકેશન દરમિયાન ની બધી વાતો તેની સહેલીઓ ને જણાવે છે. જેમ જેમ કિરણ વાત કરતી જાય છે ત્રણેય ફ્રેન્ડ એકબીજા ને જોઇને હસ્યા જ કરે છે. કિરણ આમ વાત છે એમ કહીને વાત પૂરી કરે છે પછી તો કિંજલ, જાનવી અને પૂર્વી ખડખડાટ હસી પડે છે, આ જોઈને કિરણ ને ગુસ્સો આવે છે.

કિરણ : " શું છે યાર, હું આટલી ટેન્શનમાં છું ને તમને લોકોને હસવું આવે છે?"

કિંજલ : " વાહ... અમારી કિરુ ને કોઈ ગમી ગયું એમા ટેન્શન શેનું, એ તો સાહિલ ને લેવાનુ હોય. "

જાનવી :" હા હો.. શું વાત છે ને કાંઈ મજા આવી ગઈ. "

પૂર્વી : " ડોન્ટ વરી, ડિઅર . તુ અમારી સાથે વાતો અને મજાક મસ્તી કર્યા કરીશ એટલે બધુ ભૂલાય જશે. "

એ લોકો વાતો કરવામાં જ વ્યસ્ત હોય છે ત્યાં તો રિસેસ પણ પૂરો થઈ જાય છે એમણે નાસ્તો પણ કર્યો નથી હોતો, ત્રણેય કિરણ ની મસ્તી કરતા કરતા ક્લાસમાં જાય છે.

છોકરાઓ હજી સુધી આવ્યા નથી હોતા , એ જોઇને ક્લાસમાં જતાં ની સાથે જાનવી, કિંજલ અને પૂર્વી એક સાથે બધી છોકરીઓને ભેગી કરે છે અને કિરણ અને સાહીલ ની વાત કરે છે, આ જોઈને કિરણ તો શરમાય જાય છે અને કલાસ ની બહાર નીકળી જાય છે .

આખો વર્ગ ખડખડાટ હાસ્ય થી ગુંજી ઉઠે છે, અમુક છોકરીઓ કિરણ ને ફરી અંદર લઇ આવે છે અને કંઈ કેટલાય પ્રશ્નો પુછવા લાગે છે. કિરણ બધા ને વિગતવાર બધુ સમજાવે છે, ક્લાસમાં કોઈ એક ગ્રુપ ન હતુ કલાસ પોતે જ ગ્રુપ હતો કોઈ પણ વાત હોય બધી છોકરીઓને ખબર હોય, કોઈ કોઇનાથી કાંઈ છુપાવતુ નહીં.

કિરણ ની વાત જાણી હોવાથી રોજ કોઈને કોઈ બહાને છોકરીઓ સાહીલ નુ નામ લઈને કિરણ ને હેરાન કર્યા કરતી, એ એમનો રોજ નો ક્રમ બની જાય છે. કિરણ ની હાલત પણ ખરાબ થઈ રહી હતી એને સમજમાં ન'તુ આવતુ કે તેની સાથે શું થઈ રહ્યું છે, એ વર્ગમાં મોનિટર હતી પરંતુ કોઈ પણ નુ નામ લેવા જાય એનાથી સાહિલ જ બોલાય જતુ હતું , કિરણ ને એની સહેલીઓ ના નામ પણ ક્યારેક તો ભુલાય જતાં હતાં.

પ્રેમ છે કે આકર્ષણ એ બે વચ્ચે કિરણ ગૂંચવાઈ ગઈ હતી. જો આકર્ષણ હોય તો ધીમે ધીમે ઓછુ થવુ જોઇએ જે વધતુ જ હતુ, સાહિલ ને એ વધારે ઓળખતી પણ નહતી એટલે કીરણ એને પ્રેમ માનવા પણ તૈયાર નથી હોતી, છતાં સાહીલ ની યાદ દિવસે ને દિવસે વધી રહી હતી. ઘરે પણ રાજ ન હોવાથી તે એકલી એકલી સાહિલ ના વિચારોમાં જ ખોવાયેલી રહેતી.

૨ વર્ષ પછી..

આમને આમ ૨ વર્ષ વીતી જાય છે કિરણ ૧૦ મા બોર્ડ ની પરીક્ષા પણ આપી દે છે ત્યાં વેકેશનમાં કિરણ માટે એક સારા સમાચાર આવે છે અને એ હોય છે કુંજન ના લગ્ન, કિરણ ખૂબ જ ઉત્સાહી હોય છે અમદાવાદ જવા માટે. કુંજન ની સગાઈ પછી મહીનામાં જ એના લગ્ન લેવાના હોય છે એટલે કિરણ ના કહેવાથી કુંજન કિરણ ના મમ્મી પપ્પા ને સગાઇ થી લઈને લગ્ન સુધી મહીના માટે અમદાવાદ રોકવા માટે મનાવી લે છે.

કુંજન જયારે એના મમ્મી પપ્પા સાથે કિરણ ના ઘરે જાય છે ત્યારે જ તેઓ કિરણ ને પોતાની સાથે અમદાવાદ લઇ જાય છે.

અમદાવાદ આવી ને કિરણ ખૂબ જ ખુશ હતી બે વર્ષ પછી એ અહીં આવી હતી પરંતુ એ ખુશી અમદાવાદ પહોંચવા સુધી જ સીમિત હતી કારણ કે કુંજન ની સગાઈ અને લગ્ન તેમના જુના ઘરે રાખવામાં આવ્યા હતા અને સાહીલ નવા ઘર પાસે રહેતો હતો.

કિરણ કુંજન ને ઘણુ બધુ બોલે છે કે પહેલા કહેવું જોઈએ ને કે લગ્ન કયાં છે ને બધુ, પરંતુ કુંજન કિરણ ને મનાવી લે છે કે લગ્નમાં તો એ બધા આવશે જ અને મેરેજ ની બધી ખરીદી પણ ત્યાંથી જ કરવાની છે એટલે મળવાનું તો થશે જ.

કિરણ ને થોડી રાહત થાય છે, બે દિવસ બાદ કુંજન ની સગાઈ હોય છે, બધા સગાઈ ની તૈયારીઓમાં લાગી જાય છે, સગાઈ પછી કુંજન પણ મોટાભાગનો સમય ફોન પર જ વિતાવતી હોય છે હવે ધીરે ધીરે કિરણ ને એકલુ લાગવા માંડે છે, તેને ભૂમિ સાથે રહેવું પડે છે. એકવાર કુંજન સાથે વાત કરતી વખતે ભુમિ સાહીલ ની વાત સાંભળી જાય છે અને કુંજન ના લગ્ન ની ખરીદી કરવા આવેલી રિયા ને બધી વાત કરી દે છે . રિયા કિરણ અને કુંજન ને બોલાવી વાત કરે છે,
રિયાએ કહ્યુ કે એટલે જ સાહીલ કોઈ દિવસ નહીં અને તુ હતી ત્યારે જ અમારા ઘરે વધારે આવતો, કુંજન રિયા ને જેમતેમ કરી મનાવી લે છે.

કિરણ કુંજન સાથે ખરીદી કરવા પણ જાય છે અને સાહીલ ના ઘરે પણ કંકોત્રી આપવાના બહાને જાય છે,પણ કહેવાય છે ને આપણ ને એજ મળે છે જે આપણી નિયતિમાં હોય છે. કિરણ અને સાહીલ ની મુલાકાત કયાંય નથી થતી , હા એને ચિરાગ નો ફોન નંબર મળે છે, હવે તે થોડી ખુશ હતી કે ચિરાગ પાસેથી સાહીલ ની માહિતી આસાની થી મળી જશે.

એ લોકો ખરીદી કરી ને ઘરે પરત ફરે છે, સાંજ થઈ ગઈ હોય છે, બધા ખૂબ જ થાકી ગયાં હોય છે, ભૂમી ઘરે જ હોવાથી એણે જમવાનું બનાવી ને રાખ્યું હોય છે એટલે બધા આવી ને જમી લે છે, રિયા, ભૂમિ અને તેના મમ્મી સૂઈ જાય છે, કિરણ અને કુંજન એમના રૂમમાં જાય છે , કિરણ કુંજન ને ચિરાગ ને કોલ કરવા માટે કહે છે. કુંજન કિરણ ને પોતાનો ફોન આપે છે અને કહે છે કે તુ વાત કરી લે ત્યાં સુધી હું આરામ કરુ.

કિરણ હિંમત ભેગી કરીને ચિરાગ ને કોલ કરે છે. ચિરાગ ખૂબ જ ખુશ થઈ જાય છે કિરણ નો આટલા સમય પછી કોલ આવેલો જોઇને, બંને ઘણી બધી વાતો કરે છે, ચિરાગ મજાક પણ કરે છે કે,
" મને ખબર છે ખાલી મારો નંબર છે વાત તો સાહીલ સાથે જ કરવી હશે. "

કિરણ મોકો જોઈને કહી જ દે છે કે એને સાહીલ નો નંબર જોઈએ છે. પરંતુ ચિરાગ કહે છે કે એ કિરણ ને પસંદ કરતો હતો પણ કિરણ સાહીલ ને પસંદ કરે છે એટલે એ વાત નહીં કરવા દે, એ સાંભળીને કિરણ મૂંઝવણમાં મુકાઈ જાય છે, એટલે ચિરાગે પોતે મજાક કરે છે એમ કહીને વાત ને અટકાવી દીધી પરંતુ, એણે સાહિલ નો નંબર ન આપ્યો.

કિરણ ફરી થી દુઃખી થઈ જાય છે, થોડા દિવસ પછી કુંજન ના લગ્ન પણ આવી જાય છે, એ જ દિવસે સાહીલ ને ત્યાં પણ કોઈના લગ્ન હોવાથી કોઇ આવતું નથી. લગ્ન પૂરા થયા બાદ કિરણ પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરે છે.

ફરી એકવાર કિરણ નિરાશ થઇ જાય છે અને વેકેશન બાદ શાળા એ જવાનું શરૂ કરે છે, એ અમદાવાદમાં બનેલી દરેક વાત તેની ત્રણેય સહેલીઓ ને કહે છે અને રડી પડે છે, એ લોકો કિરણ ને ઘણુ સમજાવે છે અને આગળ વધવા માટે કહે છે.

હવે, સમય થોડો બદલાયો હતો, દરેક ટીનેજર્સ ને વિજાતીય આકર્ષણ થાય જ છે, એમ ધીરે ધીરે કિરણ ની સહેલીઓ ના જીવનમાં પણ કોઈનું આગમન થાય છે,, પરંતુ કિરણ હજુ એ જ સાહીલ ની યાદમાં વિહાર કરતી હતી જે ના નામ સિવાય એને કાંઈ જ ખબર નથી.

એની ફ્રેન્ડસ જયારે પોતાના પ્રેમ ની વાતો કરતી ત્યારે કિરણ સાહીલ ની કાલ્પનિક દુનિયામાં જ ખોવાઈ જતી, એની ફ્રેન્ડ એમના સાથીમિત્ર સાથે ફોન પર વાતો કરતી, એ બધુ જાણી ને કિરણ દુઃખી થઈ જતી એને હવે લાગતું કે એને સાહીલ માટે ખાલી આકર્ષણ નથી પણ, એ સાહિલ ને પ્રેમ કરવાં લાગી છે.

એણે નક્કી કર્યું કે એક દિવસ તો એ સાહિલ ને પોતાના દિલ ની વાત કરશે જ, સાથે વિચાર આવતો કે સાહિલ તો એનાથી થોડો મોટો કયાંક એના લગ્ન થઈ ગયા હશે તો, વળી વિચારતી ભલે ને એના લગ્ન થઈ ગયા હોય પોતાની વાત તો એ રજૂ કરી જ શકે ને. આવા કંઈ કેટલાય વિચારો નો વંટોળ એના મનમાં ઘણા વર્ષથી ચાલતો હતો એનાથી એની ફ્રેન્ડસ પણ અજાણ ન હતી.

આમ ને આમ કિરણ નું બારમું ધોરણ પણ પુરુ થવાં આવ્યું, એક દિવસ એમની શાળામાં વિદાય સમારંભ યોજાયો, કિરણે ખૂબ જ સરસ પોતાના આટલા વર્ષો ના શાળા સાથે ના અનુભવો બધાની સમક્ષ રજૂ કર્યા.
છેલ્લે બધી સહેલીઓ બેઠી હતી ત્યારે કિંજલે કિરણ ને કહયું કે " અમને ખબર છે તુ સાહિલ ને કેટલો પ્રેમ કરે છે અમને તો કોઈ મળી ગયું, હું ભગવાન ને પ્રાર્થના કરીશ તારા માટે નહીં તો ભગવાન પાસે જઈને પણ કહીશ કે તને સાહીલ સાથે મળાવી આપે."

બધી સહેલીઓ આંખોમાં આંસુ સાથે એકબીજા ને ભેટી પડે છે અને એકબીજા થી છૂટી પડે છે.


કિરણ ની સહેલી કિંજલ ની પ્રાર્થના ફળે છે કે નહીં.... જોઈને આગામી ભાગમાં....