વિજયની વાત સાંભળી વાણીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી. તેને રડતી જોઈ વિજયને ખૂબ નવાઈ લાગી. વિજય જીવનમાં પહેલી વખત કોઈ અજાણ વ્યક્તિને તેના માટે રડતી જોઈ રહ્યો હતો. વિજયની અંદર એક નવી લાગણીએ જન્મ લીધો હતો. તે પોતે જ આ લાગણીને સમજી ન હતો શકતો. કોઈ તેના માટે રડી રહ્યું છે એ જોતા વિજય ખૂબ ખુશ હતો પણ સાથે તેને એ વાતનું દુખ પણ હતુ કે તેણે કોઈ વ્યક્તિને રડાવી છે. તેણે વાણીનો હાથ પકડવાની કોશિશ તો કરી પણ તે આગળ વધવાની હિંમત ન કરી શક્યો. તે સારી રીતે જાણતો હતો કે તેની અને વાણી વચ્ચે હજી એક મર્યાદાની રેખા છે. તેણે કહ્યું,
“વાણી પ્લીઝ તમે આમ રડો નહિ. સોરી મેં તમને આ બધું કીધું અને આમ પણ એ બધું થયું એમાં તમારે દુખી થવાની જરૂર નથી. જીવનમાં આ બધું તો ચાલ્યા કરે.”
“મને એ જાણીને રડવું આવે છે કે આ બધું તુ અત્યાર સુધી તારા દિલમાં રાખીને જીવતો હતો. કેમ તે આ યાદોને તારી પાસે રાખી છે જે તને દર્દ આપે છે? જે વ્યક્તિએ તને છોડવામાં થોડું પણ ન વિચાર્યું તેના માટે તારે આ બધું કરવાની શું જરૂર હતી?”
“વાણી પ્લીઝ રડવાનું બંધ કરો. આમ પણ નિશુ મારી સાથે ખુશ ન હતી. અત્યારે ભલે તે બીજા પાસે છે પણ તે ખુશ છે અને મારે પણ એ જ જોઈતુ હતુ કે તે હંમેશાં ખુશ રહે.”
“પણ વિજય તારી ખુશીનું શું? શું તારી ખુશી ઈમ્પોર્ટન્ટ નથી?”
“વાણી આપણે પબ્લિક પ્લેસ પર છીએ. મારી બાજુમાં તમને કોઈ રડતા જોશે તો શું સમજશે? મારા માટે મારી ખુશી ઈમ્પોર્ટન્ટ છે એટલે જ હું આજ તારી પાસે બેઠો છું. આઈમીન તમારી પાસે બેઠો છું. અમ્મ... સોરી હું વાત વાતમાં તમને તુ કહીને બોલવું છું. પહેલી વખત આ રીતે વાત કરું છું એટલે... નિશુ મને આ રીતે બોલાવતી. તેને મને તમે કહીને બોલાવવું ગમતું. કહેતી કે જ્યારે તે મને એ રીતે બોલાવે છે ત્યારે તેને તે મારી વાઈફ હોય એવું ફિલ થાય છે.”
“ઇટ્સ ઓકે. આમ પણ હું તને કહેવાની જ હતી કે ફ્રેન્ડલી વાત કરીશ તો મને વધારે ગમશે.”
“થેંક્સ.”
“વિજય કલાક થઇ ગઈ છે અને હવે મારે જવું પડશે.”
“વાણી પ્લીઝ થોડીવાર રોકાઈ જા. પ્લીઝ.”
“વિજય. ડોન્ટ વરી. આપણે જલ્દી મળીશું. સોરી મારે જવું જ પડશે અને જતા પહેલા તારે મને એક પ્રોમિસ કરવાનો છે. કરીશને?”
“કેવો પ્રોમિસ?”
“મને કરેલો પ્રોમિસ તોડીશ તો નહી ને?”
“હા પણ તુ બોલ.”
“મને પ્રોમિસ કર કે તુ નિશાને કદી યાદ નહિ કરે.”
વાણીએ પ્રોમિસ માંગતા વિજય સામે હાથ રાખ્યો. વિજય અત્યાર સુધી નિશાને યાદ કરીને દિવસો વિતાવી રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે તે અચાનક આવો પ્રોમિસ કેમ કરી નાખે? તે ચુપ હતો. આખરે તેણે નિશાને અને તેની યાદોને ભૂલવાનું નક્કી કર્યું અને વાણીના હાથમાં ધીમે ધીમે પોતાનો હાથ રાખી દીધો. એ જોઈ વાણી વિજયને “થેંક્યું.” કહી શ્રેયા પાસે ગઈ અને ત્યાંથી ગેટથી બહાર નીકળી ગઈ. વાણીના ગયા પછી વિજય શ્રેયા અને સંજય બેઠા હતા ત્યાં ગયો. તે તેમની પાસે બેસી ગયો અને શ્રેયાને પૂછવા લાગ્યો,
“તમે વાણી સાથે નથી જવાના?”
“ના આજ મકોડા સાથે ઘરે આવવાનું છે.” શ્રેયા હસવા લાગી.
“એમ! તો તો આજે મકોડા માટે ખૂબ સારો દિવસ છે.” વિજય હસવા લાગ્યો.
“તો વાણી કેવી લાગી?”
“વાણી... હા તે ખૂબ સારી વ્યક્તિ છે. આઈમીન બીજાની લાગણીઓને સમજી શકે છે. એન્ડ...”
“હા એ તો મને પણ ખબર છે. હું એમ પૂછું છું કે એ તમને પસંદ આવી કે નહિ?”
“અમ્મ. વાણી... હવે હું શું કહું? એટલે...”
“મારો ભાઈ કહેતા શરમાઈ છે એટલે એનો અર્થ પસંદ આવી ગઈ. બરાબરને?”
“હા ખૂબ જ પસંદ આવી. સીસ તે મને પસંદ તો કરશે ને?”
“તમે ચિંતા ન કરો. તેને થોડો સમય આપો. બધું જ બરાબર થઇ જશે. બસ થોડો ટાઈમ વેઇટ કરો.”
“ઠીક છે. આમ પણ મારી પાસે વેઇટ કરવા સિવાય બીજો કોઈ ઓપ્સન પણ નથી.” વિજય હસવા લાગ્યો.
“હવે તમારી વાત પૂરી થઇ હોય તો નીકળીએ? બસ તો નીકળી ગઈ હશે. આપણે વહેલા ઘરે પહોંચવાનું છે. આજે તારી સીસ પણ સાથે છે અને તેના ઘરના રાહ જોતા હશે.” સંજય બોલ્યો.
“હા ચાલો ચાલો.”
વિજય વાણીને મળ્યો ત્યારથી ખુશ રહેવા લાગ્યો હતો. વિજય હવે પોતાને એકલો ન હતો સમજતો. તે સારી રીતે જાણતો હતો કે તેની અને વાણી વચ્ચે હજી મિત્રતાનો જ સંબંધ હતો પણ વિજય આ સંબંધને પ્રેમના સંબંધમાં બદલવા માંગતો હતો. તે વાણીને મળ્યો તેના માત્ર ચાર દિવસ જ થયા હતા. તે વધુ સમય રાહ ન જોઈ શક્યો અને તેણે વાણીને પોતાના મનની વાત કહેવાનું નક્કી કર્યું. તેણે વાણીને કોલ કર્યો,
“વાણી. અત્યારે ફ્રી છો?”
“હા બોલ.”
“વાણી હવે મારાથી સહન નથી થતું.”
“શું? વિજય શું સહન નથી થતું?”
“આપણી વચ્ચે જે મિત્રતાનો સંબંધ છે એ.”
“કેમ શું થયું? મારાથી કોઈ ભૂલ થઇ?”
“ના મારા કહેવાનો અર્થ એ નથી.”
“તો શું છે? મને સમજાય એમ વાત કરને પ્લીઝ.”
“યાર હું તને કઈ રીતે કહું એ મને નથી સમજાતું.”
“પણ તારે કહેવું તો પડશે જ.”
“વાણી... આપણે જ્યારથી મળ્યા છીએ ત્યારથી હું આખો દિવસ તારા વિચારોમાં જ ખોવાયેલો રહું છું. અત્યાર સુધી હું કન્ફ્યુઝ હતો કે તારા માટે હું જે ફિલ કરુ છું એ શું છે? પણ હવે મને સમજાય ગયુ છે.”
“શું સમજાય ગયુ? વિજય હવે તુ મને કન્ફ્યુઝ કરી રહ્યો છે. જે કહેવું હોય એ સીધું કહી દે. આટલું કેમ વિચારે છે?”
“વાણી મને તારી સાથે પ્રેમ થઇ ગયો છે. સોરી હું મારી લીમીટ ક્રોસ કરી રહ્યો છું પણ હું વધારે સમય મિત્ર તરીકે નહી રહી શકું. વાણી જ્યારે હું તને મળ્યો ત્યારે જ તને કહેવા માંગતો હતો પણ એ દિવસે હું તારા માટે અજાણ્યો હતો પણ હવે આપણે એકબીજાને ઓળખીએ છીએ. વાણી હું આપણી ફ્રેન્ડશિપને લવશિપમાં બદલવા માંગું છું. હું સારી રીતે જાણું છું કે હું ઉતાવળ કરી રહ્યો છું પણ હવે હું વધારે વેઇટ નહી કરી શકું. એક વખત કોઈને ગુમાવી ચૂક્યો છું જેને હું પ્રેમ કરતો હતો પણ હવે ફરી વખત તેને ગુમાવવા નથી માંગતો જેને હું પ્રેમ કરું છું.”
“સોરી વિજય પણ હું તારી એક ફ્રેન્ડથી વધારે કંઈપણ નહી બની શકું.”
“પણ કેમ? હું તને પસંદ નથી? મારામાં કોઈ ખામી છે?”
“ના એવું કંઈપણ નથી. બસ હું તારી સાથે રિલેશનશીપમાં આવવા નથી માંગતી.”
“કેમ કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનશીપમાં...”
“ના એવું પણ નથી.”
“વાણી તો પ્રોબ્લેમ શું છે?”
“મને કોઈ વ્યક્તિ પર ટ્રસ્ટ જ નથી.”
“યાર આપણો સંબંધ સારી શરૂઆતથી થાય એ માટે મેં તારાથી કંઈપણ નથી છુપાવ્યું તેમ છતાં તને મારા પર ટ્રસ્ટ નથી? ઠીક છે. જાણું છું કે તારું પણ બ્રેકઅપ થયેલું છે તો કોઈના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વાણી પ્લીઝ મને જણાવ કે હું એવું શું કરુ કે તને મારા પર વિશ્વાસ આવે? તને મેળવવા માટે તુ મને જે કહીશ એ કરવા તૈયાર છું.”
“વિજય પ્લીઝ મને ભૂલી જા. તુ જે ચાહે છે એ કદી નથી થવાનું.”
“વાણી તુ રિલેશનશીપમાં આવવા નથી માંગતી કે મારી સાથે રિલેશનશીપમાં આવવામાં તને પ્રોબ્લેમ છે?”
“મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી... બસ મને કોઈના પર ટ્રસ્ટ જ નથી.”
“વાણી પ્લીઝ મને એક ચાન્સ આપ.”
“ના એ કદી નહિ બને. તારે ફ્રેન્ડ બનીને રહેવું હોય તો રહે બાકી તારી મરજી. જે તુ ચાહે છે એ કદી નથી થવાનું. મને ભૂલી જા. સોરી.” કહી વાણીએ કોલ કટ કરી નાખ્યો.
“વાણી પ્લીઝ... વાણી... હેલો... હેલો...”
To be continued…..